એક નગર હતું. એ નગરમાં પુરુષો મનફાવે એ રીતે પત્નીનાં ચારિત્ર્ય વિષે શંકા કરતા હતા, તેનાં અતીતને ઉખેળતા હતા, આરોપો અને આક્ષેપો કરતા હતા, પોતાના સમાજના લોકોને એકઠા કરીને અને મોરચા કાઢીને પત્નીઓને ચેતવણી આપતા હતા કે ‘ઇસ ઘર મેં રેહના હો તો …’ વગેરે વગેરે. આ જોઇને નગરનાં ડાહ્યા લોકોએ વિચાર્યું કે જો આવું થતું રહેશે તો કુટુંબ સંસ્થા, પારિવારિક અને સામજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અરાજકતા અને અશાંતિ પેદા થશે અને આવનારી પેઢીના વિકાસ પર તેની અસર થશે. આવનારી પેઢીના પુરુષો પણ આ જ માર્ગ અપનાવશે અને આનો કોઈ દિવસ કોઈ અંત જ નહીં આવે. તેમણે ગામના કાજી સમક્ષ આવો ભય વ્યક્ત કરીને કહ્યું કે નગરમાં જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે અને આ સિલસિલાનો અંત આવવો જોઈએ. કાજીને પણ લાગ્યું કે વાત તો સાચી છે. આ ગૃહકલેશ અને અરાજકતાનો માર્ગ છે. તેમણે ચુકાદો આપ્યો કે ફલાણી તિથિ પછીથી જે લોકોએ કગ્ન કર્યાં છે એ લગ્ન કર્યાં પછી માત્ર શંકાના આધારે પત્નીને છૂટાછેડા નહીં આપી શકે. અજાણ અતીતનાં કહેવાતા કુકર્મોને સાચાં ઠેરવીને પત્નીઓને રંજાડવાનો પુરુષોને હક નથી. જો કોઈ એમ કરશે તો એને ગુનો ગણવામાં આવશે.
એ ચુકાદાને બહુ વધાવવામાં આવ્યો. લોકોએ પ્રસંશા કરી કે ચાલો હવે ગૃહકલેશ નહીં થાય અને સુખશાંતિ જળવાશે. નવી પેઢી શંકાના આધારે સ્ત્રીઓને નહીં રંજાડે. ઘરમાં શાંતિ જળવાશે અને લોકોનો વિકાસ થશે. પણ કેટલાક લોકો એ ચુકાદાથી ખુશ નહોતા. આખરે પૌરુષત્વનો સવાલ હતો. પુરુષાર્થથી વર્ચસ્વ ન રળી શકીએ તો નબળાને રંજાડીને તો એ મેળવી જ શકાય છે. થોડાં વર્ષો વીત્યાં અને કાજી બદલાયા. નવા કાજી વાચાળ હતા. દરેક જગ્યાએ અને દરેક અવસરે તેઓ કાયદાના રાજની, માનવીય મૂલ્યોની, આધુનિક સભ્યતાની, સમાનતાની વાત કરતા હતા. એ કાજીની અદાલતમાં જેને આગલા કાજીનો ચુકાદો નહોતો ગમ્યો એ લોકો અપીલ લઈને ગયા. સાહેબ, આગલા કાજીએ આપેલા ચુકાદા વિષે પુનર્વિચાર કરો. એક પવિત્ર પુરુષ સંભવતઃ વ્યભિચારી સ્ત્રી સાથે કેવી રીતે જીવી શકે? આ પુરુષોની બનેલી પવિત્ર કોમને કરવામાં આવેલો અન્યાય છે.
અને એક દિવસ એ કાજીસાહેબે ચુકાદો આપ્યો કે તમે શંકાના આધારે છૂટાછેડા નહીં આપી શકો, પણ હા, તમે પત્નીનાં ચારિત્ર્ય વિષે અને તેણે અતીતમાં કરેલા સંભવિત કુકર્મો વિષે શંકા કરી શકો છો અને તમારી શંકા સાચી છે કે ખોટી એ વિષે તપાસ પણ કરી શકો છો. ખબરદાર ઠરાવેલી તિથિ પછીથી છૂટાછેડાની વાત કરી છે તો.
હવે વિચારો કે એ કાજીસાહેબ વિષે તમે શું કહેશો? એમની બૌદ્ધિક ક્ષમતા વિષે, તેમના વિવેક વિષે, તેમની પ્રામાણિકતા વિષે, તેમની સામાજિક નિસ્બત વિષે તમે શું કહેશો?
એ કાજીનું નામ છે હમણાં જ નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ધનંજય યશવંત ચન્દ્રચૂડ અને તેમણે ‘ધ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧’ની જોગવાઈમાં ફેરફાર કરીને શંકા કરવાનો અને અતીતમાં કરેલાં કહેવાતા શંકાજન્ય કુકર્મની તપાસ કરવાની છૂટનો ચુકાદો આપ્યો હતો. શંકા જ કલહ અને અશાંતિનું મૂળ છે એ વાત તેમને ધ્યાનમાં નહોતી આવી કે નહોતી લીધી. અને શંકા પણ પાછી અતીત વિષે જેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી અને હોય તો પણ એ તમે સો ટકા સિદ્ધ કરી શકવાના નથી. વળી અતીત પણ કેટલો અતીત? તમે ઇચ્છો એટલો. અતીતને તળિયું નથી અને ભવિષ્યને છાપરું નથી, માત્ર વર્તમાન જ બંધાયેલો છે. ધનંજય ચન્દ્રચૂડ સાહેબે કહ્યું કે તમે શંકાના આધારે તપાસ કરી શકો છો કે તમારી શંકા સાચી છે કે નહીં. બીજા શબ્દોમાં ચુકાદો એમ કહે છે કે તમે અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતનાં નામે ઝેર વાવી શકો છો. જજ હોય તો આવા! લાખોમાં એક! અરે ભાઈ, ઝેર તો વેર વાળવા માટે કે વેર પેદા કરવા માટે જ વાવવામાં આવે છે. સો વરસથી આ જ તો કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં બાબરી મસ્જીદની જગ્યાએ રામમંદિર હતું એવી શંકા ૧૯મી સદીથી ચાલી આવે છે. ભારતમાં કંપનીનું રાજ હતું અને અયોધ્યા અવધના નવાબની હકુમતમાં હતું ત્યારથી ઝઘડો ચાલ્યો આવે છે. ૧૮૯૫ની સાલથી તો મામલો અદાલતમાં ઊભો હતો. ૧૯૪૮ પછીથી હિન્દુત્વવાદીઓએ એમાં રસ લેવાનું શરૂ કર્યું, કારણ કે મસ્જીદની જગ્યાએ રામમંદિરવાળી શંકા સાર્વત્રિક હતી અને તેને આધારે હિંદુઓને સંગઠિત કરવાનો તેમને મોકો મળ્યો. ૧૯૮૭ પછી સ્થિતિ વકરતી ગઈ. તેઓ જ્યારે તીન (અયોધ્યા, કાશી અને મથુરાની મસ્જીદ) નહીં, તીન હજારની વાત કરવા લાગ્યા ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે આ રીતે તો દેશમાં કોમી અરાજકતા પેદા થશે. નાગરિક સમાજના આગ્રહથી અને સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી સરકારે ૧૯૯૧માં કાયદો કર્યો કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપમાં હતાં અને જેનાં કબજામાં હતાં તેને અફર માનવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. બની શકે કે જ્યાં પહેલાં બૌદ્ધ ધર્મસ્થાન હતું અને ત્યાં અત્યારે મંદિર કે મસ્જીદ હોય, બની શકે કે પહેલાં ત્યાં મસ્જીદ હતી અને અત્યારે મંદિર હોય, બની શકે કે એક જ સ્થળે મંદિર અને મસ્જીદ બન્ને હોય, બની શકે કે પહેલા જે દિગંબરોનું ધર્મસ્થાન હતું તે અત્યારે શ્વેતાંબરોના કબજામાં હોય (જૈનો વચ્ચે એક ડઝન જેટલા વિવાદો છે) બની શકે કે પહેલાં જ્યાં મસ્જીદ હતી ત્યાં ગુરુદ્વારા હોય કે તેનાથી ઊલટું. જો અતીતને ઊલેચો તો પાર જ ન આવે. સંભાવનાઓ અનેક છે અને શંકા? શંકાને જણવા માટે માબાપની જરૂર પડતી નથી. એ કાનથી જન્મ લે છે અને કર્ણોપકર્ણ તેનું કદ વધે છે. રાક્ષસી કદ પણ ધારણ કરે.
માટે એક અયોધ્યા બસ છે. હવે પછી આ શંકા અને સંભાવનાની રમત બંધ. હવે પછી શંકા કરીને અતીતને ઊલેચવામાં નહીં આવે. ઊલેચો તો કાદવ નીકળે અને દેશની આબરુ ખરડાય. અશાંતિ પેદા થાય અને વિકાસ ખોરવાય. કોઈ પણ શાણો સમાજ શંકા અને સંભાવનાને હકીકત માનીને પોતાનો વર્તમાન ન બગાડે. પણ એ પછી આગળ કહ્યું એમ નવા કાજી આવ્યા અને તેમણે પત્નીના ચારિત્ર્ય વિષે શંકા કરવાની અને તેનાં અતીતની તપાસ કરવાની છૂટ આપી દીધી. પરિવાર નર્ક બની જાય પછી છૂટાછેડા તો થઈને જ રહેશે. બસ એ જ વાત ધર્મસ્થાનકોને લાગુ પડે છે. શરૂઆત થઈ ગઈ છે.
ભારતનું ન્યાયતંત્ર મૃત્યુશૈયા પર છે, પરંતુ એ છતાં ય અરુણ શૌરી કહે છે એમ અદાલતોના, વિશેષ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ન્યાયમૂર્તિઓની અગ્નિપરીક્ષા કરતા રહેવું જોઈએ. આવનારી પેઢીને ખબર તો પડે કે ધનંજય ચન્દ્રચૂડ પણ એક જજ હતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા હતા અને તેમણે આવો એક વિલક્ષણ ચુકાદો આપ્યો હતો. બીજા હીરામોતી પણ ભવિષ્યની પેઢી માટે ઇતિહાસમાં અમર થવાના છે.
આની સામેની રીટ પીટીશન સર્વોચ્ચ અદાલત સાંભળવાની છે. જોઈએ શું થાય છે. પવિત્ર સ્થાને બેઠેલા લોકોની પવિત્રતા ચકાસતા રહેવું જોઈએ. કરોડરજ્જુને તપાસતા રહેવું જોઈએ. ન્યાય ન મળે તો કશો વાંધો નહીં, ન્યાય નહીં કરનારાઓનો ન્યાય થઈ જાય છે અને તેટલું પૂરતું છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2024