Opinion Magazine
Number of visits: 9746008
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી ફાગણમાં રમીએ ગુલાલે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 April 2021

હૈયાને દરબાર 

ગુજરાતી સુગમ સંગીતના અગ્રગણ્ય સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ એક ઉત્તમ કામ કર્યું હતું. ગુજરાતના ૩૫ કવિઓનાં ગીતો ૨૬ જુદા જુદા કલાકારોના કંઠે રેકોર્ડ કરીને ‘સંગીત સુધા’ નામે દસ કેસેટ્સનો સંપૂટ બહાર પાડ્યો હતો. એ વાતને આજે પાંત્રીસ વર્ષ થઈ ગયાં. સુગમ સંગીત ક્ષેત્રે આ મોટી ઘટના હતી. એક સાથે આટલું મોટું કલેક્શન એ પહેલાં ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે થયું નહોતું. એ પછી સંગીતકાર અજિત શેઠ, શ્યામલ-સૌમિલ મુન્શી, સુરેશ જોશી ઈત્યાદિએ પણ આ ભગીરથ કાર્ય કર્યું છે, પરંતુ ક્ષેમુભાઈ પાયોનિયર ગણાય. ક્ષેમુભાઈના દીકરા માલવ દિવેટિયા પણ સંગીતકાર છે. એ સંપૂટમાં સો ગીતો છે. એ ગીતોમાંથી પસાર થતાં એક આખો યુગ તાદૃશ થઈ ગયો. કેવા રે મળેલા મનના મેળ, સખી મુને વ્હાલો રે, રાધાનું નામ, દરિયામાં હોય એને મોતી કહેવાય, હે જી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું, ચાલ સખી જેવાં કેટલાં ય અણમોલ મોતી આ સંપૂટમાં છે. ક્ષેમુભાઈનું સમગ્ર પ્રદાન આ દસ કેસેટ્સમાં સમાઈ ગયું છે, પરંતુ આ બધાં ગીતો વચ્ચે એક મજેદાર અને અપ્રચલિત ગીત મળી આવ્યું. એ ગીત એટલે ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં રે …!’

સુપ્રસિદ્ધ કલાકારો સંજય ઓઝા અને આરતી મુન્શીના કંઠે ગવાયેલું આ ગીત પ્રાસંગિક છે. ફાગણનો રંગબેરંગી મહિનો પૂરો થતાં ચૈત્ર બેસે. અલબત્ત, ફાગણની મોજમસ્તીનો માહોલ માઘ મહિનાથી જ શરૂ થઈ જાય. વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે પણ લગભગ એ દરમ્યાન જ આવે. એટલે આ ગીતમાં પણ પ્રેમી નાયક એ જ કહે છે કે ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી, ફાગણમાં રમીએ ગુલાલે …’ ત્યારે ગર્વિલી પ્રેમિકા કહે છે, ‘ચૈતર ચઢે ને અમે આવશું હો રાજ, તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે …!’

પ્રિયતમને તો નેણની પ્યાલી છલકાવીને નવા જ રંગે પોતાની પ્રેમિકાને રંગવી છે પણ શબ્દોની જાળમાં ફસાય એવી આ પંખિણી નથી! એ તો કહી દે છે કે ‘નાનેરી જિંદગીની ઝાઝેરી ઝંખનાનો મારે કોઈ રાગ ગાવો નથી.’

પ્રેમીઓની જિંદગીમાં તૂ તૂ મૈં મૈં અથવા રિસામણાં-મનામણાં એ સ્વાભાવિક ઘટના છે. એટલે જ છેલ્લી પંક્તિમાં કવિ લખે છે કે;

આવો કે અમથી ઉકેલી ન જાય
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે …!

સંબંધોમાં જે ગાંઠ પડી છે એ કંઈ એમ તરત ન ઊકલે. એના માટે પ્રત્યક્ષ મળવું પડે. ત્યારે છેવટે પ્રિયતમા માની જાય છે અને કહે છે કે ‘આવ્યા વિના તે કેમ ચાલે?’

ઊર્મિકવિ હરીન્દ્ર દવેનું આ રમતિયાળ ગીત છે. એમનાં જાણીતાં પ્રણયગીતો ઉપરાંત કેટલીક ઓછી જાણીતી છતાં સુંદર રચનાઓમાંનું આ એક ગીત છે. હરીન્દ્રભાઈએ અન્ય એક ગીતની આ પંક્તિઓ પણ કેવી સરસ રચી છે;

અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત …!

‘માઘમાં મેં મોકલ્યાં તેડાં …’ ગીત વિશે ક્ષેમુભાઈના સંગીતકાર પુત્ર માલવ દિવેટિયા કહે છે, ‘આ ગીત મમ્મી-પપ્પા ઘણી વાર સાથે ગાતાં હતાં. ૧૯૮૪માં પપ્પાની ષષ્ટિપૂર્તિ હતી ત્યારે એમના મિત્રોએ ભેગા થઈને ક્ષેમુભાઈનાં સ્વરાંકનોની કેસેટ્સનો સેટ તૈયાર કરવાનું નક્કી કર્યું. મિત્રો અને શુભચિંતકોએ જ ફંડ ઊભું કર્યું એમાંથી ‘સંગીત સુધા’ના સંપૂટનું સર્જન થયું. ૧૯૮૪માં પહેલાં ચાર કેસેટ બનાવી અને બાકીની ૧૯૯૦માં. કુલ દસ કેસેટ્સ અને ૧૦૩ ગીત-ગરબા અને કોરસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીત પણ ‘સંગીત સુધા’માં લેવાયું જે આરતી મુન્શી અને સંજય ઓઝાએ સરસ રજૂ કર્યું છે.’

આરતી મુન્શી એ શ્યામલ-સૌમિલ-આરતીની ત્રિપુટીનું સુરીલું નામ છે. આ ત્રિપુટીએ અનેક થીમ પર આધારિત કાર્યક્રમો કર્યા છે. સંજય ઓઝા છેલ્લાં પાંત્રીસ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથેની મુલાકાત પછી એમના જીવનને નવી દિશા મળી. એમણે રેડિયો-ટેલિવિઝન પર કાર્યક્રમો આપ્યા છે, એડ જિંગલ્સ કરી છે તેમ જ ‘છેલછબીલો ગુજરાતી’ નામે સફળ પ્રોગ્રામ પણ કર્યો છે. હવે એમનો દીકરો પાર્થ ઓઝા પણ ગાયક બની ગયો છે તથા અનેક શોઝ કરે છે.

ક્ષેમુભાઈએ ફાગણ, ચૈતરનાં ઘણાં ગીતો કમ્પોઝ કર્યાં છે જેમાં ‘આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાગ રે’, ‘હોરી આઈ રે’, ‘આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ’ અને આજનું આ ગીત ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં …’ છે!

મહદંશે શાસ્ત્રીય સ્પર્શ ધરાવતાં ગીતો સ્વરબદ્ધ કરતા ક્ષેમુભાઈએ કારકિર્દીની શરૂઆત રંગભૂમિથી કરી હતી એ કદાચ ઓછા લોકોને ખબર હશે. અમદાવાદમાં પ્રીતમનગરના અખાડે શરદોત્સવની ઉજવણી થતી ત્યાં નાટકો બહુ સરસ ભજવાતાં હતાં. એમાં ય જો ડાન્સ બેલે હોય તો એમને ગાવાની તક મળતી. એ નાટકોમાં ક્ષેમુભાઈ અને એમનાં પત્ની સુધાબહેને ગાવાની શરૂઆત કરી હતી. કથકલી સ્ટાઈલમાં એમણે ‘નળાખ્યાન’ કર્યું હતું અને ખૂબ પ્રચલિત નૃત્યનાટિકા ‘ચિત્રાંગદા’નું સંગીત નિર્દેશન પણ ક્ષેમુભાઈએ કર્યું હતું. આઈ.એન.ટી.નાં નાટકોમાં એ સંગીત આપતા હતા. તેઓ હંમેશાં માનતા કે ગીતને તમારે જેવું બનાવવું હોય એવું બનાવો, પરંતુ એનું કાવ્યતત્ત્વ નીચું ન ઊતરવું જોઈએ. આપણે ક્ષેમુ દિવેટિયાના દરેક સ્વરાંકનમાં આ અનુભવી શકીએ છીએ.

——————

માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢેને અમે આવશું હો રાજ
તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે. માઘમાં …

આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં ધરે ન માય
આ તો છે પંખિણી નિરાળી. માઘમાં …

આવે તો આભ મહીં ઊડીએ બે આપણે
ને ચંદરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો
મારે ન ગાવો કોઈ રાગ રે. માઘમાં …

આવો કે અમથી ઉકેલી ન જાય
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે. માઘમાં …

•   કવિ : હરીન્દ્ર દવે   •   સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા    •   સ્વર : સંજય ઓઝા અને આરતી મુન્શી

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=688279

Loading

8 April 2021 admin
← કિશન ગોરડિયા: કૃષ્ણ અને કિસનનો સમન્વય
ડાઘુ રડે છે ને ડાઘિયા લડે છે … →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved