નારાયણ દેસાઈ જન્મ-શતાબ્દી
નારાયણ દેસાઈ એટલે ગાંધીચરિત્રકાર અને ગાંધીકથાકાર. નારાયણનો જન્મ ૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડમાં થયો હતો. તેમનાં માતાનું નામ દુર્ગાબહેન અને પિતાનું નામ મહાદેવભાઈ હતું. મહાદેવ હરિભાઈ દેસાઈ ઈ.સ. ૧૯૧૭થી ૧૯૪૨ સુધી મહાત્મા ગાંધીજીના અંગત સચિવ તરીકે સેવારત હતા. ગાંધીજી નારાયણને ‘બાબલો’ કહીને સંબોધતા હતા. નારાયણ દેસાઈનાં પત્ની ઉત્તરાબહેન ઓરિસાના પૂર્વ મુખ્ય મંત્રી નવકૃષ્ણ ચૌધરીનાં દીકરી હતાં. નારાયણભાઈને પુત્રી સંઘમિત્રા, પુત્રો નચિકેતા અને અફલાતૂન સહિતનાં સ્વજનો ‘બાબુભાઈ’ તરીકે બોલાવતા હતા.
નારાયણ દેસાઈએ જીવનનાં પ્રથમ વીસ કરતાં વધુ વર્ષ મહાત્મા ગાંધીના સત્યાગ્રહાશ્રમ (સાબરમતી) અને સેવાગ્રામ(વર્ધા)ના આશ્રમોમાં ગાળ્યાં હતાં. તેમણે શાળામાં વિધિવત શિક્ષણ લીધું નહોતું, પણ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણની પાઠશાળામાં નિરંતર કેળવણી મેળવી હતી. તેમણે રચનાત્મક કાર્યક્રમો અને એકાદશ વ્રતો વાટે જીવતરની સમજણને સાફ કરી હતી.
નારાયણભાઈએ ખાદી અને નઈ તાલીમ, ભૂદાન અને ગ્રામદાન, શાંતિસેના અને અહિંસક આંદોલનમાં આખું આયખું ગાળ્યું હતું. તેમણે સર્વોદય કાર્યકર, પત્રકાર, અને કેળવણીકાર તરીકે યશસ્વી કામગીરી કરી હતી. ‘ગૂજરાત ભૂદાન સમિતિ’ના, ૧૧-૦૯-૧૯૫૩થી પ્રકાશિત, ‘ભૂમિપુત્ર’ (ગુજરાતી) પખવાડિકના સ્થાપક તંત્રી તરીકે નારાયણ દેસાઈ અને પ્રબોધ ચોકસીની જોડી હતી. નારાયણ દેસાઈ ‘સર્વોદય જગત’ (હિંદી) અને ‘વિજિલ’(અંગ્રેજી)ના સંપાદન-પ્રકાશનમાં સહયોગી રહ્યા હતા.
નારાયણ દેસાઈ દેશમાં આંતરિક કટોકટી વેળાએ ભૂગર્ભમાં રહીને પણ કાર્યરત રહ્યા હતા. કાબેલ અને કર્મઠ સંચાલકની હેસિયતથી નારાયણભાઈએ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી દ્વારા સાચા અર્થમાં નઈ તાલીમ, મૂલ્યનિષ્ઠ કેળવણી, અને વૈકલ્પિક જીવનશૈલીનાં ઘડતર-ચણતરનું કામ કર્યું હતું. નારાયણભાઈ નિયમિતપણે રોજનીશી-લેખન અને રેંટિયા-કાંતણ કરતા. આ પ્રકારના નિત્યકર્મ માટે તેઓ ‘સાતત્યયોગ’ શબ્દનો પ્રયોગ કરતા હતા.
શબ્દસર્જક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસ્તકો લખ્યાં છે. ચરિત્રલેખક અને સાહિત્યકાર નારાયણ દેસાઈના નોંધપાત્ર ગ્રંથોમાં, મહાદેવ દેસાઈનું વિસ્તૃત જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (૧૯૯૨) અને મહાત્મા ગાંધીજીનું બૃહદ્દ જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’(૨૦૦૩)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સંત સેવતા સુકૃત વાદ્યે’, ‘મને કેમ વિસરે રે’, ‘ટોવર્ડ્ઝ એ નૉન-વાયોલન્ટ રેવૉલ્યૂશન’ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે ‘પાવન પ્રસંગો’ અને ‘જયપ્રકાશ નારાયણ’ જેવી ચરિત્રાત્મક પુસ્તિકાઓ અને ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ જેવી ગીત-સંવાદયુક્ત કટાક્ષિકા લખી છે. ‘સામ્યયોગી વિનોબા’, ‘ભૂદાન આરોહણ’, ‘મા ધરતીને ખોળે’, ‘શાંતિસેના’, ‘સર્વોદય શું છે?’, ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?’, ‘અહિંસક પ્રતિકારની કહાણી’ … વગેરે ગાંધી-આચારવિચારમાં રહેલી જીવનદૃષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને વિનોબાપ્રેરિત ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં તેમનાં પુસ્તકો છે.
ઇતિહાસ અને રાજકારણને લગતાં તેમનાં પુસ્તકોમાં ‘સોનાર બાંગ્લા’, ‘લેનિન અને ભારત’ છે. એમણે ‘વેડછીનો વડલો’ જેવું માતબર સંપાદન કર્યું છે. ભાષાઓના અચ્છા જાણકાર અને કુશળ અનુવાદક એવા નારાયણભાઈએ ‘માટીનો માનવી’ અને ‘રવિછબિ’ જેવા અનુવાદો આપ્યા છે.
ના.દે.એ ‘ગાંધીકથા ગીતો’ લખ્યાં તો હિંદના ભાગલા ઉપર આધારિત ‘જિગરના ચીરા’ નામનું પુસ્તક પણ આપ્યું. તેમણે ‘કસ્તૂરબા’ અને ‘જયપ્રકાશ’ જેવાં નાટકો લખ્યાં. આ નાટકોને કલાકારોએ ભજવ્યાં અને તેમણે પ્રેક્ષકોને ભીંજવ્યા.
ગાંધીજીનાં જીવન અને કવનને નવી પેઢી સહેલાઈથી સમજી શકે એ માટે તેમણે ‘સૌના ગાંધી’ની બે શ્રેણીઓ થકી બાર વત્તા બાર પુસ્તિકાઓનું લેખન પણ કર્યું. તેમણે ‘સ્વાતંત્ર્યસંગ્રામની વસંત’થી માંડીને ‘ઘણું જીવો ગુજરાતી’ અને ‘ગાંધીકથા’થી માંડીને ‘એકાદશવ્રત’ જેવાં પુસ્તકો પણ આપ્યાં.
નારાયણ દેસાઈ સંયુક્ત રાષ્ટ્રનો શાંતિ પુરસ્કાર, નર્મદ ચંદ્રક, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, જમનાલાલ બજાજ એવોર્ડ, ‘દર્શક’ એવોર્ડ, ઉમાશંકર-સ્નેહરશ્મિ પુરસ્કારથી સન્માનિત થયા હતા.
તેમને ‘મારું જીવન એ જ મારી વાણી’ શીર્ષક હેઠળ મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર લખવા બદલ ભારતીય જ્ઞાનપીઠનું ૨૦૦૪ના વર્ષ માટેનું મૂર્તિદેવી પારિતોષિક એનાયત થયું હતું. આ બૃહદ્દ ગાંધીચરિત્ર ‘સાધના’, ‘સત્યાગ્રહ’, ‘સત્યપથ’, ‘સ્વાપર્ણ’ એમ ચાર ખંડોમાં વહેંચાયેલું અને બાવીસસો પૃષ્ઠોમાં ફેલાયેલું છે.
નારાયણ દેસાઈએ ઈ.સ. ૨૦૦૭થી ૨૦૦૯ના સમયગાળા દરમિયાન, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પ્રમુખ-પદ શોભાવ્યું હતું.
નારાયણ દેસાઈએ, ગાંધીજી દ્વારા ઈ.સ. ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના, દસમા કુલપતિ (૨૩-૦૭-૨૦૦૭થી ૦૭-૦૩-૨૦૧૫) તરીકેની જવાબદારી અદા નિભાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની જવાબદારી સ્વીકારતી વખતે ૨૩-૦૭-૨૦૦૭ના રોજ નારાયણ દેસાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું : ‘સત્યાગ્રહ’ની શતાબ્દીના આ વર્ષમાં, માત્ર આપણો દેશ જ નહીં પણ દુનિયા ઇતિહાસના એક એવા તબક્કે આવીને ઊભી છે કે જ્યારે એણે પોતાની દિશા નક્કી કરીને તે તરફ મક્કમ પગલાં માંડવાનાં છે. જગત આજે વિકાસ એટલે અમર્યાદિત રીતે જરૂરિયાતો વધારવી એવી ખોટી વ્યાખ્યા કરીને પૃથ્વીના સ્રોતોને વાપરી રહ્યું છે.’ આ નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘વૈશ્વિકરણને નામે, ‘વસુધૈવ કુટુમ્બકમ્’માં માનનાર આપણો દેશ વિશ્વબજારમાં આગેવાન બનવા દોટ માંડી રહ્યો છે. માત્ર શારીરિક સુખને ઇષ્ટ સમજીને ભોગ-વિલાસની આંધળી છલાંગો મારી રહ્યો છે. સેન્સેક્સના આંકડા જેમ કૂદકે ને ભૂસકે ઊંચા જતા જાય છે તેમ તેમ માનવની માનવ માટેની કાળજી અને માનવના પ્રકૃત્તિ સાથેના સંબંધોનો પારો નીચો જતો જાય છે. આવા નાજુક તબક્કે જરૂર છે, સાચી દિશા પસંદ કરવાની.’ નિવેદનમાં તેમણે આશાવાદ સેવ્યો હતો કે, ‘વિજ્ઞાને દુનિયાને નાની બનાવી છે, શિક્ષણે માણસનું મન મોટું બનાવવાનું છે અને દુનિયાને ટકાવી શકે અને શાંતિ, સમૃદ્ધિ, અને અમૃત તત્ત્વ તરફ આગળ ધપાવી શકે એવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂર છે.’ નિવેદનના અંતભાગમાં તેમણે કહ્યું હતું કે, ‘અતિ સંહારક શસ્ત્રોની હોડને બદલે જાગતિક પ્રશ્નો ઉકેલવા સારુ યુદ્ધના નવા અને રચનાત્મક વિકલ્પો શોધાય તેવી આબોહવા કરવાની જરૂર છે.’
પ્રખર શાંતિવાદી એવા નારાયણ દેસાઈ ‘પીસ બ્રિગેડ ઇન્ટરનેશનલ’ના સ્થાપક સભ્ય અને ‘વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલ’ના પૂર્વ પ્રમુખ હતા. દુનિયાભરમાં ચાલતી નિ:શસ્ત્રીકરણ અને પરમાણુવિરોધી ચળવળના સક્રિય કાર્યકર તરીકે તેમણે વિશ્વના ચાળીસેક દેશોમાં ભ્રમણ કર્યું હતું.
પોતાના જીવનના અંતિમ દસકામાં, નારાયણભાઈ દેસાઈ કથાના લોકમાધ્યમ ભણી વળ્યા હતા. તેમની ધ્યેયનિષ્ઠા ગાંધીવિચારને એટલે કે સત્ય-અહિંસાને સામાન્ય જન સુધી લઈ જવાની હતી. નારાયણ દેસાઈએ એપ્રિલ, ૨૦૦૪થી એપ્રિલ, ૨૦૧૪ના સમયગાળામાં, ૧૧૬ જેટલી ગાંધીકથાઓ કરી હતી. તેમણે ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષા મારફતે રાજ્ય, દેશ, અને પરદેશમાં ગાંધીકથાઓ કરી હતી.
જીવનના નવમા દાયકે પણ નારાયણદાદા ગાંધીકથાના માધ્યમ દ્વારા, ગાંધીજી વિશેની નાગરિકોની સમજને પાકી કરીને અને કેટલીક ગેરસમજને દૂર કરીને, ગાંધીવિચારના અમૂલ્ય વારસાનો અહેસાસ કરાવતા હતા. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેવી યાદ રહી જાય તેવી તારીખોની વચ્ચે, સાદગીપૂર્ણ, સંપૂર્ણ, અને સાર્થક જીવન જીવ્યા. નારાયણ દેસાઈ રાજ્ય અને રાષ્ટ્ર, અંગતજન અને જગતજન સારુ ગાંધી આચાર-વિચાર અને ગાંધી પ્રચાર-પ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું હતા.
°°°
ડૉ. અશ્વિનકુમાર, ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે.
Email: ashwinkumar.phd@gmail.com
Blog: https://ashwinningstroke.blogspot.com
છબિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર