આપણે બેઉં
આ જ ધરતીનાં છોરું
એ રીતે જોઈએ તો
આપણે માડીજાયા
પણ બંને વચ્ચે
આભ-જમીનનું અંતર
તમે ઊજળા-ઉજમાળા
અમે મડિયલ-મેલાયેલા
તમારા નસીબ આડેનું પાંદડું ખસેડવા
તમે અમારાં
હાડ-ચામને પીલી નાંખ્યાં
ને બદલામાં શું આપ્યું?
ગંદી-ગંધાતી ઝૂંપડપટ્ટી
પેટનો ખાડો ય ન પુરાય
એટલું મહેનતાણું
અમારા ભાગ્યને દોષ દેતાં
તે ય અમે મજબૂર મજૂરે સ્વીકાર્યું
પણ તમે તો
અમારા પરસેવાથી તરબતર
કરેલી તિજોરીમાંથી –
અમારા હક્કનો
દસ હજારમો હિસ્સો ય
આપવામાં અખાડા કરો છો
ને સરકાર માઈ-બાપ
તમને થાબડભાણાં
અને અમને –
હથેળીમાં ચાંદ દેખાડ્યા કરે છે
આ બધું જોઈને
અમને પ્રશ્ન તો થાય જ ને
કે એક જ ધરતીનાં છોરું
છતાં ય અમારી સાથે
આવો હળહળતો અન્યાય
આવા ભેદભાવ
ક્યાં સુધી ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
![]()



આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં આવેલી તેજીને કારણે હાલમાં શીબા ઇનુ દુનિયાની સાતમી સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બની ચૂકી છે. ક્રિપ્ટો કરન્સી શબ્દ આપણે માટે હવે નવો નથી, પણ આપણને એના વિશે એટલું બધું પણ નથી ખબર કે એક્સપર્ટની માફક પાનના ગલ્લે કે ચાની લારી પર સલાહ આપી શકીએ. છતાં ય તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં ૧૫ જેટલા હોમગ્રોન, એટલે કે લોકલી શરૂ થયેલા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ્સ છે. માળું, તમને થશે કે આપણે તો કશું રોકાણ કર્યું નથી, બિટ કોઇન અને એવું બધું સાંભળ્યું છે. વળી સુરતમાં જ ક્રિપ્ટો કરન્સીને લગતા કેસીઝ થયા છે પણ છતાં ય આપણા દેશમાં ક્રિપ્ટો કરન્સીનું આટલું ચલણ છે એ ચોક્કસ નવાઇ પમાડે તેવું છે. ૧૫ લોકલ પ્લેટફોર્મ્સ તો ખરાં પણ તેમાં ટ્રેડિંગ અને સેલિંગ કરનારાનો આંકડો ય નાનોસૂનો નથી. દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં ‘ડીલ’ કરનારા ઓછામાં ઓછા દોઢ કરોડ યૂઝર્સ છે. આખી દુનિયામાં સૌથી વધારે ક્રિપ્ટો માલિકોની સંખ્યા પણ આપણે ત્યાં ભારતમાં જ છે, તેવું બ્રોકર ચૂઝર નામના એક પ્લેટફોર્મના રિપોર્ટમાં બહાર આવ્યું છે. ભારત પછી આ યાદીમાં યુ.એસ.એ. અને રશિયાનું નામ આવે છે. પણ આ સમીકરણ વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો ભારત ક્રિપ્ટો માલિકોની યાદીમાં પાંચમા સ્થળે છે.
મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે, એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ શકે અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. ભૂતકાળમાં રમનારાઓ, મીઠી યાદોને વાગોળનારાઓ, ભૂતકાળના જખમોને ખોતરતા રહીને તેને ક્યારે ય રૂઝાવા નહીં દેનારાઓ, પીડાઓને યાદ કર્યા કરીને તેને ઘનીભૂત કરનારાઓ, વેરવૃત્તિને પાળનારાઓ, ભોગવેલી પીડા અને હવે પછી દુ:શ્મનને આપવાની પીડા એમ બન્ને પીડાઓની કલ્પના કરીને તેનું સુખ અનુભવનારાઓ ક્યારે ય વર્તમાનમાં જીવી ન શકે અને જે વર્તમાનમાં જીવી ન શકે એ જીવનને સાર્થક ન કરી શકે. એ પછી મહર્ષિ પતંજલિએ પુરુષાર્થના માર્ગમાં અવરોધરૂપ પગની બેડી સમાન વૃત્તિઓને કઈ રીતે નિવારી શકાય અને કઈ રીતે તેનાથી મુક્ત થઈ શકાય એની પ્રક્રિયા બતાવી છે. ભગવાન પતંજલિનું અંતિમ લક્ષ તો માનવીના મહાપુરુષાર્થ અર્થાત્ મોક્ષ હતો, પણ ભૌતિક સાંસારિક જીવનમાં પણ આ દર્શન પ્રસ્તુત છે. જે માણસ વર્તમાનમાં જીવે છે અને વર્તમાનની વાસ્તવિકતા સ્વીકારીને મોકળા મને નીરક્ષીર વિવેક કરીને સમય અને શક્તિ ખર્ચે છે એ પુરુષાર્થી સાબિત થાય છે અને કાંઈક કરી બતાવે છે. બીજી બાજુ જે લોકો ભૂત અને ભવિષ્યનાં સુખ અને દુખનાં કલ્પનાચિત્રો રચીને જીવે છે એ લોકો ક્રોધી અને રોતલા સાબિત થાય છે.