મહાત્મા અને મહાનગર
મુંબઈએ મને ક્યારેય નિરાશ કર્યો નથી એમ કહેલું મહાત્મા ગાંધીએ
“મુંબઈએ મને ક્યારે ય નિરાશ કર્યો નથી.” – આ શબ્દો છે આવતે અઠવાડિયે જેમનો જન્મ દિવસ છે તે મહાત્મા ગાંધીના. ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયેલો તે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક નવીનચંદ્રે મુંબઈમાં અભ્યાસ કર્યા પછી ‘અનુભવાર્થી’ બનવાના ઈરાદાથી મુંબઈ છોડ્યું. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા ૧૮૮૭માં પાસ કર્યા પછી બીજે વરસે, ૧૮૮૮માં ગ્રેટ બ્રિટન જઈ કાયદાના વિદ્યાર્થી બનવા માટે મોહનદાસ ગાંધીએ મુંબઈ છોડ્યું. એ જમાનામાં પોરબંદર અને મુંબઈ વચ્ચે સીધો ટ્રેન વ્યવહાર નહિ. એટલે મોહનદાસ પોરબંદરથી રાજકોટ ગયા. ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે રાજકોટથી ટ્રેનમાં બેઠા, અને ૧૨મી તારીખે મુંબઈ પહોંચ્યા. મુંબઈની તેમની આ પહેલી મુલાકાત.
રાજકોટમાં ગાંધીજીએ જોયેલું આ હરિશ્ચન્દ્ર નાટક
પણ આ અગાઉ મુંબઈ નહિ તો મુંબઈના એક નાટકના પરિચયમાં તો ગાંધીજી આવેલા જ. નાટક જોયા પછી તેમને સતત વિચાર આવ્યા કરે : ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ હરિશ્ચન્દ્ર નાટક લખેલું એ જમાનાના જાણીતા-માનીતા નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે, અને તેને કાપી-કૂપી, મઠારી, ગીતો ઉમેરી, ભજવતા કેખુશરો કાબરાજીની નાટક મંડળીના પારસી પોરિયાઓ. મુંબઈમાં તેના ૧,૧૦૦ પ્રયોગો થયેલા! આ નાટક મંડળી મુંબઈ ઉપરાંત બીજા શહેરોમાં પણ ‘હરિશ્ચન્દ્ર’નાટક ભજવતી. એ રીતે રાજકોટમાં ભજવાતું હતું ત્યારે એ નાટક જોવાની પરવાનગી ગાંધીજીને મળી, અને તેમણે એ નાટક જોયું. એ પ્રસંગ વર્ણવ્યા પછી આત્મકથામાં ગાંધીજી લખે છે : “હરિશ્ચંદ્રના દુઃખ જોઈ, તેનું સ્મરણ કરી, હું ખૂબ રોયો છું.”
હરિશ્ચન્દ્ર નાટકના કર્તા રણછોડભાઈ ઉદયરામ
મેટ્રિક થયા ત્યારે ગાંધીજીએ મુંબઈ જવાનું બે વખત ટાળ્યું. એ વખતે મેટ્રિકની પરીક્ષા ફક્ત મુંબઈ અને અમદાવાદમાં જ લેવાતી. ત્યારે ગાંધીજીએ અમદાવાદ સેન્ટર પસંદ કર્યું. કારણ એ નજીકનું, અને સસ્તું પણ ખરું. આત્મકથામાં ગાંધીજી લખે છે : “રાજકોટથી અમદાવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.” મેટ્રિક થયા પછી કોલેજના અભ્યાસ માટે પણ બે વિકલ્પ : મુંબઈ અને ભાવનગર. ત્યારે મુંબઈ ન જતાં ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. કારણ મુંબઈની સરખામણીમાં ભાવનગરમાં ખરચ ઓછો. પણ ત્યાં ગોઠવાઈ ન શક્યા. એક ટર્મ પછી કોલેજ છોડી. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર માવજી દવેએ ભણવા માટે વિલાયત જવાની સલાહ આપી. ગાંધીજીએ અને તેમનાં કુટુંબીજનોએ એ સ્વીકારી. અને ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે મોહનદાસ રાજકોટથી મુંબઈની ટ્રેનમાં બેઠા અને ૧૨મી તારીખે મુંબઈ પહોચ્યા. આ તેમની મુંબઈની પહેલી મુલાકાત. એ વખતે હજી ‘મહાત્મા’ બન્યા નહોતા, ફક્ત ‘મોહનદાસ’ હતા.
પણ વિલાયત જતાં પહેલાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પહેલાં તો એવી સલાહ મળી કે ચોમાસાના દિવસોમાં દરિયાઈ મુસાફરી કરવી સલાહભરી નથી. એટલે મુસાફરી દિવાળી પછી, નવેમ્બરમાં કરવી જોઈએ. સાથે ગયેલા મોટા ભાઈને આ સલાહ યોગ્ય લાગી એટલે મોહનદાસને એક મિત્રને ભળાવ્યા અને પોતે થયા રાજકોટ ભેગા. મુસાફરીના ખરચ માટે જે રકમ સાથે લાવેલા તે એક બનેવીને આપી અને મોહનદાસને જરૂર પડે ત્યારે આ રકમ આપજો એમ કહ્યું. બીજી બાજુ, મોહનદાસ વિલાયત જવાના છે એવા ખબર ફેલાતાં તેમની ન્યાતમાં ખળભળાટ થયો. ન્યાતની વાડીમાં ન્યાતની સભા મળી. મોહનદાસને હાજર રહેવા ફરમાન થયું. ગયા.
શેઠ : નાત ધારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.
મોહનદાસ : મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને વિદ્યાભ્યાસ જ કરવાનો છે.
શેઠ : પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય.
મોહનદાસ : આપ વડીલ સમાન છો. પણ હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહિ ફેરવી શકું.
શેઠ : પણ નાતનો હુકમ તું નહિ ઉઠાવે?
મોહનદાસ : હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.
શેઠ : આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ એને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે. ને તેનો સવા રૂપિયો દંડ થશે.
છતાં છોકરો એકનો બે ન થયો. પણ મોટા ભાઈ જે બનેવીને પૈસા આપી ગયા હતા તે ગભરાયા. કહે કે હું તને પૈસા આપું તો મને નાત બહાર મૂકે. તે મને ન પરવડે. એટલે એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા અને વિલાયતની મુસાફરીની ટિકિટ કઢાવી. ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં મોહનદાસે મુંબઈ છોડ્યું, અને ૨૯ સપ્ટેમ્બરે વિલાયત પહોંચ્યા.
૪ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં વિલાયત જવા મોહનદાસે મુંબઈ છોડ્યું
ગ્રેટ બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટર તો બન્યા. પણ ગાંધીજી નોંધે છે કે “બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું.” થોડી મથામણ પછી હિન્દુસ્તાન પાછા આવવાનું નક્કી કર્યું. ૧૮૯૧ના જૂનની ૧૨મીએ લંડનથી એસ.એસ. ઓશાનિયા નામની સ્ટીમરમાં મુસાફરી શરૂ કરી. મુંબઈના મુસાફરોની બદલી એડનમાં એસ.એસ. આસામ સ્ટીમરમાં થઈ જે ૧૮૯૧ના જુલાઈની પાંચમી તારીખે મુંબઈ પહોંચી. મોહનદાસની મુંબઈની આ બીજી મુલાકાત. તેઓ ગ્રેટ બ્રિટનમાં હતા તે દરમ્યાન ૧૮૯૧ના જૂનની ૧૨મી તારીખે તેમનાં માતાનું અવસાન થયું હતું. પણ તેમને એ વાતની ખબર નહોતી આપી. મુંબઈના બંદરે ઉતર્યા તે પછી તેમને લેવા આવેલા મોટા ભાઈએ એ સમાચાર આપ્યા. એ અંગે ગાંધીજી લખે છે : “પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.”
લંડનમાં મોહનદાસને જેમની સાથે ગાઢ મૈત્રી થયેલી તે ડો. પ્રાણજીવન મહેતા એ વખતે મુંબઈમાં હતા. તેમણે મોહનદાસને પોતાના ભાઈ રેવાશંકર જગજીવનની ઓળખાણ કરાવી. આગળ જતાં આ સંબંધ ઘણો ગાઢ થયો અને મુંબઈની ઘણી મુલાકાતો વખતે ગાંધીજી રેવાશંકરભાઈના મણિ ભવન નામના મકાનમાં ઉતરતા. સાતમી જુલાઈએ મોટાભાઈની સાથે નાશિક જઈને ગોદાવરી નદીમાં સ્નાન કરીને મોહનદાસે પરદેશગમન અંગે પ્રાયશ્ચિત વિધિ કર્યો અને પછી ૧૦ જુલાઈએ રાજકોટ પહોંચ્યા અને ૧૭મી જુલાઈએ ન્યાત જમાડી. ગાંધીજી લખે છે : “મોટા ભાઈની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજ્યે તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો.” ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પણ આપણે ત્યાં ન્યાતજાતનાં બંધનો કેટલાં તો દૃઢ હતાં તે આજે સમજવું મુશ્કેલ છે.
મોહનદાસ ગાંધીની મુંબઈની બીજી મુલાકાતો વિશેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 સપ્ટેમ્બર 2024