સ્વતંત્ર ભારતમાં એક ધારણા સમય સમય પર ચર્ચા-વિચારણાનો મુદ્દો બનતી રહે છે અને તે છે, અખંડ ભારતની કલ્પના. આમ તો તેની કલ્પના પ્રાચીન કાળ સુધી જાય છે, પરંતુ રાજકીય અર્થમાં તેની ચર્ચા સ્વતંત્રતા ચળવળ વેળા જોરશોરથી થઇ હતી. ભારતનું વિભાજન કેવી રીતે થયું અને મુસ્લિમ લીગે કેવી તેની વાત મનાવી તે ઇતિહાસ તો જાણીતો છે, પરંતુ ભારતના ટુકડા નહીં થવા દેવાની લડાઈ પણ બહુ જોશ સાથે લડાઈ હતી, તેની વાત બહુ થતી નથી. હિંદુ અને મુસ્લિમ બંને પક્ષે એવા નેતાઓ હતા, જે ‘સમિશ્રિત રાષ્ટ્રવાદ’માં માનતા હતા અને કહેતાં હતા કે ભારતમાં રાષ્ટ્રવાદને ધર્મના આધારે નક્કી કરી ન શકાય.
એક માન્યતા એવી છે કે બ્રિટિશરોએ તેમનું પ્રભુત્વ ચાલુ રહે તે માટે જાણીબૂઝીને વિભાજનની વાતને ટેકો આપ્યો હતો. તેમાંથી જ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ વિકસી હતી. પ્રાચીન ગ્રીસ અને રોમમાં મૂળ તો આ એક લશ્કરી વ્યૂહરચના હતી; ભાગલા પાડો અને હુમલો કરો. દુશ્મનને નબળો પાડવો હોય તો તેને અલગ-અલગ જૂથ કે સ્થાનો પર વહેંચી દેવો. બ્રિટિશરોએ ભારતમાં તેને રાજકીય વ્યૂહરચના બનાવી દીધી હતી.
અંગ્રેજો આઝાદીની ચળવળને નબળી પાડવા માંગે છે અને ભારતીયોને ધર્મના નામે વહેંચવા માગે છે તેની જાણ બહુ વહેલી થઇ હતી, અને એટલાં માટે જ સ્વતંત્રતાની લડાઈની સાથોસાથ અખંડ ભારતની લડાઈ પણ ચાલતી હતી. તેના સમર્થકો હતા મહર્ષિ અરવિંદ, મહારાજા સયાજી રાવ ગાયકવાડ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઈના પ્રભાવમાં ઉછરેલા રાજકારણી અને લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી.
મુનશી કાઁગ્રેસના કાર્યકર હતા અને મહાત્મા ગાંધીના અહિંસક અંદોલનના સમર્થક હતા, પરતું સ્વતંત્ર પાકિસ્તાનની માંગણી બળવત્તર બની, ત્યારે તેમણે મુસ્લિમોને તેમની માંગણી ત્યજી દેવાની ફરજ પાડવા માટે ગૃહયુદ્ધની વકાલત કરી હતી. એમાં તેમણે ‘અખંડ હિન્દુસ્તાન’ની અલગ ચળવળ શરૂ કરી હતી. એમ તો મહાત્મા ગાંધી પણ માનતા હતા કે સુધી હિંદુ-મુસ્લિમ એક થઈને નહીં રહે ત્યાં સુધી અંગ્રેજોને તગેડી મુકવાનું શક્ય નહીં બને. મુનશીએ કાઁગ્રેસમાંથી રાજીનામું આપીને અખંડ હિન્દુસ્તાન નામના સંગઠનની રચના કરી હતી. 1944માં દિલ્હીમાં અખંડ હિન્દુસ્તાનના નેતાઓની એક કોન્ફરન્સ પણ મળી હતી.
એનાથી પણ આગળ, 1937માં અમદાવાદ ખાતે હિંદુ મહાસભાના 19માં અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકરે ‘અખંડ ભારત’નો પ્રસ્તાવ મુક્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, “કાશ્મીરથી રામેશ્વરમ્ અને સિંધથી આસામ સુધીના તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે અને તેમની એક સમાન ફરજો અને કર્તવ્યો હશે, જાત-પાત, ધર્મ જોયા વગર યોગ્યતા પર તેમનું પ્રતિનિધિત્વ હશે.”
1940થી 1946 વચ્ચે મુનશી અને સાવરકર બંને સક્રિય રીતે અંખડ ભારતનો પ્રચાર કરતા હતા. તે સમયનું મુનશીનું એક ભાષણ યાદગાર છે :
“અખંડ હિન્દુસ્તાન એક જીવંત વાસ્તવિકતા છે, કોઈ ડાહ્યો માણસ તેની સાથે છેડછાડ ન કરે. ભારતની એકતા પર કોઈ દલીલને સ્થાન નથી. તેના વિઘટન પર કોઈ સમજૂતી શક્ય નથી. કોઈ જબરદસ્તી, કોઈ આપદા અને ગમે તેટલી યાતનાસભર ગુલામી આવા વિચ્છેદન માટે અમને મનાવી નહીં શકે. અમરનાથથી રામેશ્વર અને દ્વારકાથી કાલીઘાટ સુધી આ જમીન એક અને અવિભાજ્ય છે. ત્રીસ સદીઓના ભારતીયોના બલિદાનથી તે પવિત્ર બનેલી છે. આ એક એવું મંદિર છે જેમાં આપણા ઈશ્વરોની પૂજા થાય છે. એ ભારતના સપૂતોની આશા છે; અને તે અનંત સુધી અડીખમ રહેશે.” ગાંધીજીના ‘હરીજન’ પત્રમાં આ ભાષણ છપાયું હતું.
21મી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપની જે વાસ્તવિકતા છે, તેમાં ‘અંખડ ભારત’ની કલ્પના કેવી રીતે સાકાર થાય તે કોઈ સ્પષ્ટ જવાબ વગરનો પ્રશ્ન છે, પરંતુ સ્વતંત્રતા પહેલાં ઘણા બધા નેતાઓ-વિચારકોને આ સંભવ લાગતું હતું, કારણ કે તેમને મન અખંડ ભારત એટલે પ્રાચીન ભૌગોલિક ભારત નહીં, પણ હિંદુ-મુસ્લિમ એકતાવાળા ભવિષ્યના ભારતની વાત હતી. ભારતના વિભાજનનો વિકલ્પ તો બહુ છેલ્લે અને નાછૂટકે આવ્યો હતો. એ પહેલાં અંગ્રેજો સામે હિંદુ-મુસ્લિમોને એક કેમ કરવા તે જ પહેલી પ્રાથમિકતા હતી.
‘પિલિગ્રીમેજ ટૂ ફ્રીડમ’ નામના પુસ્તકમાં મુનશી એક ઠેકાણે લખે છે, “સન 1947માં હું અને સરદાર પટેલ જી.ડી. બિરલાન મહેમાન બન્યા હતા. સરદાર પટેલ રોજ સવારે ચાલવા જતી વેળા દરમિયાન અનેક વિષયો પર વાત કરતા હતા. એવી જ એક સવારે સરદાર પટેલે મને ચીઢવતા હોય તેમ કહ્યું હતું, ‘અખંડ હિન્દુસ્તાની, મારી વાત સાંભળ! અમે હવે ભારતનું વિભાજન કરવાના છીએ.’ લાગતું હતું કે તેઓ કોઈ સંમેલનમાં ભાગ લઈને આવ્યા હતા. મને ધક્કો લાગ્યો હતો.”
1942માં, મુનશીએ “અખંડ હિન્દુસ્તાન” શીર્ષક હેઠળ એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. તેમાં 1938થી તેમણે જે લેખો લખ્યા હતા, ભાષણો આપ્યાં હતા તેનો સંગ્રહ હતો. “અખંડ હિન્દુસ્તાન”નો તેમનો વિચાર એ માન્યતામાંથી આવ્યો હતો કે મુસ્લિમો ક્યારે ય ભારતનું વિભાજન નહીં થવા દે. પુસ્તકમાં મુનશી એક ટુચકા સાથે તેમની વાત લખે છે :
ભૂતોથી ભરેલા એક ઘરમાં, ભયભીત રહેવાસીઓ રોજ રાતે એક પિશાચી અવાજ સાંભળતાં : “હું આવું છું! હું આવું છું!”
રહેવાસીઓ એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે બ્રાહ્મણને બોલાવીને પૂજા કરી. આવડે એટલી બાધાઓ રાખી. ભૂવાઓ પાછળ પૈસા ખર્ચ્યા.
કોઈ સુધારો ન થયો. બાર વાગે અને પિશાચી અવાજ આવે, “હું આવું છું! હું આવું છું!” અને રહેવાસીઓ તેમના ખાટલામાં ધ્રુજતા રહેતાં.
એક રાતે, ઘરના એક સભ્યની ધીરજ ખૂટી ગઈ. જ્યારે ભૂતે કહ્યું કે “હું આવું છું!” એટલે પેલાએ ચાદર ફગાવી દીધી અને ફાનસ સળગાવીને સામે બૂમ પાડી, “આવ, તારામાં તાકાત હોય તો!”
એ દિવસથી ભૂત કાયમ માટે ઘર છોડી ગયું.
મુનશી લખે છે, “આપણને વારંવાર કહેવામાં આવે છે કે ભારતના ટુકડા કરવા જોઈએ. આપણે જો આ વાત ના માનીએ તો ગંભીર પરિણામોને ધમકી આપવામાં આવે છે. ભૂતાવળવાળા ઘરના રહેવાસીની જેમ, આનો એક જ જવાબ હોય. એ જવાબ રાજેન્દ્ર બાબુએ તાજેતરમાં આપ્યો હતો : ભારત એક છે અને એક રહેશે.”
ભારત કેમ એક રહેશે તેનાં મુનશીએ છ કારણ આપ્યાં હતાં : એક, મુસ્લિમો વિભાજનનો સ્વીકાર નહીં કરે. બે, હિંદુઓ તેમાં ક્યારે ય સહમત નહીં થાય. ત્રણ, રાષ્ટ્રવાદી ભારતની એ માંગણી નથી. ચાર, ભારતીય રાજ્ય, સમગ્રતયા, એમાં વશ નહીં થાય. પાંચ, બ્રિટિશરો એમાં ભાગીદાર નહીં બને, અને છ, વૈશ્વિક સ્થિતિ તેવું થવા નહીં દે.
બદનસીબે, ઘર છોડી ગયેલું એ ભૂત રાક્ષસ બનીને પાછુ આવ્યું હતું અને ઘરનું વિભાજન કરી રહ્યું હતું.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર