Opinion Magazine
Number of visits: 9869382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-વિષયક નિર્ણયોઃ સરકાર અને નાગરિકો વચ્ચે મદારી-જંબૂરાનો સંબંધ?

કાર્તિકેય ભટ્ટ|Opinion - Opinion|27 October 2020

સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે શીખવાના અઘરાપણામાં ભૌતિક વિજ્ઞાનો કરતાં સમાજશાસ્ત્રોને વધુ અઘરાં ગણાવ્યાં હતાં. કારણ સ્પષ્ટ હતું. ભૂગોળ, ગણિત કે ભૌતિક વિજ્ઞાનોનાં સત્ય સ્થિર છે. તેમાં અપવાદોને બાદ કરતાં કોઈ મોટા ફેરફાર થતા નથી. એટલે શરૂઆતમાં થોડાં જટિલ લાગતાં સમીકરણો કે નિયમો કે કાર્યકારણના સંબંધો એક વાર સમજાઈ જાય પછી શ્રેણીબદ્ધ રીતે તે આખો જ મુદ્દો સમજાઈ જાય છે અને પછી તે જ્ઞાન-સમજણ કાયમ કામ લાગે છે. પણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્રસ્થાને માણસ છે અને માણસને કાયમી ધોરણે ઓળખવો અઘરો છે.

તેના વર્તનને આધારે કાયમી સિદ્ધાંતો અને સંબંધો તારવવા અઘરા છે. જીવનભર સાચું બોલનાર વ્યકિત કઈ ક્ષણે જૂઠું બોલે તે કહી ન શકાય! તે નવ્વાણું ટકા સાચું જ બોલશે પણ એક ટકો તે જૂઠું પણ બોલી શકે છે! ટૂંકમાં, ભૌતિક પરિબળો જોવાં-સમજવાં જેટલાં સરળ છે, એટલાં સામાજિક પરિબળો માનવ-વર્તનનાં પરિબળો સમજવા અઘરાં છે. આપણને રસ્તા વચ્ચે લડાઈ કરતા આખલા દેખાય છે, કુસ્તીના મેદાનમાં બથ્થંબથ્થા કરતા મલ્લ દેખાય છે, પણ સામાજિક પરિબળો અને આર્થિક પરિબળોની બથ્થંબથ્થા આપણને નરી આંખે દેખાતી નથી! રાજકીય પરિબળો, આર્થિક પરિબળો અને આરોગ્યનાં પરિબળો વચ્ચેનો જંગ જરા ઝીણી આંખે, સમજણપૂર્વક જોવો પડે છે. ભારતમાં કોરોના મહામારીએ જે કાળો કેર વર્તાવ્યો છે તેના કારણે છેલ્લા છ મહિનામાં આપણાં જીવનમા આવાં અદૃશ્ય પરિબળોની બથ્થંબથ્થા ચાલી છે.

કોરોના જ્યારે વિશ્વમાં પ્રસર્યો અને ભારતમાં આવ્યો ત્યારે આ ચેપી અને દવા વગરનો રોગ તમામ રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો પર ભારે પડ્યો. શરૂઆતમાં કેટલાકે આને પણ હિંદુ-મુસલમાનના ત્રાજવે તોળવાનો પ્રયત્ન કર્યો, પણ આ રોગ કોમવાદી વિચારધારા પર પણ ભારે પડ્યો. આ રોગે વિકસિત દેશ ને અલ્પવિકસિત દેશોના વાડા પણ તોડી નાખ્યા, મજૂરથી માંડીને મહાનાયક સુધીના વાડા પણ તોડ્યા. એટલે સૌ ડર્યા અને જાહેર આરોગ્યની જાળવણીનું પરિબળ એટલું મજબૂત બન્યું કે રાજકીય પક્ષો પણ રાજનીતિ અને આરોગ્ય સામે ધાર્મિક પરિબળો પણ નબળાં પડ્યાં. સામાજિક પરિબળો તો લગભગ ઘૂંટણીએ પડ્યાં.

લગ્નમાં તો આમ કરવું જ પડે. મરણ પછી તો આટલા લોકોને જમાડવા જ પડે! બારમું તેરમું ન કરીએ તો કેમ ચાલે? આ બધા જ પ્રશ્નોનો વીંટો વળી ગયો. એક જ વાકય બ્રહ્મવાકય બની ગયું ‘પ્રવર્તમાન સંજોગોમાં તમામ વિધિ મોકૂફ રાખેલ છે’. ન કોઈ રીસામણાં, ન મનામણાં, ને ટૂંકમાં પતાવવાની સમજાવટ! ‘એ તો એમ જ હોય!’. અસ્તુ.

આમ તો ભારતમાં સામાજિક પરંપરાઓ, રૂઢિરિવાજો બદલવા, તોડવા કે મોકૂફ રાખવા અઘરા હોય છે. સામાજિક પરિબળો શિક્ષણનાં અને પ્રગતિનાં પરિબળો સામે હંમેશાં પોતાની મનમાની કરાવતાં રહ્યાં છે. એ પરિબળો કોરોનાના ડર સામે હાર્યાં, દવાખાનામાં ખબર કાઢવાવાળા ગાયબ થયાં, મરણ પછી મૈયત કે બેસણાવાળાં ગાયબ થયાં. ખબરઅંતર પૂછવા ઘરે આવતાં ધાડાંનાં ધાડાં ગાયબ થયાં …’ કોરોનામાં કયાં જાય!

25 માર્ચથી સરકારે લૉક ડાઉન જાહેર કર્યું અને સળંગ પચાસ દિવસ કોઇ આર્થિક પ્રવૃત્તિઓ ન થઇ. આમ તો ભારતમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક પરિબળો સામે આર્થિક પરિબળો મજબૂત થતાં જાય છે. માંદાં માતા-પિતાને મૂકીને પણ માણસે નોકરીએ જવું પડે છે. રડતાં બાળકોને છોડી માતા નોકરીએ જાય છે. ‘સ્ત્રીને તો નોકરી કરાવાતી હશે કાંઇ’ની વિચારધારામાંથી ‘સ્ત્રી-પુરુષ બંને ન કમાય તો ઘરનું પૂરું કેમ થાય!’નો વિચાર વ્યાપક બનવા લાગ્યો અને સામાજિક પરિબળો આર્થિક પરિબળો સામે નબળાં પડયાં. આ આર્થિક મજબૂરીઓ પણ કોરોના સામે મૂંગે મોઢે બેઠી. રોજગારી, આવક અને તેના આધારે બે ટંકની રોટલી આમ તો બધાં પરિબળોને હરાવી દે, પણ પ્રથમ તબક્કામાં લોકોએ ભૂખ સહન કરીને પણ કોરોના સામે રોજગાર બંધ રાખ્યા. સરકારે પણ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાવા દીધું.

પણ, કોરોનાનો સમયગાળો લંબાયો. આર્થિક પરિબળો સામેની લડતમાં જાહેર આરોગ્ય લાંબુ ટક્યું નહીં. ‘સાવધાની રાખો અને ધંધા કરો’ના સૂત્ર સાથે અનલૉક શરૂ થયું. આર્થિક પરિબળોએ ભરડો લેવાનું શરૂ કર્યું અને કોરોનાનો ડર શમવા લાગ્યો. દેખીતી રીતે સૌને એમ લાગે કે લૉક ડાઉન લાંબુ ચાલે તો ગરીબો ખાશે શું? પણ ખરો પ્રશ્ન આ ન હતો. કારણ ગરીબોની ભૂખનો વિચાર કોરોના ન હતો, ત્યારે પણ ક્યાં કર્યો હતો? મૂળ ગરીબોના નામે વિચાર તો એ કરવાનો હતો કે આ અબજો-કરોડોના મૂડીરોકાણવાળા ઉદ્યોગો બંધ રહેશે તો મૂડીપતિઓને કેટલું નુકસાન થશે? તમે એક બાબત નોંધી? શ્રમિકોને ગામડે જવા માટે તકલીફ પડી, પણ આ બધાને પોતપોતાના ઉદ્યોગમાં પાછા જવામાં તકલીફ પડી? તેના સમાચાર આવ્યા? પાછા તો પ્લેનમાં લાવ્યાના પણ દાખલા બન્યા.

તો દેશનો નિર્ણય કરનારા પર આર્થિક પરિબળોએ દબાણ કર્યું! પણ એથી ય મોટું દબાણ તો ભારતમાં રાજકીય પરિબળોનું, ખાસ તો ચૂંટણી થકી આવનારી સત્તાનું! જેવી વિવિધ રાજ્યોની ચૂંટણીઓ દેખાવા લાગી કે સરકાર ફટાફટ બધું હળવું કરવા લાગી. ચૂંટણી આવતાં સુધીમાં તો આ કોરોના ચૂંટણી પ્રવચનો ને પ્રચારમાં બહેરો થઈ જશે. રેલીઓ, રોડ શો અને જાહેર સભાઓમાં કચડાઈને કચુંબર થઇ જશે!

કોરોના અંતે હાર્યો — આપણા સ્વાર્થ સામે, સત્તાના ગણિત સામે! જો કોરોના માટે લૉક ડાઉનમાં જે રીતે પોલીસે સામાન્ય પ્રજાને હેરાન કરી દંડ કર્યા, સજાઓ કરી, લૉક ડાઉન અને કરફ્યૂનો તફાવત જ ન રાખ્યો, એ જ સત્તાવાળા હવે આપણને કહી રહ્યા છે, ‘નાચો … ગાવ … મજા કરો અને અમને મત આપો.’

શું સામાન્ય પ્રજા મદારીનો જંબૂરો છે? ચલ બેટે લૉક ડાઉન … ઘરમેં ઘૂસ જા … ચલ જંબૂરે બહાર નિકલ, દૂધ લે આ … ચલ જંબૂરે, અબ નોકરી કર … ચલ જંબૂરે, અબ મંદિર જા … સરકાર નક્કી કરે તો ઘરના ધાબે પણ ન ફરી શકીએ અને સરકાર કહે તો ગરબે પણ ઘૂમી શકીએ! બસ આ જ આપણી જિંદગી?

e.mail : bhattkartikey@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 05-06

Loading

27 October 2020 admin
← એક કલાકારનો સરકારને પડકાર : બિહારમેં કા બા?
બંધારણમાં ઉમેરાયેલાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા વિશે વિવાદનો વધુ એક પ્રયાસ →

Search by

Opinion

  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342
  • ગઝલ
  • નીતિ આયોગનો તાજો હેવાલ : ગુજરાત શિક્ષણના હાલહવાલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved