2024ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહેલું જનતા દળ (સેક્યુલર), પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના 33 વર્ષના પૌત્ર અને સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ કૌભાંડના ‘દલદલ’માં બરાબરનું ફસાયું છે. કહે છે ને કે કીચડમાં ના ઉતરો અને ખાલી નજીકમાંથી પસાર થાવ તો ય તેના છાંટા ઊડે. કંઇક એવું જ ભારતીય જનતા પાર્ટી સાથે કર્ણાટકમાં થઇ રહ્યું છે. લોકસભામાં કર્ણાટકની 28 બેઠકો માટે ભા.જ.પે. જનતા દળ સાથે ગઠબંધન કરેલું છે અને રેવન્નાના કીચડના છાંટા ભા.જ.પ.નાં લૂગડાં પર પણ ઉડ્યા છે.
પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણી, સેક્સના સેંકડો વીડિયો રેકોર્ડ કરવા, ધાક ધમકી આપવા અને કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે સેંકડો મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. મીડિયામાં ચાલતા સમાચારો અનુસાર આવા 3,000 વીડિયો છે. એક પેન ડ્રાઈવમાં આ બધા વીડિયો છે. કથિત રૂપે રેવન્નાએ જાતે તેને રેકોર્ડ કર્યા હતા.
કેટલાક લોકો રેવન્નાને માનસિક રીતે બીમાર ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને સેક્સ એડિક્ટ કહી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાને વિશ્વનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. એવું કહેવાય છે કે મોટા ભાગના વીડિયોમાં મહિલાઓ રેવન્નાનાને તેમને છોડી દેવાની વિનંતી કરી રહી છે. તે બૂમો પાડી રહી છે પણ તે તેના પર જબરદસ્તી કરી રહ્યો છે. એટલું જ નહીં, તે પોતે પણ ઘણી ક્લિપ્સમાં આ જાતીય શોષણનો વીડિયો બનાવતો જોવા મળે છે.
રેવન્ના હસન લોકસભા બેઠક પરથી ચૂંટાયેલો છે અને તેનું આ સેક્સ કૌભાંડ બહાર આવ્યું તે પહેલાં તે દેશ છોડીને જર્મની જતો રહ્યો છે. 26મી એપ્રિલે હસન સહિતની 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બાકીની 14 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે. 26મી તારીખે ચૂંટણીના એક દિવસ પહેલાં હસનમાં સેંકડો પેન ડ્રાઇવનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કર્ણાટકની કાઁગ્રેસ સરકારે તેના પોર્ન વીડિયો કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ(એસ.આઈ.ટી.)ની રચના કરી છે અને તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ્દ કરવા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો છે. રેવન્નાએ આ વીડિયો ‘બનાવટી’ હોવાનો દાવો કરીને સામી ફરિયાદ નોંધાવી છે.
કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વરે કહ્યું કે રેવન્નાએ આ કેસની તપાસ કરી રહેલી એસ.આઈ.ટી. સમક્ષ વહેલામાં વહેલી તકે હાજર થવું પડશે. જો તે હાજર ન થાય તો તેની ધરપકડ થઈ શકે છે. અગાઉ એસ.આઈ.ટી.એ તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે સાત દિવસ આપવાની તેની વિનંતીને નકારી કાઢી હતી.
નોટિસ જારી થયા બાદ પ્રજ્વલ રેવન્નાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું પૂછપરછમાં જોડાવા માટે બેંગલુરુમાં નથી, તેથી મેં મારા વકીલ દ્વારા CID બેંગલુરુને જાણ કરી છે. ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.”
પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીનો સભ્ય છે. તે કર્ણાટકના પૂર્વ પી.ડબ્લ્યુ.ડી. મંત્રી એચ.ડી. રેવન્નાનો પુત્ર અને પૂર્વ મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામીનો ભત્રીજો છે. એચ.ડી. રેવન્ના પૂર્વ વડા પ્રધાન અને જે.ડી.એસ.ના વડા એચ.ડી. દેવગૌડાના પુત્ર છે. પ્રજ્વલ રેવન્નાએ 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. ત્યારથી તેઓ રાજકારણમાં સક્રિય છે. નવેમ્બર 2019માં, જ રેવન્નાને જે.ડી.એસ.ના રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
આ વીડિયો ‘નવા’ નથી. નવું એટલું છે કે તે દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે જાહેર થયા છે. આવો એક વીડિયો 2023માં હસન શહેરમાં ફરતો થયો હતો. તે વખતે રેવન્નાએ બેંગલુરુ સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો, અને 86 મીડિયા હાઉસ તેમ જ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી.
તેણે કોર્ટ સમક્ષ આ મીડિયા ગૃહોને વીડિયો પ્રકાશિત કરવા, છાપવા અથવા પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ત્યારે તેણે વીડિયોને નકલી અને સંપાદિત ગણાવ્યા હતા. આ કેસમાં જે લોકોનાં નામ હતાં તેમાં રેવન્નાનો એક ડ્રાઈવર હતો, જેણે સાત વર્ષની સેવા પછી માર્ચ 2023માં નોકરી છોડી દીધી હતી.
આ ડ્રાઈવર રેવન્ના પરિવારના સભ્ય જેવો હતો. ડ્રાઇવર પાસે રેવન્નાના ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો હતાં. રેવન્ના અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થયા બાદ ડ્રાઇવરે તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 2023માં ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્નીનું રેવન્નાએ અપહરણ કર્યું છે. આરોપ હતો કે રેવન્નાએ 13 એકર જમીન માંગી હતી.
તે ઉપરાંત, એચ.ડી. રેવન્નાના ઘરે રસોઇયા તરીકે કામ કરતી 47 વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એચ.ડી. રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાએ તેનું જાતીય શોષણ કર્યું હતું.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ તેની પત્ની ભવાની ઘરે ન હોય ત્યારે રેવન્ના મને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. તેને મારા પર જાતીય હુમલો કર્યો હતો. તે અન્ય લોકોને કહેતો કે મારી દીકરીને લાવો જે તેને તેલથી માલિશ કરાવશે. રેવન્ના મારી દીકરીને વીડિયો કોલ કરીને તેની સાથે અશ્લીલ રીતે વાત કરતો હતો.”
જાન્યુઆરી 2024માં વકીલ અને સ્થાનિક ભા.જ.પ. નેતા જી દેવરાજે ગૌડાએ હસનમાં વીડિયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જી દેવરાજે એ જ વ્યક્તિ છે જેમની અરજીને કારણે રેવન્નાને કર્ણાટક હાઈકોર્ટમાં સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
30 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં ડ્રાઈવર કાર્તિકે કહ્યું હતું કે તેણે માત્ર ભા.જ.પ. નેતા જી દેવરાજે ગૌડાને વીડિયો આપ્યા હતા. તેણે કહ્યું કે આવું એટલા માટે કર્યું કારણ કે ગૌડાએ 2023ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રેવન્નાના પિતા એચ.ડી. રેવન્ના સામે હોલેનરસીપુરા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા.
કાર્તિકે વધુમાં કહ્યું હતું, “મેં ગૌડાને એમ કહેતા સાંભળ્યા કે મેં વીડિયો ધરાવતી પેનડ્રાઈવ કાઁગ્રેસના નેતાઓને આપી દીધી છે. એ જૂઠ છે. મેં તેમનો સંપર્ક કર્યો હતો કારણ કે તેઓ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભા.જ.પ.ના ઉમેદવાર હતા. અગાઉ કાઁગ્રેસ જે.ડી.એસ. સાથે ગઠબંધનમાં હતી તેથી જ હું ભા.જ.પ.ના નેતા પાસે ગયો હતો, પરંતુ તેમણે મારી સાથે છેતરપિંડી કરી હતી.”
આ કૌભાંડનો કાનૂની પક્ષ તેની જગ્યાએ છે, પરંતુ તત્કાળ તો રાજકીય ક્ષેત્રે તેનાથી ધરતીકંપ આવ્યો છે. કાઁગ્રેસે તો અને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે. કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમની જાહેરસભાઓમાં આને લઈને ભા.જ.પ.ના ‘ચાલ-ચારિત્ર્ય’ પર પ્રહારો કરે છે.
દેશમાં અન્ય રાજ્યોમાં આ કૌભાંડમાં મતદારોને કેટલો ‘રસ’ પડશે તે પ્રશ્ન છે, પરંતુ ભા.જ.પ. માટે કર્ણાટકનું મહત્ત્વ ઘણું છે, કારણ કે દક્ષિણમાં આ એક માત્ર રાજ્ય છે, જ્યાં 2019ની ચૂંટણીમાં 28માંથી 25 બેઠકો જીતીને પાર્ટીએ પોતાનું સ્થાન બનાવ્યું હતું. ભા.જ.પ. માટે કર્ણાટક ‘મિશન સાઉથ’નું પ્રવેશ દ્વાર છે, કારણ કે કર્ણાટક અને તેલંગણા સિવાય તે અન્ય રાજ્યોમાં પગ પેસારો કરી શકી નથી.
કાઁગ્રેસ માટે પણ કર્ણાટક મહત્ત્વનું છે કારણ કે હજુ ગયા વર્ષે જ વિધાનસભામાં 224માંથી 135 બેઠકો જીતીને પાર્ટીએ જરૂરી આત્મવિશ્વાસ મેળવ્યો છે. લોકસભા ચૂંટણીમાં પણ તે જો રાજ્યમાં સારો દેખાવ કરે છે તો તેના રાષ્ટ્રીય અસ્તિત્વ માટે તે એક બૂસ્ટર ડોઝ સાબિત થશે.
2023ની ચૂંટણીમાં જનતા દળ(એસ.)માં જબ્બર હાર થઇ હતી. હવે ભા.જ.પ.ના ગઠબંધનમાં પાર્ટી તેનું અસ્તિત્વ બચાવાનો દાવ રમી રહી છે. પાર્ટી ભા.જ.પ. સાથે મળીને ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમાંથી એક બેઠક હસનનું 26મી તરીકે મતદાન થયું છે. રેવન્ના આ બેઠકનો ઉમેદવાર છે. તેણે 2019માં આ બેઠક જીતી હતી. વાસ્તવમાં, 2019માં આ એક માત્ર બેઠક જનતા દળના નામે હતી. તે વખતે તેનું ગઠબંધન કાઁગ્રેસ સાથે હતું.
ભા.જ.પ. માટે આ કૌભાંડ કેટલું માથાનો દુઃખાવો છે તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બયાન પરથી સાફ છે. તેમણે પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભા.જ.પ.નું વલણ સ્પષ્ટ છે કે અમે દેશની ‘માતૃ શક્તિ’ સાથે, દેશની નારી શક્તિ સાથે ઊભા છીએ. મોદીજીની દેશ પ્રત્યે એટલા પ્રતિબદ્ધ છે કે ક્યાં ય પણ માતૃશક્તિનું અપમાન સહન ન કરી શકાય.
ઘણા લોકો આ વીડિયો ક્લિપ્સને ‘રાજકીય કૌભાંડ’ કહે છે, અને ઘણા પૂછી રહ્યા છે કે શું આ લોકસભા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનશે? જનતા દળ અને ભા.જ.પ. માટે ચોક્કસપણે આ એક રાજકીય તોફાન છે, પરંતુ એમાં સૌથી વધુ ઈજ્જત તો એ સ્ત્રીઓની ગઈ છે જે આ વીડિયોમાં દેખાય છે.
મણિપુર હોય કે પહેલવાન યુવતીઓ હોય, જ્યારે આ પ્રકારના ગુનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે. મહિલાઓ માત્ર ‘પાત્ર’ બનીને રહી જાય છે અને બધી ચર્ચા રેવન્ના જેવા શક્તિશાળી પુરુષોના રાજકીય ભવિષ્યની આસપાસ થવા લાગે છે.
રેવન્ના સામેના આક્ષેપો ગંભીર છે, જેમાં ઘણી મહિલાઓની સલામતી, ગોપનીયતા અને સન્માનના પ્રશ્નો સામેલ છે, પરંતુ આ મુદ્દો તેમને ન્યાય અપાવાને બદલે હવે જે.ડી.(એસ.)ના રાજકીય નુકસાનને ઓછું કરવાનો બની ગયો છે અને કર્ણાટકમાં શાસક કાઁગ્રેસ પણ પોતાને બચાવવા માટે રાજકીય છટકબારીઓ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી બાજુ એ સ્ત્રીઓની, તેમનાં નામ, ઓળખ અને ચહેરાઓની કોઈને ચિંતા નથી જે ઇન્ટરનેટ પર ખુલ્લેઆમ દેખાય છે. ભારતમાં જાતીય અત્યાચારથી પીડિતોની ઓળખ સામે કાનૂની પ્રતિબંધ છે અને તેમના નામ અથવા ઓળખની વિગતો કોઈ પણ મીડિયામાં પ્રકાશિત કરી શકાતી નથી. પરંતુ આ વીડિયોમાં જે સ્ત્રીઓની ક્લિપ્સ છે તે બેધડક સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સમાં ફરી રહી છે. આ સ્ત્રીઓને તેની સામે કોઈ રક્ષણ નથી.
આ પ્રકરણમાં ત્રણ અપરાધ થયા છે : એક, સ્ત્રીઓ સાથે રેવન્નાની જબરદસ્તી. બે, એ જબરદસ્તીનું ફિલ્માંકન, અને ત્રણ એ ક્લિપ્સનું શેરિંગ. રેવન્નાએ તેની હવસ માટે સ્ત્રીઓનો ગેરલાભ લીધો અને રેવન્નાને પાઠ ભણાવવા માટે અમુક લોકોએ તે ક્લિપ્સને સાર્વજનિક કરી દીધી હતી. અંતે તો એમાં સ્ત્રીઓને જ શોષવાનું આવ્યું છે.
જૂન 2023માં, જ્યારે આ જાતીય અત્યાચારની વાતો બહાર આવી હતી ત્યારે, રેવન્ના અદાલતમાંથી મીડિયા સામે પ્રતિબંધનો આદેશ લઇ આવ્યો હતો. વર્તમાનમાં પણ, લોકસભાની ચૂંટણી પતી જશે પછી કોઈને આ કૌભાંડમાં ‘રસ’ નહીં રહે અને રેવન્ના તેની રાજકીય તાકાતનો ઉપયોગ કરીને પોતાની ચામડી બચાવી લેશે, જયારે સ્ત્રીઓનું ચારિત્ર્ય હનન અને બેઈજ્જતી ચાલુ રહેશે.
લાસ્ટ લાઈન :
“રાજકારણમાં સન્માન જેવું કશું હોતું નથી.”
– બેન્જામિન ડિઝરાયલી
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ,”ગુજરાતી મિડ-ડે”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર