અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘To Be Alive’ નો મારો અનુવાદ. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. Thank you, James Crews.
શોકની દરેક પળમાં, એક
નાનકડું દ્વાર હોય છે- કદાચ
મારા પાડોશીના બગીચામાં વૃક્ષ પર લટકતી માળાપેટીમાં કોતરેલા
કાણા જેવડું જ.
દેખીતું તો લાગે કે
આ સાંકડી, અંધારી જગ્યામાં
શું પાંગરવાનું; પણ જલદી જ
ઝલક દેખાય છે મને,
પીંછાં ફૂટવા લાગ્યા હોય એવાં બચ્ચાંની –
ઊડવા કાજે આતુર, પણ હજી
ઊડવાથી ડરતાં.
અને માદા પક્ષી
ખોરાક લઈને આવે છે જ્યારે, અને ગમે તેમ કરીને
સાંકડા દ્વારેથી અંદર સમાય છે, ત્યારે
સાંભળું છું હું
જીવવાની ભૂખનો કલબલાટ,
અને રેતી પાથરેલી કેડી પર
એકલા ઊભેલા મને પણ
અચાનક યાદ આવે છે
મારી પોતાની જીવનક્ષુધા.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર