એમ કહેવાય છે કે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉદાસીન છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સંઘના સ્વયંસેવકો જે ઉત્સાહથી ભા.જ.પ. માટે પ્રચાર કરતા હતા તે અત્યારે કરતા નથી. આમ કહેવાય છે એટલા માટે કે સંઘનો સંસાર અને વ્યવહાર કર્ણોપકર્ણ ચાલે છે. સંઘનો જિલ્લા પ્રચારક શાખાસંચાલકને કાનમાં જે કરવાનું હોય એ કહી જાય જે શાખાસંચાલક બીજા દિવસે ચુનંદા સ્વયંસેવકોને કાનમાં કહે. વોટ્સેપ પણ કરવાનો નહીં. આદેશ હંમેશાં મૌખિક જ અને એ પણ કાનમાં જ આપવાનો. આને કારણે તમે ખાતરીપૂર્વક કાંઈ જ ન કહી શકો એટલે એમ કહેવાય છે એમ કહેવું પડે. પણ જે કહેવાય છે એને માટે કારણો પણ છે, એટલે જે કહેવાય છે એ સમજી શકાય એમ છે. આવતા દશેરાના દિવસે સંઘ સોમાં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તેની સામે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે. એ કારણો તપાસીએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક “સંઘ” છે અને તેનું મુદ્રવાક્ય છે; “સંઘ શક્તિ કલૌયુગે.” મૂળ શ્લોકમાં કહેવાયું છે કે સતયુગમાં જ્ઞાનની શક્તિ પ્રભાવી હતી, ત્રેતાયુગમાં મંત્રશક્તિ પ્રભાવી હતી, દ્વાપરયુગમાં યુદ્ધશક્તિ પ્રભાવી હતી અને કલિયુગમાં સંઘશક્તિ પ્રભાવી હશે. અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે એટલે તેની બતાવવામાં આવેલી શક્તિ સંઘ છે અર્થાત્ સંગઠિત થવામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં “સંઘ” શબ્દ અમસ્તો નથી.
હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સંઘ હોય ત્યાં કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ ન હોય. સંઘ આમ કહેતો પણ આવ્યો છે અને તેને માટે ગર્વ પણ અનુભવતો આવ્યો છે. અમારે ત્યાં વ્યક્તિવાદ નથી તો પરિવાર તો બહુ દૂરની વાત છે એમ સંઘના નેતાઓ અને જનસંઘ/ભા.જ.પ.ના નેતાઓ પણ કહેતા આવ્યા છે. સંઘની રચના પીરામીડ જેવી છે જેમાં સૌથી નીચે શાખા છે અને સૌથી ઉપર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા છે. સંઘમાં સીધું લોકતંત્ર નથી, પણ તેનો એવો દાવો છે કે છેક નીચેથી ભાવના અને અભિપ્રાયો જુદા જુદા સ્તરના પ્રચારકો દ્વારા ઉપર તેમના પ્રતિનિધિ સુધી પહોંચતા હોય છે. ઉપર પ્રતિનિધિઓ જે નિર્ણય લે એ નીચે સુધી પહોંચતો હોય છે. નીચેથી ઉપર સુધીનો પ્રવાસ ભાવના અને અભિપ્રાયનો હોય છે અને ઉપરથી નીચેનો પ્રવાસ આદેશનો હોય છે. આને કહેવાય સંઘ. લોકતાંત્રિક સંગઠન અને સંઘમાં આ ફરક છે. સંઘમાં શિસ્ત હોય છે, પણ કોઈ સર્વોપરી નથી હોતું. સ્વયંસેવકોના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક નિર્ણય લેવાય છે, પછી તેનું સ્વરૂપ ભલે આદેશ જેવું લાગતું હોય. ટૂંકમાં સંઘમાં સામૂહિકતા છે અને માટે તે સંઘ છે.
સંઘની શાખા-પ્રશાખાઓ પણ છે. કેટલી છે? આભના તારાની માફક ગણી ગણાય નહીં એટલી. એ શાખા-પ્રશાખાઓ સ્વતંત્ર રીતે પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે છે. આ શાખા-પ્રશાખાઓમાં એક શાખા ભારતીય જનતા પક્ષ છે. ભારતીય જનતા પક્ષ પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે અને એવી રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પક્ષમાં દરેક સ્તરે ભા.જ.પ.નો સંગઠન મંત્રી હંમેશાં સંઘનો જ હોય. જ્યારે સંઘ પાસે તેના પોતાના રાજકીય નેતાઓ નહોતા અને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને બલરાજ મધોક સુધીના હિન્દુત્વવાદી પણ સંઘના ન હોય એવા અધ્યક્ષોને ઉછીના લાવવામાં આવતા હતા ત્યારે પક્ષ પર સાચો કબજો સંઘના સંગઠન મંત્રીઓ જ બનતા હતા. દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરસઃ સંગઠન મંત્રીઓ તરીકે પક્ષ પર કબજો ધરાવતા હતા. બહારના અધ્યક્ષો તો નામના હતા. સમય જતાં સંઘમાંથી નીકળેલા નેતાઓ રાજકીય રીતે પરિપક્વ બની ગયા, ચૂંટણીઓમાં ચૂંટાવા લાગ્યા, પક્ષના અધ્યક્ષ બનવા લાગ્યા અને તેમની પોતાની પ્રતિષ્ઠા પણ બનવા લાગી, પરંતુ પેલી સંગઠન મંત્રી સંઘનો જ હોય એવી પરિપાટી કાયમ રહી હતી. આમ તો એ બધા સંઘના જ હતા, પણ ભા.જ.પ.ના થયેલા હતા એટલે પિતૃસંઘના પ્રતિનિધિને સંગઠન મંત્રી બનાવવામાં આવતા હતા.
શા માટે? કારણ કે ભા.જ.પ. રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષને સત્તા સાથે સંબંધ છે અને સત્તાનો સ્વભાવ વધુને વધુ સત્તા મેળવવાનો અને બને ત્યાં સુધી સત્તા નહીં છોડવાનો હોય છે. આ સ્વભાવ છે અને સંઘનો સ્વયંસેવક પણ અંતે માણસ છે. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણીએ વડા પ્રધાન બનવા માટે અટલ બિહારી વાજપેયી કરતાં પણ સવાયા ઉદારમતવાદી બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પાકિસ્તાનમાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાની મઝાર પર જઇને ઝીણા સેક્યુલર હોવાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. મઝાર પર જવું અને ઝીણાને સેક્યુલર હોવાનું પ્રમાણપત્ર આપવું એ સંઘ માટે કુફ્ર પ્રવૃત્તિ હતી. આને માટે અડવાણીને દંડવામાં આવ્યા હતા અને તેમને ભા.જ.પ.ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અક્ષરસઃ રાજીનામું સંઘે માગી લીધું હતું. સત્તા મેનકાથી ઓછી લોભાવનારી નથી હોતી. ભલભલાનો સંયમ છૂટી જાય. માટે સંઘ ભા.જ.પ.ને (કે બીજા કોઈ પણ સંગઠનને) પોતાની ભ્રમણકક્ષામાંથી બહાર જવા દેતો નથી અને તે બહાર ન જાય એવી તેણે વ્યવસ્થા કરી છે.
હવે આમાં જો કોઈ સર્વોચ્ચ નેતા પેદા થાય અને તે સંઘની વ્યવસ્થાને તોડે તો શું થાય! માત્ર સંઘની વ્યવસ્થાની ઉપેક્ષા ન કરે, સંઘના નેતાઓની પણ ઉપેક્ષા કરે, સંઘને સૂર્યમાંથી ગ્રહ પણ નહીં, ઉપ-ગ્રહમાં ફેરવે તો શું થાય? નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંઘના દ્વિતીય હરોળના નેતાઓને એવી જગ્યાઓમાં ગોઠવી દીધા છે જ્યાં તેઓ વિશેષાધિકાર ભોગવતા થઈ ગયા છે. તેમને પ્રોટોકોલ મુજબ મફત વિમાન પ્રવાસ કરવા મળે, એરપોર્ટ પર લાઉન્જ વાપરવા મળે, લાલ દીવાની ગાડી મળે, સર્કીટ હાઉસમાં જગ્યા મળે, આવાગમન વખતે કોઈ તેમનું સ્વાગત કરે, ચાર-પાંચ સિક્યોરીટી ગાર્ડઝ હોય વગેરે વગેરે. એમાં રાજાપાઠનો એક અનોખો ગળચટો અનુભવ થતો હોય છે. સત્તાના ઝેરથી ભા.જ.પ.ના નેતાઓ ન અભડાય એ સારુ સંઘે ઝેરનું વારણ કરનારી એક વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે સાવ ઊંધુ થઈ રહ્યું છે. સંઘના દ્વિતીય હરોળના નેતાઓને સત્તાનો નશો કરાવવામાં આવી રહ્યો છે.
સંઘ સો વરસનો થઈ રહ્યો છે ત્યારે સંઘ સામે તેનાં પ્રતિષ્ઠિત (અને દુ:શ્મનો દ્વારા પણ સરાહનીય) ચરિત્રની સામે મોટું સંકટ પેદા થયું છે. આના વિષે ભલે ઊઘાડી ચર્ચા ન થતી હોય, પણ ચિંતાનો વિષય તો છે જ. સત્તા ઝેર છે અને સત્તાની રમતમાં પડેલા તેનાથી બચતા નથી એમ મહાભારતકાળથી કહેવામાં આવી રહ્યું છે એ ખોટું નથી. હજુ બે દાયકા પહેલાં સંઘે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાને, કે જેમણે આખી જિંદગી જનસંઘ/ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને એક મોટા પક્ષ તરીકે સ્થાપ્યો તેને હોદ્દા પરથી ઉતારી દીધા હતા. પણ અત્યારે? પૂછે છે કોણ? દસ વરસમાં માત્ર એક વાર નરેન્દ્ર મોદી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા છે. નરેન્દ્ર મોદી સંઘના એજન્ડાને ભલે લાગુ કરતા હોય, પણ નરેન્દ્ર મોદી સંઘના પ્રસિદ્ધ ચરિત્રથી વિમુખ થઈ રહ્યા છે અને એ રીતે સંઘને નુકસાન પહોંચાડી રહ્યા છે. સંઘ પરિવારમાં માત્ર એક જ સૂર્ય છે અને તેની ફરતે સંઘે પ્રદક્ષિણા કરવી પડે એ કેટલું વસમું પડતું હશે એની કલ્પના તમે કરી શકો છો.
માટે શક્ય છે કે સંઘ ઉદાસીન હોય અને કાનમાં કશીક વાત વહેતી થઈ પણ હોય.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2024