“કિરણ.”
“હા, મમ્મી.”
“બેટા, આપણે આવતા અઠવાડિયે ભારત જવાનું છે. ટિકિટ, વિઝા વગેરેનું કામ તારા પપ્પાએ પતાવી દીધું છે.”
“મમ્મી, મને શું કામ હેરાન કરો છો? મારે ઇન્ડિયા આવવું નથી. મને ત્યાં મજા નથી આવતી. કંપની વગર હું બોર થઇ જઈશ.”
“ના, આ વખતે તો તારે ભારત અમારી સાથે આવવાનું જ છે. આ તારા મોસાળનો છેલ્લો પ્રસંગ છે. અત્યાર સુધીના તું એક પણ પ્રસંગમાં આવ્યો નથી. ને સાથે સાથે તારા માટે કન્યા પણ જોઈ લઈશું.”
“મમ્મી, તું મારા માટે ઇન્ડિયન છોકરી વિશે તો વિચારતી જ નહીં, એ મારી સાથે અને અહીંના કલ્ચરમાં સેટ ન થાય.”
“ના બેટા, એવું નથી. એ તારી માન્યતા છે. હું ને તારા પપ્પા ભારતીય છીએ તો પણ અહીં સેટ થઈ ગયાં, ને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર પણ જાળવી રાખ્યા.”
“મમ્મી, પપ્પા ને તમારી વાત અલગ છે. મમ્મી તું ઇન્ડિયામાં મારા માટે છોકરી ન જોતી.”
“ભલે પણ તારે અમારી સાથે ભારત આવવાનું છે, એ નક્કી છે. આ બાબતે અમારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય.”
માસીને ત્યાં લગ્ન પતી ગયાં. “મમ્મી, હું બે-ત્રણ દિવસ પછીની અમેરિકા જવાની ટિકિટ કન્ફર્મ કરવી લઉં?”
“જેવી તારી ઇચ્છા, થોડા દિવસ વધારે રહે તો સારું. અમે તો ભારત આવ્યાં છીએ એટલે રોકવાનાં છીએ. પછી વારંવાર ભારત આવી શકાતું નથી અને ભારતનો મોહ છૂટતો નથી.”
કિરણની માસીનો ફલેટ ‘ઓમ હાઇરાઈઝ એવન્યુ’માં બી વિંગમાં હતો. બહુ મોટો એરિયા હતો. વૉકિંગ માટેનો એરિયા, સરસ મજાનો બગીચો, ફુવારા વગેરે હતું. કિરણ ફ્રી હતો. તેણે વિચાર્યું, ચાલ જરા બગીચામાં આંટો મારું. બાંકડા ઉપર આરામથી બેઠો હતો. અચાનક તેની નજર બાજુના બાંકડા ઉપર બેઠેલી યુવતી ઉપર પડી. વેલ ડ્રેસ, આત્મવિશ્વાસથી ભરી, હરણી જેવી આંખો અને અવાજ પણ મીઠો હતો, ધીમા અવાજે કંઈક ગીત ગણગણી રહી હતી. કિરણ તો, તેને જોઈને જ મુગ્ધ થઈ ગયો.
“હાઈ, હું છું કિરણ ત્રિવેદી. આ સામે દેખાય એ `ઓમ એવન્યુ`માં મારી માસીને ત્યાં યુ.એસ.થી આવ્યો છું. આપનું શુભ નામ કહેશો?”
“મારુ નામ સોનલ, સોનલ ભટ્ટ. હું પણ એજ `ઓમ એવન્યુ`માં રહું છું અને રોજ સાંજે બગીચામાં વોક પર આવું છું. મને પ્રકૃતિનું સાનિધ્ય બહુ ગમે છે.” આટલી વાત કરીને સોનલ ચાલી ગઈ. કિરણને સોનલને રોકવાની અને વધારે વાત કરવાની ઘણી ઇરછા હતી, પણ એ સંકોચવસ એમ ન કરી શક્યો.
બીજે દિવસે કિરણ જરા વહેલો આવીને થોડા દૂરના બાંકડા ઉપર બેઠો. રોજના નિયત સમય પ્રમાણે આજે પણ સોનલ આવીને બાંકડા ઉપર બેઠી. મસ્તીથી બગીચાની મજા લઈ રહી હતી અને ધીમું ધીમું ગીત ગણગણી રહી હતી.
“હાય!”
“હાય! .. કેમ છો?”
“બસ બગીચાની, પ્રકૃતિની મજા માણી રહી છું.”
“ગઈકાલે આપણી પ્રથમ મુલાકાત હતી. વિશેષ વાત ન થઈ શકી.”
“તો આજે કરોને. ગઈ કાલે કહ્યું હોત તો હું રોકાઈ જાત, મારે જવાની કોઈ ઉતાવળ નહોતી.”
“હું, યુ.એસ.માં સોફ્ટવેર એન્જિનિયર છું અને અમારો વિવિધ પ્રકારનો પારિવારિક બિઝનેસ છે. મારું આખું ફેમિલી તેની સાથે સંકળાયેલું છે. બહુ મોટો કારોબાર છે.”
“મારી વાત કરું, તો મેં, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. મારા પપ્પાને દરેક પ્રકારના રેડીમેડ ગારમેન્ટસનું પ્રોડકશન હાઉસ અને હોલસેલ બિઝનેસ છે. દરેક પ્રકારના ગારમેન્ટસનું ફેશન ડિઝાઈન હું કરું છું. એ રીતે મારા પપ્પાના બિઝનેસ સાથે સંકળાયેલી છું.”
