પ્રકરણ -9 (સારસંક્ષેપ)
“On the carpet of leaves illuminated by the moon” તમે – you – પૂરી વાંચી રહો એ પહેલાં તમારું પ્લેન લૅન્ડ થાય છે. તમે ઍરપોર્ટ સિક્યૉરિટીમાંથી પસાર થતા હોવ છો ત્યારે કોઇક તમારું પુસ્તક તપાસે છે અને કહે છે કે ઍટાગુઇટેનિયામાં આ પુસ્તક બૅન્નડ્ છે. તેમ છતાં, ઍરપોર્ટમાં તમે કોરિન્ના નામની એક સહપ્રવાસી સ્ત્રીને મળો છો. કોરિન્ના તમને બિલકુલ લુદ્મિલા જેવી લાગતી હોય છે. કોરિન્ના તમને જણાવે છે કે એવું હોય તો – થોડા સમય પૂરતી હું તમને મારી કૉપી આપું. પણ જેવા તમે કોરિન્નાએ આપેલું પુસ્તક જુઓ છો, તો તમને સમજાય છે કે એ તો કાલિક્ષ્તો બાન્દેરાએ લખેલું “Around an empty grave” છે. કોરિન્ના ખુલાસો કરે છે કે એ તો એક ફેક અને ગંદું, ખાલી જૅકેટ છે.
તમે – you – કોરિન્નાને કહો છો કે જો જૅકેટ ફેક છે તો અંદરનું લખાણ પણ ફેક જ હશે. કોરિન્ના કહે છે કે બની શકે, કેમ કે ઍટાગુઇટેનિયામાં બધું જ ફેક હોય છે. કોરિન્ના અને તમે ટૅક્સીની રાહ જોતાં હોવ છો ત્યારે કેટલાક પોલીસ ઑફિસરો તમને બન્નેને ઍરેસ્ટ કરે છે. કોરિન્ના શાન્ત રહે છે અને જણાવે છે કે – હું ગર્ટ્રુડ છું, તાબડતોબ મને તમારા હેડક્વાર્ટર પર લઈ જાવ. તમે ચકિત રહી જાવ છો. એટલે, કોરિન્ના તમને કહે છે કે આ પોલીસો પણ ફેક છે.
તમે – you – કોઈ એક સ્ટેશને ઊતરી જાવ છો, તે વખતે કોરિન્ના કહે છે કે – મારું નામ તો ઇન્ગ્રિડ છે. છેવટે કોરિન્ના તમારાથી વિદાય લે છે. પણ એ પાછી ફરે છે ત્યારે યુનિફૉર્મમાં હોય છે, અને, એ વખતે એક બીજો ઑફિસર કોરિન્નાને ઑલ્ફોન્સિના કહેતો હોય છે. કોરિન્ના જણાવે છે કે ક્રાન્તિકારીઓ અને પ્રતિક્રાન્તિકારીઓને કારણે દેશમાં બધું સંકુલ બની બેઠું છે, અને, સંભવ છે કે તમને જેલભેગા કરવામાં આવે, જો કે જેલ ફેક હશે.
કોરિન્ના દર્શાવે છે કે પોતે ભ્રામક ક્રાન્તિકારીઓનાં દળમાં એક સાચી ક્રાન્તકારી તરીકે ઘૂસી છે. તમને – you – ચિન્તા થતી હોય છે કે તમને જેલમાં લઈ જશે, પણ કોરિન્ના કહે છે કે ગભરાશો નહીં, જેલમાં એક સરસ લાઇબ્રેરી છે, એટલું જ નહીં, બૅન્નડ્ પુસ્તકો માટે જેલ ઉત્તમ જગો છે. તમને થાય છે – હું નકલખોરને શોધવા આવ્યો પણ વાત અવળે પાટે ચડી રહી છે. તમે વિમાસો છો કે કોરિન્ના ખરેખર લોતારિયા છે, કે પછી કોઈક બીજું – જે કથામાં એ જ ભૂમિકા ભજવી રહ્યું છે …
જેલની લાઇબ્રેરીમાં જઈને તમે – you – કહો છો કે કાલિક્ષ્તો બાન્દેરાકૃત “Around an empty grave” મળતું નથી. ડેસ્ક પરનો માણસ કમ્પ્યૂટર પર તમારા પુસ્તકની ઇમ્પ્રેસન્સ તપાસવા માગે છે. એ પ્રોગ્રામરને બોલાવે છે, શિલાને, પણ એ નીકળી આવે છે કોરિન્ના ! કોરિન્ના વારંવારના આ ગોટાળાથી કંટાળી ગઈ હોય છે.
વાચનાનુભવ માટે કોરિન્ના (શિલા રૂપે) તમને મદદ કરતી હોય છે. એ વખતે તમે એને કમરેથી સાહી લો છો, કહો છો કે – મને તું લોતારિયા લાગી. કોરિન્નાને સમજાતું નથી કે તમે એને શું કહી રહ્યા છો. તમે એને જણાવો છો કે — ક્રાન્તિનો એક જ હેતુ હોય છે, સત્તાનાં જૂનાં રૂપોને પુનર્જીવિત કરવાં, જેમ કે તારો આ યુનિફૉર્મ કાઢી નાખીએ તો અંદર એક બીજો યુનિફૉર્મ જોવા મળશે.
કોરિન્ના તમને – you – પડકારે છે કે કાઢી બતાવો, એટલે, તમે એનાં વસ્ત્ર ઉતારવા માંડો છો. ઉતારતા જાવ છો તેમ તેમ શિલાના વસ્ત્રોની નીચે ઑલ્ફોન્સિનાનાં, એની નીચે ઇન્ગ્રિડનાં, અને છેલ્લે ગર્ટ્રુડનાં વસ્ત્રો જોવા મળે છે; વસ્ત્રહરણનું એ કામ એને તમે નગ્ન જોઈ રહો ત્યાં લગી ચાલુ રાખો છો. કોરિન્ના પૂછે છે – શું મારું શરીર યુનિફૉર્મ નથી? અને, જાતે જ કહે છે કે છે જ. કોરિન્ના હવે તમને નગ્ન કરવા માંડે છે. કથક તમને પૂછે છે, કયા અધિકારથી તમે કોરિન્ના /લોતારિયાને નગ્ન કરી? શું લુદ્મિલા તમારા માટે પર્યાપ્ત ન્હૉતી?
એટલામાં કોઈ ફોટા પાડતું’તું. ફોટોગ્રાફર કૅપ્ટન અલેક્ઝ્રાન્ડ્રા – કોરિન્ના – પર આક્ષેપ મૂકે છે કે – કેદી સાથે તમે સૅક્સ માણવાની કોશિશ કરી રહ્યાં છો. તમે – you – અને કોરિન્ના બેઠાં થઇ જાવ છો, શાન્ત, ને કામે વળગો છો. જો કે તમને એમ લાગે છે કે કોરિન્ના નરવસ થઈ ગઈ છે; તમને એમ પણ લાગે છે કે કમ્પ્યૂટર પર એ કાલિક્ષ્તો બાન્દેરાની ટૅક્સ્ટ શોધતી’તી; પણ એમાં ય ગોટાળા હતા.
= = =
(06/13/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર