Opinion Magazine
Number of visits: 10039139
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જંતરમંતરથી ડંકેકી ચોટ : “રૈયત’ નથી, ‘મરદ’ છીએ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 July 2026

ગાંધીનેહરુપટેલ પછી જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંય પર આજની છાત્રયુવા પેઢી હવે ગાંધી, આંબેડકર અને ભગતસિંહની હોઈ શકતી એકંદરમતીએ હુલસે છે 

પ્રકાશ ન. શાહ

આપણે ત્યાં સામાન્યપણે બાર વરસના ગાળાને તપ કહેવાનો ચાલ છે. વિદુષી કંગના રણૌતના જ્ઞાનગંભીર અવગાહન અને અવલોકન અનુસાર મોદી ભા.જ.પ.ની દિલ્હી પ્રતિષ્ઠા સાથે 2014માં આપણે સ્વતંત્ર થયા છીએ. હવે એનાં બારે વર્ષે શું અનુભવાય છે વારુ.કથિત સ્વતંત્રતાનાં ઝાંવાં અને ઝાંઝવાંને વીંધતી છાત્રયુવા શક્તિએ જંતરમંતરના જગન અને જશન સાથે નવી આશા જગવી છે. કદાચ, એ આ તપગાળાને આભારી છે. સ્વાભાવિક જ એનો મરમ ને માયનો પામવા સારુ આપણે રામ માધવથી માંડીને બી.જે.પી. આઇ.ટી. સેલના અમિત માલવીય (મધુ કિશ્વરના શબ્દોમાં પોર્ન પૅડલર), નિશિકાંત દુબે અને કંગના રણૌત સરખી પ્રતિભાઓને લાંઘીને બીજે કશેક જવું પડશે.

આ બીજે કશેક તે ક્યાં અને શું .બીજે ક્યાં વળી, ગાંધી પાસે સ્તો. એમણે થોરોને ગુજરાતીમાં ઉતાર્યો, આફ્રિકા બેઠે બેઠે, શતાધિક વર્ષ થઇ ગયાં એ વાતને. એમણે આપેલ સાર પ્રમાણે થોરો કહે છે કે પહેલાં આપણે “મરદ” છીએ, અને પછી “રૈયત”. જૂનું ગુજરાતી જરી સમુંનમું કરીને વાંચીએ તો પહેલપ્રથમ તો આપણે નાગરિક છીએ, અને પછી રૈયત એટલે કે ચૂંટાયેલ અગર બિનચુંટાયેલ સરકાર તળે સબ્જેક્ટ લોક. કમાલ તો કરી’તી મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને જ્યારે એમણે  કહ્યું કે હું પ્રજાતંત્ર જેવા પ્રયોગને બદલે જનતંત્ર જેવો પ્રયોગ પસંદ કરું છું; કેમ કે આ લોકશાહી એ લોકે જનમવાની નહિ  પણ લોકે ખુદ સરકારને જણવાની શાહી છે. જંતરમંતરની સ્વાતિક્ષણે જે મોતી પાક્યું જુલાઈ ઊતરતે તે આ હતું અને છે: સોફિસ્ટ્રી, ડેમેગોગીથી માંડીને – અને હમણેના ગાળામાં તો મતાંકન અને સીમાંકનની તદબીરથી ને અન્યથા નાગરિકને ધરાર રૈયત બનાવવાનો ઉદ્યમ ચાલે છે અને એમાં કોઈ ફૅક્ટરી એકટને અવકાશ નથી. હર સુબહશામ તેરા નામ ઓર કામ તમામ એ પેલું જાથુકી હિંદુમુસ્લિમવાળું ક્યાં મૂવું, દઈ જાણે !

આ જેન ઝી બાટલી માંહેલા જીન પેઠે ક્યાંથી પ્રગટ થયો, સત્તા વિમાસે છે. ભલા ભાઈ, ઔરસ કહો કે અનૌરસ – તમારું જ સંતાન છે એ. પૌગણ્ડ ને પુખ્ત વરસો તમે તો જેમાં અફીણની કટકી હોય એવું ખાસ તરેહનું અવલેહ અગર બાલામૃત લઈને ઉછર્યા અને 1992 પછીનાં  વર્ષોમાં ને 2014થી શરૂ થયેલ ખાસંખાસ સંવત સાથે તમારાં સંતાનો સમાજમાં વયપ્રાપ્ત મુકામશોધમાં  પડ્યાં ત્યારે પેલી સોફિસ્ટ્રી અને ડેમેગોગી પાસે ન કોઈ અવેજ, ન કોઈ ઉગાર. એમની  મૂંઝવણ અને મથામણ બધી બચાડી માથાપછાડ. અને રાજ ? હવે નિરુત્તર ,પણ જોરજુલમનો પરવાનો છે, એ કંઈ ઓછું છે? એક રીતે જુઓ તો ખુલ્લા આકાશ તળે અને મા ધરતીને ખોળે જે વિસ્ફોટ ખુલ્લાણમાં આવ્યો તે.

આપણા ઘરપરિવારની ડ્રોઈંગરૂમ બેઠકોમાં અગાઉની બાલામૃત પેઢી અને નવ્ય કૉલેજિયન પેઢી વચ્ચેની મનોવૈજ્ઞાનિક તાણમાંથી – અને એમાંથી સંઘસ્થાનો પર ઉછરેલ આગલી પેઢીનાં સંતાનો પણ સર્વથા બાકાત નથી અગર આજે ઉપર ટપકે  તેમ ન જણાતું હોય  તો પણ આગળ ચાલતાં એ બાકાત રહી શકવાનાં નથી.

લાલબાલપાલ, ગાંધીનેહરુપટેલ એ ત્રિપુટીઓનું સ્થાન હવે કદાચ ગાંધી આંબેડકર ભગતસિંહે  લીધું છે. નવાઈ લાગે પણ આ સંક્રાંતિ જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંયને આભારી છે. અલબત્ત આ એક વચગાળાનું અવલોકન છે, પણ થોડાં વરસ પર ગુજરાતના પાટીદાર આંદોલનમાં જે રીતે સરદારથી માંડી ખાસ તો ભગતસિંહ જેવાં નામો ઉછળ્યાં હતાં એવું ને એટલું વણવિચાર્યું  એ અલબત્ત નથી તે નથી.

સત્તા-પ્રતિષ્ઠાન રાષ્ટ્રજીવનની આ જંતરમંતર ક્ષણે કેવળ કિંકર્તવ્યમૂઢ વરતાયું છે. દમન એ કોઈ પણ હાકેમને તરત સૂઝતો રસ્તો છે. એમાં નાકામ રહી મંત્રીને પડતા મૂક્યા ત્યારે બહાદુરીપૂર્વક મકર દ્વારે ફૂલેકું ચઢાવ્યું. રાજીનામાનો પત્ર તો લગારે પશ્ચાત્તાપ વગરનું જાહેરનામું જાણે. બદલીબહાદુર પડમાં પધાર્યા એ વળી બળાત્કારીના પોંખણે પાવન. થોડાં વરસ પર જે.એન.યુ. ફતેહ કર્યા પછી માંહ્યરામાં કન્યા પેઠે મસમોટી તોપ પધરાવી હતી તે સાંભરે છે ને?

બુધવારે ઢળતી બપોરે આ લખી રહ્યો છું ત્યારે જંતરમંતરનો પરચો જોઉં છું કે બે તૃતીયાંશ બહુમતીનો દાવ પાછો પડ્યો છે … આગે આગે ગોરખ જાગે!

29 જુલાઈ 2026 
prakash.nireekshak@gmail.com

Loading

30 July 2026 Vipool Kalyani
← અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’
વહુઘેલો →

Search by

Opinion

  • બરસાત મેં ….
  • વહુઘેલો
  • અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’
  • ભીંત અને છતનું સત 
  • કરકસર કરવાથી વર્તમાન આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved