અમદાવાદની એમ.જે. લાઈબ્રેરીની બહારના ધમધમતા રસ્તા પર આજે સાંજે યુવક-યુવતીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પોલીસે 150 જેટલાં દેખાવકારોની અટકાયતો કરી. તેમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત આધેડ વયનાં થોડાંક સ્ત્રી-પુરુષ નાગરિકો પણ હતાં.
યુવાનોએ કરેલી વ્યૂહરચના ગજબની હતી. વિરોધ સ્થળે જુદી જુદી બાજુથી યુવાઓની ટુકડીઓ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’, ‘મોદી તેરી તાનાશાહી, નહીં ચલેગી નહી ચલેગી’,’ સરકાર હમસે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ’, ‘ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તિફા દો, ઇસ્તિફા દો’ જેવા નારા સાથે આવતા હતા. પોલીસ વી.એસ. હૉસ્પિટલ બાજુથી આવતા એક જૂથને ડિટેઈન કરતી હોય, ત્યાં બી.એમ. ઇન્સ્ટિટ્યૂટના નવા સંકુલની ફૂટપાથ પરથી બીજી ટુકડી આવે. વળી થોડી વારે એમ.જે.ની સામેના ફૂટપાથ પરથી ટુકડી આવે, ક્યાંક એમ.જે. ગલીને સમાંતરે આવેલી ગલીમાંથી આવે. સમૂહ ક્યારે ય એક જગ્યાએ એકઠો ન થતો હતો, કે ન પોલીસ એને થવા દેતી હતી. સમગ્ર વિરોધ-પ્રદર્શન આ રીતે પ્રવાહી હતું. કૉસ્મોપૉલિટન યુવાઓની હાજરી ધ્યાનપાત્ર હતી, દલિત અને મુસ્લિમ સમૂહો હતા. યુવાઓને ટેકો આપવા માટે થોડાંક વડીલ કર્મશીલ ભાઈ-બહેનો હતાં.
પુષ્કળ પોલીસ અને તેના વાહનો તો હતાં જ, પણ આઈ.જી. કક્ષાના એક આધિકારી પણ મોટા ભાગનો સમય હાજર હતા. એ હકીકત દેખાવોની તાકાત બતાવે છે. વાદળઘેરી ઉકળાટભરી સમી સાંજે પીક અવર્સના આ વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદની, ગુજરાતની છબિ ઉજળી થઈ.
આ વિરોધ-પ્રદર્શનની અન્ય બે નોંધપાત્ર બાબતો પણ હતી. એક તો એ કે દેખીતી રીતે કોઈ પણ સંગઠનનાં નેજા વિના, વરિષ્ટ આગેવાનોની દોરવણી વિના આ દેખાવો થયા. તેના પોસ્ટરમાં પણ આયોજક તરીકે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ ન હતું. બીજી વાત, અમદાવાદમાં નાગરિકતા બિલ સામે થયેલાં વિરોધ પછી સાત-આઠ વર્ષે પછી આટલી મોટી સંખ્યામાં વિરોધકો ધરાવતું વિરોધ-પ્રદર્શન થયું.

પોલીસ રાબેતા મુજબ ટુકડીના દેખાવકારોને જોરજબરદસ્તી અટકાયતમાં લઈને નાનાં-મોટાં વાહનોમાં બેસાડતી હતી. પણ તે તે છૂટાછવાયાં ફરતાં એક, બે કે ત્રણને સુધ્ધા લઈ જતી હતી. પોલીસ કોઈ પોસ્ટર અને તેને બતાવનારને ટકવા દેતી ન હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા લઈને ફરતા બે યુવકોને પણ પોલીસે અટકાયતમાં લીધા. એક વખત હદ થઈ. એક યુવક અને યુવતીએ થેલીમાંથી હજુ તો પોસ્ટર પૂરું બહાર કાઢ્યું ન હતું, ત્યાં પોલીસવાળા તેમને ખેંચીને એમ.જે. લાઈબ્રેરીના ફૂટપાથ પરથી થઈને સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લઈ ગયાં.
સવારે લૉ ગાર્ડન અને પરિમલ ગાર્ડન પાસે નાના સમૂહોએ કરેલા દેખાવોમાં પણ પોલીસે તરત જ ધરપકડ કરી હતી : https://theprint.in/india/protests-in-various-cities-of-gujarat-to-support-cjp-march-and-wangchuk-150-detained-in-ahmedabad/2991634/ સારંગપુરમાં ડૉ. આંબેડકરના પૂતળા પાસે છ દલિત સંગઠનોએ કરેલાં દેખાવોમાં પણ પોલીસે અટકાયત કરી તેના વીડિયો જોવા મળ્યાં: https://www.youtube.com/shorts/6-RZ51csvA4 આ લખનાર અને તેના એક સાથી અધ્યાપક સાથે એક વાગ્યાના સુમારે ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર પોલીસની ગાડીઓ હતી.
જાહેરજીવનના આવા વિરોધ પ્રસંગે હાજર રહેવામાં લોકશાહી દેશના નાગરિક તરીકેનો અહમ્ થોડોક સંતોષાય છે, અને ઝાઝો ઘવાય છે. લોકશાહીમાં થઈ રહેલાં પારોઠના પગલાંના દરેક વર્ષની સાથે ઘા વધુ તીવ્ર બને છે. નાગરિક તરીકે આપણે એકઠા પણ ન થઈ શકીએ, નારા પણ ન બોલાવી શકીએ, કોઈ પણ પ્રકારનો વિરોધ દબાવી દેવામાં આવે તે ખૂબ કઠતું હોય છે. જે યુવતીને તેનું પોસ્ટર કાઢવા પણ ન દીધું, તે યુવતી વીફરેલી વાઘણ જેવી આક્રમક થઈ ગઈ. તે ખૂબ ક્રોધ અને આક્રોશથી કહેતી હતી : Why can’t we do this ? This is our right…’ એવી રીતે વીફરવાનું મન સહુને થાય.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી દેવેન્દ્ર પ્રધાનના રાજીનામા અને દેશની અત્યંત કથળેલી શિક્ષણ વ્યવસ્થા માટે શાસકોના વિરોધ સાથેના ઉપરોક્ત દેખાવો બિલકુલ નવલોહિયાં યુવતીઓ અને યુવકોએ અમદાવાદના નિસબત ધરાવતા સહુ નાગરિકોને ગૌરવ થાય તે રીતે પાર પાડ્યાં. તે સહુને સલામ. ઇન્કલાબ ઝિંદાબાદ !
—————————————————————-
ફોટોગ્રાફ સૌજન્ય : એક મિત્ર / કોલાજ સૌજન્ય : સંજના
20 જુલાઈ 2026
e.mail : sanjaysbhave@yahoo.com
https://www.theguardian.com/world/gallery/2026/jul/20/india-cockroach-party-supporters-march-on-parliament-new-delhi
![]()

