Opinion Magazine
Number of visits: 9881408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 May 2026

AI આપણે જે કરીએ છીએ તે નથી બદલી રહ્યું બલકે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે બદલી રહ્યું છે અને સરળતા અને ઝડપના મોહમાં આપણે એ થવા પણ દઇએ છીએ. 

ચિરંતના ભટ્ટ

આ લખાઈ રહ્યું છે ત્યારે, આ સમયે, કોટામાં કોમ્પિટિટીવ એક્ઝામ્સની તૈયારીમાં વ્યસ્ત કોઈ વિદ્યાર્થી ChatGPTને પોતાનો નિબંધ અંગ્રેજીમાં લખવાનો પ્રોમ્પ્ટ આપી રહ્યો છે. એ તેના એસાઇન્મેન્ટને પુરું કરવામાં કોઈ ચાલાકી કરે છે, ચિટીંગ કરે છે એવું નથી, કારણ કે એવી કોઈ સૂચના નથી કે AIનો ઉપયોગ ન કરવો. એ તો એ જ કરે છે જે દરેક પેઢી કરતી આવી છે, સૌથી અસરકારક અને સરળતાથી મળતા હોય તેવા સંસાધનનો ઉપયોગ. મુંબઈની ઑફિસમાં કોઈ મેનેજર પોતાના ક્વાર્ટરલી પ્રેઝન્ટેશન માટેની વિગતો લઈને કોઈ AI ટૂલ પાસે પ્રેઝન્ટેશન તૈયાર કરાવે છે. દિલ્હીના કોઈ ન્યૂઝરૂમમાં કોઈ પત્રકાર AIને તે દિવસના સવારના સમાચારોનો સાર કાઢવાનો પ્રોમ્પ્ટ આપીને પોતાના આગલા શોની તૈયારી કરી રહ્યો છે. ગુજરાતના કોઈ વૉટ્સએપ ગ્રૂપમાં કોઈ વ્યક્તિ એક રાજકારણીનો અવાજ વાપરીને AIમાં બનાવેલી કોઈ ક્લિપ પોતાના ગ્રૂપ્સમાં ફોરવર્ડ કરી રહી છે, એ ક્લિપમાં એવી વાત છે જે પેલા રાજકારણીએ ક્યારે ય કીધી જ નથી. કોઈ કિટી પાર્ટી કે ફેમિલી ફંકશનમાં મોડર્ન મમ્મી પોતાનું છોકરું કઈ રીતે AIનો ઉપયોગ કરતા શીખી ગયું છે અને ઘણીવાર તો વોઈસ કમાન્ડથી જ પ્રોમ્પ્ટ આપી દે છે એવી વાત ગર્વથી કરી રહી છે. 

અહીં ઉપર લખેલી દરેક વાત આજનું સત્ય બની ચૂકી છે, આમાંથી કોઈપણ વ્યક્તિ કશું પણ ખોટું નથી કરી રહી. છતાં ય કશુંક છે જે ધરમૂળથી બદલાઈ રહ્યું છે. માણસ જાતના ઇતિહાસમાં જે પણ ટૅક્નોલૉજી ખરેખર મહત્ત્વની સાબિત થઈ છે તેણે માણસની ક્ષમતાઓમાં હંમેશાં વધારો કર્યો છે. પ્રિન્ટિંગ પ્રેસ આવી તો જ્ઞાન અને સમજણને લોકશાહીનું ક્લેવર ચઢ્યું, તે વધુ લોકો સુધી પહોંચતા થયા અને ગણતરીના બુદ્ધિજીવીઓના હાથવગાં ન રહ્યાં. કાર્સને કારણે ગતિ મળી, અંતરો ઘટ્યાં, ઇન્ટરનેટ ક્રાંતિ પછી તો દુનિયા ગોળ નહીં સપાટ બની ગઈ કારણ કે તમારી સ્ક્રીન પર આખું વિશ્વ આવ્યું. સ્માર્ટ ફોન એટલે તો માણસે હાથમાં પકડેલું કૉમ્પ્યુટર જ સમજો. ટૅક્નોલૉજીની પહોંચ અને તેના સ્વરૂપો હવે આંગળીના વેઢે ગણાય એવાં નથી રહ્યાં, ભલે ટૅક્નોલૉજી આપણી આંગળીનાં વેઢે હોય.

પણ છતાં ય AI કંઇક અલગ કરી રહ્યું છે. AI આપણે શું કરીએ છીએ એ બદલે છે એમ નથી પણ તે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે પણ બદલી રહ્યું છે. આ જ કારણોસર આપણે આપણે જરા પોરો ખાવાની, થોભવાની જરૂર છે. માણસ શીખે ક્યારે? ફિલસૂફી કે આધ્યાત્મના મતે માણસ ઘર્ષણમાંથી શીખે. સારું લખતાં શીખવું હોય તો લાંબા સમય સુધી ખરાબ લખતાં રહેવું પડે છે. સંશોધન કરતા શીખવું હોય તો એવી ચીજોમાં ખોવાઈ જવું પડે જેને આપણે પૂરી રીતે સમજતા નથી. ધીરજ કેળવવી હોય તો અનુભવ અને પ્રતિક્ષા બન્ને જરૂરી છે. નિર્ણયક્ષમતા વિકસાવવા માટે ભૂલો કરવી પડે, એ ભૂલોમાંથી શીખવું પડે અને ક્યારેક આ ભૂલોની કિંમત પણ ચૂકવવી પડે. ખરું ડહાપણ સાચો જવાબ મળવાથી નથી આવતું, પણ ડહાપણ તો સાચો જવાબ શોધવાની લાંબી, અસ્તવ્યસ્ત કરે તેવી અને ક્યારેક કંટાળાજનક પ્રક્રિયા કર્યા પછી બચી ગયેલો, પાછળ રહી ગયેલો અવશેષ છે. 

Aiનું સૌથી મોટું વચન એ છે કે તમારે સંઘર્ષ નહીં કરવો પડે, આ ઘર્ષણ જ નહીં હોય. શરૂ શરૂમાં તો આ આખી વાત જ અદ્ભૂત લાગે છે. જ્યાં સુધી તમને સમજાતું નથી કે ઘર્ષણ કોઈ અવરોધ નથી પણ એ જ વિકાસની પ્રક્રિયા છે. તમે જ યાદ કરો કે એવું ક્યારે થયું કે તમને કોઈ પેચીદો સવાલ મનમાં આવ્યો, તમે કદાચ કોઈ સામાન્ય શબ્દનો સમાનાર્થી શોધતા હતા અને તમે તરત ફોન હાથમાં ન લીધો હોય? કોઈ માહિતી શોધવા માટે નહીં પણ માત્ર વિચારવા માટે પણ તમારો ફોન તમારી ટેકણ લાકડી બન્યો હોય એવું તો થયું જ હશે. અનિશ્ચિતતા સાથે થોડો સમય પસાર કરવો, જવાબ મળે ત્યાં સુધીની પ્રક્રિયાને સમય આપવો એવું બધું હવે આપણે માટે સાવ ટૂંકી ઘટના છે. આ વિરામ, આ ગૅપ નહીં જેવી રહી ગઈ છે પણ એવું એટલા માટે નથી થયું કે આપણે આળસુ બની ગયા છીએ પણ વાસ્તવિકતા એ છે કે આપણે ટેવાઈ ગયા છીએ કે સવાલ પૂરેપૂરો ઘડાય તે પહેલાં તો આપણે જવાબ સુધી પહોંચી જઈએ છીએ. આ ટ્રેનિંગ આપણને મળી છે, સાહજિક રીતે અને આપણને એની સામે કોઈ વાંધો નથી. ભારતમાં પણ આ પરિવર્તન દેખાય છે. એક વખત હતો જ્યારે કોઈ UPSCનો ઉમેદવાર કલાકો સુધી અખબારોમાં આવતા સંપાદકીય લેખો વાંચતો, નોંધ કરતો, ચોપડાં ઉથલાવતો, દલીલો સમજવાનો પ્રયાસ કરતો પણ હવે તે AIને પ્રોમ્પ્ટ આપીને બધાનો સાર માંગી લે છે. તેને માહિતી જલદી મળી જાય છે, હા, પણ જે નથી મળતું એ છે લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકવાની ક્ષમતા, જટિલ વિચારો સાથે એટલો સમય વિતાવવાની આદત કે તે તેની પર્સનાલિટીનો ભાગ બને.

AI પાસે લખાવેલું એસાઇન્ટમેન્ટ સબમિટ કરનારો વિદ્યાર્થી કંઇક શીખી તો રહ્યો જ છે પણ તે વિષયની ગહેરાઈ નથી, તે શીખે છે કે જ્યારે સવલત હોય, સાધન હોય ત્યારે પ્રયત્ન – અટેમ્પ્ટ વૈકલ્પિક બની જ શકે છે. ડીપ ફેક્સ, ખોટી માહિતી ફેલાવતાં AI દ્વારા બનાવેલી તસવીરો કે વીડિયો હોય કે ફેક વોઈસની ક્લિપ્સ હોય એ બધું લોકોને પહોંચાડવા હોંશે હોંશે ફોરવર્ડ કરનારાઓની દાનત ખોરી નથી (બનાવનારાઓની છે એમ યાદ રાખવું) પણ તેમને સવાલ કરવાની આદત નથી રહી, તેમણે કદાચ એ આદત વિકસે તે પહેલાં જ નાથી દીધી. તેમને એવો વિચાર જ નથી આવતો કે આ સાચું છે કે નહીં તેની ખાતરી તેમણે કરવી જોઇએ, અને જો કરવી હોય તો કેવી રીતે કરવી જોઇએ?

અગાઉની ટેક્નોલોજીઓએ પણ આપણને કંઈક આપ્યું અને કંઈક લીધું. કેલ્ક્યુલેટરે ગણતરી સરળ બનાવી પણ મોઢે ગણવાની આદત ઓછી કરી. GPSએ રસ્તા શોધવાનું સરળ બનાવ્યું પણ દિશાની સમજ કમજોર કરી. પરંતુ AI અલગ છે. કેલ્ક્યુલેટર તમારા માટે વિચારતું નથી. AI તમારા વિચારની પ્રક્રિયામાં જ પ્રવેશ કરે છે. તે માત્ર કામ નથી કરતું, તે ત્યાં પહોંચે છે જ્યાં એક સમયે માનવીય નિર્ણય અને સમજણ સંઘર્ષમાંથી જન્મતા હતા. માનવ ઇતિહાસમાં પહેલીવાર એવી ટૅક્નોલૉજી આવી છે જે અત્યંત વિશ્વસનીય છાપ કોઈપણ પ્રયત્ન વિના ધરી દે છે જે બુદ્ધિની ધાર કાઢવામાં વપરાતી માનસિક ગડમથલની બાદબાકી કરી દે છે.

વળી આવું આખી દુનિયામાં, એક જ સમયે, એક સાથે, અબજો લોકો સાથે કરી શકવાની ક્ષમતા AI પાસે છે. લાખો નહીં કરોડો લોકોને AI જવાબ આપતું રહે છે. આ માત્ર ટૅકનોલૉજિકલ પરિવર્તન નથી, આ સંસ્કૃતિ અને સભ્યતાના સ્તરે થઇ રહેલો ફેરફાર છે. હજી તો સરકાર AIને લગતા કાયદા ઘડી રહી છે, અદાલતોમાં કૉપિરાઇટની ચર્ચા થાય છે, શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રામાણિકતાના નવા માપદડ બની રહ્યા છે, કંપનીઓમાં AI એથિક્સ કમિટી બની રહી છે પણ માનવીય વર્તન નીતિઓની રાહ જોતું નથી. નિયમો લખાશે અને અમલમાં મુકાશે તે પહેલાં તો આદતો બની ચૂકી હશે, વિચારવાની શૈલી બદલાઈ ગઈ હશે, કાયદા પરિણામોનો નિયંત્રિત કરી શકે છે, પણ લોકો કેવી રીતે વિચારે છે તેની ધીમી અને લગભગ ગાયબ થઇ રહેલી પુનઃરચનાનું નિયંત્રણ કરવું તો કાયદા માટે પણ શક્ય નથી. 

દરેક પેઢી એવા સાધનની રાહ જોતી હોય છે જે પોતાના કામને, જીવનને સરળ બનાવી દે. બહુ ઓછી પેઢી જાતને સવાલ કરે છે કે જે બાબત આટલી સરળતાથી ઉકેલાઈ ગઈ, તેમાં રહેલી મુશ્કેલી જ ન રહી ત્યારે તેની સાથે બીજી કઈ બાબત અદૃશ્ય થઇ? જોખમ એ નથી કે AI આપણને સાચા જવાબ નહીં આપે, ઘણીવાર તો આપણને નવાઈ લાગે એ રીતે સાચા અને સચોટ પ્રતિભાવ આપણને AI તરફથી મળતા હોય છે અને એટલે જ જોખમ તો એ છે કે આપણને આપણા જવાબો શોધવાની પ્રક્રિયા સાથે કોઇ લેવા-દેવા જ નહીં રહે. 

સરકાર, કાયદા જ્યારે બનશે ત્યારની વાત ત્યારે પણ AI તો આપણી જિંદગીમાં છે જ, તેણે આપણી આદતો બદલી છે, તેણે આપણી ધીરજનો પનો ટૂંકો કર્યો છે અને પ્રશ્નો અને જવાબ વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. આપણે કાળજી એ વાતની લેવાની છે કે AI આપણી પાસેથી શું લઈ રહ્યું છે તે સમજીએ, એ પહેલાં કે આપણે ભૂલી જઈએ કે આપણી પાસે વિચારવાની ધીરજ, બુદ્ધિ અને સમજણ હતાં.

ક્રાંતિ પરવાનગીની રાહ નથી જોતી, એ તો પહેલેથી જ શરૂ થઇ ચૂકી છે.

બાય ધી વે:

ગુજરાતીમાં આપણે કહીએ છીએ, “ડહાપણ આવ્યું.” આપણે ક્યારે ય નથી કહેતા કે “ડહાપણ ડાઉનલોડ કર્યું.” આપણી ભાષા પણ પોતે એમ જ માને છે કે સમજણ ધીમે ધીમે પાકે છે. કદાચ એ જ કારણ છે કે AI એક સાથે આકર્ષક પણ લાગે છે અને અસ્વસ્થ પણ. તે સેકન્ડોમાં માહિતી આપી શકે છે, પરંતુ ભૂલો, ધીરજ, અનુભવ અને આત્મમંથનમાંથી જન્મતું ડહાપણ હજુ પણ લાંબો રસ્તો લઈને જ આવે છે. AIથી ચાલતો રોબોટ તમારા ઘરમાં સફાઈ કરવાનું કહેશો તો કરી આપશે, પણ એ તમને એમ પણ કહી શકે છે કે તમે જે રીતે ઘર ગોઠવ્યું છે એ બરાબર નથી. એક સ્કોલર જેમણે એક બહુ મોટું પ્રદર્શન ગોઠવ્યું હતું તેમણે મને વાત-ચીતમાં એમ કહેલું કે આર્ટ એક્ઝિબિશન માટેનાં લખાણ અંગે જ્યારે તે AI  સાથે વાત કરતા હતા ત્યારે કૃષ્ણ પરનું પ્રદર્શન હોવાથી એક તબક્કે તેમણે AIને કહ્યું કે તેણે ભગવાન શ્રીકૃષ્ણની માફક જવાબ આપવા જોઇએ અને પછી તેમને જે જવાબ મળ્યા તેનાથી તે ચોંકી ગયા હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાના રસ્તા પણ AI બદલી નાખી શકે છે, મુદ્દો માત્ર એટલો જ છે કે એટલી સજાગતા અને સતર્કતા હોવી કે ક્યાં સુધી આગળ વધવું અને ક્યારે અટકવું. AIની કેટલી વાત માનવી અને ક્યારે તમારી પોતાની બુદ્ધિ પર વિશ્વાસ કરવો. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 મે 2026

Loading

31 May 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—343

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન
  • સગડ
  • ‘જસ્ટ બિઇંગ’ : ઇતિહાસકાર રોમિલા થાપરનાં સંસ્મરણો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved