શંકા અને કુશંકા
જ્યાં હશે ત્યાં કવિતા નહિ હોય
અને એટલે જ કદાચ
તારી અને મારી વચ્ચે સંવેદનાનો શોષ પડ્યો છે
કવિતા એટલે જ તો તારી અને મારી વચ્ચે મૌન પડી છે
તારા સ્પર્શનો એક અહેસાસ હતો
આજે તે સ્પર્શમાં હૂંફ નથી,
આલિંગનમાં ઓગળવાની ખેવના નથી.
તને નહિ સમજાય
સંબંધો જાળવવા એ કંઈ ખેલ છે?
તારી અંદર ઊગેલાં એ શંકાના ંબીજ કાંટાઓથી લદી ગયાં છે
એ કાંટાઓ આજે વીંધે છે મને તારા દરેક શબ્દ દ્વારા …
જો તારી આંખો કેટલી થાકી ગઈ છે,
મને જોવા છતાં મને નથી જોતી,
તારી મને માપવાની કોશિષ બહુ થઈ
તારી અંદર રહેલો પ્રેમ જ મને તારી પાસે ખેંચી લાવતો
એક અહેસાસ હતો, દૂરતામાં પાસે હોવાનો.
આજે શંકા-કુશંકાના કાંટાઓ હું સહી નથી શક્તિ
માટે હું જાઉ છું
જ્યાં તું ન હોય પણ તારો અહેસાસ હોય, પ્રેમ હોય
ખબર છે તને?
આજે તારી નજર અને દુનિયાની નજર એક લાગે છે,
જ્યાં સ્ત્રીને માત્ર માલિકીભાવથી જોવામાં આવે છે.
હું કોઈ વસ્તુ નથી, ન તો કોઈ ફૂલ જે મુરઝાઈ જાય સાંજ પડતાં
હું પ્રેમ છું બસ,
નિર્ભય બની,
જ્યાં તેને જમીન મળે છે ત્યાં ખીલી ઊઠે છે …
બસ એ જમીન મારી હોવી જોઈએ.
Email : navyadarsh67@outlook.com
![]()


હરીન્દ્ર દવે ઊર્મિશીલ કવિ છે. વ્યવસાયે પત્રકાર એવા હરીન્દ્રભાઈ ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી તરીકે છેવટ સુધી કાર્યરત હતા. હરીન્દ્ર દવે એટલે ઉત્તમ ગીતકાર અને સંવેદનશીલ ગઝલકાર. એમનું કવિત્વ રાધા-કૃષ્ણનાં ગીતોમાં, પ્રેમ વ્યક્ત કરતાં ગીતોમાં તો છે જ પણ ફૂલ કહે ભમરાને, એક રજકણ જેવાં એમનાં અન્ય ગીતો લોકપ્રિય તથા કાવ્યતત્ત્વથી સભર છે. એમનાં કાવ્યોમાં લય જાણે દરિયાઈ લહેરની જેમ સ્વાભાવિક ગતિથી વહે છે તેમ જ અપ્રતિમ ભાવ માધુર્ય ધરાવે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા હરીન્દ્ર દવે સ્વભાવે ઋજુ, સંવેદનશીલ અને અંતર્મુખી. કૃષ્ણ ગીતોમાં એમનો હાથ કોઈ ઝાલી ન શકે. એમનાં ગીતોએ શ્રોતાઓને હંમેશાં ડોલાવ્યા છે. પાન લીલું જોયું પણ એમાંનું જ એક ગીત છે.
આ ગીતનાં ગાયિકા હંસા દવે એટલે સૌમ્ય વ્યક્તિત્વ અને સુમધુર અવાજ. તેઓ નાનાં હતાં ત્યારે ઘરમાં સંગીતનું કોઈ જ વાતાવરણ નહીં. રેડિયો સુધ્ધાં નહીં. સૌપ્રથમ સ્વરો ઘરની પ્રાર્થનામાં ચાર- પાંચ વર્ષની ઉંમરે વહ્યા હશે એવું કંઈક એમને યાદ છે. અમદાવાદમાં બચપણ વીત્યું હતું અને કોલેજકાળ દરમિયાન કોલેજની સ્પર્ધાઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગાવાની શરૂઆત કરી હતી. લતા મંગેશકરથી ખૂબ પ્રભાવિત છતાં એમણે અવાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ક્યારે ય કોઈની કોપી કરવાની કોશિશ કરી નથી. એમનો અવાજ જ એમની ઓળખ બની રહે એવું ઇચ્છતા હંસાબહેનની પ્રિય પંક્તિ છે : નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે! પાન લીલું … ગીતને લોકપ્રિય બનાવનાર ગાયક કલાકાર હંસા દવે આ ગીત વિશે કહે છે, "હું માનું છું કે ગીત ફક્ત કવિનું જ કહેવાય. કવિ પહેલો શબ્દ લખે ત્યારે જ ગીતની કુંડળી બની જતી હોય છે. ઉત્તમ કવિની કવિતાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો સાથ મળે પછી પૂછવું શું? આ ગીત બે જ સિટિંગમાં બેસાડી દીધું હતું. પહેલાં તો મને આ ગીત સાવ સીધું-સરળ લાગ્યું. મને એમ થયું કે આવું આ ધીમી લયનું ગીત કેવી રીતે ઉપડશે? પરંતુ ગાતાં ગાતાં ગીતના શબ્દો સાથે ભાવ ઉમેરાતો ગયો. પછી તો અંગત રીતે પણ મને ખૂબ ગમવા માંડ્યું હતું. રેડિયો પર રજૂ થયા બાદ એટલું પ્રસિદ્ધ થયું કે એંસીના દાયકામાં વિસનગરમાં અમારો એક પ્રોગ્રામ હતો. ઓડિટોરિયમ ભરચક હતું. એમાં પાન લીલું જોયુંની ફરમાઈશ આવી. મેં ગાયું, વન્સ મોર થયું. એવામાં ઓડિયન્સમાંથી અચાનક એક બહેન હાર લઈને આવ્યાં. સ્ટેજ પર બેઠેલાં અમને ત્રણેય-ગાયક, સ્વરકાર અને સંચાલકને થયું કે બહેન હાર કોને પહેરાવશે! વધુ કંઈ વિચારીએ એ પહેલાં એમણે મારા ગળામાં હાર પહેરાવી દીધો અને કહ્યું કે હંસાબહેન તમારે માટે મારી પાસે શબ્દો નથી. અત્યંત સુંદર ગીત તમે એટલું ભાવવાહી રીતે ગાયું કે મારાથી રહેવાયું નહિ એટલે હું ઊભી થઈ અને મારા ગળાનો હાર તમને પહેરાવી દીધો. અગાઉ કહ્યું તેમ દરેક ગીત નસીબ લઈને આવતું હોય છે. આ ગીત બીજું કોઈ પણ સ્વરબદ્ધ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે પણ કવિના શબ્દને કોઈ હલાવી શકે નહીં. ગીતના પહેલા શબ્દે જ એની કુંડળી મંડાઈ જતી હોય છે. રાધાનું નામ …. ગીત લખાયું ત્યારે ધાર્યું નહોતું કે આટલું લોકપ્રિય થશે. ઘણીવાર એવું પણ બને કે શબ્દો સરસ હોય, સ્વરાંકન સુંદર હોય, ગાયક-સંગીતકારને ગીત ખૂબ ગમતું હોય છતાં લોકપ્રિય ન થાય. મને શ્રેષ્ઠ કવિઓની રચનાઓ ગાવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એ પણ નસીબની બલિહારી! આ ગીતમાં, કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ એ શબ્દો તો ગીતની પરાકાષ્ઠા છે.
