Opinion Magazine
Number of visits: 10027429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2026

રવીન્દ્ર પારેખ

સોનમ વાંગચુકનું અનશન ઘણે વખતે ધર્મેન્દ્ર પ્રધાનના ત્યાગપત્રનું કારણ બન્યું છે. એમાં કોક્રોચ જનતા પાર્ટી(CJP)નાં ધીમે ધીમે વધતાં વર્ચસ્વે પરિણામ સુધી વાત પહોંચાડવાનું કામ પણ કર્યું ને મોડે મોડે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. એક રીતે તો એ રાજીનામું, નારાજીનામું પણ છે, કારણ સરકારને એમાં ઝૂકવાનું થયું છે. પ્રયત્નો તો ન ઝૂકવાના જ હતા, પણ આંદોલન CJP પૂરતું સીમિત ન રહ્યું ને તે જનઆંદોલનમાં ફેરવાયું, એટલે સરકારને ઝૂકવા સિવાય બીજો ઈલાજ ન રહ્યો. બાકી, હતું તે પોલીસે પૂરું કર્યું. આડેધડ લાઠીચાર્જ અને ટીયરગેસના હુમલાઓ વચ્ચે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું, એટલે પણ સામાન્ય લોકો ઉશ્કેરાયા ને દેશભરમાં વિરોધનો લોકજુવાળ ઊઠ્યો ને એમ વાત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સુધી આવી. આ આંદોલન કોઈ પક્ષ, વિપક્ષનું આંદોલન ન રહેતાં સર્વવ્યાપી જન આંદોલન બન્યું ને તેણે પરિણામ આપ્યું. એવું નથી કે નીટની પરીક્ષા જ પ્રધાનનાં રાજીનામાનું પ્રધાન કારણ હતું, પ્રધાન સામે બીજા પણ વાંધા હતા. 2024માં 18મી લોકસભાની રચના સમયે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષે નીટ અને શેઇમ શેઈમના નારા લગાવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળ દરમિયાન બે વખત નીટ-યુ.જી. પરીક્ષા અને ગ્રેસ માર્ક્સ સંદર્ભે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયાં હતાં. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ને સી.બી.આઈ. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ને તેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના વડાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પેપર લીક થતાં 12 મે, 2026ને રોજ પરીક્ષા રદ્દ કરવામાં આવી. તે પછી 21 જૂનને રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરી પરીક્ષા લેવામાં આવી. CJPએ આ મુદ્દે જંતર મંતર પર 36 દિવસ સુધી  વિરોધ પ્રદર્શન કર્યું. જૂન, 2024માં UGC NET પરીક્ષા પણ પેપર લીક થવાથી રદ્દ થઈ હતી. પ્રશ્નપત્ર ટેલિગ્રામ અને ડાર્ક વેબ દ્વારા લીક થયું હતું. આ બનાવે NTAની વિશ્વસનીયતા પર ઘણાં પ્રશ્નો ઊભા કર્યા. NTAની કામગીરી સતત વિવાદોમાં ઘેરાયેલી રહી. પ્રક્રિયામાં સુધાર લાવવા ઘણી સમિતિઓ રચાઈ, પણ વિવાદો હજી ઉકેલાયા નથી.

2026માં CBSEએ 12 ધોરણની પરીક્ષા માટે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરી. તેમાં નબળી સ્કેનિંગ ગુણવત્તા ને ટેકનિકલ સમસ્યાઓને લગતા મુદ્દાઓનો વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિરોધ કર્યો. ખાસ કરીને નવી શિક્ષણ નીતિના ત્રિભાષી આગ્રહને લીધે તમિલનાડુમાં ભારે વિવાદ થયો. તત્કાલીન મુખ્ય મંત્રી સ્ટેલિને કેન્દ્ર સરકાર પર હિન્દી થોપવાનો આરોપ મૂક્યો. ધર્મેન્દ્ર પ્રધાને આ આરોપોને ફગાવી દીધાં ને ઉમેર્યું કે આ નીતિ ભાષા વૈવિધ્યને પ્રોત્સાહિત કરવાની છે. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સામસામે આવી ગયા.

એક વિવાદ NCERT પુસ્તકોમાં ફેરફારનો પણ ઊભો થયો. આ પુસ્તકોમાંથી મુગલ ઇતિહાસ, 2002ના ગુજરાત રમખાણો જેવા ઘણાં વિભાગો દૂર કરવામાં આવ્યા. સરકારે બોજ ઘટાડવા આવું કર્યું હોવાનું કહ્યું, પણ હકીકતે તો એ ઇતિહાસનું રાજકારણ જ છે. મુગલોનો પાઠ દૂર કરવાથી મુગલોએ દેશ પર રાજ કર્યું એ હકીકત બદલી શકાય એમ છે? લાલકિલ્લો, તાજમહાલ તો છેને ! એ નથી એવું કેવી રીતે માનવું? ઇતિહાસમાં નવું ભલે ઉમેરાય, પણ જૂનું છે, તેને અવગણી શકાય નહીં. અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું તે વાતનો ઇનકાર થઇ શકે નહીં. ઇતિહાસ વધુ અધિકૃત બને તેનો વાંધો નથી, પણ કંઇ બન્યું  જ નથી એમ ભણાવવું ક્ષમ્ય નથી.

આ ઉપરાંત કુલપતિઓની નિમણૂકમાં બિન શૈક્ષણિક અને ઉદ્યોગની વ્યક્તિઓને કુલપતિ પદ માટે લાયક ઠેરવવાના પ્રયત્નો થયા ને એમ કરવામાં સાચા શિક્ષણવિદોની બાદબાકી કરવામાં આવી તે ઠીક ન થયું. ઉચ્ચ શિક્ષણમાં સમાનતાના નવા નિયમો દાખલ કરવામાં આવ્યા. અનેક અરજીઓની સુનાવણી કરતાં, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી, 2026માં એ નિયમોના અમલીકરણ પર રોક લગાવી અને જૂનાં નિયમોને જ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો. આ ને આવાં કારણોસર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની સ્થિતિમાં મુકાવું પડ્યું.

એમાં વેગ આવ્યો, આંદોલનકારીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો ત્યારથી. ડી.સી.પી. નકુમે પોતે જાહેરમાં 25થી વધુ વખત દંડા ફટકાર્યા, વાળ ખેંચ્યા, લાફા માર્યા ને તે હાલ મુક્ત છે. લોક લાગણી એવી છે કે ડી.સી.પી.ને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઉપરાંત 1997માં ધર્મેન્દ્ર પ્રધાનને કારણે ઓડિસાના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડેલું. આ બધું જોવાયું કે એમ જ સરકારે પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી તે નથી ખબર, પણ અનેક વિવાદોથી યુવાવર્ગ નારાજ હતો. આમ તો વિવાદોના સરવાળાએ પ્રધાન માટે રાજીનામાની ભૂમિકા રચી દીધી હતી. વધારામાં પોલીસ દમને દેશ આખાનું ધ્યાન ખેંચ્યું ને તે પછી પરિણામ ઝડપી આવ્યું. છાપ તો એવી પણ પડી છે કે ધર્મેન્દ્ર પ્રધાને વિરોધને લાઈટલી લીધો. જો કે, સરકારને ગંધ આવી ગઈ હતી કે મામલો ગંભીર છે ને તેણે ઝડપી પગલાં ભર્યાં.

હાલ તો પ્રહલાદ જોશીને પ્રધાનની જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો છે. સરકારે બધી માંગ સ્વીકારતાં ને એમ GEN-Zની જીત થતાં CJPએ આંદોલન સમેટી લીધું છે. વાંગચુકે પણ ઉપવાસ છોડતા અત્યારે તો બધું થાળે પડ્યું છે, પણ નીટ, CBSE, ત્રિભાષી ફોર્મ્યુલા જેવી બાબતોનો કોયડો ન ઉકેલાય ત્યાં સુધી GEN-Zએ જાગૃત રહેવાની જરૂર છે.

12 વર્ષમાં સરકાર ઝૂકતી નથી એ મિથ તૂટ્યું છે. એમાં નાનમ જેવું કઈ નથી. જ્યાં ઝૂકવું અનિવાર્ય થઈ પડે તો ઝૂકવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. સરકારે ઝડપી પગલાં લઈને એક દાખલો પણ બેસાડ્યો છે એ નાનીસૂની વાત નથી. નવા શિક્ષણ મંત્રીએ ડેમેજ કન્ટ્રોલ અંગે પણ વિચારવાનું રહે જ છે. સરકાર તમામ વિદ્યાર્થીઓ સામેનાં પોલીસ કેસ ખેંચવા સંમત થઈ છે. સરકારે પેપરલીક કરનારને 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ વસૂલવાની જાહેરાત કરી છે. આ કડક જાહેરાત વ્યવહારુ કેટલી રહે છે, તે આવનારો સમય કહેશે.

આમ તો 22 જુલાઈની રાત સુધી એવી હવા હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહિ આપે. એક તરફ આંદોલનકારીઓ આંદોલનનાં મૂડમાં હતા, એ દરમિયાન ભા.જ.પ.ના મંત્રીઓની અને સંઘ નેતાઓની એક ગુપ્ત બેઠક એવી યોજાઈ કે ભા.જ.પ.ના નેતાઓ જ એ બેઠકથી અજાણ હતા. રાતના સાડા દસ સુધી રાજીનામાની વાત ન હતી. જો કે, પ્રધાને રાજીનામું આપ્યું હોવાનો સરકારને લખેલો પત્ર જાહેર થઇ ચૂક્યો હતો, પણ તે ફેક છે એવા સમાચારોએ વાતને મોળી પાડી હતી. એમ લાગે છે કે 21 જુલાઈનો રાજીનામાનો એ પત્ર સાચો હતો. એક તબક્કે વડા પ્રધાન, પ્રધાનની તરફેણમાં હતા, પણ તેમના સિવાય સૌ કોઈ પ્રધાનનું રાજીનામું પડે એમ ઇચ્છતા હતા ને તેમનો વિજય થયો. બને કે વડા પ્રધાનને એમ હોય કે પ્રધાનનું રાજીનામું પડે તો બીજા મંત્રીઓના રાજીનામાં પણ મંગાય. એમ  ધારવું ખોટું છે ને વડા પ્રધાનને એવું કેમ છે કે બીજા મંત્રીઓનાં રાજીનામાં મંગાય? એવા પ્રધાનો હજી છે જે રાજીનામું આપવાને લાયક છે? તો વડા પ્રધાને જ સામે ચાલીને એનો સફાયો કરવો જોઈએ, એવું નહીં?

એ અત્યંત દુ:ખદ છે કે જેમના સંતાનો વિદેશ રહીને ભણે છે, તે મંત્રીઓ દેશના યુવાધનની ઉપેક્ષા કરે છે. વર્ષોથી શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્ર પ્રધાને શૈક્ષણિક સમસ્યાઓની એટલી ઉપેક્ષા કરી છે કે વિદ્યાર્થીઓને તેમના રાજીનામાની વાત ઉપેક્ષા કરવા જેવી લાગી નથી. એક બાબત તમામ મંત્રીઓએ સમજી લેવાની જરૂર છે અને તે આ દેશની પ્રજાને સમજવાની. આ પ્રજા બહુ વિરોધ કરવામાં માનતી નથી, પણ નીટની ને અન્ય પરીક્ષાઓ સંદર્ભે ચાલેલી ગેરરીતિઓ 22 વ્યક્તિને આત્મહત્યાની ફરજ પાડતી હોય તો પ્રજા માથું ફેરવે તેમાં નવાઈ નથી ને પછી મંત્રીઓ કે અધિકારીઓનું આવી બને છે. આ પ્રજા નક્કી કરે છે માથું ઊંચકવાનું તો તેને પછી કંઇ નડતું નથી ને તે પરિણામ મેળવીને જ રહે છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને આ પ્રજા ફગાવી શકતી હોય તો ભા.જ.પ.ને તો 12 જ વર્ષ થયાં છે. પ્રજા લાલચુ હશે, ભ્રષ્ટ હશે, હિંસક હશે, પણ તે રાજકારણ છે કે નથી એ જાણ્યા વગર પરિણામ મેળવે જ છે. તેને લાગે કે સત્તા પરિવર્તન અપેક્ષિત છે, તો કોઈ પણ સરકારનો ઘડો લાડવો કરી શકે છે. જેણે વિધાન સભ્ય કે સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યા છે, તેને ચૂંથવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો વિરોધ તીવ્ર હોય તો તે કેવો હોય તે પ્રધાનના વિરોધે સમજાવી દીધું છે.

ધાનનો ત્યાગ, પ્રધાનનો ત્યાગ પણ કરી શકે છે, આશા છે, સરકાર બીજા દાખલાઓ બેસાડવાની રાહ ન જુએ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જુલાઈ 2026

Loading

27 July 2026 Vipool Kalyani
← મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન   →

Search by

Opinion

  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?
  • ચલ મન મુંબઈ નગરી—351
  • યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ … 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved