નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજી વાર વડા પ્રધાન પદનાં શપથ લે એમ બને. તેમને અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે વડા પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ નિર્વિઘ્ને સંપન્ન થાય. પ્રાર્થના એટલે, કારણ, હવે જે સરકાર બનવા જઈ રહી છે તે ભા.જ.પ.ની નથી, એન.ડી.એ.ની – ગઠબંધનની સરકાર છે. 1989 પછી પહેલીવાર ગઠબંધનની સરકાર બનશે ને વાજપેયીની ગઠબંધનની સરકારને જે વીતી હતી, તે જગત જાણે છે, એ જોતાં અગાઉ જેટલું હવે મોદી માટે સહેલું નહીં હોય. અગાઉની સરકાર પાસે ભા.જ.પ.નો જ પૂર્ણ બહુમત હતો. હવે ભા.જ.પ.ને સૌથી વધુ 240 સીટો મળી છે એ ખરું, પણ ભા.જ.પ.ની જ સરકાર બનાવવા માટે તેને 32 માથાં ખૂટે, એટલે સાથી પક્ષોના ટેકા વગર સરકાર બનાવવાનું શક્ય નથી. સાથી પક્ષોનો ટેકો લેવામાં આવે તો 272નો આંકડો પાર પડે એમ છે. એમાં આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ (ટી.ડી.પી.) અને બિહારના નીતીશકુમાર (જે.ડી.યુ.) પાસે અનુક્રમે 16 અને 12 સીટો છે. એ જો સામેલ થાય તો 272નો આંકડો પાર કરવાનું સરળ થાય. વળી એ બંનેએ મોદીને સમર્થન આપ્યું છે, એ ઉપરાંત મોદીને એન.ડી.એ.ના નેતા પણ જાહેર કરવામાં આવ્યા છે.
‘ઇન્ડિયા’ની વાત કરીએ તો એકલી કાઁગ્રેસે 99 સીટ મેળવી છે ને કુલ સીટ 234 છે. બધા કાઁગ્રેસ સાથે છે એમ માનીએ તો પણ 272ને આંકડે પહોંચવામાં બીજા 38 માથાં ખૂટે. એટલે નાયડુ કે નીતીશકુમાર આ તરફ આવે તો પણ બીજાં 10 ખૂટે, એટલે ‘ઇન્ડિયા’એ સરકાર બનાવવાનો દાવો હાલ પૂરતો મોકૂફ રાખીને વિપક્ષમાં બેસવાનું નક્કી કર્યું છે. આ વખતનાં ચૂંટણી પરિણામોની ખાસિયત એ છે કે એમાં જીતનાર બહુ ખુશ નથી ને હારનાર વધારે ખુશ છે. જીતનાર એટલે નાખુશ છે કે એક જ પક્ષની સરકાર બનતાં બનતાં રહી ગઈ છે, પરિણામે એકચક્રી શાસનમાં દાયકા પછી ગાબડું પડ્યું છે. હારનાર એટલે ખુશ છે કે મોદી સરકારમાં અગાઉ મળી ન હતી એટલી સીટ કાઁગ્રેસને આ વખતે મળી છે. વિપક્ષ એટલે પણ રાજી છે કે કાઁગ્રેસના રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી(સ.પા.)ના અખિલેશ યાદવની યુતિ ઉત્તર પ્રદેશને ફળી છે. બંનેને 80માંથી 41 સીટ મળી છે. એમાં ભા.જ.પ.ની 32 બેઠકો કપાઈ છે. ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને પડેલો એ મોટો ફટકો છે, તે ત્યાં સુધી કે અયોધ્યાનો રામમંદિરનો આખો ઉપક્રમ જ નિષ્ફળ ગયો, તે એ રીતે કે ભા.જ.પે. અયોધ્યાની જ સીટ ગુમાવી. એ તો ઠીક, પણ અયોધ્યાની ફરતેનાં 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ભા.જ.પ.નો પત્તો ના લાગ્યો. અયોધ્યા તીર્થક્ષેત્ર તરીકે વિકસાવવાને બદલે ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં નડતરરૂપ ઘણી દુકાનો, ઘણાં મકાનો પર બુલડોઝરો ફર્યાં અને કેટલાં ય લોકો રસ્તે આવી ગયાં. રામપથ બને તેનો તો શો વાંધો હોય, પણ એવું કરવાં જતાં લોકો રઝળી પડ્યાં. દેખીતું છે કે આ મામલે અયોધ્યાવાસીઓ રાજી ન હોય.
ભારતીય પ્રજા આમ બહુ ભણી નથી, પણ તે ગણી નથી, એમ ન કહેવાય. તેણે સાબિત કરી દીધું કે તે પરિણામોમાં બોલે છે. પ્રજાએ સભા-સરઘસો જોયાં. શાસકો અને વિપક્ષોની વાતો સાંભળી, રાહુલ ગાંધીની યાત્રાઓ જોઈ, મોદીના રોડ શો જોયા ને એવો ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય પક્ષો સુધી તો ઠીક, નાના પ્રાદેશિક પક્ષોને પણ સ્પર્શે. કોઈ નેતા તેની અસરથી મુક્ત નથી રહી શક્યો. વારાણસીમાં વડા પ્રધાન મોદી જીત્યા તો ખરા, પણ એમની લીડ ત્રણ લાખથી ઘટી ગઈ. ભા.જ.પ.ને સંઘની બાદબાકી પણ નડી. રાષ્ટ્રીય અધ્યક્ષે તો સંઘની હવે જરૂર નથી, તેવું પણ સંકોચ વગર કહી દીધું. આ તોર ભારે પડ્યો. એવું નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિર જેવા મુદ્દે મોદી સરકારને સફળતા પણ મળી, કોઈ વડા પ્રધાનના કાર્યકાળમાં 80 કરોડ જનતાને વર્ષો સુધી મફત અનાજની યોજના લાગુ નથી થઈ, પણ મોદીના કાળમાં એ શક્ય બન્યું. વિકાસ કામો થયાં. વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થયો …
કામ તો થયાં, પણ મોંઘવારી, બેરોજગારીમાં પ્રભાવક કામ ન થયું. કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રની સરકારો તોડવાનું થયું. ચૂંટણી બોન્ડ સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવ્યાં, તો સરકાર બચાવમાં પડી. બંધારણ બદલવાની વાતે લોકશાહી અંગે ચિંતાનું વાતાવરણ સર્જાયું, મુસ્લિમ, મંગલસૂત્ર ચર્ચામાં આવ્યાં. આ બધી બાબતોએ ભા.જ.પ.ની સરકારને ગઠબંધનની સરકારમાં ફેરવી.
સીધીને સટ વાત એ છે કે મોટે ભાગના રાજ્યોમાં 80થી 85 ટકા વસ્તી હિન્દુઓની છે. એમાંના ઘણાં તો ભક્તજનો છે. જો એમણે મત આપ્યો હોય તો ભા.જ.પ.ની હારની શક્યતા જ નહિવત છે. લાગે છે એવું કે લઘુમતીએ ‘ઇન્ડિયા’ને વધુ ટકાવારીમાં મત આપ્યા અને હિન્દુઓએ એક યા બીજા કારણે ઓછા મત આપ્યા, એ સાથે જ તેમના મત હિન્દુ કાઁગ્રેસી ઉમેદવારમાં વહેંચાયા હોય તો ભા.જ.પ.ને એટલા મત ઓછા પડે. આમ જ થયું છે, એવું નહીં, પણ આવું થયું પણ હોય. બીજી તરફ ભા.જ.પ.નો જીત અંગેનો વધુ પડતો આત્મવિશ્વાસ કામ કરી ગયો હોય ને સ્થાનિક પ્રચાર ટાંચો પડ્યો હોય એમ બને. એ પણ ખરું કે ભયંકર ગરમીને કારણે મતદારો આળસી ગયા હોય. બને તો હિન્દુ મતોની ટકાવારી તપાસવા જેવી છે. એ કદાચ નિરાશ કરી શકે. રાહુલ ગાંધીને અને અખિલેશ યાદવને ઓછા આંકવાનું પણ આ પરિણામ હોઈ શકે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની રીતિનીતિ પણ અમુક વર્ગને માફક ન આવી હોય એમ બને.
બંગાળમાં ભા.જ.પ.ની 6 બેઠક ઘટી ને તૃણમૂલની સાત બેઠકો વધી. એનો અર્થ એ કે બંગાળમાં મમતા બેનરજીનો પ્રભાવ ઘટ્યો નથી. મહારાષ્ટ્રમાં શરદ અને ઉદ્ધવ અસલી અને અજિત તથા શિંદે નકલી છે, એવું પરિણામોએ પુરવાર કર્યું. 2019માં ભા.જ.પ.ને 23 બેઠકો મળી હતી, તે આ વખતે 10થી આગળ ન ગઈ. કાઁગ્રેસને 13 બેઠકો મળી. મહારાષ્ટ્રમાં જે તોડફોડ થઈ તેને પ્રજાનું સમર્થન હતું એવું પરિણામો કહેતાં નથી. ટૂંકમાં, ભા.જ.પ.ને સર્વગ્રાહી રીતે આત્મનિરીક્ષણની જરૂર છે. કોન્ફિડન્સ જરૂરી છે, પણ ઓવર કોન્ફિડન્સ ઘાતક છે. પક્ષો તોડવાની, સરકારો ઉથલાવવાની રાજનીતિ જરૂરી હોય કે અન્ય પક્ષના સભ્યોને પોતાનામાં ખેંચી લાવવામાં રાજનીતિ હોય તો પણ તે અમુક મર્યાદા સુધી જ સહ્ય છે. અન્ય પક્ષમાંથી ભા.જ.પ.માં આવનારાઓને ટિકિટો અપાઈ અને વર્ષોથી પક્ષમાં રહીને વફાદારી નિભાવતા કાર્યકરોને ભોગે એ થયું, તેણે પણ પક્ષમાં અસંતોષ જન્માવ્યો હોય એ શક્ય છે. એથી કાર્યકરોની કાર્યપદ્ધતિ પૂર્વવત રહે જ એવું બધા માટે માની ન શકાય. બને કે એ અસંતોષે પરિણામોને પ્રભાવિત કર્યાં હોય.
એ સાચું કે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને ખોટ ગઈ, પણ દક્ષિણમાં તેને લાભ પણ થયો. ઓડિસા વિધાનસભામાં 24 વર્ષોનું નવીન પટનાયકનું બી.જે.ડી.નું શાસન ખતમ થતાં એ રાજ્યનો દોર પણ ભા.જ.પ.ના હાથમાં આવ્યો છે. કેરળમાં ફિલ્મ કલાકાર સુરેશ ગોપીએ ભા.જ.પ.નું ખાતું ખોલાવ્યું છે. એન.સી.પી.ના શરદ પાવર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસના રાહુલ ગાંધીને નેતૃત્વની અસલી ઓળખ લોકસભાની આ ચૂંટણીમાં પરત મળી છે.
સૌથી મોટા પક્ષ તરીકે ઊભરવા છતાં ભા.જ.પે. અન્ય પક્ષોની સાથે રહીને કામ કરવું પડે એ લાચારી છે. દેખીતું છે કે સાથી પક્ષો પણ સહકાર આપવાની કિંમત વસૂલે. એક તબક્કે ટી.ડી.પી.ના ચંદ્રાબાબુને, વડા પ્રધાન મળવાનો સમય આપતા ન હતા, એમને સામેથી ફોન કરીને દિલ્હી આવવા આમંત્રણ આપવું પડે કે નીતીશકુમારને દિલ્હી આવવા તેડું મોકલવું પડે એવા દિવસો આવ્યા છે. વળી ટી.ડી.પી.ના ચંદ્રાબાબુએ અને જે.ડી.યુ.ના નીતીશકુમારે તો મહત્ત્વનાં મંત્રાલયોની ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. નીતીશકુમારને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તથા સ્પીકરનાં પદની અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એની લાલસા છે, તો ચંદ્રાબાબુ પણ સ્પીકર પદ પર આંખો ઠેરવીને બેઠા છે. એમને સંતોષ આપવા જતાં ભા.જ.પ.ના સાંસદોના સંભવિત મંત્રીપદો કપાય એમ બનવાનું, એ સાથે જ સાથી પક્ષોને સંતોષ ન અપાય તો સરકાર જોખમમાં આવી પડે. ટૂંકમાં, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બને તો પણ, તેમને આગલી બે ટર્મ જેવી મોકળાશ મળવાનું મુશ્કેલ છે, તે એટલે કે રાજકારણનો બહોળો અનુભવ હોવા છતાં, ગઠબંધનની સરકાર ચલાવવાનો મોદીને અનુભવ નથી. બીજી તરફ ચંદ્રાબાબુ અને નીતીશકુમાર વાજપેયીની ગઠબંધન સરકારમાં એન.ડી.એ.નો હિસ્સો રહી ચૂક્યા છે. વાજપેયી સહયોગી પક્ષોના દબાણમાં એટલા હતા કે રામમંદિર, 370ની નાબૂદી અને કોમન સિવિલ કોડ અંગે આગળ વધી શક્યા ન હતા. હવે એન.ડી.એ.ની સરકાર થવા જઈ રહી છે, તો કોમન સિવિલ કોડમાં કેટલી સફળતા સરકારને મળશે તે પ્રશ્ન જ છે. સાથી પક્ષો વધુ હોય તો એકાદ પક્ષ ટેકો ખેંચી લે તો પણ, અન્ય પક્ષોનો ટેકો હોય તો સરકાર ટકી જાય, પણ પક્ષો વધુ હોય તો તેમની અપેક્ષાઓ પણ વધુ હોય ને બધાંને સાચવવાનું અઘરું બને, એટલે ગઠબંધનની સરકાર ટર્મ પૂરી કરે તો એને ચમત્કાર જ ગણવાનો થાય. બીજી ખાસ વાત એ કે આ વખતે વિપક્ષ વધુ મજબૂત સ્થિતિમાં સામે આવ્યો છે ને તેની સાથે ય પાનાં પાડવાના છે. એ ખરું કે લોકશાહી ને બંધારણ સામેનાં જોખમો ઘટ્યાં છે, પણ ગઠબંધનની સરકારને લોઢાનાં ચણા ચાવવાનું ન થાય એમ બને. અઘરું છે, પણ અશક્ય નથી. જોઈએ, શું થાય છે તે –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જૂન 2024