
રમેશ ઓઝા
બિહારમાં કશુંક નવું થઈ રહ્યું છે અને એ નવીનતાના આર્કિટેક્ટ છે પ્રશાંત કિશોર.
પ્રશાંત કિશોરનું નામ પડે એટલે તેમના વિષે ચિત્તમાં અલગ પ્રકારનું ચિત્ર રચાવા લાગે. આ એ માણસ છે જેને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં ચૂંટણી કઈ રીતે જીતી શકાય એનું માર્ગદર્શન તેઓ જે તે નેતાને આપે છે. ચૂંટણી પ્રબંધન તેમનો વ્યવસાય છે, આ વિષયે તેઓ એક પ્રોફેશનલ એડવાઇઝર છે અને જે તે નેતા કે પક્ષ તેનો ક્લાયન્ટ છે. સલૂનમાં કારીગરને ગ્રાહક કોણ છે તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી અને તે ગ્રાહકને બને એટલો સૌંદર્યવાન બનાવવાનો પ્રયાસ કરે છે એમ રાજકીય ક્લાયન્ટ કઈ વિચારધારા ધરાવે છે અને કઈ રીતનો માણસ છે તેની સાથે પ્રશાંત કિશોરને કોઈ લેવાદેવા નથી. પ્રશાંત કિશોર વિષે મનમાં આવું ચિત્ર ઉપસે તો એ ખોટું નથી.
તેઓ કહે છે કે ચૂંટણી પ્રબંધન એ શાસ્ત્ર અને કળા બન્ને છે જેના તરફ લોકોનું ધ્યાન ગયું નહોતું એટલે એ વણખેડાયેલા ક્ષેત્રમાં કશુંક કરી બતાવવું હતું એટલે તેમણે એક દાયકા માટે એ કામ કર્યું હતું, પરંતુ એ તેમનાં જીવનનો ઉદ્દેશ નહોતો. જીવનનો ઉદ્દેશ તો સામાજિક નવરચનાનો હતો અને નવરચના આંદોલન દ્વારા નથી થતી. તેમના અભિપ્રાય મુજબ ફ્રેંચ ક્રાંતિને છોડીને કોઈ લોકઆંદોલને નવરચના કરી નથી. નવરચના જમીન પર લોકોનો સીધો સંપર્ક કરીને લોકપ્રબોધન દ્વારા નવી વાતનો લોકોમાં સ્વીકાર કરાવીને થઈ શકે. બાકી આંદોલનો ગુબ્બારા જેવાં હોય છે, જે ફૂલે અને ફૂટી જાય. તેઓ બિહારી છે એટલે બિહારની નવરચના કરવા માટે તેઓ ૨૦૧૬ની સાલમાં નીતીશકુમારના સંયુક્ત જનતા દળમાં જોડાયા હતા.
પણ ભારતમાં દરેક નેતા સત્તાનું રાજકારણ કરે છે જેમાં ટકી રહેવું (સર્વાઇવલ) સર્વોપરી હોય છે. નીતીશકુમારે મુખ્ય પ્રધાનપદ ટકાવી રાખવા ૨૦૧૭માં પલટી મારી અને ભા.જ.પ. સાથે જોડાણ કર્યું એટલે પ્રશાંત કિશોરે તેમનો સાથ છોડી દીધો. તેમના કહેવા મુજબ સંયુક્ત જનતા દળ દ્વારા બિહારની કાયાપલટ કરવાનું તેમનું સપનું રોળાઈ ગયું.

પ્રશાન્ત કિશોર
૨૦૨૧માં તેમણે કાઁગ્રેસ તરફ નજર દોડાવી. કાઁગ્રેસને પુનર્જીવિત કરવી જોઈએ, કારણ કે જે કાઁગ્રેસ મરી ગઈ છે કે મૃતપ્રાય થઈ ગઈ છે એ ભારતની એક કલ્પનાનું (આઈડિયા ઓફ ઇન્ડિયાનું) પ્રતિનિધિત્વ કરે છે અને એમાં જ ભારતનું કલ્યાણ છે. ભારતની કાયાપલટ ગાંધી-નેહરુ અને બીજા કેટલાક કાઁગ્રેસીઓએ વિકસાવેલી ભારતની કલ્પના સાકર કરવાથી જ થઈ શકે. માટે કાઁગ્રેસને જો તેના મૂળ સ્વરૂપમાં પાછી જીવતી કરવામાં આવે તો એ દેશની કાયાપલટ કરી શકે. તેમણે કાઁગ્રેસને નવું જીવન આપવા માટેની એક રૂપરેખા બનાવી અને કાઁગ્રેસના નેતાઓ સમક્ષ રજૂ કરી. વચમાં એમ લાગતું હતું કે તેઓ કાઁગ્રેસમાં જોડાશે અને કાઁગ્રેસને પુનર્જીવિત કરવાનું કામ કરશે. કાઁગ્રેસના નેતાઓ સાથે અનેક બેઠકો થઈ પણ વાત બની નહીં. એક બાજુ લોકાધાર ગુમાવી રહેલો પરિવાર, બીજી બાજુ લોકાધાર વિનાના પણ દિગ્ગજ કાઁગ્રેસી નેતાઓ અને ત્રીજી બાજુ સાવ બહારથી આવેલો એક પ્રોફેશનલ. કાઁગ્રેસના નેતાઓ માટે મૂંઝવનારો સવાલ એ હતો કે આ ક્લાયન્ટને સર્વિસ આપનારો પ્રોફેશનલ છે કે પછી આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલો એક પ્રતિબદ્ધ ભારતીય? જો પ્રશાંત કિશોર કહે છે એમ તેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા પ્રતિબદ્ધ ભારતીય છે તો ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીની મદદ કેમ કરી હતી? ગાંધી-નેહરુની કલ્પનાના ભારતની સાવ સામેના છેડાનું નરેન્દ્ર મોદીની કલ્પનાનું ભારત છે એ શું પ્રશાંત કિશોર જાણતા નહોતા?
તેમની જાહેરજીવનની યાત્રામાં ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીને કરેલી મદદ આડે આવે છે. પ્રશાંત કિશોર કહે છે કે બીજા અનેક લોકોની જેમ તેઓ પણ નરેન્દ્ર મોદીની વાતોથી ભરમાયા હતા. તેમને એમ લાગતું હતું અને નરેન્દ્ર મોદીએ એવી પ્રતીતિ કરાવી હતી કે શુદ્ધ સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે તેઓ (નરેન્દ્ર મોદી) દેશની કાયાપલટ કરવા માગે છે અને તેમાં તેઓ કૃતનિશ્ચયી છે. પ્રશાંત કિશોરે દેશની કાયાપલટ કરવા માટેની એક રૂપરેખા બનાવી હતી, નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં તેને સ્વીકારી હતી, તેમાંની કેટલીક વાતો ચૂંટણી પ્રચારમાં કહી પણ હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી તેમને તેમાં કોઈ રસ નહોતો. પ્રશાંત કિશોર કબૂલ કરે છે નરેન્દ્ર મોદીને મદદ કરી એ તેમની ભૂલ હતી.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીને કરેલી મદદ અને એ પછી દેશના એકબીજાથી વિરોધી વિચારધારા ધરાવનારા નેતાઓને ચૂંટણી લડવામાં અને જીતાડવામાં તેમણે કરેલી મદદને કારણે તેમના વિષે છાપ એવી બની છે કે તેમને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. આ માણસ કોઈની પણ સાથે જઈ શકે છે અને કોઈને પણ મદદ કરી શકે છે. એની વચ્ચે લોકસભાની ગઈ ચૂંટણીમાં ભા.જ.પ.ના પક્ષે હવા બનાવવાની તેમણે જે કોશિશ કરી તેને કારણે સુધરતી પ્રતિષ્ઠા પાછી ખરડાઈ. દિવસરાત અલગ અલગ મીડિયાને ઈન્ટરવ્યુ આપીને તેઓ કહેતા હતા કે ભા.જ.પ.ને ત્રણસો કરતાં વધુ બેઠકો મળશે અને એ પણ પડકારની ભાષામાં. મડિયામાં નજરે પડવાનું ટાઈમિંગ શંકા પેદા કરે તેવું હતું.
ટૂંકમાં પ્રશાંત કિશોરની યાત્રા જોતાં તેઓ જે કહે છે અને કરે છે તેના પર ભરોસો કરવો મુશ્કેલ છે, પરંતુ પ્રશાંત કિશોર આખરે પ્રશાંત કિશોર છે. તેમનામાં કલ્પનાશક્તિ છે, આયોજનશક્તિ છે, લોકોની અંદર આશા પેદા કરી શકે છે અને કશુંક નવું કરવાની હિંમત ધરાવે છે. કાઁગ્રેસને પુનર્જીવિત કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો એ પછી તેમણે ફરીવાર બિહાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બે વરસથી તેઓ બિહારમાં જનસુરાજ યાત્રા કરી રહ્યા છે અને તેના દ્વારા જ્ઞાતિગ્રસ્ત બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોથી યુક્ત અને એ સાથે મુક્ત એવું એક નવું રાજકારણ તેમણે બિહારમાં દાખલ કર્યું છે. જ્ઞાતિ એક વાસ્તવિકતા છે જેનો સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાતિને સામજિક અને આર્થિક સ્તર સાથે સંબંધ હોય છે એ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. દરેક વાસ્તવનું એક કદ હોય છે એ રીતે સંખ્યા જ્ઞાતિ નામની વાસ્તવિકતાનું કદ નક્કી કરે છે અને તેનો પણ સ્વીકાર કરવો જોઈએ. આવું જ જે તે ધર્મના અનુયાયીઓનું. બીજા પક્ષો પણ આનો સ્વીકાર કરે છે અને રાજકારણ કરે છે.
પણ પ્રશાંત કિશોર અન્ય પક્ષોથી એક વાતે અલગ પડે છે. જાતિનું કે કોમનું કદ અને તેની સાથે વિકાસનું કે પછાતપણાનું જે વાસ્તવ છે એ જે તે જ્ઞાતિ કે કોમના લોકોને ડરાવવા કે લોભાવવા માટે નથી, પણ ન્યાય આપવા માટે છે. ન્યાય આપવા માટે વાસ્તવિકતાને સમજવી અને સ્વીકારવી જરૂરી છે. આવતી બીજી ઓકટોબરે તેઓ પટનામાં તેમના પક્ષની સ્થાપના કરી રહ્યા છે અને તેના દ્વારા તેઓ બિહારમાં જ્ઞાતિ અને કોમનાં સમીકરણોથી યુક્ત અને મુક્ત એવું એક નવું રાજકારણ કરવાના છે. તેમની વાત લોકો સુધી, ખાસ કરીને યુવાનો સુધી પહોંચી રહી છે. ઉત્સાહભેર વધાવાઈ રહી છે. દરેક જ્ઞાતિ અને કોમમાં લાયક માણસ હોય છે અને દરેક લાયક માણસ જે તે જ્ઞાતિ કે કોમનો હોય છે. બીજું જેટલી જેની સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ. એક ઓછું નહીં કે એક વધારે નહીં. ત્રીજું, અવસર નીચેથી ઉપરના ક્રમે આપવાનો, ઉપરથી નીચેના ક્રમે નહીં. જેમ કે બિહારમાં ૨૦ ટકા દલિતો છે અને વિધાનસભાની ૨૪૩ બેઠકો છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા મુજબ ૪૮ બેઠકો લાયક દલિત ઉમેદવારને આપવાની. એક ઓછી નહીં કે એક વધારે નહીં. પણ એ ૪૮ ઉમેદવાર જનપ્રતિનિધિત્વ કરવાની લાયકાત ધરાવતા હશે. પ્રશાંત કિશોર કહે છે કે દરેક સમાજમાં લાયક લોકો હોય છે અને દરેક લાયક માનસ કોઈને કોઈ સમાજનો સભ્ય હોય છે. ટૂંકમાં જાતિનો સ્વીકાર, જાતિ આધારિત પછાતપણાનો સ્વીકાર, તેને અગ્રતાક્રમ, સંખ્યા મુજબ પૂરી ભાગીદારી અને લાયકાતનો મહિમા. જો સરકાર રચાય તો મુખ્ય પ્રધાન બનવાનો પહેલો અવસર દલિતનો કારણ કે એ વિકાસની સીડી પર સૌથી નીચેનાં પગથિયા પર છે.
એક બીજી વાત પણ તમારા ધ્યાનમાં આવી હશે. પ્રશાંત કિશોર મંચ પર માત્ર મહાત્મા ગાંધીની તસ્વીરનો ઉપયોગ કરે છે. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, જયપ્રકાશ નારાયણ કે કર્પૂરી ઠાકુર કે બીજા કોઈ પણ બિહારી મહાનુભાવની તસ્વીર તેઓ મંચ પર નથી રાખતા. આંબેડકર-ફૂલે કે બીજું કોઈ નહીં. આજના યુગમાં આ હિંમતનું કામ છે. મહાત્મા ગાંધી આજે દેશમાં પોપ્યુલર નથી, કારણ કે તેમણે કોઈ સમાજવિશેષ માટે કામ નહોતું કર્યું. તેઓ બધાના હતા, પણ કોઈના ખાસ નહોતા. પ્રશાંત કિશોર કહે છે કે તેમનો પક્ષ બધા માટે હશે, પણ ભા.જ.પ. જેમ હિંદુઓ માટે છે અને રાષ્ટ્રીય જનતા દળ જેમ બહુજન સમાજ માટે છે એમ તેમનો પક્ષ કોઈ ખાસ કોમ કે સમાજ માટે કામ નહીં કરે. ભારતીયતા અને ન્યાયમુલક માનવતા માટે તેઓ હિંમતપૂર્વક ગાંધીજીની જ તસ્વીર મંચ પર રાખે છે.
પ્રશાંત કિશોરે બિહારમાં જબરદસ્ત હવા બનાવી છે અને તેમને એટલો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે કે રાજકીય પક્ષો ડરી ગયા છે. પણ શંકા હજુ જતી નથી. શું તેઓ ખરેખર પ્રામાણિક છે? શું તેઓ બી.જે.પી. માટે કામ કરી રહ્યા છે? શું તેઓ બીજા અરવિંદ કેજરીવાલ નીવડવાના છે? આપખુદ અને સત્તાના લોભી. અને જેમ આમ આદમી પાર્ટીમાં ચલતાપૂરજા લોકો જોડાઈ ગયા હતા અને પ્રયોગ રોળાઈ ગયો એવું તેમની સાથે નહીં બને? આજથી બિહાર પર નજર રાખતા થાવ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 સપ્ટેમ્બર 2024