એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,
તો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં
— માધવ રામાનુજ

સોનલ પરીખ
ગઈ સદીએ બે વિશ્વયુદ્ધ જોયાં છે. આ સદી ત્રીજું વિશ્વયુદ્ધ જુએ તો નવાઈ નહીં. એ પછી ચોથું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં તે જોવા બહુ ઓછા બચશે, પણ બચશે એટલા ફરી નવા યુદ્ધ માટે પ્રવૃત્ત થયા વિના નહીં રહે એ નક્કી, પછી ભલે એ યુદ્ધ આઈન્સ્ટાઈન કહેતા એમ પથ્થરોથી લડાય.
માણસ આટલો યુદ્ધ-ઉત્સુક એમ હશે? કાળના મહાપ્રવાહમાં માણસની 70-80 વર્ષની હસ્તી એક નાના એવા પરપોટા જેટલી પણ નથી, છતાં સત્તાની લાલસા, વર્ચસ્વની પિપાસા અને યુયુત્સાની તૃપ્તિ એને કેવાં ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે! યુદ્ધોના ઘડનારાઓ ઓફિસોમાં બેસી યુદ્ધો શરૂ કરે છે અને નવલોહિયા સૈનિકો રણભૂમિ પર કોઈ નિજી મહત્ત્વાકાંક્ષા વિના પોતાના જેવા જ અજાણ્યા યુવાનોને હણતાં હણતાં પોતે ખલાસ થઈ જાય છે. કેટલી માતાઓ, બહેનો, પત્નીઓ, પ્રેયસીઓ અને સંતાનો બરબાદ થઈ જાય છે. જેમનું કોઈ સરહદ પર ન ગયું હોય એ લોકો પણ અનેક પ્રકારની વિષમતાઓના શિકાર બને છે.
એક આફ્રિકન કહેવત છે, ‘વૉર ઇઝ ક્રિએટેડ બાય ધ પીપલ ટૂ ઑલ્ડ ટુ ફાઇટ ફૉર ધોઝ ટૂ યંગ ટુ ડાય’ એક હૃદયસ્પર્શી ગીત આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યું છે : ‘સૂટ પહેરેલો એક માણસ લાકડાના કીમતી ટેબલ પરથી સ્વતંત્રતાનો હવાલો આપી યુદ્ધની ઘોષણા કરે છે. એ માણસ ક્યારે ય વરસતા ગોળા વચ્ચે ગયો નથી, પણ એને તરુણોને આગમાં ઓરતાં આવડે છે – ઓલ્ડ મેન સ્ટાર્ટ ધ વૉર્સ, યંગ મેન ફાઈટ એન્ડ ડાય, રિચ મેન કાઉન્ટ ધ પ્રોફિટ્સ વ્હાઈલ ધ પુઅર મેન ક્રાય, વ્હેન વિલ વી વેક અપ, વ્હેન વિલ વી સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ…’ ‘આપણને રંગ, ધર્મ અને જાતિઓમાં વહેંચતો એ માણસ – એની મહેચ્છા પૂરી કરવા આપણે આપણા પ્રિયજનોને છોડીને લડવા જવાનું? સ્વજનો ગુમાવવાનાં? હાથપગ કપાવવાના? વિસ્થાપિત થવાનું? ઉન્માદના શિકાર થતા રહેવાનું? … બટ વી કેન વેક અપ, યસ, વી કેન સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ …’
ઈ.સ.પૂર્વે 2300માં સુમેર(હાલનું ઈરાક)ની એક કવયિત્રીએ લખ્યું હતું, ‘હે રાજવીઓ, તમે પર્વતો પરથી વહી રહેલું રક્ત છો; ધિક્કાર, લોભ અને ક્રોધની આગ છો …’ એ પછી હજારેક વર્ષો પછી હોમરે ‘ઈલિયડ’માં યુદ્ધ એ ‘મહાન યોદ્ધાઓને ખલાસ કરતી’ અને તેમના ‘સડતા માંસને ગીધ અને કૂતરાની મિજબાની’ બનાવતી વિભીષિકા છે એમ કહ્યું હતું. 750 ઈ.સ.માં ચીની કવિ લિ પોએ કહેલું, ‘માનવીઓના ક્ષતવિક્ષત શરીર રણના ઘાસને લોહિયાળ કરી રહ્યા છે. સેનાપતિઓ કશું હાંસલ કરી શક્યા નથી.’
શેલી, ટેનિસન, યિટ્સ, એમર્સન, થૉમસ હાર્ડી, રુડ્યાર્ડ કિપ્લિંગ આ બધાએ ખુવારી વેઠી હતી, પણ રણમેદાનમાં જઈ યુદ્ધનો ખરો અનુભવ લીધો ન હતો, પણ પહેલા વિશ્વયુદ્ધના મોટા ભાગનાં યુદ્ધકવિઓ સૈનિક હતા. 25 વર્ષની ઉંમરે માર્યા ગયેલા વિલ્ફ્રેડ ઓવેનનું કાવ્ય લોહિયાળ કીચડમાં કૂચ કરતા સૈનિકો, ગાડામાં ફેંકાઈ ગયેલું શરીર અને ચહેરામાં ફરતી રહી ગયેલી સફેદ આંખો જેવા ચિત્રાત્મક વર્ણનોથી આઘાત આપે છે. બ્રિટિશ કવિ સેફ્રિજ સેશન કહે છે, ‘સવાર પડે અને ધૂળ ઉડાડતું દળ સૂર્યના રક્તિમ ઉજાસને ઢાંકી દે છે. સાંજ એક વિસ્ફૉટ સાથે આથમે છે … ઈશ્વર, અટકાવ હવે આ દૃશ્યોને’
યુદ્ધમાં ભાગ લીધો ન હોય, પણ કવિએ યુદ્ધના સાક્ષી કે કેદી તરીકે દમન અથવા માનવઅધિકારના હનનનો ભોગ બનીને લખ્યા હોય એવાં કાવ્યો ‘પોએટ્રી ઑફ વિટનેસ’ કહેવાય છે. તેમાં શૌર્યની ગાથા કરતાં પીડાનું આલેખન અને સામાજિક નિસબત વધારે હોય છે. પ્લેટોએ કહ્યું છે, કવિની જવાબદારી છે કે તેણે સાક્ષી હોવાની પીડા ઝીલવી અને વર્ણવવી. અમેરિકન સિવિલ વૉર વખતે 80,000 ઘાયલોની પરિચર્યા કરનાર વૉલ્ટ વ્હીટમેન લખે છે, ‘કપાઈ ગયેલા હાથના ખભા પરથી, હું ચોંટી ગયેલું કપડું ઉખેડું છું અને સડેલું માંસ કાપી લઈ લોહી અને કચરો ધોઉં છું’ ચિલીના કવિ પાબ્લો નેરુદા સ્પેન સિવિલ વૉર સમયનાં એમનાં જુગુપ્સાજનક છતાં સંવેદનશીલ કાવ્યો માટે જાણીતા છે. અમેરિકાના હૉલોકાસ્ટ મ્યુઝિયમમાં નાઝી કેમ્પોમાં લખાયેલાં કાવ્યોનો મોટો સંગ્રહ છે. જાપાનના કવિ શોડા શિનોએ એટમબૉમ્બે વેરેલા સર્વનાશનાં કાવ્યો લખ્યાં છે. ક્રોએશિયન કવિ મારિઓ સુસ્કોએ બૉસ્નિયાના યુદ્ધનાં કરપીણ ચિત્રકાવ્યો આલેખ્યાં છે. અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધવિરોધી કવિઓએ વ્હાઈટ હાઉસના દરવાજે કાવ્યપઠન કરેલું. આની વૈશ્વિક અસર પડી અને અનેક કાવ્યપઠનો યોજાયાં અને એક દસ્તાવેજી ફિલ્મ તેમ જ 13,000 કવિઓની એક વેબસાઈટ બન્યાં.
યુદ્ધનું નુકસાન માપી શકાય એવું હોતું નથી. કેટલાક કિસ્સામાં તો તે ભરપાઈ પણ નથી થઈ શકતું, જેવું હિરોશીમા અને નાગાસાકીના કિસ્સામાં થયું છે. યુદ્ધ સ્થાયી નુકસાન પહોંચાડે છે અને તે નુકસાન અતિ સમૃદ્ધ દેશો પણ ખમી શકતા નથી. અમેરિકા અને રશિયા જેવાં સુપરપાવર કહેવાતાં દેશો પણ નહીં. છતાં યુદ્ધ થયા કરે છે. અડધે પહોંચવા આવેલી એકવીસમી સદી વિશ્વયુદ્ધના ઓથાર નીચે હાંફી રહી છે.
1959માં મનોચિકિત્સક સિગમંડ ફ્રોઈડે આઈન્સ્ટાઈનને લખ્યું હતું, ‘આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે. માણસ યુદ્ધની મહામારીના ચેપનો ખૂબ જલદી ભોગ થઈ પડે છે – લાગે છે કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ, જે તક મળતાં જ વિફરી ઊઠે છે. આ વૃત્તિને આપણે કચડી નાખી શકવાના નથી. આપણે જો કંઈ વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?’ અને ઉકેલ આપે છે, ‘જો આક્રમકતા અને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.’
ઇતિહાસમાં લગભગ દરેક યુદ્ધ સાથે યુદ્ધવિરોધી આંદોલનો થયાં છે. 1920માં લીગ ઓફ નેશન્સ કોવેનન્ટે સભ્ય દેશોને નવ મહિના સમાધાનનો પ્રયાસ કર્યા પછી જ યુદ્ધનો આશરો લેવા ફરજ પાડી હતી. 1928ના કેલોગ-બ્રાયન્ડ કરારે તેના 63 પક્ષોને યુદ્ધનો રાષ્ટ્રીય નીતિના સાધન તરીકે ત્યાગ કરવાની શરત મૂકી હતી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરે આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરી હતી. આવી ચળવળોનો સરકારોના નિર્ણયો પર પ્રભાવ પડે છે કે નહીં તે વિવાદનો વિષય છે પણ યુદ્ધ વિરોધી ચળવળોએ યુદ્ધોને ટૂંકાવ્યાં કે અટકાવ્યાં હોવાના દાખલા બન્યા છે. 1960 અને 1970ના દાયકા દરમિયાન ઉત્તર અમેરિકા અને યુરોપમાં થયેલી યુદ્ધવિરોધી ચળવળો વિયેતનામમાં અમેરિકન હસ્તક્ષેપ અંગે તેમની સરકારોની નીતિઓને આકાર આપવામાં ઘણે અંશે સફળ થઈ હતી. છતાં, યુદ્ધવિરોધ શૂન્યાવકાશમાં ચાલી શકતો નથી. તેને સંવેદનશીલ સરકાર, સ્વતંત્ર-સહાનુભૂતિપૂર્ણ માધ્યમો અને ગ્રહણશીલ પ્રજાની જરૂર હોય છે એ યાદ રાખવું રહ્યું.
યુદ્ધ ગમે ત્યાં થાય, એની અસર આખી દુનિયા પર પડે છે. મખદૂમ મોઇનુદ્દીન લખે છે, ‘કૌન દુખિયા હૈ જો ગા રહી હી, ભૂખે બચ્ચોં કો બહલા રહી હૈ, લાશ જલને કી બૂ આ રહી હૈ, ઝિંદગી હૈ કિ ચિલ્લા રહી હૈ … જાનેવાલે સિપાહી સે પૂછો, વો કહાં જા રહા હૈ’ આવો જ વેધક પ્રશ્ન જાવેદ અખ્તરનો છે, ‘હમ અપને અપને ખેતોં મેં ગેહૂં કી જગહ ચાવલ કી જગહ યે બંદૂકેં ક્યોં બોતે હૈં … જબ દોનોં હી કી ગલિયોં મેં કુછ ભૂખે બચ્ચેં રોતે હૈં’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ઍપ્રિલ 2026
![]()

