ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઇચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોનાં સૂચનો માંગ્યાં હતા. એટલે ઇચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઊઠી છે.
ગ્રીક વાક્યાંશ ‘યૂ થાનાટોસ’ પરથી યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઇચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઇચ્છામૃત્યુની અવારનવાર માંગ ઊઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઇચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.
મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઇચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃદ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતાં હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઇચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઇચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તર પ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી ઇચ્છામૃત્યુની યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે. મારું શરીર અને મારી મરજી કે મારી ઇચ્છા મહત્ત્વની કે સરકારનો કાયદો? એવા તર્ક પણ ઇચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.
ભારતમાં ઇચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઇચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.
સક્રિય ઇચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઇચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે, પરંતુ તેમના જીવવાના જરા ય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.
નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ, પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે. એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી. જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું? એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દૃષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.
માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઇચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે. ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવાં ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે. ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દૃષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઇચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઊભો થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જો કે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાંવહાલાં જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.
સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો, પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં ઇચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દૃષ્ટિકોણ અપનાવે તે ઇચ્છનીય છે.
e.mail : maheriyachandu@gmail.com