જીવનનો કલાધર
સત્ય અને અહિંસાની ઉગ્ર સાધના દ્વારા બાપુજી સૌન્દર્યનું દર્શન કરતા હતા. બાહ્ય રૂપ કરતાં આંતરરૂપને, આંતરિક સુંદરતાને જ બાપુજી વધારે પ્રાધાન્ય આપતા હતા, તેથી બાપુજીના અંતરમાં જે કલાવિદ્-આત્મા રહેતો હતો એનું થોડાને જ દર્શન થતું હતું. બાપુજી તો દૃષ્ટા હતા; સત્ય દ્વારા સુન્દરતાને જોનારા હતા. પરંતુ આજે જ્યાં જયાં બાપુજીના વિચારોનું થોડેઘણે અંશે પણ અનુસરણ થાય છે ત્યાં માત્ર જીવનની શુષ્કતા જ દૃષ્ટિએ પડે છે. બાપુજીનું જીવન સાધનાશીલ હતું તોયે શુષ્ક ન હતું .
બાપુમાં કલાની દૃષ્ટિ હતી. જીવનમાં શું કે વ્યવહારમાં શું, ક્યાં ય પણ લેશમાત્ર વિસંવાદિતા દેખાતી કે તરત જ બાપુજી અકળાઈ ઊઠતા. બાપુજીમાં રહેલી કલાદૃષ્ટિ બધે સંવાદિતા ઝંખતી હતી. પણ આજે બાપુજીને અનુસરનારાઓમાં એ દૃષ્ટિ નથી; તેથી બાપુજીના વિચારો પ્રાણ વિનાના હોય એમ લાગે છે. એમાં જીવનની તાજગી દેખાતી નથી એ કારણે જ ઘણા લોકો આજે બાપુના વિચારોથી દૂર ભાગતા હોય એમ લાગે છે. હકીકતે બાપુજીમાં કલા અને સંસ્કૃતિને નીરખવાની પ્રાણવંત દૃષ્ટિ હતી અને જીવનમાં સંયમશીલ, સત્યશીલ આનંદ રહેલો હતો.
•
ઘણાં માણસો એમ માને છે કે બાપુજીને કળાની કે સૌન્દર્યની દૃષ્ટિ ન હતી. એમનું જીવન ઉગ્ર તપસ્યાથી એટલું પ્લાવિત હતું કે એમાં સુકોમળ લાગણીઓને સ્થાન જ રહ્યું ન હતું. આવી માન્યતાવાળી વ્યક્તિઓમાં નંદબાબુ (પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝ) પણ એક હતા. પણ એક એવો પ્રસંગ બન્યો જેનાથી નંદબાબુને પોતાનું મંતવ્ય બદલવું પડ્યું.
એક વખતે મહાસભાના અધિવેશન વેળાએ બાપુજીએ નંદબાબુને સુશોભન કરવા નિમંત્રણ આપ્યું અને જણાવ્યું કે તેમણે ગામડામાં મળતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને સુશોભન કરવું. ગામડાની કળા અને ગ્રામ-ઉદ્યોગને લગતું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. બાપુજી પ્રદર્શનની મુલાકાતે આવ્યા. જ્યારે બાપુજીએ પ્રદર્શનમાં પ્રવેશ કર્યો ત્યારે નંદબાબુ એમનું સ્વાગત કરવા ગયા.
હરિપુરા મહાસભા અધિવેશન વખતે બાપુ સાથે નંદબાબુ
બાપુજી જેવા એક ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ એમણે એક સૂચન કર્યું. એ સૂચનથી નંદબાબુ તેમ જ એમના સહાયકો લજ્જા પામ્યા. વાત એમ હતી કે જે ટેબલો ઉપર પ્રદર્શનમાં જોવા સારુ વસ્તુઓ ગોઠવવામાં આવી હતી એની નીચે એક ટોપલી રહી ગઈ હતી. સામાન્ય મહેમાનોને પ્રદર્શન બતાવતા પહેલાં એને ખસેડી લેવાનું ઉતાવળને લીધે કોઈને સૂઝ્યું ન હતું. ગાંધીજીનું એ તરફ ધ્યાન ગયું અને એમણે કહ્યું કે આ સ્થળની શોભામાં એ ટોપલી આંખને ખૂંચે એવી છે. પછી તો એને તરત જ ખસેડી લેવામાં આવી!
બાપુજી બહુ જ ઝીણવટથી પ્રદર્શનમાં મૂકેલી વસ્તુઓને તપાસતા એક ટેબલ પાસેથી બીજા ટેબલ તરફ જતા હતા. સાથે નંદબાબુ પણ હતા. અને બાપુજીને આમ આ બધી વસ્તુઓમાં તેમ જ તેના કારીગરોમાં આટલો ઊંડો રસ લેતા જોઈને એમને આશ્ચર્ય થયું. પણ થોડી વાર પછી નંદબાબુએ જોયું કે બાપુજી અન્યમનસ્ક થઈ ગયા હતા અને પ્રદર્શનના મંડપની નીચેની લીંપેલી ભૂમિ તરફ એકીટશે જોઈ રહ્યા હતા. મંડપના ઉપર તાડનાં સૂકાં પાંદડાનું છાપરું કરવામાં આવ્યું હતું. સૂર્ય પૂરેપૂરો તપતો હતો. તેથી સૂર્યનાં કિરણો પાંદડાંની વચ્ચે થઈને અંદર પ્રવેશી લીંપેલી ભોંય પર આકર્ષક ભાત પાડતાં હતાં. બાપુજીનું ધ્યાન ત્યાં તલ્લીન બન્યું હતું. થોડી વાર પછી તેઓ બોલ્યા, “નંદલાલ, તમે આના જેવું તો ન જ કરી શકે, ખરું ને?”
ત્યારે જ કલાવિદ્ નંદબાબુએ જાણ્યું કે બાપુમાં સૌન્દર્યની કેટલી ઊંડી દૃષ્ટિ હતી. એ દૃષ્ટિને જાણે બાહ્ય રૂપ કે ચિહ્નની જરાયે જરૂર ન હતી. તોયે બાપુમાં એ દૃષ્ટિ હતી જ. કદાચ એ સૌન્દર્યદૃષ્ટિનું પ્રાથમિક કાર્ય જ એ હતું કે એણે બાપુજીના સમગ્ર જીવન અને આચરણને અતીવ સુંદર અને મહાકાવ્યના વૈભવવાળા કાવ્યમાં ફેરવી નાખ્યાં હતાં.
•
નંદલાલ બોઝ, વૂડકટ
ઘણા જ ઓછા પ્રસંગોએ બાપુજીએ કળા વિશેના પોતાના વિચારો દર્શાવ્યા છે. પણ જ્યારે જ્યારે આવા પ્રસંગોએ બાપુએ જે ઉદ્ગારો કાઢ્યા છે તે જીવનને અનુલક્ષીને તારવેલી વિશિષ્ટતાથી સભર ભરેલા છે. હવે બાપુજીના જ થોડા વિચારોને નીચે દર્શાવી હું કૃતકૃત્ય થાઉં.
“કોઈ પણ વસ્તુની બે બાજુઓ હોય છે : બાહ્ય અને આંતરિક. આ તો મારે મન માત્ર દર્શાવવા ખાતર જ. ખરી રીતે જ્યાં સુધી બાહ્ય બાજુ આંતરિક બાજુને સહાય ન કરે ત્યાં લગી એ બાહ્ય બાજુનો કંઈ અર્થ નથી. આમ બધી સાચી કળા એ તો આત્માનો આવિષ્કાર જ છે. માનવના અંતરાત્માનો આવિર્ભાવ કરી શકે એટલું જ બાહ્ય રૂપનું મૂલ્ય છે. આવા પ્રકારની કળા જ મને સૌથી વધારે અપીલ કરે છે. પણ હું જાણું છું કે ઘણા લોકો પોતાને કલાકાર તરીકે માને છે, અથવા મનાય છે, પરંતુ તેમનાં સર્જનમાં આત્માની ઊર્ધ્વગામી આકાંક્ષા અને તાલાવેલીનું જરાયે દર્શન થતું નથી.
“બધી સાચી કળા આત્માને અંતર્યામીની ઝાંખી કરાવવા સહાયરૂપ થવી જોઈએ. મારી પોતાની બાબતમાં હું જોઉં છું કે મારા આત્માની ઝાંખી કરવામાં મને બાહ્ય રૂપોની જરૂર જણાતી નથી. ઓરડાની દીવાલો ભલે શોભા વિનાની હોય અને એના પર છાપરુંયે ન હોય, જેથી સૌન્દર્યના અનંત અવકાશમાં વેરાયેલા અસંખ્ય તારાઓનું હું દર્શન કરી શકું. પ્રકાશિત તારાઓથી આચ્છાદિત આકાશ ભણી જ્યારે હું જોઉં છું ત્યારે મને જે ભવ્ય દૃશ્ય જોવા મળે છે એવું દૃશ્ય, એવો અનુભવ મનુષ્યની સભાન કળા ક્યાંથી કરાવી શકે? આનો અર્થ એવો નથી કે હું, બધા મારે વિષે માને છે એમ, કળાની કૃતિઓની અવગણના કરું છું. પરંતુ મને પોતાને તો એવું લાગે છે કે કુદરતના સૌન્દર્યનાં શાશ્વત પ્રતીકોની તુલનામાં કળાની એ કૃતિઓ કેટલી ઝાંખી પડી જાય છે!
“બધાં સત્યો – માત્ર સત્ય વિચારો જ નહીં, પરંતુ સત્યશીલ મુખાકૃતિઓ, સત્યદર્શી ચિત્રો અને ગીતો અતીવ સુંદર હોય છે. લોકો, ઘણું કરીને, સત્યમાં રહેલ સૌન્દર્યને નીરખતા જ નથી; સામાન્ય માણસ તો એનાથી દૂર જ ભાગે છે અને એમાં રહેલ સૌન્દર્ય પ્રત્યે ઉદાસીન રહે છે. જ્યારે જ્યારે માણસ સત્યમાં સુંદરતા જોશે ત્યારે ત્યારે સત્ય કળાનો ઉદ્ભવ થશે.”
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર : ક્રમાંક – 175, 176 તેમ જ 177