ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણી ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને તેમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી
છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પ્રચારમાં બીજા બધાં કરતાં સૌથી વધારે ચર્ચા થઇ હોય તો એ છે મૂકેશ અંબાણી અને ગૌતમ અદાણીનાં નામોની. વડા પ્રધાને તેલંગાણાની પ્રચાર રેલીમાં કોણ જાણે કયા મિજાજમાં બોલવાનું નક્કી કર્યું હશે? જે બે ઉદ્યોગપતિઓની સાથે હંમેશાં સારાસારી રાખવાની સાવચેતી રખાઇ છે, એમને કાઁગ્રેસ વિરોધી ભાષણમાં ઘસડી લાવ્યા અને કહ્યું કે, ‘ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસના શહેઝાદા(રાહુલ ગાંધી)એ અંબાણી અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે? શા માટે? હું કાઁગ્રેસના શહેઝાદાને પૂછવા માગું છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે? કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે? કાઁગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા છે?’ ભા.જ.પા. સરકાર, ખાસ કરીને મોદીના નેતૃત્વ હેઠળની સરકાર કેન્દ્રમાં આવી એ પછી આ બન્ને ઉદ્યોગપતિઓને કાયમ ટેકો મળ્યો હોવાના દાવા વિરોધપક્ષે એકથી વધુ વખત કર્યા છે – એ હદે કે એવી ટિપ્પણી સુદ્ધાં કરવામાં આવી છે કે મોદીએ તો આ બન્ને જણને દેશ વેચી માર્યો છે. આ વાતમાં કેટલો દમ છે એની વાત આગળ જતાં કરીએ, પણ ગયા અઠવાડિયે મોદી જે પણ બોલ્યા એ પછી રાહુલ ગાંધીએ પ્રતિભાવ આપ્યો. રાહુલ ગાંધીએ એમ કહી પાડ્યું કે આ બોલ્યા પછી તમે ગભરાઇ ગયા હશો કારણ કે પહેલીવાર તમે અદાણી-અંબાણી વિશે પહેલીવાર જાહેરમાં બોલ્યો. તમે એમ પણ કહ્યું કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે, શું આ તમારો અંગત અનુભવ છે? સી.બી.આઇ. અને EDને તેમની પાસે મોકલાવો અને તપાસ કરાવો, વગેરે.
હવે સૌથી પહેલાં તો નરેન્દ્ર મોદીના એ દાવાનું ખંડન કરવું પડે જેમાં તે બોલે છે કે ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસ અને રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે. હજી 24મી એપ્રિલે જ કાઁગ્રેસના મલ્લિકાર્જુન ખરગે બોલ્યા હતા કે આ દેશમાં બે ખરીદનારા છે અને બે વેચનારા છે. ખરીદનારા મોદી અને શાહ છે તો વેચનારા અદાણી અને અંબણી છે. વળી 12 એપ્રિલે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં જે એ પહેલાં પણ બોલી ચૂક્યા છે એ વાત મૂકી હતી કે નરેન્દ્ર મોદી અને અદાણી નીતિને કારણે બે ભારત બન્યા છે, એક ગરીબોનું ભારત અને બીજું કરોડપતિઓનું ભારત. ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ એવી ટિપ્પણીઓ કરી હતી કે મોદીના રાજમાં ધનિકો વધારે ધનિક બને છે વગેરે. હવે આ તો ચૂંટણી પ્રચારના પરફોર્મન્સ છે અને આ આરોપ-પ્રત્યારોપ તો પ્રચારમાં થવાના જ છે. અહીં વિચારવું એમ જોઇએ કે દેશના જ નહીં પણ એશિયાના બે મોટા બિલિયોનર્સને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ચૂંટણી પ્રચારમાં જે રીતે વારંવાર ખેંચી લવાય છે એ કેટલું યોગ્ય છે? અંબાણી કે અદાણી બેમાંથી એકેય આ અંગે પોતાના પ્રતિભાવ આપવા નવરા નથી અને આપવાના પણ નથી. મૂકેશ અંબાણીના સામ્રાજ્યની વાત કરીએ તો વાસ્તવિકતા એ છે કે કોઇપણ સરકાર આવે એમને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા આવડે છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ મૂકેશ અંબાણી પોતે તો દેશના ઉદ્યોગ જગતનું મોટું માથું હતા જ કારણ કે એ શરૂઆત તો છેક 70ના દાયકામાં ધીરુભાઇ અંબાણીના સમયથી થઇ ગઇ હતી. આ કહેવાનો અર્થ એમ નથી કે મૂકેશ અંબાણી, જેમના ઉદ્યોગનો વિસ્તાર બધે જ છે તેમને સરકારી સહકારની જરૂર ન હોય પણ જેટલો ફાંકો આ રાજકારણીઓ બતાડે છે, એટલી તો મૂકેશ અંબાણીને તેમના નામની હેડકી સુધ્ધાં નહીં આવતી હોય. સરકાર સહુલિયત કરી જ આપતી હોય છે જેથી કામ બરાબર થઇ શકે પણ છતાં પણ કોને કોની કેટલી ગરજ હોઇ શકે છે એ સમજવા માટે આપણે થોથાં ઉથલાવીને શાસ્ત્રી થવાની જરૂર નથી. ગૌતમ અદાણીનું કદ મોટું હતું પણ જે હદે તે છેલ્લાં દસ વર્ષમાં પોતાના ઉદ્યોગનો વિકાસ કરી શક્યા છે એટલું બધું પહેલાં નહોતું પણ એ તો કહેવું પડે કે ટેકો મળે તેનો પૂરા જોશથી ઉપયોગ કરીને પોતાનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને મજબૂત કરવામાં તો અદાણીએ પણ ભારે મહેનત કરી છે. વળી અંબાણી અને અદાણીની છાપ દેશભરમાં એક કરતાં વધુ ક્ષેત્રમાં છે. ટેલિકોમ, એનર્જી, રિટલ્ટી, એરપોર્ટ્સ, ડિજિટલ કનેક્ટિવિટી, કલ્ચરલ સંસ્થાન, મીડિયા – આ તો બસ તેમની પહોંચની બહુ નાની ઝલક છે બાકી અંબાણી અને અદાણીનો વિસ્તાર કેટલો છે એ જોવા બેસીશું ત્યાં સુધીમાં નવી સરકાર આવી જશે.
અંબાણી અને અદાણીના વિકાસની વાત થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અમેરિકાના જ્હોન ડી રોકફેલર સાથે સરખાવાય છે. 19મી સદીમાં રોકફેલર યુ.એસ.એ.ના સૌથી પહેલાં અબજોપતિ બન્યા અને એ ત્રણ દાયકામાં અમેરિકામાં માળખાંકીય સુવિધાઓથી માંડીને નવા કારખાનાઓ વગેરે સડસડાટ બન્યું અને સાથે ફ્રિક, એસ્ટર, કાર્નેગી અને વેન્ડરબિલ્ટ જેવા ઉદ્યોગપતિઓની પકડ મજબૂત બની. અત્યારે ભારત પણ કંઇક એવા જ તબક્કામાં છે અને વિકાસશીલ રાષ્ટ્રો જ્યારે ઝડપી વિકાસના તબક્કામાંથી પસાર થતા હોય ત્યારે ટોચના માણસો પાસે વધતું ધન, આર્થિક અસમાનતા સાથે રાજકાણીઓ – ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે પેદા થતો મૂડીવાદ સપાટી પર આવે જ છે અને ભારત અત્યારે એવા જ તબક્કામાં છે.
લોકોને મોદી સરકારની આ બે ઉદ્યોગકારો સાથેની સાંઠગાંઠ અંગે સવાલ થાય તે સ્વાભાવિક છે કારણ કે છેલ્લા દાયકામાં આ બન્નેનો વિકાસ રોકેટ વેગે થયો છે. અદાણી સામે તો શોર્ટ સેલ હિંન્ડબર્ગનો રિસર્ચનો રિપોર્ટ પણ આવ્યો હતો, પણ એમાં કોઇ નોંધપાત્ર કાર્યવાહી ન થઇ. વળી અદાણી જૂથ વિશે સવાલ કરનારા તૃણમૂલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સંસદની બહાર છે તો રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે અદાણી જૂથ વિશે તેમણે ટિપ્પણી કરી હોવાથી તેમને પણ થોડો સમય માટે સંસદની બહાર કરાયા અને તેમની પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો.
હવે મોદીએ ભાષણમાં જે કહ્યું એનું કારણ એ નથી કે એમને અદાણી-અંબાણી સાથે કંઇ વાંકું પડ્યું હશે. મૂળે ધાર્યા કરતાં મતદાન ધીમું, ઓછું થયું હોવાથી તેમણે પોતાના પ્રચારની રીતમાં ફેરફાર કર્યા. મતદાનના પહેલા તબક્કા પહેલાં આર્થિક વિકાસની વાતો થઇ અને હવે વિરોધીઓને મુસલમાન તરફી બતાડીને અને કાળું નાણું વાપરનારાનું લેબલ આપીને પ્રચાર કરવાની શરૂઆત કરાઇ. ભા.જ.પા.નું રાજકારણ ‘વાર્તા રે વાર્તા’ પર ઘડાયેલું છે ખાસ કરીને 2014 પછી. એક ‘નેરેટિવ’ ન ચાલે એટલે બીજું ‘નેરેટિવ’ આપવું પડશે, એવું આ સરકાર બહુ સારી પેઠે જાણે છે. રાહુલ ગાંધીના મતદારો ગુંચવાય એ માટે મોદીએ નવો રસ્તો લીધો અને લોકોને કંઇ બીજા રવાડે ચઢાવી દીધાં. આવું બધું કરવામાં આપણા વડા પ્રધાન આમેય માહેર છે.
બાય ધી વેઃ
એક જાણીતું વાક્ય છે કે જ્યારે તમે કોઇને તમારી વાત મનાવી ન શકો ત્યારે તેમને ગુંચવી નાખો (When you can’t convince them, confuse them). લોકો તથ્યો ભૂલે અને વાર્તામાં લપેટાઇ જાય એ પ્રમાણે પ્રચાર કરવામાં ભા..જપા. નિષ્ણાત છે. મોદીને સારી પેઠે ખબર છે કે અંબાણી અને હવે તો અદાણી પણ (આ બીજા મામલે સરકારની મહેર વધારે છે જ એ તો કહેવું જ પડે. 2014માં તો પ્રચાર માટે મોદીએ અદાણીના ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ પણ કર્યો હતો.) ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને એમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી. સત્તા પર મોદી હશે કે નહીં હોય પણ અંબાણી અને અદાણી તો પોતાના સામ્રાજ્યના શહેનશાહ રહેવાના જ છે. તેમની સફળતા મતદાન પર આધારિત નથી. વળી મોદીની ટિપ્પણી રાજકીય માહોલની ગરમા-ગરમીમાં કરાઇ છે, એવું બન્ને ઉદ્યોગપતિઓ પણ સારી પેઠે સમજતા જ હોય એટલે એ પણ આ દેકારાને ગંભીરતાથી લેવાના નથી. જો કે ભારતને મજબૂત બનાવવા માટે માત્ર બે ઉદ્યોગપતિઓથી નહીં ચાલે એ પણ એટલી જ સાચી વાત છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2024