છુપા લો યું દિલ મેં પ્યાર મેરા
કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી
તુમ અપને ચરનોં મેં રખ લો મુઝકો
તુમ્હારે ચરનોં કા ફૂલ હૂં મૈં
મૈં સર ઝુકાયે ખડી હૂં પ્રીતમ
કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી
યે સચ હૈ જીના થા પાપ તુમ બિન
યે પાપ મૈંને કિયા હૈ અબ તક
મગર હૈ મન મેં છબી તુમ્હારી
કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી
ફિર આગ બિરહા કી મત લગાના
કિ જલ કે મૈં રાખ હો ચૂકી હૂં
યે રાખ માથે પે મૈં ને રખ લી
કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી
વસંતની હવામાં ખીલતી કળીઓની સુગંધ તરતી હોય એમ હું તારા અસ્તિત્વમાં મહેક્યા કરીશ – આવું ખુશબોભર્યું વચન જેને આપી શકાય એવું પાત્ર જીવનમાં આવે તેનો આહલાદ કેવો હોય? પછી એવું વચન જેને આપ્યું હોય તેના જીવનમાંથી એક દિવસ, ફરી ક્યારે ય ન આવવા માટે નીકળી જવું પડે એની વેદના કેવી હોય અને પછી અચાનક મુલાકાત થાય ત્યારે અપમાન અને શરમિંદગીથી મરી જવાનું મન થાય એવી સ્થિતિ હોય તો હૃદયમાંથી કેવી હાય નીકળે?
આ છે 1966ની ફિલ્મ ‘મમતા’ની અડધી કહાણી, જે ‘રહે ન રહે હમ’ અને ‘રહતે થે કભી જિનકે દિલ મેં’ જેવા ચિરસ્મરણીય ગીતો સાથે સાક્ષાત થઈ છે. રૂપેરી પડદે સાકાર થયેલી અદ્દભુત પ્રણયકથાઓમાંની એક ‘મમતા’ની નાયિકા સુચિત્રા સેનનો જન્મદિન 7 એપ્રિલે છે, એ નિમિત્તે યાદ કરીએ આ ફિલ્મને, સુચિત્રા સેનને અને હેમંતકુમાર-લતા મંગેશકરે ગાયેલા એના ક્લાસિક ગીત ‘છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા’ને.

સુચિત્રા સેન
સુચિત્રા સેન એટલે બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનાર અભિનેત્રી. તેનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે રોમા દાસગુપ્તા હાઈસ્કૂલમાં ભણતી. ભાગલાનાં રમખાણોમાંથી પરિવારને માંડ બચાવી તેના પિતા પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયા અને 15 વર્ષની રોમાના લગ્ન ઉદ્યોગપતિ આદિનાથ સેનના પુત્ર દીબાનાથ સેન સાથે કરાવી દીધા. લગ્ન પછી થોડા જ સમયમાં પતિએ તેની પ્રતિભા પારખી લીધી અને બિમલ રૉયની એક ફિલ્મમાં ગીત ગાવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તે સ્વીકારી લેવા પ્રોત્સાહન આપ્યું. થોડા જ સમય પછી રોમાએ સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કર્યુ. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી માન્યતા તો તેણે તોડી નાખી. પણ કમનસીબે સ્ટારડમે તેના લગ્નજીવનને વિખેરી નાખ્યું.
બંગાળી ચિત્રોના અત્યંત લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. સુચિત્રાની સાઠ જેટલી ફિલ્મોમાંથી ત્રીસ ઉત્તમકુમાર સાથે હતી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં દિલીપકુમારે કહ્યું હતું કે તેમની ફેવરિટ ઓન-સ્ક્રીન જોડી સુચિત્રા સેન અને ઉત્તમકુમાર છે. સુચિત્રા સેનની વિશેષતા હતી તેનું અપૂર્વ સૌંદર્ય અને સુંદર ભાવાભિવ્યક્તિ. તેમણે જૂજ હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે તે પણ નોંધપાત્ર બની રહી – જેમ કે બિમલ રોય દિગ્દર્શિત ‘દેવદાસ’, રાજ ખોસલા દિગ્દર્શિત ‘બંબઈ કા બાબુ’, અસિત સેન-દિગ્દર્શિત ‘મમતા’ અને ગુલઝાર દિગ્દર્શિત ‘આંધી’. 1963માં તેને બંગાળી ફિલ્મ ‘સાત પાકે બાંધા’ માટે મૉસ્કોના આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. આવું સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. 1978ના અરસામાં એક ફિલ્મ વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓમાં મોટા ભાગનો સમય આપ્યો હતો.
દિલીપ કુમાર, બિમલ દા જેવા ટોપના કલાકારો પણ સુચિત્રાની સુંદરતા, એક્ટિંગ અને આંખોનાં વખાણ કરતા હતા. સુચિત્રા ખૂબ સ્વાભિમાની હતી. શોમેન રાજ કપૂરની સુચિત્રાએ એમ કહીને તેમની ફિલ્મ નકારી હતી કે તેને રાજ કપૂરની સ્ટાઇલ પસંદ નથી. જાહેરમાં આવવું ન પડે એટલે તેણે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ નકારી દીધો હતો. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમને દુનિયાની નજરથી છુપાવીને અંતિમ વિદાય આપવામાં આવે. તેનાં સ્વજનોએ એ ઇચ્છા પૂરી કરી હતી.
પણ આપણે ‘મમતા’ની કહાણી પૂરી કરીએ. શ્રીમંત મોનિષ (અશોકકુમાર) ગરીબ દેવયાનીને ચાહે છે, પણ તે વિદેશ ભણવા જાય છે તે પછી દેવયાનીને દુષ્ટ રાખાલ(કાલીપદ ચેટર્જી)ને પરણવું પડે છે. રાખાલ તેને દરેક રીતે ત્રાસ આપી અંતે વેશ્યાવાડે ધકેલાઇ જવું પડે તેવી પરિસ્થિતિમાં મૂકે છે એટલું જ નહીં, દીકરી સુપર્ણાને પણ કબજે કરવા માગે છે. દેવયાની સુપર્ણાને છૂપી રીતે એક બોર્ડિંગ સ્કૂલમાં ભણાવે છે અને રાખાલને વારંવાર ઘણા રૂપિયા આપી ચૂપ કરતી રહે છે. એક વાર એક ખાનગી મહેફિલમાં ગાવા ગયેલી દેવયાની મોનિષને જુએ છે અને તેનું ઘવાયેલું હૃદય ચિત્કારી ઊઠે છે. એક વાર જેના હૃદયની સામ્રાજ્ઞી હતી તે આજે તેનો તમાશો જોવાનો છે? પોતે સ્ત્રી હતી, લાચાર હતી. એ તો પુરુષ હતો, સમર્થ હતો – છતાં તેણે આ બધું થવા દીધું?
નિર્દોષ હોવા છતાં ગુનેગારની જેમ જીવતી ને પળે પળે રહેંસાતી પ્રિયતમાનું આ આકસ્મિક દર્શન મોનિષને પણ હચમચાવી મૂકે છે. બીજે દિવસે એ દેવયાનીને મળે છે અને તેની તમામ ચિંતા પોતા પર લઇ લે છે. બોર્ડિંગમાં ભણતી તેની દીકરીને પોતાની પાસે લઇ આવે છે અને ભણાવીગણાવી મોટી કરે છે. યુવાન પુત્રી તરીકે સુચિત્રાનો પ્રેમી ધર્મેન્દ્ર છે. પછી પણ વાર્તામાં વળાંકો આવે છે, જેમાંથી પસાર થવાનું બળ પ્રેમ જ આપે છે. ફિલ્મ ખૂબ સફળ રહી હતી. ટિકિટનો ભાવ પચ્ચીસ પૈસા હતો એ જમાનામાં એણે બાર કરોડનો ધંધો કર્યો હતો ને યુરોપ-અમેરિકામાં પણ વખણાઈ હતી. કેટલાક ક્રાંતિકારી વિચારો પણ આપ્યા હતા તેણે, કે બાળકનું માપ માબાપના સ્ટેટસ પરથી ન કઢાય, સ્ત્રીને પણ પુરુષ જેવાં તક અને મોકળાશ મળવાં જોઈએ, સ્ત્રીપુરુષ વચ્ચે લગ્નસંબંધ વિનાનો શુદ્ધ અને સુંદર પ્રેમસંબંધ હોઈ શકે, અપરાધનાં સંજોગો કે કારણો જાણ્યા વગર અપરાધીનો ન્યાય તોળવા કે તેને ધિકકારવા જવાય નહીં.
અસિત સેનની બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ પરથી આ ફિલ્મ બની હતી. તેમાં પણ સુચિત્રા સેન જ હતી. ગુરુ બિમલ રૉયની જેમ અસિત સેન પણ કલાકારોનું શ્રેષ્ઠ બહાર કાઢવાની ક્લા જાણતા હતા. બંગાળી ફિલ્મમાં મોનિષની ભૂમિકા ઉત્તમકુમારે કરી હતી.
‘મમતા’નાં ગીતો લખ્યાં હતાં મજરૂહ સુલતાનપુરીએ. સંગીત રોશનનું હતું. મંદિરમાં દીવાની જ્યોત હોય એમ હૃદયમાં પ્રેમને છુપાવી લેવાની કલ્પના કેટલી સુંદર છે! ‘ફિર આગ બિરહા કી મત લગાના કિ જલ કે મૈં રાખ હો ચૂકી હૂં, યે રાખ માથે પે મૈં ને રખ લી, કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી’ આવું અદ્દભુત કમિટમેન્ટ કોઈ ભૂલી શકે ખરું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 04 ઍપ્રિલ 2026
![]()

