Opinion Magazine
Number of visits: 10,398,752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—367

દીપક મહેતા|Opinion - Opinion|21 November 2026

ગુજરાતી હાસ્યલેખકોના ગ્રુપ ફોટામાં લોંગ કોટ પહેરીને ઊભેલા એકમાત્ર લેખક જ્યોતીન્દ્ર દવે 

 “મુંબઈમાં એવાં ઊંચાં મકાનો છે કે અગાશીએ પહોંચતાં બે દિવસ થાય. પણ કેટલાંક મકાનમાં જાદુગર રહેતા હોય છે. તે આપણને એક સ્ટૂલ પર બેસાડીને અડધી મિનિટમાં અગાશીએ લઈ જાય છે. મુંબઈમાં ચોપાટી કરીને એક જગા છે, જ્યાં જમીન પરની રેતીમાંથી પૂરી ને બટાકા નીકળે છે, અને મુંબઈનો રાજા દરરોજ સાંજે પોતાની વહુ સાથે આવીને ચોપાટી પરની રેતીમાંથી પૂરી ને બટાકા વીણી કાઢી તે ખાય છે, અને ત્યાં આવેલા નાના છોકરાઓને તેમાંથી થોડો ભાગ આપે છે. મુંબઈના રસ્તાઓ એટલા લિસ્સા હોય છે કે ત્યાં ટ્રામ નામની ગાડી દોડે છે, તેને ઘોડા કે બળદની પણ જરૂર પડતી નથી. પોતાની મેળે જ એ રસ્તા પરથી સરી જાય છે. મુંબઈમાં કોઈ દહાડો રાત પડતી જ નથી. સૂરજ આથમે એટલે દરેક માણસ પોતાના ઘરમાં કૈંક ચાંપ દાબે છે, એટલે એની મેળે સૂરજ જેટલું જ તેજ બધે પથરાઈ જાય છે. મુંબઈમાં મોટરો એટલી બધી છે કે દરરોજ પચાસ માણસો મોટર નીચે કચરાઈ જાય છે, અને માણસો પણ એટલા બધા છે કે એક વાર મોટર તળે કચરાયેલો માણસ બીજી વાર કચરાતો નથી. તો પણ દરરોજ મોટર તળે છુંદાવા માટે રોજ પચાસ માણસો મળી રહે છે. – નાનપણમાં મારા બાળમિત્રો પાસેથી તેમ જ અન્ય મનુષ્યો મારફત માહિતી ભેગી કરી તેમાં મારી કલ્પનાના રંગો પૂરી મુંબઈ વિષે મેં કૈક આ પ્રકારના ખ્યાલ બાંધ્યા હતા.”

આ શબ્દો જેમાં છપાયા છે તે પુસ્તક થોડા દિવસ પહેલાં લગભગ અકસ્માત હાથમાં આવ્યું. એના લેખક વિષે ઘણું જાણતો હતો, તેમનાં કેટલાંક પુસ્તકો વાંચીને ક્યારેક ખડખડાટ તો ક્યારેક જે છે જ નહિ એવી મૂછમાં હસ્યો હતો. પણ એ લેખકે એક આખું પુસ્તક મુંબઈ વિષે લખ્યું છે એની જાણ નહોતી. એ લેખક તે આપણી ભાષાના અનન્ય અને અદ્વિતીય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. અને યોગાનુયોગ તો જુઓ : જ્યોતીન્દ્રભાઈનો જન્મ ૧૯૦૧માં. આ વરસે એ ઘટનાને ૧૨૫ વરસ પૂરાં થયાં. હા, ગુજરાતી સાહિત્ય માટે જ્યોતીન્દ્રભાઈ એક અનન્ય હાસ્યકાર, અદ્ભુત વક્તા, નાટક, સંગીત, કાવ્યશાસ્ત્રના અઠંગ જાણકાર તો હતા જ. પણ સૌથી વધુ તો તેઓ એક ઘટના હતા. કોઈએ સાચું જ કહેલું કે ઘણા લોકો ‘મને હસવું આવે છે’ એમ કહેવાને બદલે ‘મને જ્યોતીન્દ્ર આવે છે’ એમ કહે છે. કવિ નર્મદની જેમ જન્મ સુરતમાં. ૨૧ ઓક્ટોબર ૧૯૦૧ના દિવસે. પણ જ્યોતીન્દ્રભાઈ ખીલ્યા અને ખૂલ્યા તે તો મુંબઈમાં. 

આપણા આ શહેરનું નામ ‘મુંબઈ’ કઈ રીતે પડ્યું? સાધારણ માન્યતા છે કે આ નામ પડ્યું મુંબાદેવી પરથી. પણ જ્યોતીન્દ્રભાઈ તદ્દન નવી જ વાત લઈ આવે છે. કહે છે: “સુરતા ને મુંબા નામની બે ગાયિકાઓ એક વાર મોગલ શહેનશાહના (અકબર, બાબર, કે હુમાયુ, કે બીજો કોઈ એ જાણવાની જરૂર નથી.) દરબારમાં આવી. શહેનશાહ પેટના દર્દથી પીડાતા હતા. અને વૈદ્ય અને હકિમોના ઉપચાર કરવા છતાં એમના પેટનું દર્દ મટતું નહોતું. સુરતાએ દીપક રાગ આરંભ્યો. દીપક રાગથી સાંભળનારના દિલમાં અગ્નિ પ્રગટે છે એમ સંગીત શાસ્ત્રના જાણકારો કહે છે. તે પ્રમાણે બાદશાહના દિલમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિ વધતો વધતો એમના પેટ સુધી પહોંચ્યો, ને તેણે મંદ પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કર્યો. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં બાદશાહનું પેટનું દર્દ મટી ગયું ને એણે ખુશ થઈ તે વેળા બીજા જ નામે ઓળખાતું શહેર સુરતાને ઇનામ તરીકે આપ્યું. એ સુરતાના નામ પરથી શહેરનું નામ સુરત પડ્યું. સુરતા તો પોતાને મળેલી જાગીરનો સહર્ષ સ્વીકાર કરી ચાલતી થઈ. પણ આ તરફ બાદશાહના દિલમાં લાગેલી આગ કોઈ પણ ઉપાયે હોલવાઈ નહિ. બરફ નાખેલા પાણીની એક ગાગર એણે પૂરી કરી તોયે. ત્યારે મુંબાએ બાદશાહ સમક્ષ બેસી મલ્હાર રાગનો આરંભ કર્યો. પહેલા જ આલાપ સાથે બાદશાહના દિલમાંથી નીકળતો ધૂમાડો બંધ થયો. બીજા આલાપે અગ્નિ ઠંડો થયો, ને પછી તો એના દિલમાં ઠંડક ઠંડક થઈ રહી. આ અપૂર્વ ચમત્કાર જોઈ બાદશાહે રાજી થઈ જઈ સુરતની દક્ષિણે આવેલું આખું જંગલ મુંબાને જાગીર તરીકે આપી દીધું. મુંબાએ જઈને એ જંગલી પ્રાણીઓને પોતાના સંગીતથી મુગ્ધ કરી વશ કર્યાં અને પછી પોતાના રૂપથી જાતજાતના પુરુષોને આકર્ષી સ્થિર કર્યા અને ધીરે ધીરે એ જંગલ મટી સમૃદ્ધ શહેર બન્યું. મુંબા ઉપરથી એનું નામ ‘મુંબાઈ’ પડ્યું. સુરત ને મુંબઈમાં આજે પણ સંગીત વગેરે લલિત કલાનો જે શોખ જોવામાં આવે છે, તે સુરતા ને મુંબા તથા એની જોડે આવેલી બહેનપણીઓને જ આભારી છે.” છે ને મજા પડે એવી વાત!

આ પુસ્તક લખાયું ત્યારે મુંબઈમાં જે વાહનો હતાં એ અંગે જ્યોતીન્દ્રભાઈ લખે છે : “વાહનોની દુનિયામાં ટેક્સી તથા ગાડીનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. ખાનદાન, ધનાઢ્ય, ને કુલીન ગણાતા કુટુંબ સાથે એને સરખાવી શકાય. બસ સામાન્ય નોકરિયાત વર્ગ જેવી, ને ટ્રામ તથા ટ્રેન સમાજના નીચલા થર જેવી છે. ટેક્સી તથા ગાડી સ્વતંત્ર છે, એને કોઈ જાતનાં બંધન નડતાં નથી. એ સર્વત્ર વિચરી શકે છે ને એનો આશ્રય લેનારને, તેના પાકિટનો ભાર હલકો કરી, સ્વતંત્રતાનો સ્વાદ ચખાડે છે. બસને તો નિયત કરેલા માર્ગે જવાનું હોય છે ને પોતાને શરણે આવનારા પાસેથી નક્કી કરેલી રકમ કરતાં વધારે પૈસા એનાથી પડાવી શકાતા નથી. ટ્રામ ને ટ્રેનને પણ નક્કી કરેલા માર્ગે ને તે પણ પ્રણાલિકા સમાન પાટાને આધારે જ જવાનું હોય છે. હલકામાં હલકો મનુષ્ય પણ એની માલિકીનો દાવો કરી શકે છે. મુંબઈની ગાડીઓ બીજાં શહેરોની ગાડીઓ જેવી હોતી નથી. સગરામ, એક્કા, ઈત્યાદિ કનિષ્ઠ પ્રકારની ગાડીઓ બિલકુલ હોતી જ નથી, પણ બધી જ વિક્ટોરિયાઓ હોય છે. વિક્ટોરિયા નામ શા પરથી પડ્યું હશે તે વિષે ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ એક ગાડીવાળાના કહેવા પ્રમાણે વિક્ટોરિયા રાણી જ્યારે મુંબઈ આવેલાં (ક્યારે, તેની એને કે બીજા કોઈને ખબર નથી) ત્યારે આવી જ ગાડીમાં આખો વખત ફર્યાં હતાં. આ ઉપરથી એનું નામ વિક્ટોરિયા પડ્યું. પરંતુ મને લાગે છે કે વિક્ટોરિયા શબ્દ Victory પરથી આવેલો છે. વિક્ટોરિયા હાંકનારાઓ ઘરાક સાથે હંમેશાં લડતા જ હોય છે. અને એ લડાઈઓમાં વિજય એમને જ વરે છે. આથી એમના વાહનનું નામ ‘વિક્ટોરિયા’ રાખવામાં આવ્યું છે.

દાયકાઓ પહેલાંના, અને આજના મુંબઈગરાઓના જીવનમાં કાંઈ ફેર પડ્યો છે? આજની સ્થિતિ તો આપણે જાણીએ છીએ. દાયકાઓ પહેલાંની સ્થિતિ વિષે જ્યોતીન્દ્રભાઈ શું કહે છે? “મુંબઈમાં સહકુટુંબ રહેનારાઓ પણ કેટલાક એવા હોય છે જેમને કુટુંબ સાથે પા કલાક વાતચિત કરવાનો વખત અઠવાડિયામાં ભાગ્યે જ એક વાર મળી શકે છે. પરામાં રહેતા એક સદ્ગૃહસ્થને તો ક્યાં ય સુધી તેમનો નાનો પુત્ર ઓળખતો ય નહોતો. તેઓ એક નાટક કંપનીના ભાગીદાર હતા અને તે ઉપરાંત રૂનો અને શેરનો સટ્ટો કરતા. સવારના વહેલા ઊઠીને કૈંક કાચુંકોરું ખાઈ લઈ, ચાર-પાંચ વર્ષનો છોકરો ઊઠે તે પહેલાં, એ રિહર્લસર માટે મુંબઈ ઊપડી જતા. ત્યાંથી શેર ને રૂના ભાવતાલની ખબર કાઢવા શેર બજારમાં તથા અન્યત્ર જતા. રાતે નાટકશાળામાં જતા અને છેલ્લી લોકલમાં ઘેર પાછા ફરતા. એ પાછા આવે એ પહેલાં એમનો પુત્ર ઊંઘી ગયો હોય. રવિવારે, અને ખેલ ન હોય એવા દિવસે – મંગળ અને ગુરુવારે – છોકરો એમને જોઈ શકતો. અને એ એમને અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આવી જનારા પરોણા માનતો.” 

જ્યોતીન્દ્રભાઈએ મુંબઈના લોકોની વાત કરી છે તેમ તેનાં જાણીતાં સ્થળોની વાત પણ કરી છે. રાજાબાઈ ટાવર વિષે કહે છે : “આનું નામ ટાવર છે, પણ સ્થાપત્યકલાના અભ્યાસીઓ કહે છે કે મૂળ એ મિનારો હતો. મોગલ બાદશાહના જમાનામાં કુતુબ મિનારની સ્પર્ધામાં એની રચના કરવામાં આવી હતી. પણ પાલખ બાંધવા માટે લાકડાં પૂરતા પ્રમાણમાં ન મળવાથી એની રચના અધવચ્ચેથી અટકાવવી પડી. ત્યાર પછી મુંબઈના રાજાના હાથમાં એ આવ્યો ને તેણે એનો ઉપયોગ સ્ત્રી-કેદીઓને રાખવા માટે કર્યો. એ ઉપરથી એનું નામ રાજાબાઈ ટાવર પડ્યું. ટાવર ઓફ લંડનમાં જેમ રાજકેદીઓ રાખવામાં આવતા, તેમ આ ટાવરમાં પણ બાઈકેદીઓને પૂરવામાં આવતી.” 

પણ હવે વધારે વખત મુંબઈ વિશેના આ પુસ્તકની માહિતીને પૂરી રાખી શકાય નહિ. જ્યોતીન્દ્રભાઈના હાસ્યલેખો ‘રંગતરંગ’ નામના પુસ્તકના છ ભાગમાં પ્રગટ થયેલા. તેમાંના ચોથા ભાગમાંના બધા લેખો મુંબઈને કેન્દ્રમાં રાખીને લખાયેલા છે. આ પુસ્તક ૧૯૪૧મા પહેલી વાર છપાયું હતું. તે પછી ફરી છપાયું હોય તેવું જાણવા મળતું નથી. કોઈ લાયબ્રેરીમાંથી ભૂલેચૂકે મળી જાય તો હે પ્રિય વાચક! તમે પણ અમારી સાથે ગાજો :

‘છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ!’  

*

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ કવિ કોણ એવા સવાલના જવાબરૂપે આપણી સામે એક કરતાં વધુ નામ આવે. શ્રેષ્ઠ નવલકથાકાર કોણ, શ્રેષ્ઠ વાર્તાકાર કોણ એવા પ્રશ્નોના જવાબ અંગે પણ એકમતિ સધાવી મુશ્કેલ. પણ ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ હાસ્યકાર કોણ એવા સવાલનો માત્ર એક જ જવાબ હોઈ શકે : જ્યોતીન્દ્ર દવે. ૧૯૦૧ના ઓક્ટોબરની ૨૧મી તારીખે હરિહરશંકર દવે અને ધનવિદ્યાગૌરીને ઘરે જ્યોતીન્દ્રભાઈનો જન્મ થયો. તે પહેલાં જન્મેલો કોઈ ગુજરાતી હાસ્યકાર જ્યોતીન્દ્રભાઈની બરોબરી કરી શકે તેમ નથી અને ૧૯૮૦ના સપ્ટેમ્બરની ૧૦મી તારીખે જ્યોતીન્દ્રભાઈનું અવસાન થયું તે પછી પણ આજ સુધીમાં તેમની બરોબરી કરી શકે એવો બીજો કોઈ હાસ્ય-લેખક આપણી ભાષાએ જોયો-જાણ્યો નથી. જ્યોતીન્દ્રભાઈ આપણી ભાષાના અપૂર્વ હાસ્યકાર જ નહીં, અદ્વિતીય હાસ્યકાર પણ છે. 

ટૂંકી વાર્તાના લેખકો અંગે મેક્સિમ ગોર્કીએ કહેલું કે બધા વાર્તાકારો ગોગોલના ‘ઓવરકોટ’માંથી ટપકી પડ્યા છે. (‘ઓવરકોટ’ એ ગોગોલની એક પ્રખ્યાત વાર્તાનું નામ છે.) જ્યોતીન્દ્રભાઈ ઓવર કોટ તો નહિ, પણ જાહેરમાં હંમેશાં ‘લોંગ કોટ’ પહેરતા. એટલે તેમના અનુગામી હાસ્ય લેખકો માટે આપણે કહી શકીએ કે એ બધા જ્યોતીન્દ્રભાઈના લોંગ કોટમાંથી ટપકી પડ્યા છે. ગુજરાતી ભાષાના સર્વકાલીન હાસ્યકારોનો એક ગ્રૂપ ફોટો પાડવાનો હોય તો તેમાં લોંગ કોટ પહેરીને ઊભા રહેવાનું માન એક માત્ર જ્યોતીન્દ્રભાઈને જ મળે. બાકીના બધા હાસ્યાકારોમાંથી કોઈએ હાફ કોટ, કોઈએ કફની-લેંઘો, અને થોડાકે તો હાફ પેન્ટ પહેરીને, તેમનાથી થોડે દૂર બેસવું પડે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 નવેમ્બર 2026

Loading

21 November 2026 Vipool Kalyani
← આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?

Search by

Opinion

  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?
  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !
  • બંધ મકાન
  • ૧૯૫૦ થી ૧૯૬૫ સુધીના વર્ષમાં જન્મેલાની આત્મકથા

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved