પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.
— ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એટલે આપણા એકમાત્ર વિજ્ઞાની રાષ્ટ્રપતિ. વિજ્ઞાની અને એન્જિનિયર હોવા સાથે તેઓ ઉમદા અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. ડૉ અબ્દુલ કલામે ચાર દાયકા વિજ્ઞાનપ્રશાસક તરીકે વિતાવ્યા હતા. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.) ને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કર્યું હતું અને 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
ડૉ અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં. જૈનુલાબુદ્દીન નામના બોટમાલિક અને તેમની પત્ની આશિયમ્માનાં પાંચ બાળકોમાં તેઓ સૌથી નાના. તેમના પૂર્વજો શ્રીમંત વેપારીઓ હતા, પણ 20મી સદીની શરૂઆતમાં પરિવારે તેની મોટા ભાગની સંપત્તિ ગુમાવી દીધી હતી. પિતાને ટેકો કરવા અબ્દુલ કલામ શાળામાં હતા ત્યારે અખબારો વહેંચતા. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી, જ્ઞાનપિપાસુ અને હંમેશાં નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક હતા.
મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ત્યારે તેમનું સ્વપ્ન ફાઈટર પાઈલટ બનવાનું હતું, પણ નિયતિ તેમને વિજ્ઞાની તરીકે ડી.આર.ડી.ઓ.માં લઈ ગઈ. તેઓ ત્યાંના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં હતા. તેમનો પ્રથમ પ્રોજેક્ટ ભારતીય સેના માટે એક નાનું હેલિકોપ્ટર ડિઝાઇન કરવાનો હતો. અહીં તેમને જાણીતા અવકાશવિજ્ઞાની વિક્રમ સારાભાઈ સાથે કામ કરવાની તક પણ મળી. જો કે, કલામ ડી.આર.ડી.ઓ.માં તેમની કારકિર્દીથી બહુ સંતુષ્ટ ન હતા.
1969માં તેમને ભારતના પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ઈસરોમાં મોકલાયા. 1965માં એક વિસ્તૃત રોકેટ પ્રોજેક્ટ પર તેમણે સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું હતું તેને 1969માં વિસ્તરણ માટે સરકારની મંજૂરી મળી.
આગામી વર્ષોમાં તેમણે પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ એસ.એલ.વી. 3 પ્રોજેક્ટ્સ વિકસાવ્યા. 1970ના દાયકામાં તેમણે સફળ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામની ટૅક્નૉલૉજીથી બેલિસ્ટિક મિસાઈલના વિકાસ પર પણ કામ કર્યું. પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટનું નિર્દેશન કર્યું, જેનો હેતુ ટૂંકી અંતરની સપાટીથી છૂટતી મિસાઈલ બનાવવાનો હતો. આ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ સફળતા હાંસલ કર્યા વિના 1980માં બંધ થઈ ગયા છતાં, કલામને વૈજ્ઞાનિક સમુદાય તરફથી ખૂબ આદર અને પ્રશંસા પ્રાપ્ત થઈ.
ત્યાર પછી તેઓ વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત થયા. તેમણે પોખરણ-2 પરમાણુ પરીક્ષણોમાં મુખ્ય ભૂમિકા ભજવી. રાષ્ટ્રપતિ તરીકે તેમને શાસક ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ બંનેનું સમર્થન હતું. દેશના નાગરિકો તેમને ચાહતા અને આદર આપતા. તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા થયા. એક ટર્મ સેવા આપ્યા પછી તેઓ ઓફિસ છોડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તિરુવનંતપુરમના ચાન્સેલર અને અન્ના યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિલોંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઈન્દોરમાં વિઝિટીંગ પ્રોફેસર પણ બન્યા અને ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી શીખવતા હતા.
અબ્દુલ કલામ એક જાણીતા લેખક પણ હતા જેમણે ઇન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ (1998), વિંગ્સ ઓફ ફાયર : એન ઓટોબાયોગ્રાફી (1999), ઈગ્નાઈટેડ માઇન્ડ્સ : અનલીશિંગ ધ પાવર ઈન ઇન્ડિયા (1999), એ મેનિફેસ્ટો ફોર ચેન્જ : એ સિક્વલ ટુ ઇન્ડિયા 2020 (2014), ટ્રાન્સેન્ડન્સ : માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિઅન્સ વિથ પ્રમુખસ્વામી (2015) જેવાં પુસ્તકો લખ્યા છે જે તેમની બુદ્ધિપ્રતિભા અને વિજ્ઞાન-અધ્યાત્મના સુંદર સંયોજનવાળી માનસિકતાને છતાં કરે છે.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ વોન બ્રૌન એવોર્ડના પ્રાપ્તકર્તા પણ હતા. તેમના મૃત્યુ બાદ, તમિલનાડુ રાજ્ય સરકારે તેમના જન્મદિવસ 15 ઓક્ટોબરને “યુવા પુનરુજ્જીવન દિવસ” તરીકે ઘોષિત કર્યો.
અબ્દુલ કલામ અપરિણીત હતા. મોટાં ભાઈ-બહેનો સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ સરળ અને સાદા હતા. તેમની અંગત સંપત્તિ ન જેવી હતી. જીવનના અંતિમ દિવસ સુધી તેઓ સક્રિય રહ્યા. 27 જુલાઈ 2015ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ શિલોંગમાં પ્રવચન આપતાં કાર્ડિયાક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન રામેશ્વરમ્માં કરવામાં આવ્યા હતા.
ડૉ. કલામે ઉત્તમ વ્યાખ્યાનો આપ્યાં છે. તેઓ યુવાનોને કહેતા, ‘ભારતનો સમાજ વૈવિધ્યપૂર્ણ છે. આ વૈવિધ્યને આદરથી જોવું એ પહેલી વાત છે. ભારતના 3,000 વર્ષના ઇતિહાસમાં શકો-હૂણો અને સિકંદરથી માંડી ગ્રીક, તુર્ક, મોગલ, બ્રિટિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ બધાએ ભારત પર આક્રમણ કર્યું છે, વિનાશ વેર્યો છે અને લૂંટો ચલાવી છે, પણ ભારત જ્યારે સક્ષમ સ્થિતિમાં હતું ત્યારે પણ તેણે કોઈ પર આક્રમણ કર્યું નથી, કેમ કે ભારતની સંસ્કૃતિ અભિજાત અને સ્વતંત્રતાનો આદર કરનારી છે. આ સંસ્કૃતિની ગરિમા જાળવીને આપણે રાષ્ટ્રની તાકાત વધારવાની છે.’
વ્યાખ્યાનોમાં તેઓ કહેતા, ‘ભારત માટે મેં ત્રણ સ્વપ્ન જોયાં છે. મારું પહેલું સ્વપ્ન સ્વતંત્રતાનું છે. જે સ્વતંત્ર નથી તેનું કોઈ માનસન્માન નથી. બીજું સ્વપ્ન વિકાસનું છે. ભારત ત્રીજા વિશ્વનું રાષ્ટ્ર છે. આપણે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. અને ત્રીજું સ્વપ્ન વિશ્વમાં ભારતનું સ્થાન બનાવવાનું છે. આપણે વિરાટ માનવબળ ધરાવીએ છીએ, વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ, જી.ડી.પી. સંદર્ભે વિશ્વના પહેલા પાંચ રાષ્ટ્રોમાં છીએ. વિશ્વમાં આપણી ગણતરી થાય છે. પણ આપણો આત્મવિશ્વાસ અચૂડચૂ છે. તાકાત જ તાકાતને આદર આપે છે. મિલિટરીની જ નહીં, આર્થિક વિકાસની તાકાતની પણ એટલી જ જરૂર છે. એવું નથી કે ભારતે આર્થિક વિકાસ અંગે કશું સાબિત કર્યું નથી. ભારત દૂધ ઉત્પાદનમાં પહેલું છે, રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સમાં પહેલું છે અને ઘઉં-ચોખા ઉત્પાદનમાં બીજું છે – આવું ઘણું છે જે આપણે જાણવું જોઈએ, પણ આપણા અખબારો આતંક, યુદ્ધ અકસ્માતો અને ગુનાઓને વધારે મહત્ત્વ આપે છે અને પહેલે પાને એના સમાચાર છાપે છે. સારા સમાચાર અંદરના પાનાઓ પર હોય છે. આવું કેમ? આમાં પરિવર્તન લાવવાની જરૂર નથી? વળી પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. કમાવું છે? – ચાલો અમેરિકા. ત્યાંનું માળખું પડી ભાંગ્યું? – નાસો ઈંગ્લૅન્ડ. ત્યાં બેકારી વધી? – ભાગો ગલ્ફમાં. ત્યાં સલામતી નથી? – જાઓ ઑસ્ટ્રેલિયા. ત્યાં બૉમ્બ ફૂટ્યા? – તો ફરી પાછા ભારતમાં ને પછી સરકારને ભાંડો. આવું કરવાથી પોતે નીચા ઊતરીએ છીએ અને દેશને પોલો કરીએ છીએ. આજે દેશને જરૂર છે એવા યુવાનોની જે તેના પાયાને મજબૂત કરે ને તેના પર વિકાસની બુલંદ ઈમારત ખડી કરે.’
તેમની આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ‘યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.’
તેમનું સ્વપ્ન એ આપણા સૌનું સ્વપ્ન છે કે ગામ અને શહેર વચ્ચેની ભેદરેખા પાતળી હશે, ઊર્જા અને પાણીના સ્રોતો પર સૌનો સમાન અધિકાર હશે, ઉદ્યોગો અને સેવાક્ષેત્રો સંવાદિતાથી કામ કરતા હશે અને ગરીબી-શોષણ-નિરક્ષરતા નહીં હોય. પણ સ્વ્પ્નને સાકાર કરવા પહેલા જાગવું પડે છે ને પછી ઝૂઝવું પડે છે. ઝૂઝવાનો પણ એક આનંદ હોય છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑક્ટોબર 2023