Opinion Magazine
Number of visits: 9754731
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડદો મેલી પડમાં પધારવાનો પડકાર

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ચૂંટણી પંચે  પાંચ તબક્કામાં મતદાનનો કાર્યક્રમ જાહેર કરી દીધો હોય અને પંદરમી લોકસભાની ચૂંટણી માટે દેશજનતાએ તડેપેંગડે હોવું જોઈએ ત્યારે કમનસીબી એ છે કે વ્યાપક પ્રજાવર્ગ સક્રિય હિસ્સેદારીને બદલે નિષ્ક્રિય પ્રેક્ષકગીરીમાં ફેરવાઈ રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમની પૂરી વિગતો આવે તે પહેલાં ( અને એપ્રિલ – મે ચૂંટણીમહિનાઓ હોવાના છે તે જાણવા છતાં) એપ્રિલ ૧૦થી મે ૨૪ લગીનો આઈપીએલ ટી – ૨૦નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે દિવસો દેશમાં સ્વભાગ્યનિર્ણય સારુ જીવલગ જાહેર બહસના હોવા જોઈએ તે લોકોને ભળતી અગ્રતાવશ નાને પડદે ચોંટાડી રાખનારા બની રહેશે એમ જ ને, કે બીજું કૈં.

આ નાનો પડદો અને આ ચોવીસ કલાકના ચેનલબાજો, સૌ હમણાં 'સ્લમડૉગ મિલિયને'ર' બાબતે ત્રિકાળસંધ્યાનેય ટપી જતાં જે ચાલુ પડી ગયાં હતાં ! પી. સાઈનાથે ક્યારેક લખ્યું હતું કે દરેકને દુકાળ વહાલો હોય છે. દેખીતી રીતે જ, 'ઉદ્યોગ'ની શોધમાં ભમતા ભૂતોની 'કદર'રૂપે આમ લખાયું હતું. તમને પણ, મુંબઈગરાને ધારાવીમાં કે અમદાવાદીને લાંબા સમય લગી જુગલદાસની ચાલીમાં, રૂબરૂ કળી પાડવું ચાહે તો ન ગમે – લંડન સ્લમ્સના એના અભ્યાસમાં માર્ક્સસખા એન્જલ્સે જે સંવેદનબધિર એકાકીપણાની ( 'અનફીલિંગ આઈસોલેશન'ની) નોંધ લીધી હતી, ત્યાં જ કેમ જાણે સમય થંભી ગયો હોય એવું દુર્દૈવ વાસ્તવ છતાં – દરેકને ફિલ્મી પડદે ચાલચિત્રણ કે ઝોંપડપટ્ટી ઝગઝગાટ ગમે છે. એમાં પણ ઝોંપડપટ્ટીનો છોકરો કરોડપતિ બની જાય, ક્યા કહના…. શય્યાસુખ વગરની સુહાગરાત, બીજું શું.

લોકસભાની ચૂંટણીની ચર્ચા કરતાં કરતાં આપણે ક્યાં આ નાનામોટા પડદાની પારાયણ માંડી બેઠા, તમને થશે. ભાઈ, જમાનો બડો જાલિમ છે અને આવાંતેવાં અનેક વ્યવધાને કરીને તે આપણી અગ્રતાઓને ગોથું ખવડાવી શકે છે. માટે આ માથાકૂટ.

તમે જુઓ કે જ્યારે સ્લમડૉગિયું હઈસોજંબે ચાલતું હતું ત્યારે આ ચોવીસના ( કદી પચીસના નહીં થઈ શકતા ) ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઈન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. ક્ષુધાંકને ક્ષેત્રે પણ ભારતની એક રીતની સિદ્ધિ તો હતી અને છે જ : દુનિયામાં રોજ રાતે લગભગ ભૂખ્યા જેવા સૂતા (અંડર નરિશ્ડ) લોકો પૈકી સત્તાવીસ ટકા તો આપણે ત્યાં જ છે. આ દેશમાં જે અપોષણ, કુપોષણ છે તેને પરિણામે અહીંના બાળકો (પાંચ વરસથી નીચેનાં) પૈકી સુડતાળીસ ટકા જરૂરી જીવનપ્રદ વજન ધરાવતાં નથી. તેમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનનાં. ('અંડરવેઈટ' માટે કદાચ અવૈજ્ઞાનિક છૂટ લઈને કરેલા આ પ્રયોગ માટે 'શબ્દાર્થપ્રકાશ' – સાથીની ક્ષમા ચાહું છું.) ગમે તેમ પણ, ભૂખગ્રસ્ત ભારતની ચિંતા ન તો આ દિવસોમાં જોવા મળે છે, ન તો ચૂંટણીબહસના દિવસોમાં જોવા મળશે. રૂડા પ્રતાપ આઈપીએલ ટી – ૨૦ ના.

૧૪મી લોકસભા પૂરા કદની હિસ્સેદારીનો ને ધોરણસરની ચર્ચાનો પૂરો હિસાબ તો શું, ઘણાખરા કિસ્સામાં પાસ – માર્ક્સ પૂરતો પણ આપી શકી નથી. પાંચ વરસની પૂરી મુદત આ ગૃહે પૂરી કરી, પણ ૩૬૫ x ૫ દિવસોમાંથી તે કેવળ અને કેવળ ૩૩૨ દિવસ જ માત્ર મળી શક્યું છે. એમાં પણ સ્પીકર સોમનાથ ચેટરજીએ એમના હંસગાનવત્ જે બધી વાતો તહેદિલથી કરી અને સંભારી એ મુજબ ૪૨૩ જેટલા કલાકો ધાંધલધમાલધાંધિયામાં ઠાલા વેડફાઈ ગયા છે. મતલબ, પેલા ૩૩૨ દિવસમાંથી પણ મારેતમારે સહેજે ૬૦ દિવસ બાદ કરવાના રહે. જેના નામમાં જ વિચારવિનિયમ ને ચર્ચાવિચારણાનો ભારઝલો સંકેત છે ( 'ટુ પાર્લે' પરથી સ્તો 'પાર્લમેન્ટ' એ શબ્દ આવ્યો છે), તેણે કેટલા ઓછા દિવસ કામ કર્યું છે !

અને એ કામગીરીનું ધોરણ? સોમનાથદા કહે છે કે ગૃહની કાર્યવાહી અંગેની 'નિયમાવલી'માં ૩૭૪ (એ)ની જે જોગવાઈ છે – ચોક્કસ સંજોગોમાં સ્વયંનિર્ણીત નિલંબન (ઓટોમેટિક સસ્પેન્શન)ની – તેને અમલી બનાવવાનો સમય આવી ગયો છે. સોમનાથદાએ તે ઉપરાંત, 'તમે પ્રજાના એક પૈસા સારુયે લાયક નથી' એવું આ પ્રકારના સાંસદોને કહેવા સાથે ઉમેર્યું છે કે પ્રજા તમને નવી લોકસભામાં પાછા નહીં મોકલે.

શાપ વિશે, સતી અને શંખણીનો હવાલો આપતી એક કહેતી આપણે ત્યાં ચાલતી આવેલી છે. પણ સ્પીકર મોશાયના સંદર્ભમાં આપણે સ્વાભાવિક જ એ સંભારવાની ન હોય. એમાં પણ આ તો આપણને મળતાં મળે એવા સ્પીકર છે જેમણે પોતે ગૃહે એકમતીથી પસંદ કરેલ અધ્યક્ષ છે એ નાતે માતૃસંસ્થા (માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ)ના આદેશ છતાં પદત્યાગ કરવા બાબતે નન્નો ભણી જાણ્યો છે. 

આ વિગતો જાણી ત્યારે મને પહેલી  – બીજી લોકસભાના સંદર્ભમાં એ.કે ગોપાલને કરેલી એ નુક્તેચીનીનું સ્મરણ થઈ આવ્યું હતું કે ગૃહની ચર્ચાઓમાં જેઓ મુદ્દલ ભાગ નથી લેતા તેમાંના ઠીક ઠીક લોકો સત્તાવાર વિદેશપ્રવાસ માટેનાં પ્રતિનિધિમંડળોમાં બિનચૂક પસંદગી પામતા હોય છે.

પણ આ મૌનમુખરો વિશે – જે કોઈ એક પક્ષનો ઈજારો નથી અને જેઓ યથાપ્રસંગ પક્ષાતીત હોઈ શકે છે, એમને વિશે – ફરિયાદ શું કરવી. કોને કરવી. તેઓ તો માનો કે પોતાનું વજૂદ પૂરવાર નથી કરી શકતા, પણ એમને ચૂંટનારને નાતે સવાલ તો મારાતમારા વજૂદનો પણ છે સ્તો. ૧૪મીથી ૧૫મી લોકસભા માટેના આ નિર્ણાયક સંક્રાન્તિદિવસોમાં, આટલીએક વાતો એ આશાએ કે બહુ મોડું થાય તે પહેલાં આપણે હોલીવુડ – બોલીવુડના સંમિશ્રણ જેવી (એમ. જે. અકબરના શબ્દોમાં 'હોબોવુડ'ની ) અનવસ્થામાંથી, કહો કે મૂર્છામાંથી, બહાર આવીએ અને પડદે નહીં પણ પ્રત્યક્ષ ખેલી જાણીએ. ચૂંટણીના આટાપાટા, રાજનીતિ અને રણનીતિના રંગઢંગ, સમીકરણો અને ધ્રુવીકરણોના પેચ, પહેલા, બીજા, ત્રીજા મોરચાની કવાયત, આ બધું યથાપ્રસંગ ચર્ચીશું અને ચર્ચતા રહીશું પણ એમાં ભલીવાર નહિ આવે જો હમણાં ગઈ તે મૂર્છા નહિ ઊતરી હોય તો.

Loading

1 December 2012 admin
← સાચી કવિતા ને કાચાં સન્માન
મોરારજીભાઈ દેસાઈનાં કેટલાંક અજાણ્યાં રૂપ →

Search by

Opinion

  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved