Opinion Magazine
Number of visits: 9911412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ … 

સોનલ પરીખ|Opinion - Opinion|15 June 2026

અહેસાન તેરા હોગા મુઝ પર 

દિલ ચાહતા હૈ વો કહને દો

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ 

મુઝે પલકોં કી છાંવ મેં રહને દો 

 

તુમને મુઝ કો હંસના સીખાયા 

રોને કહોગે રો લેંગે અબ

આંસુ કા હમારે ગમ ન કરો 

યે બહતે હૈં તો બહને દો

 

ચાહે બના દો ચાહે મિટા દો 

મર ભી ગયે તો દેંગે દુઆયેં 

ઉડ ઉડ કે કહેગી ખાક સનમ 

યે દર્દ–એ–મુહબ્બત સહને દો 

જગતમાં પ્રેમથી વંચિત બે રીતે થવાતું હોય છે. એક તો માણસને કોઈનો પ્રેમ ન મળે ત્યારે અને બીજું માણસ પોતે પ્રેમ ન કરી શકે ત્યારે. પ્રેમ તત્ત્વ ઈશ્વર જેવું છે. નાનામોટા બધાના હોઠે પ્રેમ શબ્દ રમતો હોય છતાં તેને સાચા રૂપમાં તેને સમજવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય હોય છે. મજા એ છે કે એ બાબતની પ્રતીતિ પણ ઓછા લોકોને થાય છે અને બધા એમ જ માનતા રહે છે કે અમે તો પ્રેમને સમજીએ છીએ. પણ જ્યારે પ્રેમનો અનુભવ થાય છે માણસ બીજું બધું ભૂલી, પોતાના તમામ મહોરાઓ ફગાવી, સમાજનાં બંધનોની એસીતેસી કરી પોતાના શ્રેષ્ઠ અને સાચા રૂપમાં વ્યક્ત થાય છે – એની પાસે, જેણે તેને પોતાને પણ જાણ નહોતી એવા પોતાના જ એક રહસ્યને પોતાની જ સામે મૂકી આપ્યું છે. 

પછી શું થાય? એક તરફ આખી દુનિયા સામે ઘોષણા કરવાનું મન થાય અને બીજી તરફ, પ્રિયપાત્ર સાથેના નાજુક એકાંતમાં શબ્દ પણ ન મળે. જ્યારે મહમ્મદ રફીના મુલાયમ કંઠમાંથી પ્રણયની ગહનતા અને આર્જવ પ્રગટાવતું ગીત ‘અહેસાન તેરા હોગા મુજ પર’ સાંભળીએ ત્યારે ઉપર લખ્યા છે એ બધા વિચાર ગીતના આનંદને ખલેલ પાડ્યા વિના મનમાંથી પસાર થઈ જાય. આ ગીત 1961ની ફિલ્મ ‘જંગલી’નું હતું અને તેનું લતા મંગેશકરે ગાયેલું ફિમેલ વર્ઝન પણ છે. આ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીનું સર્જન હતી. 21 મેએ તેમની પુણ્યતિથિ છે. 

સુબોધ મુખરજી

‘જંગલી’ એ યુગની હળવીફૂલ, મ્યુઝિકલ, રોમેન્ટિક ફિલ્મોમાંની એક હતી. વાર્તા કે ફિલ્માંકન વગેરેમાં એવું નવું ખાસ કશું ન હતું – થોડો મેસેજ, થોડી સાચા-ખોટાની લડાઈ, ઘણો બધો રોમાંસ, ઘણી બધી કોમેડી અને ઘણું બધું મસ્ત મજાનું મ્યુઝિક. લટકામાં સુંદર લોકેશનો અને સરસ સ્ટારકાસ્ટ – એ જ જૂનો જાણીતો મસાલો. ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. નિરાંત હોય તો આજે પણ જોવાની મઝા પડે. આનો યશ તેના નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીને આપવો ઘટે. તેનાં ગીતો લખ્યાં હતાં શૈલેંદ્ર અને હસરત જયપુરીએ, સંગીત શંકર જયકિશનનું હતું. ફિલ્મને સુપરહીટ બનાવવામાં ગીતોનો ફાળો ઓછો ન હતો. 

‘જંગલી’ કાશ્મીરની સુંદર પૃષ્ઠભૂમિમાં વિકસતી એક પ્રેમકથા હતી, જેમાં કઠોર સ્વભાવની માતાના નિયમોથી, પોતાની આડાઈ અને ગુસ્સાથી પણ મુક્ત થઈને શમ્મી કપૂર પ્રેમમાં પડે છે. આ ફિલ્મે શમ્મી કપૂરની યોડલિંગ અને ડાન્સિંગ સ્ટાઈલને લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવી હતી. ડઝનબંધ ફ્લોપ ફિલ્મો આપ્યા પછી સુબોધ મુખરજીની આ ફિલ્મથી શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. ‘જંગલી’ જોઈ પાપા પૃથ્વીરાજ કપૂર ખડખડાટ હસતા હળવા મિજાજમાં બોલેલા કે ‘શમ્મી ઇસ ફિલ્મ મેં ચિમ્પાન્ઝી જૈસા લગતા હૈ’ ફિલ્મ જોઇને આપણને પણ એમની સાથે સંમત થવાનું મન થાય. શમ્મી કપૂર તરવરિયો, થનગનતો અને ઉત્સાહના અખૂટ ધોધ જેવો હતો. તેની કારકિર્દી સાથે આ ફિલ્મમાં મહમ્મદ રફીની કારકિર્દીને પણ જબરદસ્ત વેગ મળ્યો. ‘જંગલી’માં શંકર જયકિશને ત્રણ પ્રકારનાં ગીતો આપ્યાં – શાસ્ત્રીય રાગ આધારિત, લોકસંગીત આધારિત અને વેસ્ટર્ન મ્યુઝિક આધારિત. ‘ચાહે કોઇ મુઝે જંગલી કહે’ ભૈરવીમાં હતું. ‘અહેસાન તેરા હોગા મુઝ પર’ યમન કલ્યાણ પર આધારિત હતું. એક સ્રોત મુજબ આ ગીત મૂળ માત્ર મહમ્મદ રફીના કંઠમાં હતું. લતાજીને એ ખૂબ ગમ્યું એટલે શંકર-જયકિશને એમની પાસે પણ ગવડાવ્યું અને એથી આપણને બે વર્ઝન મળ્યાં. ‘જા જા જા મેરે બચપન’ અને ‘મેરે યાર શબ્બા ખૈર’ લોકસંગીત પર આધારિત હતાં અને ‘અય્યય્યા કરું મૈં ક્યા સુકુ સુકુ’માં પાશ્ચાત્ય સંગીતની ઝલક હતી.   

આ ફિલ્મનાં બે ગીત હજી ભુલાયા નથી : શૈલેંદ્રે લખેલું ‘ચાહે મુઝે જંગલી કહે’ અને હસરત જયપુરીનું લખેલું ‘અહેસાન તેરા હોગા મુઝ પર’. બન્ને ગીતો પ્રણયના એકરારનાં છે. એકમાં જગત સામે કરેલી ઘોષણાની ઉલ્લાસભરી બુલંદી છે અને બીજામાં પ્રિય પાત્ર સાથેની પળોની નજાકત છે. આ બન્ને ભાવોને તેમના શ્રેષ્ઠ રૂપમાં એક રફી મૂકી શકે અને બીજા શમ્મી કપૂર મૂકી શકે. ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’નો ‘યાહૂ’ પોકાર ખૂબ ચગ્યો હતો. શમ્મી કપૂરે એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે ‘યાહૂ’ ન મારું હતું, ન રફીનું. આ પ્રયાગ રાજે કરેલો પોકાર હતો! સાયરા બાનુની આ પહેલી ફિલ્મ હતી. એ એટલી તાજગીભરી, નટખટ અને સુંદર લાગતી હતી કે તેને બેસ્ટ એકટ્રેસ નોમિનેશન મળ્યું હતું.  

વાર્તા એવી છે કે ચંદ્રશેખર (શમ્મી કપૂર) રૉયલ ફેમિલીનો નબીરો છે અને શિસ્તપાલન અને મોટા ઘરની રીતરસમોની અતિ આગ્રહી મા(લલિતા પવાર)નો દીકરો છે. લંડન ભણીને પાછા આવેલા શેખરે માનો આ વારસો બરાબર સંભાળ્યો છે. તેને માટે લાગણી નબળાઈ છે, પ્રેમ છીછરાપણું છે અને હસવા-બોલવાનું વર્જ્ય છે. આ જ વ્યક્તિત્વ સાથે એ બિઝનેસ સંભાળે છે. તેની બહેન માલા (શશીકલા) આ બન્નેથી ઊંધી, જીવંત અને ઉષ્માભરી છે અને ભાઈની ઓફિસમાં મામૂલી નોકરી કરતા જીવન(અનુપ કુમાર)ને ચાહે છે. માને આ વાતની માને ખબર પડતાં તે શેખરને હુકમ કરે છે કે માલાને ક્યાંક દૂર લઇ જા જેથી તે જીવનને ભૂલી જાય. શેખર માલાને લઈને કાશ્મીર આવ્યો. રાજકુમારી(સાયરાબાનુ)ના પ્રેમમાં પડ્યો. તેને સાચા આનંદ, ખુલ્લાપણું અને સૌંદર્યનો અનુભવ થયો. પોતાનામાં જ વસતો આ નવો શેખર તેણે પહેલીવાર જોયો. દુનિયા સામે યાહૂ કરીને, બરફની ટેકરીઓ પર કૂદીને એ પોતે પ્રેમના તોફાનમાં ઘેરાયેલો હોવાની ઘોષણા કરે છે, ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ અને અત્યંત કોમળતાથી પ્રિયતમા પાસે પણ એકરાર કરે છે. ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ’. તેનામાં એટલુ પરિવર્તન આવી જાય છે કે તે માલા-જીવનના સંબંધ પર મંજૂરીની મહોર મારી ડે છે. પણ તેની માની દુનિયા હજી એ જ છે. શ્રીમંતાઈ અને અભિમાનનું ત્યાં વર્ચસ્વ છે. શેખર માટે તેણે એક સમોવડી છોકરી પણ શોધી છે. તેને સમજાશે કે સાચી સંપત્તિ પ્રેમપૂર્ણ હૃદય છે? શેખર અને રાજ મળી શકશે? આ બાજુ જીવન અને માલા પરણી ગયા છે અને તેમને એક નાનકડો પુત્ર પણ છે. 

સુબોધ મુખર્જી જબરદસ્ત ફિલ્મમેકર શશધર મુખર્જીના ભાઈ હતા. 50-60ના દાયકામાં એમણે ‘મુનિમજી’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘લવ મેરેજ’, ‘જંગલી’, ‘એપ્રિલ ફૂલ’, ‘સાઝ ઔર આવાઝ’, ‘શાગિર્દ’, ‘શર્મિલી’ જેવી સફળ ફિલ્મો આપી હતી. પછી એકશન ફિલ્મોના યુગમાં એમનાં વળતાં પાણી થયાં. જો કે આ ફિલ્મથી સાયરા-શમ્મીની જોડી જામી ન હતી. ત્યાર પછી ઘણા વર્ષ પછી બંને ‘ઝમીર’માં સાથે દેખાયા હતા, પણ એ રોમેન્ટિક પૅર ન હતી. ગમે તેમ, ‘જંગલી’ પ્યૉર શમ્મી કપૂર બ્રાંડ ફિલ્મ હતી. પૂરી કાબેલિયત અને પરફેક્ટ ચાર્મ સાથે એ છવાઈ ગયો હતો. રોમાન્સની એની ખાસ અદા હતી. ભૂરી આંખો સાયરા બાનુના સુંદર ચહેરા પર ઠેરવીને જ્યારે એ ગાતો, ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ, મુઝે પલકોં કી છાંવ મેં રહને દો’ ત્યારે એક આખી પેઢીના શ્વાસ થંભી જતા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 15 મે 2026

Loading

15 June 2026 Vipool Kalyani
← શિક્ષકો પર ટેટનો બોજ ન નાખો …

Search by

Opinion

  • શિક્ષકો પર ટેટનો બોજ ન નાખો …
  • ‘Homes Without Windows’ : કર્મશીલ-લેખકના આત્મકથાનકમાં દૃશ્યમાન થતું ગુજરાતનું સમાજજીવન … 
  • અભિજાત સ્વયંસિદ્ધા અને પ્રેમાળ મા મૃણાલિની સારાભાઈ 
  • સ્ત્રી એટલે રોકાણ સામે વળતર? :  370 રૂપિયાની બિરયાનીનું બિલ, માનસિકતાનું દેવાળું
  • ચલ મન મુંબઈ નગરી—345 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved