આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે.
નિર્ણય એ વાતનો લેવાનો છે કે માણસાઈના ગુણોને અપનાવીને, આત્મસાત કરીને, તેને હજુ વધુ સમૃદ્ધ કરીને ટકોરાબંધ માણસ બનવું અને સંતાનને માણસ બનવાનું કહેતા જવું કે પછી જેવા સાથે તેવા થવું અને સંતાનને એ જ શિખામણ આપતા જવું. આ જગતમાં એક પણ માણસ એવો નહીં મળે જેણે આ યક્ષપ્રશ્ન વિષે નિર્ણય લેવો ન પડ્યો હોય. કુટુંબની અંદર સગા ભાઈ સાથેના વહેવારમાં પણ આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અપનાવવો પડતો હોય છે. માણસાઈ પકડી રાખવી કે માણસાઈ છોડવી?
આપણા નિર્ણયને ત્રણ ચીજો પ્રભાવિત કરતી હોય છે. એક તો આપણો સ્વભાવ. દરેક વ્યક્તિમાં સત્, રજસ અને તમસ એ ત્રણ ગુણનો માત્રાફેર હોય છે અને તેની માત્રા માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. સાંખ્ય અને યોગદર્શન કહે છે કે માણસ જો ધારે તો માત્રાફેર કરી શકે છે. આ ફેરફાર મુશ્કેલ છે પણ અસંભવ નથી. તામસી માણસ સાત્ત્વિક બની શકે છે. તેની સાથે બીજી ચીજ છે સહિયારો સાંસ્કૃતિક વારસો. આ વારસો સહિયારો છે અને માટે અનેક રસાયણોનો બનેલો હોય છે. વરસો વહેતાં જાય છે એમ એવો પીંડ રચાય છે જેમાંથી ઘટક તત્ત્વોને અલગ તારવવાં મુશ્કેલ હોય છે. વરસ અને વારસો એક જ ધાતુના શબ્દો હોય એવો ભાસ થશે, પણ એવું નથી. એ વારસો મને મળેલો છે, મારો છે, મારાં સંતાનોને મારે આપતા જવાનો છે; પણ છે સહિયારો. એ મારો છે, પણ આપણો છે. આ સહિયારા સાંસ્કૃતિક વારસાએ રચેલો માનસપીંડ માણસના નિર્ણયને પ્રભાવિત કરે છે. ત્રીજી ચીજ છે, અનુભવ અને અનુભવકથન. આમાંથી પ્રત્યક્ષ અનુભવ તો બહુ ઓછો હોય છે, માંડ ચાર-પાંચ દાયકાનો, પણ અનુભવકથન હજારો વર્ષનું હોય છે. આ કહેવાતું અનુભવકથન એટલે કહેવાતો ઇતિહાસ. કહેવાતો એટલા માટે કે એ કોઈકે કહેલો છે.
એક તો માણસ માત્ર ત્રિગુણીય સ્વભાવ સાથે જન્મતો હોય છે તેમ જ તેની ગુણમાત્રા અલગ અલગ હોય છે અને એમાં એણે નિર્ણય લેવાનો હોય છે કે માણસાઈ પકડી રાખવી, તેને વધુ સમૃદ્ધ કરવી કે તેને છોડવી અને જેવા સાથે તેવા થવું? જો આપણે માણસાઈને જાળવી રાખવાનો પહેલો વિકલ્પ પસંદ કરીએ તો સહિયારો સાંસ્કૃતિક વારસો ઘણે અંશે ઉપયોગી થશે અને જો માણસાઈને ફગાવીને જેવા સાથે થવું હોય તો કોઈક દ્વારા કહેવાયેલું અનુભવકથન અથવા ઇતિહાસ ઉપયોગી થશે. વીતેલા યુગના ટકોરાબંધ પ્રમાણ કોઈ પાસે નથી એટલે તેનો લાભ લઈને આપણને આજે માફક આવે એ રીતે ગઈકાલની વાત કહી શકાય છે. જગત આખામાં ઇતિહાસકારો આજે માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે; પછી તે ઇતિહાસકાર સામ્યવાદી હોય, રાષ્ટ્રવાદી હોય, કોમવાદી હોય કે વંશવાદી હોય. તટસ્થ ઇતિહાસ અને તટસ્થ ઇતિહાસકાર જેવું કશું હોતું નથી. દરેક ઇતિહાસકારને એમ લાગે છે કે મારે ઇતિહાસ એ રીતે કહેવો જોઈએ કે જે વર્તમાનમાં વાચકની વર્તણુકને પ્રભાવિત કરે. ઇતિહાસલેખનમાં એજન્ડા હોય જ છે, એજન્ડામુક્ત ઇતિહાસલેખન હોતું નથી.
હવે જો આપણે માણસાઈને જાળવી રાખવી હોય, તેને વધારે સમૃદ્ધ કરવી હોય અને માણસાઈનો વારસો આગલી પેઢીને આપીને જવો હોય તો આપણે ત્રિગુણમાત્રામાં શક્ય એટલો ફેરફાર કરીને વિવેક કેળવવો પડશે. ખુલ્લી આંખે દુનિયાને જોતાં શીખવું પડશે. કોઈકનું સારું અપનાવવું પડશે અને આપણું જે કાંઈ કલંકરૂપ હોય તેને છોડવું પડશે. આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને વિવેકપૂર્વક અપનાવવો અને છોડવો પડશે. એ વારસાનું સહિયારાપણું પણ સ્વીકારવું પડશે અને એ તો પહેલી શરત છે. બીજા માટેનો તિરસ્કાર છોડવો પડશે અને આપણા શ્રેષ્ઠત્વનું ગુમાન છોડવું પડશે. બીજાની નિંદા નહીં કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે આપણી ઉણપ પણ જોવી પડશે અને બીજાનું સારાપણું પણ જોવું પડશે. વળી આ બધું આજે જ અને આપણે જ કરવું પડશે, કારણ કે જિંદગી તો એક જ મળી છે જે આજે જીવી રહ્યા છીએ અને તે તમારી છે. કરો અથવા ન કરો, આમાં ત્રીજો વિકલ્પ જ નથી. જો માણસાઈના પક્ષે નિર્ણય લેશો તો માર્ગ પણ એક જ છે અને તે છે સદ્સદ્ વિવેકનો.
અને જો તમારો નિર્ણય માણસાઈને છોડીને જેવા સાથે તેવા થવાનો હોય તો ‘આજની જરૂરિયાત’ માટે ‘કોઈકે લખેલો ઇતિહાસ’ હાથવગો છે. કોઈકે લખેલો ઇતિહાસ સાચો માનીને માણસાઈને છોડવાનો નિણર્ય લેતા પહેલાં આજની જરૂરિયાત કોની છે અને કેવી છે એ સમજી લેજો. એના લાભાલાભની વાત અત્યારે બાજુએ મૂકો, પણ તમને કમ સે કમ એટલી જાણ તો હોવી જ જોઈએ કે તમે કોની અને કેવી આજની જરૂરિયાત માટે મૂલ્યવાન આયખું ખર્ચવાના છો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021