સમય સમય બલવાન હૈ, નહિ પુરુષ બલવાન : ગવર્નર ફ્રેરેના નામની બાદબાકી
૧૯૮૯માં આવેલી હિન્દી ફિલ્મ ‘રખવાલા’ આજે કદાચ બહુ ઓછાને યાદ હશે. હકીકતમાં એ હતી ૧૯૮૭માં આવેલી એક તમિળ હિટ ફિલ્મની હિન્દી રિમેક. હિન્દી ફિલ્મે તો બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળ્યું નહિ, પણ એનું એક ગીત લાંબા વખત સુધી સારું એવું લોકપ્રિય રહ્યું: ‘બોમ બોમ, બોમ્બે મેરી હૈ.’ અને એ ગીતનો પાછલો ભાગ શૂટ થયો હતો મુંબઈની એક પ્રખ્યાત જગ્યા પાસે. આ ઉપરાંત છોટીસી બાત (૧૯૭૬), ‘મંઝીલ’(૧૯૭૯), બાતો બાતો મેં (૧૯૭૯), કાળા પથ્થર (૧૯૭૯), જેવી ફિલ્મોમાં ભલે અલપઝલપ, પણ એ જગ્યા જોવા મળે છે. સુજ્ઞ વાચક! હવે સવાલ એ છે કે એ જગ્યાનું નામ શું?

રખવાલા : ‘બોમ બોમ, બોમ્બે મેરી હૈ.’
હિન્દી ફિલ્લમનાં રસિયાં તો તરત જવાબ આપશે: એ જગ્યા તે ફ્લોરા ફાઉન્ટન. તેમને બીજો સવાલ : કોણે કહ્યું કે એ જગ્યાનું નામ છે ફ્લોરા ફાઉન્ટન? જવાબ : કહે કોણ? હાથ કંગન કો આરસી ક્યા? દેખાતું નથી, ફુવારાની ટોચ પર છે ગ્રીક દેવી ફ્લોરાનું ખૂબ સુંદર પૂતળું. અને આ ફ્લોરા એટલે વસંતની દેવી, ફૂલોની દેવી, નવજીવનની દેવી.

ફુવારાનો શિલ્પકાર જેમ્સ ફોર્સિથ
હા, એ વાત તો સાચી. પણ હવે જરા જવું પડશે આ ફુવારાના ઇતિહાસમાં. આ ફુવારો તૈયાર કરાવવા માટે એક સમિતિ રચાઈ હતી. તેના એક સભ્ય હતા એ વખતના જાણીતા સ્થપતિ રિચર્ડ નોર્મન શો. કેટલાકનું કહેવું છે કે આ ફુવારાનું ઘડતર આ શો સાહેબે કરેલું. પણ વ્યવસાયે તેઓ તો હતા એન્જિનિયર. અને એન્જિનિયરનું કામ ફુવારા બનાવવાનું ન હોય. હકીકતમાં આ ફુવારો તૈયાર કર્યો હતો જેમ્સ ફોર્સિથ નામના જાણીતા સ્કોટીશ શિલ્પકારે. તેમનો જન્મ ૧૮૨૭માં, અવસાન ૧૯૧૦માં. બીજાં શિલ્પો પણ તેમણે કરેલાં, પણ જાહેર જગ્યાઓ માટે ફુવારા તૈયાર કરવા એ તેમની આગવી વિશિષ્ટતા હતી. આ ફુવારો બ્રિટનમાં તૈયાર થયા પછી બે-ત્રણ ભાગમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો. બીજી ઓછી જાણીતી વાત એ છે કે આજે આ ફુવારો જ્યાં છે ત્યાં મૂકવા માટે એ તૈયાર થયો જ નહોતો. મૂળ યોજના તેને વિક્ટોરિયા ગાર્ડનમાં મૂકવાની હતી. વળી આ ફુવારો સરકારી ખર્ચે નહિ, પણ ધ એસ્પ્લનેડ ફી ફંડ કમિટીએ બંધાવ્યો હતો. બાંધવા પાછળ કુલ ખર્ચ ૪૭,૦૦૦ રૂપિયા થયો હતો. પણ પેલી કમિટી પાસે જે ભંડોળ હતું તે પૂરતું નહોતું એટલે ખૂટતા ૨૦,૫૦૦ રૂપિયા શેઠ ખરશેદજી ફરદુનજી પારખ પાસેથી દાનમાં મળ્યા હતા. અને ફુવારાનું ઉદ્ઘાટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે થયું હતું. પણ કોને હાથે થયું હતું એ જાણવા મળતું નથી.
અને આવી મોટી રકમનું દાન આપનાર ખરશેદજી હુતા કોન? પારસી તવારીખની જાણ માટે સોનાની ખાણ જેવા મહાગ્રંથ ‘પારસી પ્રકાશ’નાં પાનાં ઉથલાવતાં જે જાણવા મળે છે તે આ :
ખરશેદજીનો જનમ ૧૮૧૨માં, બેહસ્તનશીન થીયા ૮૫ વરસની જૈફ ઉંમરે ૧૮૯૬ના ઓગસ્ટની ૮મી તારીખે. એ જમાનાના મુંબઈના એક મોટા વેપારી અને વહાણવટી. ઉપરાંત સર જમશેદજી જીજીભાઈની કંપનીમાં એક ભાગીદાર બી હુતા. ચીન, ગ્રેટ બ્રિટન, યરપના કેટલાક દેશો સાથે વેપારવનજ. ચીનની તો સફર બી કીધેલી. બોમ્બે ગ્રીન(આજનું હોર્નીમન સર્કલ)ની જે પહેલી આઠ અર્ધગોળાકાર ઈમારત બંધાઈ તેમાંની એક હુતી આય ખરશેદજી શેઠની માલિકીની. પોતાની હયાતી દરમિયાન એવને ૧૧ લાખ, ૧૯ હજાર, ૯૭૦ રૂપિયાની સખાવત કરી હુતી, જે એ વખતે નાલ્લી રકમ કહેવાય નહિ. અસલ વતની હુરટના. એટલે ત્યાં બી ઘણી સખાવત કરેલી.
આ ફુવારો બનાવવા માટે કમિટીએ ૬૮૦ પાઉન્ડ લંડન મોકલ્યા. પણ ફુવારાનું કામ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે થયું નહિ. એટલે કમિટીએ પૂરેપૂરી રકમ પાછી માગી. પણ તેને વળતર રકમ મળી ફક્ત ૧૯૨ પાઉન્ડ. એટલે ફુવારામાંથી પાણી નીકળે એ પહેલાં જ સમિતિના ૪૮૮ પાઉન્ડ ગયા પાણીમાં. બીજો ફુવારો બનાવતાં કુલ ૯૦૬ પાઉન્ડનું દેવું થયું! એ રકમ ચૂકવી એસપ્લનેડ ફી ફંડ કમિટીએ. પણ તેણે એક મોટો ફેરફાર કર્યો : ફુવારો વિક્ટોરિયા ગાર્ડનમાં મૂકવાને બદલે ૧૮૬૫માં તોડી પડાયેલા મુંબઈના કોટનો ચર્ચગેટ જ્યાં આવેલો હતો બરાબર એ જ જગ્યાએ મૂકવાનું ઠરાવ્યું.

‘ફ્રેરે ફાઉન્ટન’ નામ સાથે વિદેશોમાં છપાયેલું એન્ગ્રેવિંગ
આ ફાઉન્ટન પર આજે પણ જે આરસની તકતી જોવા મળે છે તેમાં ક્યાં ય આ ફુવારાનું નામ લખ્યું જ નથી! માત્ર This Fauntain એટલું જ લખ્યું છે. આ એક અસાધારણ બાબત કહેવાય. જે કોઈ ઈમારત કે બાંધકામનું ઉદ્ઘાટન થાય તેનું નામ તો આવી તકતીમાં લખવામાં આવે જ. જૂના દસ્તાવેજી પુરાવા કહે છે કે આ ફુવારા સાથે ગવર્નર સર બાર્ટલ ફ્રેરેનું નામ જોડવાનું નક્કી થયું હતું. આ ફુવારાનું એનગ્રેવિંગ ‘સાયન્ટિફિક અમેરિકન’ નામના સામયિકના ૨૯ જુલાઈ, ૧૮૭૧ના અંક (વર્ષ ૨૫, અંક ૫) ના કવર પર છપાયું હતું અને ત્યારે એની નીચે સ્પષ્ટપણે The Frere Fountain, Bombay, India એમ લખવામાં આવ્યું હતું. લગભગ એ જ અરસામાં બ્રિટન-અમેરિકાનાં બીજાં સામયિકોમાં પણ આવું જ એન્ગ્રેવિંગ, આ જ વિગતો સાથે છપાયું હતું. આમ, પશ્ચિમના દેશો આ ફુવારાને Frere Fountain તરીકે ઓળખતા થયા હતા. પણ એ જ ફુવારા પર ચોડેલી આરસની તકતીમાં ક્યાં ય આ નામનો અણસાર સુદ્ધાં નથી! માત્ર This Fountain! 
નહિ ફ્રેરે, નહિ ફ્લોરા, આરસની તકતી પર લખ્યું છે ફક્ત This Fountain
પણ આ ફુવારાની જેમ આ તકતીની પાછળ પણ રહસ્ય છુપાયેલું છે. ખરશેદજી પારખે દાન આપતી વખતે સ્પષ્ટ શરત કરી હતી કે ફુવારાની તકતી પર તેમનું નામ હોવું જોઈએ. પણ પારસી પ્રકાશ તો બહુ ચોંકાવનારી વાત લખે છે : બે જુદા જુદા દસ્તાવેજો ટાંકીને તે કહે છે કે આ ફુવારા માટે ખરશેદજીએ આપેલા દાનના ઋણસ્વીકાર રૂપે તેમનું નામ તકતીમાં મૂકવાનું વચન આપવામાં આવ્યું હતું. પણ પારસી પ્રકાશના કહેવા પ્રમાણે ૧૮ નવેમ્બર ૧૮૬૯ના દિવસે ઉદ્ઘાટન થયું ત્યારે એ ફુવારા પર કોઈ પણ પ્રકારની તકતી મૂકવામાં આવી જ નહોતી! આનો અર્થ એ થયો કે આજે એ ફુવારા પર જે તકતી જોવા મળે છે તે ઉદ્ઘાટનને દિવસે નહિ, પણ પછી ક્યારેક મૂકાઈ છે. અને એ વખતે પણ ફુવારાને નથી તો ફ્રેરે ફાઉન્ટન તરીકે ઓળખાવ્યો કે નથી ફ્લોરા ફાઉન્ટન તરીકે.

શેઠ ખરશેદજી ફરદુનજી પારખ
પણ એક વાર ગવર્નર સર બાર્ટલ ફ્રેરેનું નામ જોડવાનું નક્કી થયા પછી એવું તે શું બન્યું હશે કે તેમનું નામ જોડવાનું માંડી વાળીને ફુવારાને ફક્ત This Fountain તરીકે ઓળખવામાં આવ્યો? જવાબ મેળવવા માટે એ વખતના મુંબઈના અર્થકારણ અને રાજકારણને થોડું સમજવું પડે. અમેરિકાના આંતર વિગ્રહને કારણે અમેરિકન કોટન માન્ચેસ્ટર જતું બંધ થયું. એટલે ગ્રેટ બ્રિટને હિન્દુસ્તાન પાસેથી કોટન ખરીદવાનું શરૂ કરતાં આપણા દેશમાં રૂના ભાવ આસમાને ગયા એ અંગે આપણે અગાઉ વાત કરી છે. એ વખતે વેપારીઓને ધીરધાર કરવા માટે રાતોરાત નવી નવી બેંકો ફૂટી નીકળી. એ બધી ઉથલપાથલમાં પ્રેમચંદ રાયચંદ બની ગયા મુંબઈના બેતાજ બાદશાહ. તેમની સાથે ગવર્નર સર બાર્ટલ ફ્રેરેને સારો ઘરોબો. ગવર્નરે થઈ શકે એટલી આડકતરી મદદ કરી. બેંક ઓફ બોમ્બેના પ્રમુખ બન્યા પ્રેમચંદભાઈ. પણ બેન્કના કારોબાર પર નજર રાખવાની જવાબદારી, મુંબઈ સરકારની અને કલકત્તાની હિન્દી સરકારની. કારણ, ભલે નામ પૂરતી, પણ આ બન્ને સરકારો એ બેન્કમાં ભાગીદાર હતી. અમેરિકાનો આંતર વિગ્રહ પૂરો થયા પછી ૧૮૬૫ના જુલાઈની પહેલી તારીખે મુંબઈના શેર બજારમાં જબરદસ્ત કડાકો થયો. એક જ દિવસમાં લોકોના ૪૫.૮૦ કરોડ રૂપિયા (એ વખતે અધધ ગણાય એવી રકમ) ડૂબ્યા. પછી કોટનના વેપારીઓ ડૂબ્યા. પછી તેમને નાણાં ધીરનાર બેંકો ફડચામાં ગઈ. તેમાંની એક પ્રેમચંદભાઈ જેના પ્રમુખ હતા તે બેંક ઓફ બોમ્બે. તેની સાથે મુંબઈ સરકાર સંકળાયેલી હતી એટલે લંડનથી મુંબઈ આવ્યું રોયલ ઇનકવાયરી કમિશન. તેણે બીજાઓ ઉપરાંત ગવર્નર સર બાર્ટલ ફ્રેરેની પણ જુબાની નોંધી. આ તપાસ સમિતિએ લંડન પાછા જઈને જે અહેવાલ રજૂ કર્યો તેમાં ભલે સીધી રીતે નહિ, તો ય આડકતરી રીતે ગવર્નર ફ્રેરેને જવાબદાર ઠેરવવામાં આવ્યા : “Frere …was held to have been at fault in giving only partial effect to instructions received from the Central Government and from the Secretary of State.” કલકત્તાની કેન્દ્ર સરકાર અને લંડનમાં બેઠેલા સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા અપાયેલી સૂચનાઓનો પૂરેપૂરો અમલ ન કરવા પાછળ પ્રેમચંદ રાયચંદ સાથેનો અંગત સંબંધ કામ કરી ગયો હોય. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે ગવર્નરનો હોદ્દો છોડ્યા પછી ફ્રેરે સ્વદેશ પાછા ગયા. તે પછી તેમની નિમણૂક ‘કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના એક સભ્ય તરીકે કરવામાં આવી.
એટલે કે અગાઉ જ્યાં એપોલો ગેટ આવેલો હતો તે જગ્યાએ ફુવારો ઊભો કરવામાં આવ્યો ત્યારે ફ્રેરે મુંબઈના ગવર્નર નહોતા. ભલે આડકતરી રીતે, પણ બેંક ઓફ બોમ્બે ફડચામાં ગઈ એ માટે તેમને જવાબદાર ઠરાવાયા હતા. એટલે એ વખતે એ ફુવારા સાથે તેમનું નામ જોડવાનું યોગ્ય ન લાગ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. બીજા કોનું નામ જોડવું એ નક્કી ન થઈ શક્યું હોય અને એટલે ફુવારા પરની તકતી પર કોઈનું નામ ન લખતાં માત્ર This Fountain એટલું જ લખવામાં આવ્યું હોય. ‘પારસી પ્રકાશ’ની વાત સાચી હોય (અને ન હોવાનું કોઈ કારણ નથી) તો તો ફુવારા પરની આ તકતી પણ ઉદ્ઘાટનના દિવસે લગાડાઈ નહોતી. પાછળથી ક્યારેક લગાડાયેલી. આ ફુવારાનું નામ સત્તાવાર રીતે ‘ફ્લોરા ફાઉન્ટન’ રાખવાનું નક્કી થયું હોય એમ બતાવતો કોઈ દસ્તાવેજી પુરાવો આ લખનારને જોવા મળ્યો નથી. ફુવારાની ટોચ પરની દેવી ફ્લોરાની મૂર્તિને કારણે ધીમે ધીમે એ નામ લોકોમાં રૂઢ થઈ ગયું હોય એમ બને.
આમ જોઈએ તો ગવર્નર ફ્રેરેનું નસીબ થોડું વાંકુ તો ખરું. મુંબઈની ત્રણ જગ્યા સાથે તેમનું નામ જોડાયું, અને છતાં તેમાંનું એક પણ નામ ઝાઝો વખત ટક્યું નહિ. ફ્રેરે બ્રિજ બની ગયો ફ્રેંચ બ્રિજ, ફ્રેરે રોડ આઝાદી પછી બની ગયો પી. ડી.’મેલો રોડ, અને મુંબઈની એક આગવી ઓળખાણ બની ગયેલા ફુવારા સાથે તો તેમનું નામ જોડવાનું નક્કી થયું હોવા છતાં એ જોડાયું જ નહિ. એ ફુવારો ફ્રેરે ફાઉન્ટનને બદલે બની ગયો ફ્લોરા ફાઉન્ટન. અને હવે તો સત્તાવાર રીતે એ વિસ્તારનું નામ ફ્લોરા ફાઉન્ટન નહિ, પણ હુતાત્મા ચોક છે. હા, એટલું સારું છે કે ફુવારાને કોઈ સ્થાનિક રાજકારણી નેતાનું નામ આપી દેવાયું નથી. ગવર્નરનો પણ ગર્વ ઊતરી જાય એવી આ ઘટનાને પ્રતાપે પેલી પ્રખ્યાત પંક્તિ યાદ આવે: ‘સમય સમય બલવાન હૈ, નહિ પુરુષ બલવાન.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જૂન 2026
![]()

