Opinion Magazine
Number of visits:
10181118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક અમારા માટે સામાજિક પરિવર્તનનું સાધન છે’ — મહેન્દ્ર મેઘાણી 

સોનલ પરીખ|Opinion - Opinion|11 September 2026

‘અમુક માણસો પોતાના પરિવેશ અને સંદર્ભોમાં પુરાયેલા નથી હોતા. મને તેવા થવું ગમે. લોકો વાંચે, વિચારે, અમલમાં મૂકે, ને તેમના ચિત્તમાં સ્થાયી પરિવર્તન આવે એવાં પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હતો. લોકોનો આભાર કે મનગમતું કામ માનભેર કરવા દીધું અને રોટલા પણ આપ્યા.’ 

 — મહેન્દ્ર મેઘાણી 

મહેન્દ્ર મેઘાણી

છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવોએ આપણને ફરી એક વાર વિચારતા અથવા તો વિચારશૂન્ય કરી મૂક્યા છે ત્યારે યાદ આવે છે એક વિધાન, ‘આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી અને ઘણી વાર યોગ્ય વાચનની ગેરહાજરીમાંથી આવી વિચારશૂન્યતા પેદા થાય છે.’ વિચાર-વાચન પરની આ અનન્ય શ્રદ્ધા અને ‘છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઇ ગઇ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે?’ આ અનન્ય નિસબત પુસ્તક-ઋષિ મહેન્દ્ર મેઘાણી સિવાય કોનાં હોઈ શકે? મહેન્દ્ર મેઘાણીની ચિરવિદાયને 3 ઑગસ્ટે ચાર વર્ષ થશે. તેઓ માનતા કે પુસ્તકો માણસનું સંસ્કારઘડતર કરે છે. નાગરિક જાગૃત બને એ માટે તેમણે રાજકારણ અને લોકશાહી વિશે સામાન્ય જ્ઞાન આપતી પુસ્તિકાઓ મફત વહેંચી હતી. ‘લોકમિલાપ’ સંસ્થા દ્વારા ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે સસ્તું અને શ્રેષ્ઠ વાચન લોકો સુધી પહોંચાડવાના કાર્યને તેઓ ‘પુણ્યનો વેપાર’ ગણાવતા હતા. 

મહેન્દ્ર મેઘાણી એક નામ નહોતા, એક વ્યક્તિ નહોતા. એમને માટે ‘વૈચારિક અભિયાન’ શબ્દો પણ ટૂંકા પડે. એમનો જન્મ 20 જૂન 1923માં મુંબઈમાં. 1942ની લડત વખતે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા, પણ ગાંધીજીની હાકલે ભણવાનું છોડ્યું. 1948માં અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનું ભણવા ન્યૂયૉર્ક ગયા ત્યારે ત્યાં પ્રકાશિત થતાં પુસ્તકો, તેની પ્રકાશિત થતાં પુસ્તકો, તેની પ્રકાશન-વિતરણ પદ્ધતિ અને ખાસ તો પુસ્તકો પ્રજા સુધી પહોંચે એવી વ્યવસ્થા સ્પર્શી ગયાં. ત્યારના અનુભવો તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’માં ‘અમેરિકાની અટારીએથી’ કટારમાં વર્ણવ્યા છે. 

ભારતના પહેલા પ્રજસત્તાક દિને, 26 જાન્યુઆરી 1950માં તેમણે ચોપાસની દુનિયા વિશે જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય એવા વાંચનની જરૂરિયાત પૂરી પાડવા ‘મિલાપ’ માસિકની શરૂઆત મુંબઈમાં કરી. ‘રિડર્સ ડાયજેસ્ટ’ના બરનું આવું સામયિક ભારતની બીજી કોઈ ભાષામાં બન્યું નથી. 23 વર્ષ સુધી ‘મિલાપ’ ચલાવ્યું, ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઑફ યંગ પીપલ કાર્યક્રમ અંતર્ગત દેશવિદેશના યુવાનો દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાન કર્યું. પ્રેસ ડેલિગેશનના સભ્ય તરીકે વડાપ્રધાન પંડિત નહેરુ સાથે રશિયા, પૉલેન્ડ અને યુગોસ્લોવિયા ગયા, 1969માં ગાંધી શતાબ્દી વર્ષમાં ‘ડિસ્કવરિંગ ઈન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કર્યો અને યુરોપ. અમેરિકા, આફ્રિકા, એશિયા અને ન્યૂઝિલેન્ડમાં પુસ્તકપ્રદર્શનો યોજ્યા. અંગ્રેજી પુસ્તકોના અનુવાદ, સંપાદનો કર્યા. પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા અવિરત અથાક પરિશ્રમ કર્યો ને પુસ્તકભંડાર, પુસ્તકમેળાઓ, બાલફિલ્મો જેવા અનેક ઉપક્રમો યોજ્યા. સમાજમાં સ્વતંત્ર વિચારસરણી અને બૌદ્ધિક અભિગમ વિકસાવવા લગભગ એકલે હાથે એમણે જે ગંજાવર કાર્ય કર્યું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છેલ્લાં વર્ષોમાં એમણે ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, ‘આપણો ઘરસંસાર’ ‘આપણાં બા’, અને ‘નહીં વીસરાતાં કાવ્યો’ જેવાં સંકલનો આપ્યાં અને ગાંધી-અવતરણોનું પુસ્તક ઉપરાંત ‘ઉત્તમ મેઘાણી’ સંપાદન પર કામ કર્યું. 

મહેન્દ્ર મેઘાણી સ્થૂળ દેહે આપણી વચ્ચે નથી, ત્યારે તેમના જ શબ્દોમાં તેમને મળવા અને શોધવાનો પ્રયત્ન કરીએ. હવે પછીના શબ્દો એમના છે : 

‘સમાજનો સડો જોઈ મને દુ:ખ થતું. પરિવર્તનના બે માર્ગ જગતે જોયા છે, બુલેટ અને બેલેટ. બુલેટના માર્ગે રશિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, પણ છ-સાત દાયકાથી વધારે ન ટક્યું. બેલેટનો માર્ગ – લોકશાહી – આઝાદી પછી ભારતે અપનાવ્યો, પણ આટલા દાયકામાં એ માર્ગે પરિવર્તન આવતું દેખાતું નથી. જો બુલેટના માર્ગે પરિવર્તન આવતું હોત તો હું મશીનગન લઈને ફરતો હોત. પણ મને સમજાયું કે પરિવર્તન આવે છે પ્રજાની નૈતિક તાકાતથી, લોકોના ચારિત્ર્યબળથી. આ પરિવર્તન લાવવાનું સાચું ને શ્રેષ્ઠ સાધન છે પુસ્તકો. લોકો વાંચે, વિચારે, અમલમાં મૂકે, ને તેમના ચિત્તમાં સ્થાયી પરિવર્તન આવે એવાં પુસ્તકો લોકો સુધી પહોંચાડવાના અમારા પ્રયત્નો તે “મિલાપ” અને “લોકમિલાપ”.

‘મારા પિતા ઝવેરચંદ મેઘાણીએ “ફૂલછાબ” બંધ થયું ત્યારે કર્મચારીઓના રોટલા બંધ ન થાય એ માટે પુસ્તિકાઓ છપાવવાનું શરૂ કરેલું. તેમાંની એક પુસ્તિકાનું નામ હતું “ધ્વજામિલાપ”. મને “મિલાપ” શબ્દ ગમી ગયો, એટલે જે સામયિક શરૂ કર્યું તેનું નામ રાખ્યું “મિલાપ”. પુસ્તકભંડાર દ્વારા જુદા જુદા દેશના લોકો નજીક આવે એવી ભાવના હતી એટલે તેનું નામ રાખ્યું “લોકમિલાપ”. પુસ્તક સુધી ન આવી શકે તેમના સુધી અમે થેલા ભરીને, સાઈકલ ચલાવીને પુસ્તકો લઈને ગયા. વાંચવાનું મુશ્કેલ લાગતું હોય એમને વાંચી સંભળાવ્યું. પચાસ જણ સાંભળશે તો પાંચ તો વિચારશે ને, આટલું થાય તો ય ઘણું. 

‘ગુજરાતી બોલનારી પ્રજા ત્યારે ચાર કરોડથી સહેજ વધુ હશે. એટલે કે એકાદ કરોડ કુટુંબો. તેમાંથી ફક્ત એક ટકાને, એટલે કે એકાદ લાખ કુટુંબોને સત્ત્વશીલ વાંચનની એક ચોપડી એકસામટી પહોંચાડવાનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન સાચું પાડવાનું પહેલું પગલું 1972ના આંતરરાષ્ટ્રીય પુસ્તકવર્ષમાં અમે ભર્યું. વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં અક્ષરજ્ઞાન, ટેકનોલોજી, વાંચન પાછળ થોડો ખર્ચ કરવાની વૃત્તિ આ બધું વધ્યું છતાં ગુજરાતી સાહિત્યનાં સારાં પુસ્તકોની આવૃત્તિ 500 કે 1000 નકલ સુધી જ સીમિત રહી હતી. ઓછી નકલોને લીધે પુસ્તકની કિંમત ઊંચી રહે અને પુસ્તકની કિંમત ઊંચી રહે એટલે એનું વેચાણ ઘટે. આ ચક્રને તોડીને ચાલુ બજારભાવ કરતાં ત્રીજાચોથા ભાગની કિંમતે હજારોની સંખ્યામાં પુસ્તકો બહાર પાડી વિશાળ વાચકવર્ગ સુધી પહોંચાડવા માટે એ વર્ષમાં અમે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો-નવલિકાઓ-લોકકથાઓનાં ત્રણ પુસ્તકનો સંપુટ “કસુંબીનો રંગ” બહાર પાડ્યો. બે મહિના પહેલા આગોતરા પૈસા આપનાર સૌને આ સંપુટ બજારભાવથી ચોથા ભાવે મળે. 35,000થી વધુ કુટુંબો અને સંસ્થાઓને આ સંપુટ પહોંચ્યો. ત્યાર પછી “આપણો સાહિત્યવારસો”ના પાંચ સંપુટો આ આગોતરા ગ્રાહક પદ્ધતિએ કર્યા. વાચકો જ અમારા વિતરકો બન્યા એટલે વિતરણનું જે 60 ટકા ખર્ચ, તે બચ્યું. પ્રકાશનખર્ચના 40 ટકામાં બે ટકા ઉમેરીને અમે પુસ્તકો વેચીએ. ખર્ચ કાઢતા જે બચે તેમાંથી નવાં પ્રકાશનો તૈયાર કરીએ. કરકસર, કુશળતા અને મહેનતથી અમે સારું ને સસ્તું વાંચન લોકો સુધી પહોંચાડ્યું. કાવ્યકોડિયાં, ખિસ્સાપોથીઓ, વાચનયાત્રાઓ, ગાંધીગંગા અને અન્ય અનેક પુસ્તકો પ્રગટ થયાં. 1998માં ‘ચંદનનાં ઝાડ’ની એક લાખ નકલ છપાઈ અને સ્વપ્ન સિદ્ધ થયું.  

‘લખાણો ચૂંટી, ટૂંકાવીને પસંદ કરવાનું મને ગમે છે. છાપભૂલો અને ગુણવત્તા બાબતે અમે ખૂબ ચોક્કસ છીએ. મારા ભાઈ જયંત મેઘાણીએ “રઢિયાળી રાત”માં છાપભૂલો રહી જતાં ગ્રંથ પાછો ખેંચી નવેસરથી ફરી પ્રગટ કર્યો હતો. એ જ રીતે મારા બીજા ભાઈ વિનોદ મેઘાણીએ અરવિંગ સ્ટોનના પુસ્તક “લસ્ટ ફૉર લાઈફ”નો અનુવાદ પ્રગટ કર્યો, ને પછી કાચો લાગવાથી આખો અનુવાદ ફરી કર્યો. 

‘બુકસેલર વેપારી તો છે, સાથે સાહિત્યસેવક, સાહિત્યના પ્રવાહોનો પરખંદો અને જ્ઞાનનો માળી પણ છે. જે ગામમાં આવો એકાદો તરવરિયો બુકસેલર નથી તે ગામ કુગ્રામ છે. જો બે શિક્ષિત યુવાનો મળીને કામ કરે તો પુસ્તકભંડાર ખોલવો ને માનભેર ગુજારો કરવો અઘરો નથી.

‘મને વહેલી સવારે ઊઠી ઘંટી ફેરવવાનો શોખ. નવા વિચારો મને દળતાં દળતાં આવે. મારા કુટુંબે મારું દળેલું અનાજ જ ખાધું છે. બહેનોને રોટલી બનાવવામાંથી મુક્તિ મળે એ માટે ઘઉંની બ્રેડ બનાવીને ઘેર ઘેર પહોંચાડવાનું કામ પણ મેં કર્યું છે.   

‘અમુક માણસો પોતાના પરિવેશ અને સંદર્ભોમાં પુરાયેલા નથી હોતા. મને તેવા થવું ગમે. વિનોબાજી કહેતા કે આપણે પરિવર્તન કરવા નીકળ્યા છીએ. લોકોએ આપણને એ કરવા દીધું ને પથરા મારી કાઢી ન મૂક્યા એ તેમનો પાડ. હું લોકોને ધન્યવાદ આપું છું કે અમને મનગમતું કામ માનભેર કરવા દીધું અને રોટલા પણ આપ્યા. હું મારા કામના આનંદમાં રહી મસ્તીથી જીવ્યો છું. ફરી જિંદગી મળે તો ફરી “મિલાપ” શરુ કરું.’

સ્વપ્ન જોતાં અને તેને સાકાર કરતાં શીખવનાર કર્મયોગી મહેન્દ્રભાઈ સ્વર્ગલોકમાં પુસ્તકમેળા નહીં ભરતા હોય?     

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઑગસ્ટ 2026

Loading

11 September 2026 Vipool Kalyani
← સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ટિકિટ રાખવાનું ઠીક નથી …

Search by

Opinion

  • સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ટિકિટ રાખવાનું ઠીક નથી …
  • વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે 
  • રાહુલ-જેન ઝી  વિ . ન.મો. પરિબળ : ઓસરતી કથા, ઊભરતું કથાનક 
  • અન્યાય એ જ ન્યાય?
  • અણગમો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved