જનસંઘ (ભા.જ.પ.) સબબ જે.પી. આંદોલનને ટાઢે કોઠે દોષ દેનારા ભૂલી જાય છે કે આજે જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ. ટીકાપાત્ર લાગે છે તેવું કેટલુંક ટીકાપાત્ર જયપ્રકાશે ચીંધી બતાવ્યું ત્યારે સત્તાપક્ષે વિધાયક પ્રતિસાદથી કિનારો કર્યો હતો …

પ્રકાશ ન. શાહ
કોક્રોચ કમાલ, એનું અનુસંધાન અને એનું શરસંધાન, સ્વાભાવિક જ સંભવિત અને સંભાવિત સુરખીઓમાં છે. એક નવા પરિબળ તરીકે તેમ વૈકલ્પિક કથાનકના વિકસતા વસ્તુ તરીકે એની આશાસ્પદ સંભાવના વિશે માનો કે બે મત હોય તો પણ એને કેવળ સોશિયલ મીડિયા પૂરતું સીમિત રાખવાનું હવે સ્થાપિત મીડિયાને ય પરવડે એમ નથી. બીજી પાસ, એની વાંસોવાસ બિહારના બાંકીપુર-પટણા પંથકથી આવેલા આમ તો એક અમથી વિધાનસભા બેઠકના પરિણામે વૈકલ્પિક કથાનક સબબ કોઈ હેરત અંગે જ ચકચાર જ નહીં પણ ધોરણસરની અસામાન્ય ચર્ચા જગવી છે. આ પરિણામની ચમત્કૃતિ જંતરમંતરની બરોબરની ન હોય તો પણ એ બરની જરૂર છે; કેમ કે એ ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખની જાથુકી બેઠક રહી છે – અને તે

પ્રશાન્ત કિશોર
પણ એમના પિતાના વારાથી. 3 દાયકાનો સુવાંગ ભોગવટો લગભગ બાષ્પીભૂત થઇ જાય એ અવશ્ય અસામાન્ય ઘટના છે.
આ ઘટનાના ઘટનમાં જવાનો ધક્કો માત્ર કોણ હાર્યું એ જ કારણે નથી. ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને કેમ જાણે પુરાતન જાહેર કરનાર આ શખ્સિયત પ્રશાંત કિશોર છે. હજુ થોડા વખત પર જ બિહાર વિધાન સભાની ચૂંટણીમાં બધ્ધેબધ્ધી બેઠકો પર જન સુરાજ ઉમેદવારો મૂકી બધ્ધેબધ્ધી ધરાર હારી જનાર આ વિક્રમી વીર હવે જીતને મોરચે પણ વિક્રમી પ્રતિભા તરીકે ઉભરી રહેલ છે. પ્રશાંત કિશોરના કિસ્સામાં વિક્રમી વિગત એમ તો એ પણ છે કે અત્યાર સુધીની એમની કારકિર્દી ને કામગીરી એક કંત્રાટી કુળની રહી છે. ભા.જ.પ. ને કાઁગ્રેસ સહિતના પક્ષોને એમણે રૂપસંમાર્જન, પ્રતિમા પ્રક્ષેપણ, પ્રતિભા આરોપણ સહિત એકંદર ચૂંટણી ટેકનોક્રેટ તરીકે સેવા આપી છે. હવે પહેલી જ વાર એ જન સુરાજનો નિજી નેજો ને નારો લઈને નીકળી પડ્યા છે.
એમનો કાર્યક્રમ સીધો સાદો એટલો જ સમજવા જેવો છે. વિજય પછી એમણે કહ્યું કે હું સમ્રાટ ચૌધરીને (બિહારના ભા.જ.પી. મુખ્યમંત્રીને) કહું છું કે શા માટે આપણા યુવાનોએ ઘરપરિવાર રેઢા મેલીને રાજ્ય બહાર પેટની વેઠે જવું પડે? આપણે આપણા તાલુકા /જિલ્લામાં રોજગારનિર્માણ કરીએ અને આપણું યુવાધન ઘરઆંગણે જ બે પાંદડે થઇ શકે એવું કેમ ન બને. જેમ આ પાયાની વાત તેમ એમની ચૂંટણીપ્રચારની રીત પણ સીધીસાદી એટલી જ જમાતજુદેરી હતી. બેપાંચસાત ઘરો વચ્ચે ચાના કપ સાથે દિલની વાતો કરવી એવો ઉપક્રમ એમનો હતો .
2024માં રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ તરીકે ઉભર્યા તે સાથે એક નવા અગર વૈકલ્પિક કથાનકની રાષ્ટ્રીય રાજકારણમાં વિધિવત પ્રતિષ્ઠા થવા લાગી છે એમ કહી શકીએ. એને મુકાબલે કોક્રોચ -કિશોર વેશનમૂનાને આપણે નિતાન્ત નવ્યના ખાનામાં મુકવા પડે. 2029ની, ઘણુંખરું જો કે વહેલી પણ હોઈ શકતી લોકસભા ચૂંટણીમાં કોક્રોચ-કિશોર તરેહનાં પરિબળો ક્યાં હશે, એ સવાલનો કાંટેકોર જવાબ લગભગ સ્ક્રીપ્ટ મુજબનો અલબત્ત નયે આપી શકાય. પણ એમની ગળથુથી અને તાસીર જોતાં સ્વાભાવિક વલણ લગરીક છાસિયા-છાંછિયા સાથે પણ પ્રતિપક્ષ તરફે કલ્પી શકાય. આ અનુમાનમાં આઘાપાછીનાં નિમિત્તકારણો શોધવાં અઘરાં નથી .કોક્રોચ પ્રવકતાનું ભૂતપૂર્વ આપ-સંધાન કે બિહારમાં રા.જ.દ.-કાઁગ્રેસ સમજૂતી આ સંદર્ભમાં તરત સાંભરે છે અને એવા જ બીજાં નિમિત્તો અન્ય રાજ્યોમાં પણ ચીંધી શકાય, પણ મુદ્દાનો મુદ્દો એ છે કે કોક્રોચ-કિશોર ઘટનાક્રમ ગળથુથીગત વિરોધે અદરાયેલો અને અથાયેલો છે.
હાલના સત્તા-પ્રતિષ્ઠાન સાથે રહીને એ ગતે જઈ શકે એમ નથી.
એક રીતે, 2024ના પરિણામ સાથે કમબૅક ટ્રેલ પર જણાતી કૉંગ્રેસે વિમાસવા બલકે વિચારવાનો મુદ્દો એ છે કે તે કે બીજા ક્યાં સુધી જનસંઘ (ભા.જ.પ.) સબબ જે.પી. આંદોલનને દોષ આપ્યા કરશે? આજે એ જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ.ની ટીકા લાજિમ છે તેવાં લઈને જયપ્રકાશ ચાલી નીકળ્યા ત્યારે, કાશ, કાઁગ્રેસ વિધાયક પ્રતિસાદ આપી શકી હોત!
05 ઑગસ્ટ 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()




મેરીએ તેની બ્રિટિશ મિત્ર મિસીસ મેથ્યુ સાથે 1967માં કોત્તાયમમાં શાળા શરૂ કરી. તે વખતે અરૂંધતી સાત વર્ષની હતી અને તેનો ભાઈ સાડા આઠ વર્ષનો. રોટરી ક્લબમાં બે નાના રૂમ ભાડે લઇ શાળા શરૂ કરી. મનમોજી, આઉટસાઇડર સાથે લગ્ન કરી છૂટાછેડા લીધેલી સ્ત્રી ગામના બાળકોને ભણાવે તે શક્ય ન હતું. મિસીસ મેથ્યુના સંગાથે મા શાળા શરૂ કરી શકી. રોટરી ક્લબમાં સિગારેટના ઠૂંઠા વાળવા અને સભ્યોએ છાંડેલા ચાના કપ સાફ કરવામાં લેખિકા અરૂંધતી અને તેના ભાઈએ જોતરાઇ જવું પડતું. રોટરી ક્લબ બે પાળીમાં કામ કરતી. એક પાળીમાં શાળા અને બીજી પાળીમાં ક્લબની પ્રવૃત્તિઓ. શાળાની સામગ્રીમાં હતાં થોડાક સ્ટૂલ, ટેબલ અને સ્ટેન્ડ પર ગોઠવેલું બ્લેક બોર્ડ. ત્રણ વાગતા શાળા સંકેલાઇને દીવાલ તરફ અઢેલાઇ જતી, જેથી ક્લબની મિટીંગમાં કોઇને ખલેલ ના પડે. શાળાના નવા શિક્ષકોની અજમાયશ પણ અરૂંધતી અને તેના ભાઇ પર કરવામાં આવતી. મા શાળા પ્રવૃત્તિથી સક્ષમ થતી ગઇ. તેના વિચારો ઘડાતા ગયા. ક્રિશ્ચન મિશનથી ખસીને પોતાના સિદ્ધાંતો વિકસાવતી ગઇ. આ પ્રક્રિયામાં મિસીસ મેથ્યુથી અલગ થવું પડ્યું.