સ્માર્ટ સિસ્ટમને નામે બધું જ ‘આઉટસોર્સ’ કરવામાં કેન્દ્ર સરકારના હાથમાંથી જ મામલો ‘આઉટ’ થઇ ગયો છે
NEET, JEE, NET, આ બધી જ પરીક્ષાઓ જાણે સફળતાના પગથિયાં ગણાય છે. આ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને હોંશિયાર ગણવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનાં પરિણામ કોઇની પણ કાબેલિયત પર લાયકાત અને બિનલાયકાતનો સિક્કો મારનારી સાબિત થાય છે. પણ છેલ્લા કેટલાક વખતથી લાખો જુવાન ભારતીયોની કારકિર્દીને બનાવનાર કે બગાડનારી આ પરીક્ષાઓ નીતિમય કટોકટી સાબિત થઇ રહી છે. NEETની પરીક્ષાના પેપર લીકનો વિવાદ શમવાનું નામ નથી લેતો, આ એક બીજો ગોધરાકાંડ સાબિત થઇને રહેશે એવું લાગી રહ્યુ છે. વિરોધો અને પિટિશન્સની વચ્ચે સરકારે એ જ કર્યું છે જે કાયમ થતું આવ્યું છે – એક નવી સમિતિ ખડી કરાશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, પરીક્ષાની કામગીરી અને સલામતીના ધારાધોરણો અંગે સુધારા સૂચવશે.
ભારતમાં કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓનું તંત્ર કેટલું રેઢિયાળ છે એ પ્રશ્નની ચર્ચા કરવાનો અર્થ નથી, કારણ કે એના આપણી પાસે પૂરતા પુરાવા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે 2017માં સ્થપાઇ અને ત્યારથી માંડીને આજ સુધી તેની વિશ્વસનીયતા દિવસે દિવસે જમીનમાં, પાતાળલોકમાં ધસતી જાય છે. કેન્દ્ર સરકારે અત્યારે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વડાને બરતરફ કરી દીધા છે પણ શું એમ કરવાથી આ પ્રશ્ન ઉકેલાઇ જાય છે? વિશ્વસનીયતાને ઠેકાણે પાડવી, ફરીથી પરીક્ષાઓ લેવી એ બધું તો ઠીક છે પણ શું એટલું કરવાથી મહિનાઓ સુધી પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપીને હાશ અનુભવીને પછી ફરીથી અધ્ધર જીવે આગળ શું થશેની ચિંતા કરનારા વિદ્યાર્થીઓની જે માનસિક હાલત થઇ હશે એ ઠીક થઇ જશે?
શિક્ષણ જગતમાં આગળ વધવા માટે યુ.જી.સી.ની NETની પરીક્ષા આપવી પડતી અને ફેબ્રુઆરીમાં સરકારે એન્ટિ પેપર લીક કાયદો પસાર કર્યો એ પછી સૌથી પહેલાં તો યુ.જી.સી. નેટની પરીક્ષા બંધ કરવામાં આવી. NETની પરીક્ષાઓમાં એવી તે શું ગરડબ હતી કે તે સદંતર રદ્દ કરી દેવાઇ અને પરીક્ષાઓ કેન્સલ કરવા પાછળનું કારણ શોધવા માટે CBIને કામ લગાડવામાં આવી. વળી અખબારના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં આ પરીક્ષાઓમાં પંદર જેટલા રાજ્યોમાં ગોટાળા અને પેપર લીકના મામલા ઝડપાયા હતા.
આટલું બહોળું અને પેચીદું તંત્ર ધરાવતા આપણા દેશમાં રાષ્ટ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓમાં ક્યાંક એક નાનકડો ગોટાળો થાય તો તેની અસર બહુ દૂર સુધી પડતી હોય છે. રાજકારણીઓ જે કાં તો બહુ ભણેલા નથી હોતા અથવા તો વિદેશમાં ભણેલા હોય છે તેમને સામ્રાજ્યવાદી માનસિકતાના આધારે બનેલી પરીક્ષા પ્રથાઓનું ભારતીયકરણ કેવી રીતે કરવું જોઇએ તેના કોઇ નક્કર રસ્તા નથી મળી રહ્યા. સરકાર પાસે એક ન્યાયી પરીક્ષા તંત્રની અપેક્ષા રાખી શકાય ખરી?
આ વિવાદોની વચ્ચે નવા શબ્દો ચર્ચાતા થયા છે – એક્ઝામ માફિયા અને કોચિંગ-ક્લાસ ઇન્ડસ્ટ્રી. કોટા ફેક્ટ્રી જેવી ઓ.ટી.ટી. સિરીઝ આ શહેરોની વાસ્તવિકતા પર બનેલી વાર્તાઓ છે તો કોટા, સિકર અને હૈદરાબાદ કોચિંગ હબ્ઝ બનેલાં શહેરો આવી વાર્તાઓનાં મૂળ છે. આ શહેરોમાં શિક્ષણને નામે ચાલી રહેલા ધંધા પર બહુ પહેલા જ લોકોને સવાલ થવા જોઇતા હતા પણ આત્મહત્યાઓ, હતાશ વિદ્યાર્થીઓ અને પાણીની જેમ વહેતા પૈસામાં એ પહેલાં ન થયું. ભારતમાં લેવાતી પ્રવેશ પરીક્ષાઓ એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ એવી કેવી છે કે કુમળાં છોકરાંઓનો જીવતે જીવ પણ જીવ કાઢી લે છે. અહીં છોકરાંઓ ભણવા સિવાય બીજું કંઇ જ ન કરે એ માટે બારીઓ ક્યારે ય ખૂલે નહીં એવી સજ્જડ બંધ કરી દેવાય છે, આત્મહત્યા ન કરી બેસે એટલે ઓરડામાંથી પંખા કાઢી લેવાય છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓને વિચારતા નથી કરતી પણ ગોખણપટ્ટી કરતાં કરે છે. વિદ્યાર્થીઓની આવડતનું સ્તર નાણી શકે એવી વૈચારિક પરીક્ષાઓ તૈયાર કરાવાનું કામ આપણા શિક્ષણ તંત્રએ કરવાની જરૂર છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગ્રેસ માર્કને મામલે પણ જે પ્રતિભાવ આપ્યો એ પાયા વગરનો અને તર્કહીન લાગ્યો. જે છોકરાંઓ કોર્ટ પહોંચ્યા તેમને જ ટાઇમ લોસને કારણે ગ્રેસ માર્ક મળ્યા, બાકી બધાં રહી ગયા. વળી નીટના કૌભાંડની તપાસ કરનારી સમિતિમાં કોને સભ્ય બનાવ્યા તો પ્રો. પ્રદીપ કુમાર જોશીને જે પોતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરપર્સન છે. આ તો પોતે કાપલી લઇને જે પેપર જાતે લખ્યું છે એની સામે સવાલ કરવાવાળો ઘાટ થયો.
2021માં JEE Mainમાં પણ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇને તે જે સિસ્ટમ પરથી પરીક્ષા આપી રહ્યાં હોય તેનું બહાર એક્સેસ અપાવીને કોઇ બીજું જવાબ આપે એ રીતે સારામાં સારા સ્કોર સાથે પરીક્ષા પાસ કરાવવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આવો જ ખેલ GMATની પરીક્ષામાં પણ તે જ વખતે કરાયો હતો. આ તો વળી આંતરરાષ્ટ્રીય ગુનો ગણાય કારણકે JEE મેઇન્સના સોફ્ટવેરને હૅક કરવા માટેનો કોડ એક રશિયને બનાવ્યો હતો. વળી આ કોડ વાપરીને નેવી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાઓ પણ હૅક કરાઇ હતી.
કમનસીબે ભારતમાં આ પરીક્ષા તંત્રની આ જ સચ્ચાઇ છે. જો રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં આ ધાંધિયા થતા હશે તો નાના સ્તરની પરીક્ષામાં તો કોઇ કશું જ બાકી નહીં રાખતું હોય. મેરિટ હોવા છતાં પેપર સેટર કે પેપર લીક કરનારા સુધી પહોંચી ન શકનારા, તેમને પૈસા ન ખવડાવી શકનારા, કોર્ટનાં બારણા ન ખખડાવી શકનારા કેટલા વિદ્યાર્થીઓને નકરી લાચારી અને નિરાશા સાંપડતી હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. પૈસા ખર્ચીને ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ પાસ કરીને કોન્સેટબલ કે ડૉક્ટર બની બેઠેલાઓ તંત્રની શી વલે કરતા હશે એવો વિચાર સુધ્ધા રૂંવાટા ખડા કરી દે તેવો છે.
પરીક્ષાના કેન્દ્રો, આઇ.ટી. કંપનીઝ, મધ્યમ સ્તરના કમ્પ્યુટર ઑપરેટર્સ આ કેન્દ્રીય પરીક્ષાઓ યોજવા માટે મશરૂમની માફક ફૂટી નીકળ્યાં છે. સાઇબર સિક્યોરિટીની કોઇ ગેરંટી નેશનલ ટેસ્ટિંગ એજન્સી આપી શકે તેમ નથી કારણ કે તંત્રનો વિસ્તાર બહુ મોટો છે. પેપર લીક થવા, કોઇને બદલે કોઇ બીજાએ પરીક્ષા આપવી, સિસ્ટમનો એક્સેસ મેળવીને પરીક્ષા ખંડથી દૂર ક્યાંકથી લખાતા જવાબો, લાખો રૂપિયા લઇને ઉત્તરવહી પર સીલ મરાય એ પહેલાં એમાં સાચા જવાબો લખી નાખનારા શિક્ષકો એ આ કેન્દ્રિય સ્તરે લેવાતી પરીક્ષાને પોકળ બનાવતા એવા પરિબળો છે જે બેફામ ફેલાયેલા છે અને તેની પર કાબૂ કરવાનું કોઇપણ તંત્ર આપણી પાસે હજી વિકસ્યું નથી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કર્તાહર્તા છે કોણ? શું એ કોઈ શૈક્ષણિક તંત્ર છે? ત્યાં થતા ગોટાળા વિશે સવાલ પૂછવો તો ય કોને પૂછવો? ભૂતકાળમાં શિક્ષણ ક્ષેત્રની બદીઓ દૂર કરવાની લડત ચલાવનારાઓને આ સવાલોને જવાબ RTI કરીને પણ નથી મળ્યો.
આપણે જાત-ભાતની પ્રવેશ પરીક્ષાઓ રોકવાની જરૂર છે. જેનું તેનું કેન્દ્રીયકરણ કરવાની હોંશ અટકાવવી જોઇએ. સ્વાસ્થ્ય અને શિક્ષણ બે બાબતો એવી છે કે તે અંગે જે-તે રાજ્ય પોતે તંત્ર ખડું કરી શકે પણ આ જ બન્ને ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારને પકડ યથાવત્ રાખવી છે. ભણવામાં ઠોઠ હોય પણ ગજવામાં પૈસા હોય તો એ વિદ્યાર્થી મેરિટ યોગ્ય થઇ જતા હોય ત્યારે આંતરિયાળ વિસ્તારોના પાંગળી સવલતો ધરાવતા વિદ્યાર્થીઓને આવડત અને લાયકાતની એરણ પર નાણવામાં તંત્રએ લાળા ન ચાવવા જોઇએ. સ્માર્ટ સિસ્ટમને નામે બધું જ ‘આઉટસોર્સ’ કરવામાં કેન્દ્ર સરકારના હાથમાંથી જ મામલો ‘આઉટ’ થઇ ગયો છે.
બાય ધી વેઃ
આપણા દેશમાં કેન્દ્ર સરકાર ચીનની ઘણી બાબતોને અનુસરવા માગે છે તો પછી કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાને મામલે પણ ચીનને અનુસરવાની એષણા રાખવી જોઇએ. ચીનનાં છોકરાંઓ સ્કૂલ પત્યા પછી યુનિવર્સિટી માટેની પ્રવેશ પરીક્ષા ‘ગાઉકાઉ’ આપે છે અને એ પરીક્ષા લેવા માટે શિક્ષકોને રીતસરની તાલીમ અપાય છે. પરીક્ષાના પેપર સેટ થાય ત્યારથી માંડીને પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી આ શિક્ષકોને એક ચોક્કસ સુરક્ષિત સ્થળે જ રાખવામાં આવે છે જેની પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે. મિલિટરી અને બેંક સ્તરેની સલામતીમાં જેની આખી પ્રક્રિયા થાય છે તેવી આ પરીક્ષામાં મજાલ છે કોઇ પેપર લીક જેવો મામલો ખડો થાય? પેપર લીક્સ અટકાવવો બહુ અનિવાર્ય છે. આપણે ત્યાં તો ‘વાડ જ ચીભડાં ગળે’ વાળો ઘાટ છે. જે પરીક્ષકોએ કડકાઇ રાખવાની જરૂર છે તે પોતે જિંદગીની અને નૈતિકતાની પરીક્ષામાં નાપાસ થાય છે. નેશનલ ટેસ્ટિંગ સમિતિના સભ્યો પોતે ખડું કરેલું તંત્ર કેટલું ખોખલું છે સાબિત કરવા મંડ્યા હોય એ સ્તરે ભ્રષ્ટાચાર કરવામાં સંડોવાય છે અને પછી તો ‘ઉપર સે ચલી આતી હૈ’ વાળા નિયમાનુસાર જ્યાં નાણાંની કોથળી ખૂલે ત્યાં બધા ભ્રષ્ટ ભાગીદારો ભેગા થઇ જાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક એવું તંત્ર હોવું જોઇએ જેમાં કોઇ છીંડા ન પાડી શકે. આપણા દેશમાં ભ્રષ્ટાચાર નૈતિક રીતે પેસી ગયેલો સડો છે. શું તેનું મૂળ આપણી ઉત્ક્રાંતિમાં હોઇ શકે? એવી સંસ્કૃતિ જ્યાં કુદરતની મહેર હતી અને જીવન જીવવા માટેના બધા સ્રોત આસાનીથી મળી રહેતા. શું આ કારણે આપણામાં ક્યાંક એદીપણું છે? કંઇક મેળવવા માટે લડી લેવા કરતા તે મેળવી લેવાનો ટૂંકો રસ્તો શોધી લેવાની આપણને આદત પડી ગઇ છે ખરી? વળી વસ્તી વધારો પણ તો સ્પર્ધાના ભાવને વધુ તેજ બનાવનારું પરિબળ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2024