“યુ.એસ.માં પણ ફેશન ડિઝાઇનિંગનો બહુ ક્રેઝ છે. ત્યાંના લોકોમાં ઇન્ડિયન ફેશન ડિઝાઇનનો બહુ ક્રેઝ છે. યુ.એસ.માં આ ક્ષેત્રમાં આગળ વધવા માટેની વિશાળ તકો છે.”
પછી તો કિરણ અને સોનલની રોજ મુલાકાત થતી રહી. કિરણનાં મમ્મી-પપ્પા વિચારમાં પડી ગયાં કે ‘કિરણ તો બે-ત્રણ દિવસમાં યુ.એસ. પાછો જવાનું કહેતો હતો. તે વાતને અઠવાડિયું થઇ ગયું પણ તેણે ટિકિટ કેમ કન્ફર્મ કરાવી નથી? કંઈક ગરબડ લાગે છે અને રોજ સાંજે નિયત સમયે બગીચામાં વોક કરવા પણ જાય છે.’
“તમે આજે કિરણ પાછળ જઈ વાતનો તાળો મેળવો. હકીકત શું છે? જે કિરણ ભારત આવવા માટે તૈયાર નહોતો, એ હવે, પાછા જવાની ટિકિટ કન્ફર્મ કરાવતો નથી. અહીંયાં નહીં ગમે એમ કહેતો હતો. મને તેના મૂડમાં પણ ફેરફાર લાગે છે.”
કિરણના પપ્પાએ જોયું, કે કિરણ કોઈ યુવતીની સાથે બેઠો હતો. બંને ખૂબ પરિચિત હોય એ રીતે વાતચીત કરતાં ને એવું જ વર્તન કહેતાં એટલે કદાચ કિરણને, આ યુવતીમાં રસ જાગ્યો હોય એમ લાગ્યું. તેણે તેની પત્નીને વાત કરી. બંને મનોમન ખુશ થયાં કે ભારતની છોકરી તો તેને ના પસંદ હતી. ચાલો આપણી ઇચ્છા પૂરી થશે. પણ કિરણ સાથે વાત કરીને સાચી પરિસ્થિતિ તો જાણવી પડે, કદાચ બંને વચ્ચે ખાલી મિત્રતા હોય અને અમે કંઇક જુદું સમજી બેઠાં હોઈએ તો લોચો પડી જાય.
“કિરણ, તું આપણી રિટર્ન ટિકિટ કન્ફર્મ કરવી લે. અહીંયાંનું કામ પતી ગયું છે. અમે પણ તારી સાથે જ આવીએ છીએ. આપણે યુ.એસ. પાછા જવું છે.”
“મમ્મી, થોડા દિવસ વધારે રોકાઈએ તો ? મને અહીં મજા આવે છે.”
“મને ખબર છે, તારે તો ઇન્ડિયા આવવું જ નહોતું ગમતું. હવે, અહીંયાં ગમે છે. આ સોનલ કોણ છે? તને ઇન્ડિયા નહીં સોનલ ગમી ગઈ છે.”
“મમ્મી, તારી વાત સાચી છે. સોનલને મળ્યા પછી મારા ઇન્ડિયા વિશેના વિચારો, માન્યતા બદલાઈ ગયા છે. મમ્મી, તું સાચી છો, ભારત એ ભારત છે. ભારત જેવો માહોલ, લાગણી અને સંબંધનું મૂલ્ય બીજે ક્યાં ય ન મળે.”
“તે સોનલને વાત કરી?”
“મમ્મી સોનલને વાંધો નથી પણ સોનલનાં મમ્મી-પપ્પા યુ.એસ. જેટલે દૂર કદાચ ન પણ મોકલવા માગે.”
“બેટા, એ લોકોની ચિંતા સાચી છે. દીકરી નજર સામે હોય તો પણ ચિંતા થતી હોય છે, જ્યારે આ તો યુ.એસ. અને અજાણ્યા કુટુંબમાં લગ્ન કરી મોકલવાની. પાછા સમાજમાં છેતરવાના બનાવો પણ બનતા રહે છે. તું ચિંતા ન કર, અમે વાત કરી લઈશું.”
કિરણના મમ્મી-પપ્પા અને સોનલનાં મમ્મી-પપ્પાની મિટીંગ થઈ. સોનલની મમ્મીએ પોતાની ચિંતા વ્યક્ત કરી,
“સોનલ અમારું એક જ સંતાન છે. બહુ લાડકોડથી ઉછેરી છે એટલે આટલી દૂર મોકલવાની વાતે મન માનતું નથી.”
“તમારી ચિંતા વ્યાજબી છે. આપણે જરા આપણા ફેમિલીમાં એકબીજાની ઓળખાણ જોઈ લઈએ, પછી આગળ વધીએ.”
પછી તો વાતચીત થતાં કિરણનું અને સોનલનું ફેમિલી પરિચિતોમાંથી નીકળ્યું. કિરણ અને સોનલનાં લગ્ન નક્કી થઈ ગયાં.
“કિરણ.”
“હા, મમ્મી.”
“બેટા, પ્રેમને સીમાડા હોય છે? અમારા વખતમાં તો આવું નહોતું. ત્યારે તો મુંબઈ પણ પરદેશ કહેવાતું.”
“ના મમ્મી, પ્રેમને સીમાડા નથી હોતા! અને ભારતના (હવેથી હું, ઇન્ડિયા નહીં પણ ભારત કહીશ) સીમાડે હું બંધાયો તેને મારું ખુશનસીબ માનું છું.”
“બેટા, હવે તો એક વધારાની ટિકિટ સાથે યુ.એસ. જવાની રિટર્ન ટિકિટ તું કન્ફર્મ કરાવીશ ને?”
કિરણ અને સોનલના મુખ પરના શરમના શેરડા સાથે હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો ….
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com