એક સમયે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળનો ઝંડો પકડનારા, દેખાવો કરનારા કેજરીવાલ આજે રાષ્ટ્રીય સ્તરના પક્ષના વડા છે અને એ પોતાના રાજકીય નિર્ણયો બહુ ગણતરીપૂર્વક લઇ રહ્યા છે. તેમના આગલાં પગલાં વિશે ભા.જ.પા. અટકળ નથી લગાડી શકતી એટલે અકળાવા સિવાય અને આક્ષેપો સિવાય હવે તેમની પાસે બીજું કંઇ રહ્યું નથી.
અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ નિર્ણય આમ જનતા માટે ચોંકાવનારો હશે પણ અત્યારની રાજકીય ગણતરીમાં કદાચ આ બંધબેસે એમ હતું કારણ કે ભા.જ.પા. પાસે મુદ્દો હતો કે દિલ્હીના મુખ્ય મંત્રી જામીન પર બહાર છે પણ રાજીનામું આપીને કેજરીવાલે ભા.જ.પા.ના આ ઘોંઘાટને સાવ બંધ કરી દીધો. મુખ્ય મંત્રી પદેથી ખસી જઇને હવે કેજરીવાલ પક્ષના પ્રચારમાં જોડાશે – સામે આમ પણ વિધાનસભાની ચૂંટણી આવીને ઊભી છે. કેજરીવાલ આપનો ચહેરો છે, બિલકુલ એ જ રીતે જે રીતે નરેન્દ્ર મોદી ભા.જ.પા.નો ચહેરો છે. કેજરીવાલ પોતાની ‘બ્રાન્ડ વેલ્યુ’નો ઉપયોગ કરવાનું સારી પેઠે જાણે છે. અમુક પ્રકારનું રાજકારણ માત્ર નરેન્દ્ર મોદીને જ આવડે એવું નથી હોતું, એ જેટલા મોટા પાયે એ કરી શકે છે તેનું અડધા ભાગનું ય જો કેજરીવાલ કરે તો તેમના પક્ષ અને પક્ષના મુખ્ય માણસ તરીકે તેમનું પોતાનું કદ વધવાનું જ છે.
ભારતીય રાજકારણમાં ‘નાયક’ – હીરોનો રોલ બહુ અગત્યનો છે જે વાસ્તવિકતા કેજરીવાલને બહુ જ સારી પેઠે સમજાઇ ગઇ છે. મતદાતાઓ સાથે જોડાઇ શકાય તે માટે ભારતીય રાજકાણીઓએ હંમેશાં પોતાની એક ચોક્કસ છબી ખડી કરી છે. ક્યાંક ચા વાળાના દીકરા હોવાથી છેક ટોચ સધી પહોંચવાની સફરવાળી વાત આગળ થઇ તો ક્યાંક ભુરું મફલર પહેરીને ભ્રષ્ટાચાર સામેની લડતનું કથાનક ચાલ્યું અને ક્યાંક મારા દાદી માર્યા ગયાં અને પિતા માર્યા ગયા વાળી વાત આગળ ધરાઇ. આ કથાનક જે મતદારોને અપાય છે એમાં કંઇ ગપગોળા નથી ચલાવાતા. અંગ્રેજીમાં એક શબ્દ છે ‘વિક્ટિમ કાર્ડ’ – આપણા રાજકીય ‘હીરો’ આ પત્તાંનો ઉપયોગ બહુ સારી રીતે કરે છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં પણ બીજા અગત્યના ઘણાં લોકો છે છતાં પણ મુખ્ય નાયક એક જ છે અને બાકી બધાં જ સહાયકો કે ટેકેદારો છે. ભારતીય રાજકારણ નેતાઓની લોકો સામે ખડી કરાયેલી છબીની આસપાસ વણાયેલું છે પણ હંમેશાં એ ‘હું બિચારો’ – ‘હું તમારામાંથી જ એક છું’ વાળું ‘વિક્ટિમ કાર્ડ’ ચાલી જાય છે એવું પણ નથી હોતું.
કેજરીવાલના રાજકારણને ડી-કોડ કરીએ તો તેના ઘણાં સ્તર છે. રાજકીય રમતમાં કેજરીવાલ કંઇ વર્ષોથી પ્રવૃત્ત છે એમ નથી, પણ ધીમી અને મક્કમ ગતિ જાળવીને કેજરીવાલે પોતાના પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો તો અપાવી જ દીધો. કેજરીવાલને સકંજામાં લેવા માટે ભા.જ.પા.એ કંઇ કેટલા ય પેંતરા અજમાવ્યા પણ કંઇ વળ્યું નહીં. મુખ્ય મંત્રી પદે બેઠેલા માણસને જેલભેગો કરવાનું પણ ભા.જ.પા.એ કર્યું પણ કેજરીવાલે પોતાની જાહેર છબીને મજબૂત કરવા માટે જેલવાસનો લાભ ઉપાડ્યો. દિલ્હીના રાજકારણમાં ભા.જ.પા.ને પાછળ પાડનારા કેજરીવાલ ભા.જ.પા.ને સખત અકળાવે છે અને એમાં ય પાછું રાજીનામા-વાળું પગલું તો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. કેજરીવાલ પાસેથી અમુક સત્તાઓ છીનવાઇ ગઇ હોવા છતાં તેના વહીવટના વખાણ થાય છે કારણ કે આઇ.આઇ.ટી.માં ભણેલા કેજરીવાલે દિલ્હીમાં માળખાકીય પ્રોજેક્ટમાં પૈસા બનાવ્યા, સ્વાસ્થ્ય અને શિક્ષણનું બજેટ વધાર્યું અને પાણી – વીજળી મફત આપ્યું. સરકાર ચોખ્ખા હાથે, સારા વહીવટથી ચાલી શકે છે એ એણે દેશની રાજધાનીમાં કરી બતાડ્યું જ્યાં કેન્દ્રમાં મોદી સરકાર બેઠી છે. કેજરીવાલનું રાજીનામું ભા.જ.પા. માટે કલ્પના બહારનો ફટકો સાબિત થયો છે અને હવે અચાનક જ મોં પર વાગેલા ફૂટબૉલથી જેનું મ્હોં લાલચોળ થઇ ગયું હોય અને રડવાની ગતાગમ ન પડતી હોય એવા માણસની જેમ ભા.જ.પા. પણ મોં વકાસીને દિલ્હીમાં મુખ્ય મંત્રીની ખુરશી પ્રતીકાત્મક રીતે ખાલી રાખી મુખ્ય મંત્રી બનેલાં અતિશી અને આમ આદમી પાર્ટી હવે શું કરે છે તે જોઇ રહી છે.
અતિશીએ અત્યારે દિલ્હીનો વહીવટ હાથમાં લીધો છે પણ ખુરશી ખાલી રાખીને રામાયણનું દૃષ્ટાંત આપ્યું કે જે રીતે રામના વનવાસ દરમિયાન ભરતે તેમની ચરણ પાદુકા મૂકી હતી પણ વહીવટ સાચવ્યો હતો. વળી મનીષ સિસોદિયાએ એવું વિધાન કર્યું કે પોતે કેજરીવાલના હનુમાન છે. ભા.જ.પા.ની હિંદુત્વની સોગઠીનો કેજરીવાલના પક્ષે બહુ જ સિફતથી ઉપયોગ કર્યો છે અને પોતાના પક્ષમાં ‘રામ’ કોણ છે – મુખ્ય નાયક કોણ છે તેની સ્પષ્ટતા કરી દીધી છે. પક્ષના લોકો કેજરીવાલને પૂરેપૂરો ટેકો આપે છે, તેમના પક્ષમાં સત્તાને મામલે કોઇ ખેંચાખેંચી કે મતભેદ નથી એવું પણ આ વિધાનો, વહેવાર સ્પષ્ટ કરે છે. આ પ્રતીકોનું રાજકારણ મજબૂત રાજકીય વિધાન અને વિચાર સાબિત કરે છે અને લોકોના મનમાં એક અલગ જ છાપ ખડી કરશે એ ચોક્કસ. અતિશીનું નેતૃત્વ કાયમી નથી. આ હંગામી નેતૃત્વથી જનતા અને ભા.જ.પા.ને સ્પષ્ટ સંદેશ અપાયો જ છે કે આ પક્ષના નાયક કેજરીવાલ છે પણ પક્ષમાં અંદરોઅંદર પણ સત્તાનું સંતુલન જાળવી લેવાયું છે જેથી પક્ષમાં કોઇ બીજું માથું મોટું ન બની જાય.
જે રીતે નરેન્દ્ર મોદી પણ નવા લોકોને, વરિષ્ઠ ન હોય તેવા રાજકારણીઓને સત્તા આપતા રહ્યા છે અને પોતાના ટેકેદારોનો વર્ગ વિસ્તારતા રહ્યા છે, એવું જ અરવિંદ કેજરીવાલે પણ કર્યું છે. આમ આદમી પાર્ટીમાં ઘણા વરિષ્ઠ નેતાઓ છે જેમ કે સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ગોપાલ રાય – પણ પસંદગી આતિશી પર ઉતારવામાં આવી. પક્ષમાં બીજા પાવર સેન્ટર ન બને, સત્તા માટે અંદરોઅંદર રસાકસી ન થાય એની પૂરી તકેદારી રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેજરીવાલના પક્ષનું પગલું એક કેલક્યુલેટિવ રિસ્ક અને એક રાજકીય સિક્સર છે. આમ કહેવાનાં મુખ્ય કારણો આ છે – એક તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે – કેજરીવાલ નવેમ્બરમાં ચૂંટણી ચાહે છે જે ફેબ્રુઆરીમાં થવાની છે. ચૂંટણી જ્યારે પણ થાય પણ કેજરીવાલના પક્ષમાં કોઇ બીજું પણ મુખ્ય મંત્રી પદે હશે તો એ કેજરીવાલના માર્ગદર્શનમાં જ કામ કરશે એ નક્કી છે. રાજીનામાથી કેજરીવાલને જનતાના ઝુકાવ અને લાગણીને લાભ મળશે. કેજરીવાલ સામે ભ્રષ્ટાચારના આરોપ હતા, તેમના પક્ષનું મૂળ ભ્રષ્ટાચારનો વિરોધ છે અને આવામાં તેણે પોતાના રાજીનામાને અગ્નિપરીક્ષા ગણાવ્યું છે – ફરી એક રામાયણનો સંદર્ભ એટલે કે ‘સોફ્ટ હિંદુત્વ’ અને આમ કરી તે લોકોના ટેકાથી પોતાની જાતને પ્રામાણિક સાબિત કરાવશે. સત્તા પરથી ઉતરીને નવેસરથી લોકો સાથે જોડાવા મચેલા કેજરીવાલ કેન્દ્રિય સત્તા વિરોધી પક્ષની તરીકેની આમ આદમી પાર્ટીની ઓળખને નવેસરથી ઘડશે. ભા.જ.પા. સામેનો અસંતોષ જે પણ રાજ્યોમાં – ઝારખંડ, મહારાષ્ટ્ર – છે ત્યાં તે વિરોધ પક્ષોને ટેકો મેળવશે. વળી અતિશીને મુખ્ય મંત્રી પદ આપીને કેજરીવાલે કેન્દ્ર શાસનની શક્યતાઓને ઠગારી સાબિત કરી દીધી, જેને લાગુ કરવા માટે ભા.જ.પા.માંથી અવાજો ઉઠ્યા હતા.
કેજરીવાલ એક બાહોશ રાજકારણી છે અને ઝેરથી ઝેર કાઢવું વાળી નીતિ પારખીને ભા.જ.પા. અને મોદી સામે તે એમનાં જ શસ્ત્રો અને દાવ પેચથી લડી રહ્યા છે. માટે જ ભારતના નાયક લક્ષી રાજકારણમાં કાઠું કાઢનારા કેજરીવાલને હળવાશથી લેવાની ભૂલ કેન્દ્ર સરકાર નહીં જ કરે એ ચોક્કસ.
બાય ધી વેઃ
ગમે કે ન ગમે પણ હકીકત તો એ છે કે મોદી અને કેજરીવાલ વચ્ચે અમુક સામ્યતાઓ છે. મધ્યમ વર્ગીય હિંદુઓ તેમના મતદારો છે, બન્નેને રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડતી કડીઓ છે. ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શનની ચળવળનો લાભ કેજરીવાલે તો લીધો જ પણ નરેન્દ્ર મોદીએ પણ પોતાના રાજકારણમાં તેનો લાભ લીધો. શિલા દીક્ષિતને દિલ્હીમાં હરાવીને રાજકારણમાં એન્ટ્રી લેનાર કેજરીવાલે લોકસભાની ચૂંટણીમાં 2014માં ઝંપલાવી મોદી સાથે શિંગડા ભેરવ્યા. કેજરીવાલના મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી છે અને દિલ્હીના લોકલ રાજકારણમાં ભા.જ.પા.ને પછાડવામાં આપને હંમેશાં સફળતા મળી. આ તરફ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના પક્ષનો દરજ્જો પણ કેજરીવાલે ઘડ્યો. ભા.જ.પા.ના પંજાબમાં પણ કેજરીવાલે જીતીને બતાડ્યું. મોદી અને ભા.જ.પા.ને સૌથી વધુ આ જ ખટકે છે કે કેજરીવાલ તેમના હિંદુ ગઢના કાંગરા જ ખેરવી નાખે છે. કેજરીવાલની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો તો દિલ્હી મોડેલ અને ગુજરાત મોડેલ વાળી સરખામણી છેડીને કેજરીવાલે ટેકો મેળવી લીધો. કેજરીવાલની ધરપકડ કરી તો ભા.જ.પા. સરકારે સમય જોઇને ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઇ બહુ કરી ન શકે એટલે એવું કર્યું એવો જ દૃષ્ટિકોણ ઘડાયો જે પણ કેજરીવાલની તરફેણમાં જ હતો. વળી કાઁગ્રેસ સાથે કેજરીવાલે હાથ મેળવ્યા એ પણ ભા.જ.પા. માટે મોટો ફટકો હતો. એક સમયે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળનો ઝંડો પકડનારા, દેખાવો કરનારા કેજરીવાલ આજે રાષ્ટ્રીય સ્તરના પક્ષના વડા છે અને એ પોતાના રાજકીય નિર્ણયો બહુ ગણતરીપૂર્વક લઇ રહ્યા છે. તેમના આગલા પગલાં વિશે ભા.જ.પા. અટકળ નથી લગાડી શકતી એટલે અકળાવા સિવાય અને આક્ષેપો સિવાય હવે તેમની પાસે બીજું કંઇ રહ્યું નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2024