
રવીન્દ્ર પારેખ
અત્યારે શિક્ષણને મામલે મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક પચીસેક દિવસથી ધરણા પર છે. અને કોક્રોચ જનતા પાર્ટી (CJP) દિલ્હીના જંતર મંતર પરથી વિરોધ પ્રદર્શિત કરવા સંસદ સુધી પહોંચી છે ને સાથે જ દેશભરમાંથી યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શિત કરવા જંતર મંતર પર પહોંચ્યાં છે. આ વિરોધમાં પોલીસે બેરહેમીથી લાઠી ચાર્જ કર્યો છે, તો સામે CJPએ પોલીસ પર પથ્થરમારો કર્યાના અહેવાલ પણ છે. નીટની એક્ઝામનું પેપર લીક થતાં ફરી પરીક્ષા માથે ઠોકાઈ. એના આઘાતમાં બાવીસેક છાત્રોએ આત્મહત્યા કરી, એમાં શિક્ષણતંત્ર કઈ હદે ખાડે ગયું છે તે વાત પડેલી છે. મધ્યમવર્ગીય જનતાનાં સંતાનો તનતોડ મહેનત કરે ને માબાપ એ આશામાં ખર્ચાતાં જ રહે છે કે સુખનો સૂરજ ઊગશે, પણ આટલું કર્યાં પછી પણ નોકરી ન હોય તો એ સ્થિતિ દુ:ખના પહાડ જેવી જ છે. આખા દેશનું શિક્ષણ તંત્ર બદથી બદતર થઈ રહ્યું હોય, તો કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નૈતિકતાને ધોરણે પણ રાજીનામું આપવું જોઈએ, એ ન અપાયું એટલે યુવા વર્ગે સંસદમાં એ માંગ પહોંચાડી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. રાજીનામું આપવાથી બધું સુધરી જ જાય એવું નથી, પણ કોઈકની તો જવાબદારી બનવી જોઈએ ને !
ન્યૂ એજ્યુકેશન પોલિસી મોટા ઉપાડે લાવવામાં તો આવી, પણ તેનો અમલ કરાવે એવા શિક્ષકો ને તંત્રો જ સક્રિય નથી, તો એ નીતિનો કોઈ મતલબ રહેતો નથી. એક અંદાજ મુજબ દેશની સરકારી શાળાઓમાં 10,00,0૦૦ (દસ લાખ) શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષકોને સરકારી પ્રવૃત્તિઓમાં જોતરી દેવાયા છે. કેટલાકને પરિપત્રોનો જવાબ આપવાની કે ડેટા પહોંચાડવાની કારકૂની સોંપાઈ છે. શિક્ષક વર્ગમાં જાય, તો નવી કે જૂની શિક્ષણ નીતિનાં પરિણામો જણાય ને ! પાયાનું પ્રાથમિક શિક્ષણ જ વિદ્યાર્થીઓ પામતા નથી ને તેનો મંત્રી સુધી કોઈને જ અફસોસ નથી. શિક્ષકો નિર્માલ્ય થઇ ગયા છે. તેમનો શિક્ષણને મામલે કોઈ અવાજ જ નથી. સંસ્થાઓ ખાનગી ને સરકારી એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. ખાનગીમાં શિક્ષકનું શોષણ થાય છે ને સરકારીમાં મજૂરી કરાવાય છે. આ સ્થિતિમાં શિક્ષણનો શતમુખી વિનિપાત ન થાય તો બીજું શું થાય?
એનું આશ્ચર્ય જ છે કે વસ્તી વધતી જતી હોય ને સરકારી સ્કૂલો ઘટતી જતી હોય ! આમ ન થવું જોઈએ, પણ થાય છે. એક સમયે ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, પણ આ સરકારે સરકારીકરણ ને ભૂંસતાં જઈને ખાનગીકરણનો મહિમા કર્યો છે. એ જ કારણ છે કે સરકારી સ્કૂલો બંધ થતી જાય છે ને ખાનગી સ્કૂલોને લાઈસન્સ અપાતાં જાય છે. સ્કૂલો બંધ થવા પાછળનું સરકાર કારણ એ આપે છે કે વિદ્યાર્થીઓ મળતા નથી. એ સાચું હોય તો ખાનગી સ્કૂલોને વિદ્યાર્થીઓ ક્યાંથી મળે છે? એક તરફ સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ને ચોપડાં, કપડાં, મધ્યાહ્ન ભોજન … વગેરેની સગવડ છે, છતાં બાળકોનાં એડમિશન મોંઘી ખાનગી સ્કૂલોમાં થાય છે, તે પરથી પણ સમજી શકાશે કે સરકારી સ્કૂલો એવું તે કેવું કથળેલું શિક્ષણ આપે છે કે ઓછી સગવડવાળી મોંઘી ખાનગી સ્કૂલોમાં એડમિશન વધુ થાય છે? એક અંદાજ મુજબ 1 લાખ સરકારી સ્કૂલો બંધ થઈ છે ને 43,૦૦૦ નવી ખાનગી સ્કૂલો શરૂ થઈ છે. જે લોકો ખાનગી સ્કૂલોમાં બાળકોનું એડમિશન નથી લઈ શકતા તે સરકારી સ્કૂલોનો ત્યાગ કરી લારીમાં કામ શોધવાનું સ્વીકારી લે છે. એ પણ કેવું છે કે ખાનગી સ્કૂલોને ડ્રોપઆઉટ રેશિયો નડતો નથી ને વિદ્યાર્થીઓ ન મળવાને લીધે સરકારી સ્કૂલો બંધ કરવી પડે છે. આવી અંધાધૂંધી વર્ષોથી ચાલે છે. આ હાલત હોય તો શિક્ષણ મંત્રીનું રાજીનામું ન મંગાય તો બીજું મંગાય શું?
છેલ્લા રિપોર્ટ પ્રમાણે એકલા ગુજરાતમાં જ બે વર્ષમાં 75 પ્રાઈમરી સ્કૂલો બંધ થઈ ને છેલ્લાં દસ વર્ષમાં લગભગ 1,૦૦,૦૦૦ સ્કૂલો દેશમાં બંધ થઈ છે, મતલબ કે અંદાજે રોજની 13 સ્કૂલો બંધ થાય છે. સરકારી સ્કૂલો બંધ થવામાં સરકારનો ફાળો નથી એવું નથી. ગમ્મત એ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સ્કૂલો બંધ થવાનો કોઈ રેકોર્ડ રાખતું નથી. દેખીતું છે કે બંધ શાળાથી પ્રભાવિત વિદ્યાર્થીઓનો રેકોર્ડ પણ ન હોય એમ બને. બને કે કાલે ઊઠીને સ્કૂલો ચાલુ રાખવાનો રેકોર્ડ પણ ન હોય. સાચું તો એ છે કે સરકાર સ્કૂલોનો બોજ ઉપાડવા જ રાજી નથી, એટલે ગ્રાન્ટમાં કાપ મૂકતી જઈને સરકાર એ રાહ જુએ છે કે સ્કૂલ ક્યારે બંધ થાય છે? તેની સામે ખાનગી સ્કૂલો વધતી જાય તો એક તબક્કે સરકારી સ્કૂલો આપોઆપ જ બંધ થાય એ ખાનગીને પ્રોત્સાહિત કરવાનું એક કારણ છે. ખાનગી સ્કૂલોનો કન્સેપ્ટ ક્વાલિટીના આગ્રહમાં હતો, પણ તે તો શોષણખોર વેપારીની ગરજ સારે છે, એમાં ક્વાલિટી ક્યાંથી ને કેટલી સચવાય? કોણ જાણે કેમ, પણ સરકારને ખાનગીકરણમાં રસ વધુ પડે છે, કદાચ સરકારીકરણની જવાબદારીમાંથી છૂટવા માટે !
દરેક રાજ્ય શિક્ષણને મામલે થોડુંઘણું પોલું જ હશે, પણ ગુજરાત એમાં મોખરે છે. આમ પણ શિક્ષણને મામલે તેણે છેલ્લામાં પણ છેલ્લે હોવાનો રેકોર્ડ કર્યો જ છે, પણ મેલી રમત કેવી રીતે રમાય છે, તે જોઈએ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિકના પાયાના શિક્ષણ માટે, ‘નિપુણ ગુજરાત અભિયાન’ અંગે નવો પરિપત્ર બહાર પાડ્યો છે, એમાં સરકારી ઠરાવના આંકડાઓ, રાજ્ય સરકારની નબળી નીતિનો નમૂનો પૂરો પાડે છે. આ ઠરાવમાં 2026-27થી 2028-29 સુધીના ત્રિવાર્ષિક લક્ષ્યાંકો જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ 2026-27નાં પ્રથમ વર્ષ માટે પાયાની સાક્ષરતા માટે માત્ર 70 ટકા અને ગણતરી માટે માત્ર 65 ટકા બાળકો જ ‘નિપુણ’ બને તેવો ટાર્ગેટ રખાયો છે. આ ટકાવારી ત્રણ વર્ષે વધીને સાક્ષરતામાં 80 ટકા અને ગણતરીમાં 75 ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે, એટલે કે પરિપત્રમાં જ એમ સ્વીકારી લેવાયું છે કે 20 થી 30 ટકા બાળકો વાંચન, લેખન, ગણન ન શીખે તો પણ સરકારનું મિશન ‘સફળ’ ગણાશે. સાક્ષરતા નફાતોટાનો દાખલો નથી કે 30 ટકા ખોટની સાથે 30 ટકા કમ સાક્ષરતા હોય તો તે ચલાવી લેવાય. દેશના 30 ટકા બાળકો લખતાં, વાંચતાં કે બોલતાં ન શીખે તો પણ મિશન સફળ ગણાય એ બરાબર નથી. એનો ટાર્ગેટ તો 100 ટકા જ હોય ને ! 30 ટકા ઓછી સાક્ષરતા વસ્તીના પ્રમાણમાં મોટો આંકડો ગણાય. 140 કરોડની વસ્તી હોય તો 30 ટકાને હિસાબે 42 કરોડ સાક્ષરતા ખૂટે છે એવો એનો અર્થ થાય. 140 કરોડની વસ્તીમાં 42 કરોડ સાક્ષર ન હોય એને સફળ મિશન કઈ રીતે ગણાય? ભારત માટે સાક્ષરતા ઓછી હોય તો પણ, 42 કરોડનો આંકડો મોટો છે ને એટલી પ્રજા સાક્ષર ન હોય તો તે અસહ્ય છે. બાલવાટિકાથી ધોરણ-5 સુધીનાં બાળકો માટે શરૂ કરાયેલાં અભિયાનમાં શરૂથી જ 30 ટકા બાળકોને અવગણવામાં આવે તો તેવા બાળકોનું ભાવિ શું? સરકારે 100 ટકા સાક્ષરતાની ગણતરી રાખવાને બદલે 70 ટકાથી જ સંતોષ માન્યો એ બરાબર નથી, કારણ એમાં 30 ટકા તો સાક્ષરતાને નામે ગણતરીમાં જ લેવામાં ન આવે ને 100એ 30 વિદ્યાર્થીને અવગણવાનું સહ્ય નથી. એ મિશન કદી પણ સફળ ગણાય નહીં. સરકારે આ પરિપત્રની ગુણવત્તા સુધારવાની જરૂર છે. એવું ન બનવું જોઈએ કે ‘નિપુણ ગુજરાત’ મિશન કાગળ પર જ રહી જાય.
ગુજરાતની વાત કરીએ, તો સાક્ષરતા દર 78.૦૩ ટકા છે. તેમાં પુરુષની સાક્ષરતા 85.75 ટકા ને સ્ત્રીની સાક્ષરતા 69.68 ટકા છે. એમાં પણ સો ટકા સાક્ષરતા અપેક્ષિત છે. સંસદથી લઈને સાક્ષરતા સુધીનાં આ અભિયાનમાં એટલું સમજાય છે કે શિક્ષણમાં માહિતી પૂરતી ટકાવારી ભલે હોય, પણ શિક્ષણમાં સંપૂર્ણતા એ જ એક માત્ર માપદંડ હોવો જોઈએ. ટકાવારી મહત્તમનો ખ્યાલ આપે, તે સંપૂર્ણ સંદર્ભે તો ઘણું ઓછું સંપડાવે છે. ઉદાહરણ તરીકે ગણિતમાં 70 ટકા આવે તો તે સારો આંકડો ગણાય, પણ શિક્ષણ સંદર્ભે ટાર્ગેટ તો પેલા 30 ટકા ખૂટે છે, તે પણ આવેલા 70 ટકા જેટલા જ મહત્ત્વનાં છે. શિક્ષણનું લક્ષ્ય અધુરપનું નહીં, પણ 100 ટકા મધુરપનું જ હોવું ઘટે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2026
![]()

