એક જમાનો હતો જ્યારે GPOની સોએ સો બારી ધમધમતી રહેતી
જી.પી.ઓ. કહેતાં જનરલ પોસ્ટ ઓફિસના ત્રણ નંબરના ગેટમાંથી દાખલ થઈ થોડાં પગથિયાં ચડીએ એટલે સામે આવે એક સો ‘બારી’વાળો ભવ્ય વિશાળ હોલ, જે ઓળખાય ‘રોટુન્ડા’ નામે, કારણ ઉપરના ઘુમ્મટની જેમ આ હોલ પણ ગોળ છે. પણ તેમાં જે એક સો ‘બારી’ કહેતાં વિન્ડો છે તે હવાની આવનજાવન માટે નહિ, ટપાલની આવનજાવન માટે છે. એક જમાનામાં મોડી રાત સુધી આ સોએ સો બારીઓ ધમધમતી રહેતી. લોકલ ટપાલ માટેની બારીઓ જુદી, બહારગામ માટે જુદી, પરદેશની ટપાલની અલગ. તો ટપાલ ટિકિટ વેચવા માટે, મની ઓર્ડર લેવા માટે, પાર્સલ લેવા માટે જુદી જુદી બારીઓ. સાંજ પછી તો ઘણી બારીઓ સામે લાંબી લાઈનો લાગે. આખા કોટ વિસ્તારની ઓફિસો, દુકાનો, વગેરેના પટાવાળા કે ગુમાસ્તા ટપાલના, નાનાં પાર્સલના થોકડા લઈને ઊભા હોય. રોજે રોજ આવનારા પણ એ, અને બારી પર બેસનારા પણ એ. એટલે ઘણીવાર ઝડપથી એકબીજાના ખબરઅંતર પણ પૂછી લે.
એક સો ‘બારી’વાળું રોટુન્ડા
આ લખનારને બરાબર યાદ છે. દિવાળીના પાંચ-સાત દિવસ પહેલાં ‘સાલ મુબારક’નાં રંગબેરંગી પોસ્ટ કાર્ડનો થોકડો લઈને લાઈનમાં ઊભા રહી જવાનું. દરેક કાર્ડ પર ઘરે જ જરૂરી ટિકિટ ચોડવાની. ઘરથી નજીકમાં નજીકની પોસ્ટ ઓફિસ ઠાકુરદ્વારની. ત્યાંથી જરૂરી ટિકિટનાં શીટ પહેલાં લઇ આવવાનાં. પાછલી બાજુના ગુંદરને સહેજ ભીનો કરવાનો. શીટમાંથી એક-એક ટિકિટ છુટ્ટી પાડી હળવે હાથે પોસ્ટ કાર્ડ પર ચોડવાની. પછી ઉપર કપડાનો કટકો દાબવાનો. ટિકિટ વધુ પડતી ભીની થાય તો ફાટી જાય. એટલે સ્પોંજ કહેતાં વાદળીવાળી દાબડીમાં થોડું પાણી નાખવાનું અને એ વાદળી પર મૂકીને ટિકિટ થોડી ભીની કરવાની.
સ્મૃતિશેષ કલમ અને ખડિયો
સમય બદલાયો એમ ઘણું બદલાયું. હવે સ્પોંજવાળી દાબડી, ટાંકણી રાખવાનાં ‘પીન કુશન’, લાલ, કાળી ભૂરી શાહીના જાડા કાચના ખડિયા, અને તેમાં બોળીને લખવા માટેનાં ટાંકવાળાં હોલ્ડર, શાહી વધુ પડતી વપરાઈ હોય તો એ ચૂસી લેવા માટેના બ્લોટિંગ પેપર, — ઘણું બધું હવે સ્મૃતિમાં જ સચવાયું છે. અરે! હવે તો દિવાળી, નાતાલ, જન્મ દિવસનાં રંગબેરંગી છાપેલાં કાર્ડ પણ ઘરે કોણ લાવે છે? દિવાળી અને નાતાલ પહેલાં એકાદ મહિનાથી કેટલીયે દુકાનો આવાં કાર્ડ વેચતી. સ્ટેશનરીની દુકાનોમાં જન્મ દિવસ, પારસી નવું વરસ, વગેરેનાં કાર્ડ આખું વરસ વેચાય. તો પ્રેમપત્રો લખવા માટેના ‘ખાસ’ રંગબેરંગી લેટર હેડ અને કવર પણ આખું વરસ મળે. અદરાયેલાં કે નવાં પરણેલાં જાણે બહુ મોટું પરાક્રમ કરતાં હોય તેમ એ લઈ આવે અને ઘરમાં છાનામાના બેસી એકબીજાને પ્રેમપત્રો લખે. આ પત્રો વાંચવાના પણ છાનામાના. અને એ વાંચ્યા પછી ‘તૂ મેરા ચાંદ, મૈં તેરી ચાંદની’વાળાઓનાં મોઢાં બીજમાંથી પૂનમના ચાંદ જેવાં બની જાય!
પણ આજે આવો ટાઈમ કોને છે? પ્રેમપત્રની રાહ જોવાની ધીરજ કોનામાં છે? હવે તો ખોલો WA અને ટાઈપ કરો : I ♥U. વાત પૂરી. કોઈનો જન્મ દિવસ છે? Happy Birthday to You – એટલું લાંબુ લખે કોણ, અને વાંચે કોણ? લખી નાખો : HBD. અને આવાં અનેક કામ માટે મોબાઈલ નામનો અલ્લાદિનનો જાદૂઈ ચિરાગ હાજરાહજૂર છે. પછી આજે પોસ્ટ ઓફિસમાં જાય કોણ? શા માટે? એટલે જ આજનાં બાળકોને ધૂમકેતુની પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ ગળે જ ન ઊતરે. મરિયમના કાગળની આટલી રાહ કેમ જોવી પડે? એ માટે ડોસાએ રોજ પોસ્ટ ઓફિસ જવું કેમ પડે? દીકરીને WA પર મેસેજ કે વીડિયો કોલ કરીને ડોસો પૂછી કેમ ન લે કે બેટા, તું મજામાં તો છો ને?
અરે! બાળકોની વાત ક્યાં કરો છો? સાચું કહું? આ લખનાર જેવા બુઢ્ઢાએ વરસોથી હાથમાં બોલ પેન પકડી હોય તો તે ક્યાંક સહી કરવા માટે જ. એટલે જન્મજાત ખરાબ અક્ષર વધુ ખરાબ બન્યા છે. કારણ વરસોથી PC કે મોબાઈલ પર જ ટાઈપ કરવાની ટેવ પડી ગઈ છે. અને હવે તો ટાઈપ કરવા આંગળીઓ વાપરવાની પણ જરૂર નહિ! બોલતા જાવ, અને સ્ક્રીન પર ટાઈપ થતું જાય! એટલે પછી પોસ્ટ ઓફિસ, પોસ્ટ કાર્ડ, ટપાલ ટિકિટ, વગેરેને તો અમિતાભ બચ્ચનના અવાજમાં કહેવાનું રહે : ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?’
પણ જે વાતમાં રહસ્ય ન હોય એ વાત તે કંઈ વાત કહેવાય? GPOના મકાનની વાતમાં પણ રહસ્ય છે. અને એ પણ એક નહિ, ત્રણ ત્રણ. આ રહસ્યોની વાત આપણા આંગણામાં લઈ આવશું હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 જૂન 2024)