Opinion Magazine
Number of visits: 10,237,726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2,700ની દવાની MRP 27,000?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 October 2026

રવીન્દ્ર પારેખ

કેન્સર જેવી દવાના ભાવ જરા પણ લાજશરમ વગર 27,000 (MRP) રાખતાં દવા કંપનીઓની જાડી ચામડીને કંઇ થતું નથી. સુપ્રીમ કોર્ટે આ ધંધાને ‘ધોળા દિવસની લૂંટ’ અને ‘નરસંહાર’ ગણાવ્યો છે. એમ લાગે છે કે સામાન્ય માણસને જીવવાની જગ્યા ઘટતી આવે છે ને અમીરો જ જીવી શકે એવી વ્યવસ્થા અમલમાં આવી રહી છે. એક તરફ ચીજવસ્તુઓના ભાવ આકાશ ફાડીને ઉપર જઈ રહ્યા છે, ત્યાં કેન્સર જેવા રોગની 2,700ની દવાના 27,000 સુધી લૂંટવાની છૂટ ફાર્મા કંપનીઓને મળી રહી છે તે દર્દીનાં સંબંધીઓને વગર કેન્સરે મારી નાખનારી છે. 2,700ના 27,000ની જેમ એક કિસ્સો 6,500ના 65,00૦ વસૂલવાનો પણ પ્રકાશમાં આવ્યો છે. આ રીતે જીવન રક્ષક દવાઓની મહત્તમ કિંમત 10 ગણી વસૂલવામાં આવે તે લૂંટ જ પાયામાંથી ખોટી છે. કોઈ પણ દવાની MRP (મેક્સીમમ રિટેલ પ્રાઈસ) 10 ગણી સુધી વસૂલવાની છૂટ દવાની કંપનીઓને આપવાની હોય જ નહીં ને ! દસ ગણી કિંમત છપાય તો કોઈ પણ દસ ગણી રકમ વસૂલેને ! એટલી કિંમત છપાય જ નહીં તો કોઈ પણ દસ ગણી કિંમત વસૂલે કઈ રીતે? ખરેખર તો દસ ગણી કિંમત વસૂલવાનું કયાં ધોરણે થાય છે તેનો તાકીદે ખુલાસો થવો  ઘટે.

સુપ્રીમ કોર્ટે, 29 સપ્ટેમ્બરે કેન્સર સહિત આવશ્યક દવાઓના ભાવમાં, રિટેલર અને દર્દી વચ્ચે મોટો તફાવત જોઇને તેની ગંભીર નોંધ લીધી હતી. દવા રિટેલરને જે ભાવે મળે છે, તેની તુલનામાં દર્દી પાસેથી અનેક ગણો ભાવ વસૂલવો યોગ્ય નથી. આ મામલે સરકારનું અને સંબંધિત અધિકારીઓનું મૌન વધારે ભેદી છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે દવાઓ પર એક સમાન 16 ટકા માર્જિન રાખી શકાય કે કેમ તે અંગે સરકારને વિચારવા અને જવાબ આપવા કહ્યું છે. કોર્ટ દવાઓ વધુ સસ્તા ભાવે વેચી શકાય તે અંગેની દાખલ અરજીઓની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે એક કેન્સરની દવાનાં ઉદાહરણમાં જણાવ્યું હતું કે જે દવા રિટેલરને 2,700માં પડતી હોય તેના ગ્રાહક પાસેથી 27,000 વસૂલવાનું કોઈ રીતે વાજબી નથી. આ સંદર્ભે કોર્ટે સોંસરો સવાલ પૂછ્યો હતો કે વધારાની વસૂલાતી રકમ કોને મળે છે?

કેન્દ્ર તરફથી હાજર રહેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ મુદ્દે સરકાર યોગ્ય તે નિવેડો લાવશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આવા ભાવ વધારાનો લાભ ફાર્મા કંપનીઓને નહીં, પણ ખાનગી હોસ્પિટલોને મળતો હોય છે. એ સાચું હોય તો પણ MRP નક્કી કરવામાં થોડો પણ વિવેક દાખવવામાં આવે તો ખાનગી હોસ્પિટલો વધારાની રકમ વસૂલી જ કેમ શકે? ખાનગી હોસ્પિટલોનું બીજું વરવું પાસું તે દર્દીઓને તેમના કેમિસ્ટ પાસેથી જ દવા ખરીદાવવાના આગ્રહનું છે. બહારથી ઓછી કિંમતે મળતી દવાને બદલે પોતાને ત્યાંથી જ દવા ખરીદવાનો રખાતો આગ્રહ ભયંકર છે. આ રીતે બહારથી આવતી દવાની સારવારની કોઈ ગેરંટી ખાનગી હોસ્પિટલ આપતી નથી, પરિણામે દર્દી હોસ્પિટલની જ દવા ખરીદવા લાચાર બને છે. તેને એમ થઈ જાય છે કે બહારની દવાઓ સસ્તી છે એટલે ઓછી ગુણવત્તાની હશે. ધારો કે દર્દીઓનો ખર્ચ સરકાર ભરપાઈ કરે છે, તો તેવા કિસ્સામાં પણ વધારાનો બોજ તો કરદાતાઓ પર જ આવે છે ને એ રીતે તે સમાજના મોટા વર્ગને પ્રભાવિત કરે છે. ખાનગી હોસ્પિટલો કેવળ નફાકારક ધંધો કરી રહી છે.

એ પણ છે કે જે દવાઓની કિંમત સરકાર નક્કી કરે છે તેનો જથ્થો બજારમાં ઓછો છે ને જે દવાઓની કિંમત સરકાર નક્કી કરતી નથી, તેનો જથ્થો 80 ટકાથી પણ વધુ હોય છે. એ સ્થિતિમાં દવાઓના વસૂલાતા વધારાના ભાવ પર કડક નિયંત્રણ લાગુ થવું જોઈએ. આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે દવાઓના ભાવ વચ્ચેના મોટા તફાવત અંગે કડક ટકોર કરી જ હતી, પણ તે સંબંધિતોના બહેરા કાન પર  અથડાઈને રહી ગઈ હતી.

કોર્ટે દવાઓની કિંમતમાં પારદર્શિતા રખાય એવો આગ્રહ રાખ્યો છે, કારણ કે દર્દીઓને પોસાય તેવા ભાવનો મુદ્દો જનહિત સાથે જોડાયેલો છે. એ કહેવાની જરૂર નથી કે ઘણાં કુટુંબો દર્દીની તબિયત અંગે ચિંતામાં હોય છે ને દર્દીનું જીવન બચાવવા દાગીના કે ઘર સુદ્ધાં વેચી દે છે કે વધુ વ્યાજે ગિરવે મૂકતાં હોય છે. એ ટેન્શનમાં દસ ગણી મોંઘી દવાઓ એ ટેન્શનમાં ઉમેરો જ કરે છે. આ સ્થિતિમાં ભાવો કાગળમાં ન રહેતા તેનો ઝડપી અને અસરકારક અમલ થાય તે અનિવાર્ય છે.

સુપ્રીમમાં આવેલી દવાઓની કિંમત અને જેનેરિક દવાઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રીમમાં સુનાવણી થઈ છે. અરજીઓમાં દવાઓના ભાવ કડક નિયંત્રણમાં રહે કે નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી થાય તેવી અને દવાના સપ્લાયમાં વધારાના નફા ને રોકવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમે પૂછ્યું છે કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? કોર્પોરેટ કોઈને છોડતા નથી, મૃતદેહોને પણ નહીં ! કોર્ટે આ મામલે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અને તે આવે પછી જ કાર્યવાહી આગળ ચલાવવાની વાત કરી છે.

સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના વાર્ષિક અહેવાલ (2025-2026) મુજબ 2024-2025માં ભારતમાં કેન્સર વિરોધી દવાઓનું વેચાણ 5,281 કરોડનું હતું. આ વેચાણ 2021-2022માં 3,382 કરોડ હતું. એટલે કે ત્રણ વર્ષમાં વેચાણ 56 ટકા વધ્યું. ફાર્મા સેકટરને તો આમાં કમાણીનો લાભ હશે, પણ કેન્સરનાં દર્દીઓ અને તેના સગાંસંબંધીઓને તો આ બધું જીવ પર આવતું હોય છે. દર્દીની ગંભીર બીમારીનો ને સ્નેહીજનોને મોંઘી દાટ દવાઓનો માર વેઠવાનો આવે છે. આમાં દર્દી અને તેનાં સગાંઓ કેમ ટકતા હશે, તે તો તેમનાં મન જ જાણતાં હશે.

2013ના DPCO (DRUG PRICE CONTROL ORDER) હેઠળ NLEM (NATIONAL LIST OF ESSENTIAL MEDICINES)માં સામેલ દવાઓની મહત્તમ કિંમત સરકાર નક્કી કરે છે. તેનાથી વધુ કિંમતે દવા વેચવી ગેરકાયદેસર છે. તે હોય જ ને ! 2,700ની દવાની MRP જ 27,000 નક્કી થઈ હોય તો વધારે કોણ લેવાનું હતું? પણ ગેરકાયદેસર એ પણ હોવું જોઈએ કે કોઈ પણ રીતે 2,700ની MRP 27,000 હોવી જ ન જોઈએ. ખોટું કંઇ હોય તો તે એ છે. સુપ્રીમે એ જ મુદ્દે સવાલ પણ ઉઠાવ્યો હતો કે આવી 2,700ની દસ ગણી કિંમત નક્કી કરવાની મંજૂરી આપી જ કઈ રીતે શકાય? ખાનગી હોસ્પિટલો તો વધારે લે, પણ એ લેવાની છૂટ MRP દ્વારા સરકાર જ આપે છે. આમ તો IV સેટની કિંમત 15-16 રૂપિયા જ છે, પણ તેની MRP ૩૦૦થી 350 રૂપિયા છે ને મોટી હોસ્પિટલો તો MRP હોય એ જ વસૂલે છે. આ કિંમત 20 ગણીથી વધુ છે ને તેની કોઈને નાનમ લાગતી નથી. સોંસરો સવાલ તો એ છે કે આવી વાહિયાત MRP નક્કી જ શું કામ થવી જોઈએ? કોઈ પણ રીતે MRP નક્કી કરવાની પદ્ધતિ જ બદલાવી જોઈએ. આરોગ્ય મંત્રાલય કિંમતને ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓની યાદી બનાવે છે. જે દવા એ યાદીમાં નથી હોતી તે દવાની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ ઓછું છે. એ પણ ખોટું છે. અમુક દવાઓ પર સરકારનું નિયંત્રણ હોય તો બધી દવાઓ પર કેમ ન હોય? એવી દવા કંપનીઓને વધારે રકમ લૂંટવાની છૂટ સરકારે શું કામ આપવી જોઈએ?

એક બાબત બહુ સ્પષ્ટ છે કે સાધારણ માંદગીને થોડી વાર બાજુ પર મૂકીએ, તો સૌથી વધુ સહાનુભૂતિ અને મદદની જરૂર સાધારણ ઘરનાં કેન્સરનાં દર્દીને છે. આમ પણ તેનું જીવન આશાને કોઈ તાંતણે બંધાયેલું હોય ને એ તાંતણો ગમે ત્યારે તૂટે એવી સ્થિતિ હોય, ત્યાં હોસ્પિટલ, ફાર્મા કંપનીઓ શરમ છોડીને લૂંટતી હોય તો તે વ્યક્તિ જીવશે કઈ રીતે? આમાં તો એ વહેલો મરી જશે. આ આઘાતજનક છે. સવાલ તો એ થાય કે આ જગત માણસાઈ વગરનું કેમ થવા લાગ્યું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑક્ટોબર 2026

Loading

2 October 2026 Vipool Kalyani
← ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
વર્તુળ અને વમળ →

Search by

Opinion

  • ઈકો ફ્રેન્ડલી તહેવારો ઊજવતાં શીખીએ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • વર્તુળ અને વમળ
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
  • ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved