Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વચ્છ રાજનીતિની હિમાયત કરનાર જયપ્રકાશ નારાયણ

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|6 June 2024

કહતે હૈં જિસકો જયપ્રકાશ જો નહીં મરણ સે ડરતા હૈ

જ્વાલા કો બુઝતે દેખ કુંડ મેં સ્વયં જો કૂદ પડતા હૈ

હાં, જયપ્રકાશ હૈ નામ સમય કી કરવટ કા, અંગડાઈ કા

ભૂચાલ, બવંડર કે ખ્વાબોં સે ભરી હુઈ તરુણાઈ કા …

                                                            — રામધારીસિંહ ‘દિનકર’

પટણાનું ઐતિહાસિક ગાંધી મેદાન 5 જૂન 1974નો દિવસ કદી નહીં ભૂલે. તે દિવસે લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’ની ગર્જના કરતાં કહ્યું હતું, ‘આજે સર્વત્ર દેખાતાં ભ્રષ્ટાચાર, બેકારી અને શિક્ષણતંત્રની ખામી એ સિસ્ટમની ઉપજ છે અને એટલે સિસ્ટમ વડે દૂર કરવાનું શક્ય નથી. એ દૂર કરવા માટે સંપૂર્ણ નવી વ્યવસ્થા જોઈશે અને એ સંપૂર્ણ ક્રાંતિ વડે જ આવશે.’ 11 ઑક્ટોબરે એમનો જન્મદિન છે અને 8 ઑકટોબરે પુણ્યતિથિ, આદરણીય જે.પી.ને શ્રદ્ધાસુમન અર્પીએ.

જયપ્રકાશ નારાયણ અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર હતા. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં જન્મેલા જયપ્રકાશે કૉલેજ છોડી અસહકારની લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં 1922માં અમેરિકા ભણવા ગયા. ઓહાયો ને વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન તથા સમાજવિજ્ઞાનના અભ્યાસ દરમ્યાન તેઓ માર્ક્સવાદથી પ્રભાવિત થયા.

1929માં જયપ્રકાશ ભારત આવ્યા ત્યારે દેશ નવી લડતને માટે તૈયાર થવામાં હતો. જયપ્રકાશ ફરી કૉંગ્રેસ સાથે જોડાયા અને કૉંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુના નિમંત્રણથી મજૂરવિભાગની જવાબદારી સંભાળી. 1932ની લડત વખતે થોડા મહિના કૉંગ્રેસના કાર્યકારી મહા મંત્રી તરીકે ભૂગર્ભ મોરચો સાચવ્યો, પછી પકડાઈને નાસિક જેલમાં ગયા. ત્યાં એમની સાથે અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા વગેરે હતા. ત્યાં થયેલી ચર્ચાઓની ફલશ્રુતિ રૂપે સમાજવાદી પક્ષ રચાયો, જેના સ્થાપક-મહામંત્રી જયપ્રકાશ હતા. આ જવાબદારી અંગે લાંબા પ્રવાસો વચ્ચે એમનું ‘વ્હાય સોશલિઝમ’ લખાયું, જેનાથી ભારતને માર્ક્સવાદનો પ્રથમ પ્રભાવક પરિચય મળ્યો.

‘હિન્દ છોડો’ દરમ્યાન તેમને મુંબઈની આર્થર રોડ જેલ, દિલ્હીની કેમ્પ જેલ અને પછી હજારીબાગ સેન્ટ્રલ જેલમાં રખાયા. 1942ના નવેમ્બરમાં જયપ્રકાશ હજારીબાગ સેન્ટ્રલ જેલની 5.2 મી. ઊંચી દીવાલ ઠેકીને ભાગ્યા (આ જેલનું નામ હવે લોકનાયક જયપ્રકાશ નારાયણ સેન્ટ્રલ જેલ છે) અને રાષ્ટ્રીય સ્તરે ભૂગર્ભ પ્રવૃત્તિઓનું સંકલન, નેપાળમાં રામ મનોહર લોહિયા વગેરે સાથે મળીને આઝાદ દસ્તાનું ગઠન અને ક્રાંતિકારી સાથીઓને ‘માસ વર્ક’નો મહિમા સમજાવતી પત્રમાળાથી દંતકથારૂપ વ્યક્તિત્વ બની રહ્યા.

આઝાદી બાદ કોઈ પણ રાજકીય હોદ્દો ન સ્વીકારવાના નિર્ણય સાથે તેઓ વિનોબાના ભૂદાન-ગ્રામદાન આંદોલનમાં જોડાયા અને લોકશિક્ષણલક્ષી સહચિંતનની નવી જ પરિપાટી ઊભી કરી. બોધગયાના સર્વોદય આંદોલનમાં એમણે જીવનદાન જાહેર કર્યું. બિહારના ગયા જિલ્લામાં સોખોદેવરા આશ્રમની સ્થાપના કરી.

આ વર્ષોમાં એમણે લોકોની સીધી હિસ્સેદારીવાળી શાસનવ્યવસ્થા અને પક્ષમુક્ત લોકશાહીના ખયાલો વિકસાવ્યા. સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની સમસ્યાઓમાં પહેલ કરવાનું સતત ચાલુ જ હતું. તિબેટની સ્વાયત્તતા માટે આંતરરાષ્ટ્રીય પરિષદ, પાકિસ્તાન સાથે સારા સંબંધો બાંધવાના હેતુથી સ્થાપેલું ‘પાકિસ્તાન રિકન્સિલિયેશન ગ્રૂપ’, નાગાલૅન્ડ પીસ મિશન, જેને માટે તેમને મૅગ્સેસે ઍવૉર્ડ મળેલો, બિહારના નકસલવાદીઓનાં હૃદયપરિવર્તનનો પ્રયાસ, બાંગ્લાદેશની આઝાદી માટે વિશ્વમતની જાગૃતિ, મધ્ય પ્રદેશના ચંબલખીણના ડાકુઓનું આત્મસમર્પણ તેનાં થોડાંક ઉદાહરણ છે.

1973ના અંતે તેમણે ‘યૂથ ફૉર ડેમૉક્રસી’ની જાહેર અપીલ કરી. ગુજરાત અને બિહારના વિદ્યાર્થીઓએ એમના નેતૃત્વ સાથે નવનિર્માણ આંદોલન કરી ભારતીય રાજનીતિને એક નવા શિખરે પહોંચાડી. બિહાર આંદોલને સંપૂર્ણ ક્રાંતિનું સ્વરૂપ પકડ્યું.

દરમ્યાન ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી ચૂંટણીચુકાદો આવ્યો અને અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિ માટે દોષી ઠરાવ્યાં. જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી જયપ્રકાશ નારાયણ ને મોરારજી દેસાઈ સહિત અનેકને જેલભેગા કર્યા. 1977માં કટોકટી હળવી થતાં લોકોએ અભૂતપૂર્વ ચૂંટણીચુકાદો આપી જયપ્રકાશની પ્રેરણાથી રચાયેલા જનતા પક્ષને સત્તારૂઢ કર્યો. જો કે આંતરિક સંઘર્ષથી અંતે આ પક્ષ તૂટ્યો.

જયપ્રકાશના જીવનમાં સતત સંઘર્ષ રહ્યો, પણ દરેક તબક્કા દરમિયાન જયપ્રકાશનું વૈચારિક વ્યક્તિત્વ વધુ ને વધુ ઊઘડતું આવ્યું. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યમાં આર્થિક-સામાજિક સ્વાતંત્ર્ય સામેલ કરવાની એમની કોશિશ ને ખ્વાહિશ, ઔદ્યોગિક પશ્ચિમથી વિપરીત ભારત-એશિયામાં ક્રાંતિના વાહક તરીકે ખેડૂત ને ખેતમજૂરની વિશેષ ભૂમિકાનો નિર્દેશ, રાજ્ય નાગરિકને પોતાની નાગચૂડમાં લઈ રહ્યું હોય ત્યારે શાસનવિષયક પુનર્વિચારણા જેવી બાબતો એમને રાષ્ટ્રવાદ ને સમાજવાદ અંગેની ચાલુ સમજના દાયરાથી અલગ સાબિત કરે છે.

એકાંગી પરિવર્તન નહિ પણ સર્વાંગી પરિવર્તન; આ પરિવર્તનમાં રાજ્ય અવરોધક હોય તો તેનો પ્રતિકાર અને ન્યાય, સ્વાતંત્ર્ય, સમતાનાં મૂલ્યોને અનુલક્ષીને જાતે સુધરવાની ને પછી સમાજ અને જગતને સુધારવાની પ્રક્રિયા સતત ચાલુ હોય એવો સંપૂર્ણ ક્રાંતિ-અભિગમ આપવા બદલ જયપ્રકાશ હંમેશાં યાદ રહેશે. જનતા પક્ષ સાથે અભિન્ન હતા ત્યારે પણ એમણે છાત્રયુવા સંઘર્ષવાહિની અને લોકસમિતિ જેવાં તટસ્થ સંગઠનો સ્થાપ્યાં ને વિકસાવ્યાં. કહેત કે જોડતોડની રાજનીતિને બદલે સંપૂર્ણ ક્રાંતિનાં મૂલ્યોને વરેલો રાજકીય પક્ષ જ પરિવર્તન કરી શકે અને શાસન કે સમાજની મદદની આશાએ બેસી ન રહેતાં દબાયેલા વર્ગો સંગઠિત થાય ને પહેલ કરે.

1920માં જયપ્રકાશ નારાયણનાં લગ્ન પ્રભાવતી દેવી સાથે થયાં હતાં. બંને આડંબર વગરનું સાદગીપૂર્ણ જીવન જીવતાં. પ્રભાવતી દેવીએ જયપ્રકાશજીને જાણ કર્યા વિના જીવનભર બ્રહ્મચર્યવ્રત પાળવાનો નિર્ણય લીધો હતો. વિદેશથી પાછા ફરેલા જયપ્રકાશે પત્નીના આ નિર્ણયને સ્વીકારી અસાધારણ ઔદાર્ય દાખવેલું.

‘વ્હાય સોશ્યાલિઝમ’, ‘ફ્રૉમ સોશ્યાલિઝમ ટુ સર્વોદય’, ‘અ પ્લી ફૉર રિકન્સ્ટ્રક્શન ઑફ ધ ઇન્ડિયન પૉલિટી’, ‘સ્વરાજ ફૉર ધ પીપલ’, ‘ફેસ ટુ ફેસ’ જેવા ગ્રંથોમાં એમની વિચારસૃષ્ટિ ખૂલી છે. બ્રહ્માનંદસંપાદિત ‘ટૉવર્ડઝ ટોટલ રેવલ્યૂશન’ના 4 ખંડો અને નારાયણ દેસાઈ-કાન્તિ શાહ દ્વારા સંપાદિત ‘જયપ્રકાશ’ એ જયપ્રકાશ નારાયણને સમજવા માટે ઉપયોગી પુસ્તકો છે. 1942ના વીરનાયક અને 1974થી 77ના લોકનાયક જયપ્રકાશ નારાયણની ભારતના જાહેર જીવનમાં વિશિષ્ટ મુદ્રા છે. સમાજવાદથી સર્વોદય લગીની એમની વિચારયાત્રા અને એની પરાકાષ્ઠારૂપ સંપૂર્ણ ક્રાંતિ લાંબો વખત યાદ રહેશે.

જયપ્રકાશ પર ગાંધીજીને ઘણો પ્રેમ હતો. રામગઢ કૉંગ્રેસ વખતે જયપ્રકાશે સ્વાતંત્ર્યનો અર્થ સ્ફુટ કરતો એક ઠરાવ તૈયાર કર્યો હતો. કૉંગ્રેસમાં એ આવી શક્યો નહીં, પણ ગાંધીજીએ તેને ‘હરિજન’માં છાપ્યો. એમણે એક વાર લખેલું, ‘જયપ્રકાશ સમાજવાદી તત્ત્વજ્ઞાનનું દરેકેદરેક પાસું જાણે છે.’ પંડિત નહેરુ તેમને ઉમદા અને ચારિત્ર્યસંપન્ન દેશસેવક ગણાવતા.

ઇન્દિરા ગાંધી અને જયપ્રકાશ વચ્ચે કાકા-ભત્રીજીનો સંબંધ હતો. પ્રભાવતી અને કમલા નહેરુ વચ્ચે ગાઢ મૈત્રી હતી. ‘મેરી પ્રિય ઇંદુ’ એવા સંબોધનથી ઇન્દિરા ગાંધીને સુંદર પત્રો લખનાર જયપ્રકાશે જેલમાંથી લખેલા પત્રમાં ‘માય ડિયર પ્રાઈમમિનિસ્ટર’ એવું સંબોધન કરેલું. 25 જૂન 1975ના દિવસે જયપ્રકાશની ધરપકડ થઈ. પોલિસ સ્ટેશને એમને પૂછવામાં આવ્યું, ‘કોઈ સંદેશો?’ જયપ્રકાશ બોલ્યા, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ પણ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી હાર્યા ત્યારે જયપ્રકાશે કહેલું, ‘હજુ તેનું રાજકીય જીવન પૂરું નથી થયું.’ જયપ્રકાશની અંતિમ બીમારી વખતે ઇન્દિરા ગાંધી એમની ખબર કાઢવા ગયાં હતાં. વિવેચકોએ આ મુલાકાતને રાજકારણનો એક ભાગ ગણાવી હતી.

અંતે યાદ કરીએ રામધારીસિંહ ‘દિનકર’ના શબ્દો : ‘કહતે હૈં જિસકો જયપ્રકાશ જો નહીં મરણ સે ડરતા હૈ, જ્વાલા કો બુઝતે દેખ કુંડ મેં સ્વયં જો કૂદ પડતા હૈ; હાં, જયપ્રકાશ હૈ નામ સમય કી કરવટ કા, અંગડાઈ કા; ભૂચાલ, બવંડર કે ખ્વાબોં સે ભરી હુઈ તરુણાઈ કા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 ઑક્ટોબર  2023

Loading

6 June 2024 સોનલ પરીખ
← અટપટું ચટપટું 
પોતાને બદલો, ભવિષ્ય આપમેળે બદલાશે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved