Opinion Magazine
Number of visits: 9922635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હથિયાર હત્યા સુધી પહોંચ્યું છે સ્કૂલમાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2026

રવીન્દ્ર પારેખ

બધે જ મારવા-મરવાનું સામાન્ય થતું આવે છે. પતિ, પત્નીને કે પત્ની, પતિને મોતને ઘાટ ઉતારી દે છે ને તેનાં કારણોમાં લગ્નેતર સંબંધો કેન્દ્રમાં રહ્યા છે. એ ઉપરાંત પણ અનેક પ્રકારે હિંસાનું સામ્રાજ્ય વિસ્તરતું જ આવે છે. માણસ ઘણી જગ્યાએ નવજીવનનું કામ કરે જ છે ને તેનો મહિમા જરા ય ઓછો નથી, પણ એવું પણ લાગે છે કે તે હિંસક પણ એટલો જ થયો છે. તેને હવે લોહી જોયા વગર કે રેડ્યા વગર ચેન પડતું ન હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. યુદ્ધોમાં તો સર્વનાશ કરનારા અનેક હથિયારો, તેની ઉત્તમથી વધુ ઉત્તમ રીતે વપરાય છે. સૌથી વધુ લાશો જે પાડે છે તે જ હવે સત્તા પ્રાપ્ત કરવાને લાયક છે. અનેક વખત પૃથ્વીનો નાશ કરી શકાય એટલાં શસ્ત્રો દુનિયા પાસે છે. અનેક પ્રકારના બોમ્બ, મિસાઈલ્સ વગેરેની સ્પર્ધામાં ઘણાં દેશો પડેલા છે ને બધા એ જ વિચારે છે કે સૌથી વધુ સંહાર કઈ રીતે કરી શકાય? એમાં નાનીમોટી ઉંમરની વ્યક્તિઓ પણ વત્તે ઓછે અંશે પડેલી છે. અમેરિકા જેવામાં તો વિદ્યાર્થીઓ હથિયારો લઈને સ્કૂલમાં ધસી આવે છે ને બાળકો પર આડેધડ ગોળીઓ વરસાવીને ચાલી જાય છે. એ દૂષણ ભારતમાં પ્રવેશ્યું ન હતું, પણ હવે એવું કહી શકાય એમ નથી. સ્કૂલોમાં હિંસા, હત્યા સુધી વિસ્તરી છે ને સ્કૂલ સંચાલકો, શિક્ષણ સમિતિઓ, વાલીઓ, સરકાર … શાંતિ સ્થાપવામાં ધરાર નિષ્ફળ ગયાં છે.

એમાં ઉપરાઉપરી બનતી હિંસાની ઘટનાઓએ સ્કૂલોમાં શાંતિ કઈ રીતે સ્થાપવી એના પ્રશ્નો ઊભા કર્યા છે. સ્કૂલોમાં હિંસા હત્યા સુધી વિસ્તરી છે ત્યારે તે રોકવા શું કરી શકાય એની ચિંતા કરવા જેવી છે. જે હિંસક પરિબળો છે, તેને તો આમાં હિંસા ફેલાવવાનું બહાનું મળી જશે, એમાં વધુ જોખમી વાત શિક્ષકોની ગેરહાજરીની છે. શિક્ષકો વસ્તી ગણતરી અને અન્ય સરકારનાં કામો કરવામાં રોકાયેલા હોવાથી તે સ્કૂલમાં ઓછું જ દેખાય છે. ચાલુ વર્ગમાં શિક્ષક જ દેખાય નહીં, તો વર્ગખંડોમાં શાંતિ કેવી રીતે સ્થપાવાની હતી? પણ આ મામલે જવાબદાર સરકાર જ છે. તેણે જ શિક્ષકોને વર્ગશિક્ષણને ભોગે સરકારી કામોમાં જોતર્યા છે. આ સ્થિતિમાં બાળકો ધમાલમસ્તી કરે કે મારામારી કરે તો તેમને કાબૂ કરનારું કોઈ હોતું નથી. ઘરમાં નોકરી-વ્યવસાયને કારણે વાલીઓ ધ્યાન આપી શકતા નથી. એટલે બાળકો ફૂટબોલની જેમ આમથી તેમ ફંગોળાતા રહે છે.

આમાં એક છેડો ગુનાખોરી તરફ ખૂલે છે, કારણ બાળક સ્કૂલમાં હોય કે ઘરમાં, તે ઉપેક્ષિત હોય તો વિવેક રહેતો નથી ને જે માર્ગે આશ્વાસન મળતું હોય તે તરફ તે વળી જાય છે. ઘરમાંથી હૂંફ મળે કે શિક્ષક તેના પર ધ્યાન આપતા હોય તો બાળક આપોઆપ જ કાબૂમાં રહે. હાલત એવી છે કે શિક્ષક ભણાવવા ઇચ્છે તો પણ તેની પાસેથી સરકાર એટલાં કામ લે છે કે તે વર્ગમાં જઈ જ ના શકે. એવી જ સ્થિતિ ઘરમાં છે. માબાપ નોકરી ધંધામાં વ્યસ્ત છે ને સવારની સાંજ પડે છે ને બાળક ન ભણીને સ્કૂલેથી બપોરે ઘરે આવે છે, તો તેણે એકલાએ જ સાંજ પાડવાની છે. કોઈ ભાઈ કે બહેન હોત તો તેની સાથે વાતો કરી હોત, પણ કુટુંબને બીજું બાળક પરવડે એમ નથી, એટલે એક જ સંતાને એકલા આ સમય કાઢવાનો છે ને રોજ જ કાઢવાનો છે. એમાં જો સોબત ખરાબે ચડી તો તેનાં પરિણામ બાળકે અને કુટુંબે વેઠવાની તૈયારી રાખવાની રહે.

*

મરાઠી માધ્યમની ઉધનાની એક સ્કૂલમાં ધોરણ છમાં એક વિદ્યાર્થી ભણે. 11 વર્ષનાં આ બાળકની ધોરણ સાતના એક વિદ્યાર્થી જોડે બોલાચાલી થઈ. બોલાચાલી એટલી ઉગ્ર થઈ કે ધોરણ સાતના બાળકે બીજાને સાથળના ભાગે ચપ્પુથી ઘા મારી દીધા. હાલત એવી થઈ કે તે વિદ્યાર્થીની સર્જરી કરવી પડી. એમાં શાળા ને કુટુંબના જે ખેલ થાય છે તે જોવા-વિચારવા જેવા છે. સ્કૂલ બચાવમાં લાગે છે ને માબાપ ન્યાય માંગતાં હોય છે. ત્રણેક દિવસ પરની આ ઘટનામાં સ્કૂલે કહી દીધું કે ઘટના સ્કૂલની બહાર સાંજે બની છે. (ટૂંકમાં, સ્કૂલ જવાબદારીમાંથી છટકે છે) ઘાયલ બાળકની માતા કહે છે કે ઘટના સ્કૂલમાં બપોરે એકની આસપાસ બની. સાચું ખોટું તો સમય નક્કી કરશે અથવા ક્યારે ય નક્કી ન થાય એમ બને. સવાલ એ છે કે ઘા મારી શકે એવો ચપ્પુ સ્કૂલમાં આવ્યો કઈ રીતે?

19 ઓગસ્ટ, 2025ની ઘટના અહીં યાદ આવે છે. ઉધના જેવી ઘટનામાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી નયન સંતાનીનું મોત થયું હતું. ધક્કામુક્કીમાંથી વાત વણસી હતી. અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને પેટમાં બોક્સ કટર મારવામાં આવ્યું હતું ને ઘાયલ વિદ્યાર્થી સ્કૂલમાં આવીને પડ્યો, પણ સ્કૂલ પ્રશાસને એમ્બ્યુલન્સ બોલાવવામાં વાર લગાડી. અહીં પણ એ બચાવ ચાલુ જ રહ્યો કે ઘટના સ્કૂલની બહાર બની હતી. મંગળવારે હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે બુધવારે વાલીઓએ શાળામાં સેંકડોની સંખ્યામાં ઉગ્ર વિરોધ કર્યો હતો ને એ દરમિયાન શાળામાં તોડફોડ પણ થઈ હતી. વાલીઓએ આ સ્કૂલને કોઈ પણ સંજોગોમાં છોડવી ન જોઈએ એવો આક્રોશ પણ ઠાલવ્યો હતો. અગાઉ પણ આ શાળા સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે.

સ્કૂલનું કહેવું હતું કે એમ્બ્યુલન્સ સમય પર ન આવી, તો સવાલ એ થાય કે સ્કૂલ પાસે પોતાનું કોઈ વાહન હતું કે કેમ? વાહન હોત તો તેમાં વિદ્યાર્થીને લઈ જઈ શકાયો હોત. એ પછી શું થયું તે નથી ખબર. એટલું તે વખતે જિલ્લા શિક્ષણાધિકારીએ કહેલું કે સી.સી.ટી.વી. ફૂટેજને આધારે એ તપાસ કરાશે કે શાળાની શેમાં બેદરકારી રહી ગઈ છે? વિદ્યાર્થીને અડધા કલાક સુધી સારવાર માટે ન લઇ જવાયો એ વાત સાચી હશે, તો સરકાર તેનું એન.ઓ.સી. રદ્દ કરે એમ બને. આ 19 ઓગસ્ટ, 2025ની ઘટના છે. એમાં ખરેખર શું કાર્યવાહી કરવામાં આવી તેની કોઈ વિગતો અત્યારે નથી. છેલ્લે સી.સી.ટી.વી.ના ફૂટેજમાં નયન મદદ માંગતો કણસી રહ્યો હતો એવું જણાયું હતું, પણ કોઈ મદદ માટે ગયું ન હતું તે હકીકત છે. બને કે પછી બધું ભુલાઈ ગયું હોય !

અમદાવાદમાં સેવન્થ ડે જેવી બીજી ઘટના 19 જાન્યુઆરી, 2026માં બનવા જઈ રહી હતી. ઘટના ઘાટલોડિયા, અમદાવાદમાં નેશનલ સ્કૂલ બહાર બની હતી. ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો, પણ તેને સારવાર મળી જતાં તે બચી ગયો હતો. સી.સી.ટી.વી. કેમેરામાં વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યાનું દેખાતું હતું. આ હુમલો ગુંડાઓને પણ બાજુ પર મૂકી દે એવો હતો. આમાં પણ મસ્તી મસ્તીમાં બોલાચાલીમાંથી વાત વણસી હતી.

આવી ઘટનાઓ વધતી આવે છે ને કોઈક ને કોઈક પ્રકારની બેદરકારી સામે આવે છે ને વિદ્યાર્થી પર જીવનું જોખમ ઊભું થાય છે. સૌથી ગંભીર બાબત છે, વિદ્યાર્થી પાસે ચપ્પુનું હોવું. એ જે પણ રસ્તે બાળકના હાથમાં આવે છે તે તમામ રસ્તા જડબેસલાક બંધ થવા જોઈએ. હથિયાર ઘરમાંથી હાથમાં આવે છે કે બહારથી, તે તક ઊભી ન થાય તે તમામ સ્તરે ચકાસવાની જરૂર છે. બાપ કસાઈ હોય તો પણ તે દીકરાને સ્કૂલે જતાં છરી નથી આપતો. આપણે અહીં અમેરિકી હિંસા ન થવા દેવી હોય તો બાળકના હાથમાં હથિયાર ન આવે એ જોવું પડશે ને રીત ગમે તે હોય, પણ સ્કૂલમાં ચપ્પુ આવે એ સ્કૂલની ઘોર બેદરકારી સિવાય બીજું કઈ નથી. દરેક સ્કૂલે તાબડતોબ દફતર ચેક થાય એવી વ્યવસ્થા કરવાની રહે. સ્કૂલમાં વિદ્યાર્થી પાસે હથિયાર હોય એમાં તેનો ઈરાદો ભોળપણનો તો નથી જ ! તે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકે એમ છે, તો તેને ઉપયોગની એક પણ તક ન રહે એવું આયોજન સ્કૂલોએ કરવાનું રહે, તો ઘરોમાં માતાપિતાએ પણ એ જોવું જોઈએ કે બાળક દફતરમાં શું લઇ જાય છે?

વાલીઓની પણ જવાબદારીઓ નક્કી થવી જોઈએ. બાળકને કેદમાં રાખવાનું નથી, પણ તેના પર નજર રહે એટલું તો થવું જોઈએ. કારણ સ્કૂલમાં ન લઈ જાય, તો પણ હથિયાર તે સિવાય તો સાથે રાખી શકાય છે. અહીં સ્કૂલ જવાબદાર નથી, પણ વાલીઓ એમાંથી છટકે તો ન ચાલે. બાળકને વાલિયો લૂંટારો બનાવવો છે કે વાલ્મીકિ તે આપણે નક્કી કરવાનું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જૂન 2026

Loading

19 June 2026 Vipool Kalyani
← ઝૂમને લગેગા આસમાં …
બારીમાંથી ડોકિયું – એક અવલોકન →

Search by

Opinion

  • તમાકુ – આદિવાસીઓથી આધુનિકો સુધી 
  • બારીમાંથી ડોકિયું – એક અવલોકન
  • ઝૂમને લગેગા આસમાં …
  • રાષ્ટ્રપતિ પદની ઓફર એમણે કલાને ખાતર નકારી હતી ….
  • પક્ષપલટાના આટાપાટા વચ્ચે હવા કદાચ બદલાઈ રહી છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved