અમિત જેઠવાની હત્યા
જ્યારે રાજપુરુષોના હૃદયમાં ‘ધર્મ’ વસતો મટી જાય છે ત્યારે કોઈ બંધારણ લોકશાહીને કે દેશને બચાવી શકતું નથી
ઇસુ પૂર્વે 800-500ના અરસામાં માંડુક્ય ઉપનિષદમાં કહેવાયું છે કે સત્યમેવ જયતે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક સાથે એક સૂત્ર રૂપે એ સોહે છે. આ કેસ (ગીર અભયારણ્ય પંથકમાં ગેરકાયદે ખનન સામે અવાજ ઉઠાવનાર આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ) ‘સત્યમેવ જયતે’ના સૂત્રથી બિલકુલ વિપરીત યાદી અને સાહેદી રૂપ છે … અને હત્યારાએ હાઇકોર્ટની સામે આવેલ સત્યમેવ સંકુલ પર જ આ હત્યા માટે પસંદગી ઉતારી એ પણ કંઈક હેરતઅંગેજ લાગતી સૂચક બીના છે.
પહેલી જ કાચી મિનિટથી તપાસ આખી દેખાતે છતે બંધ આંખની રીતે હાથ ધરાયેલી જાય એ માટે સઘળા પ્રયાસો થયા છે, અને આ હીન કૃત્યના કરવૈયાઓ એમાં સફળ રહ્યા છે.
હાઇકોર્ટે સી.બી.આઈ.માં ભરોસો મૂક્યો હતો. પણ સી.બી.આઈ.ની તપાસકારવાઈ ઢંગધડા વગરની નકરી વેઠઉતાર રહી છે.
અમે જોયું છે કે બધા જ તપાસ અફસરો શુદ્ધ ધોરણોના પાલનમાં નાકામિયાબ રહ્યા છે. વિદ્વાન પબ્લિક પ્રોસીક્યુટર પણ એમના કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગયા છે. જે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા એમની ઊલટતપાસ નકરી ઔપચારિકતા જેવી વરતાય છે. જેમાં પુષ્ટિમૂલ્ય હોય એવા પુરાવા સારું કોઈ પુરુષાર્થ થયો જણાતો નથી. સઘળા સાક્ષીઓને પોલીસ તરફથી સુરક્ષાની આસાએશ હતી, પણ એ બધા ફરી ગયા અને એમણે કેસને લગભગ ખાઈમાં પડવા દીધો.
કાવતરું સિદ્ધ કરવા માટે કેવળ એક જ પુરાવો, હત્યા જેવા ગંભીર ગુનામાં સજા ફરમાવવા સારુ પૂરતો લેખાતો નથી. ગુનો પાર પાડનાર બીજાઓની સંડોવણી કે ભૂમિકા પુરવાર ન થાય ત્યાં ‘સ્ટેન્ડએલોન એવિડન્સ’ ટકતો નથી.
સી.બી.આઈ. ઑફિસર મૂકેશ શર્મા જ્યાં કથિત કાવતરું ઘડાયું હતું તે જગ્યા, હરમદિયા ફાર્મ પર રૂબરૂ મુલાકાત લેવાનું જ ભૂલી ગયા તે ગળે ઊતરે એવી બાબત નથી. વળી આ ફાર્મ દિનુ સોલંકીનું છે કે કેમ તે માહિતી અંકે કરવા સારુયે એમણે તસદી લીધી નથી. આંખે ઊડીને બાઝે એવી વાત તો એ છે કે માર્યા ગયેલના મોબાઈલમાં કોલ રેકોર્ડઝ સુલભ હોવા છતાં કોઈ ડેટા કાલવ્યો નથી.
તપાસ અધિકારીઓએ ગોળ કાણામાં ચોરસ ખીલા બેસાડવાની કોશિશ કરી છે અને લગારે ટેકા વગરના દાવા આગળ કર્યા છે. સાફ જણાય છે કે, જાણીબૂઝીને છીંડાં ને છટકબારી રખાયાં છે જેથી કાવતરાખોરી નક્કી કરવા બાબતે ઊલટસૂલટ થઈ શકે.
અમે દોહરાવવા માંગીએ છીએ કે આરંભથી જ આ આખી તપાસ પૂર્વગ્રહદૂષિત ને કેવળ વેઠ ઉતારવા જેવી બની રહી છે.
જ્યાં સુધી ટ્રાયલ કોર્ટનો સવાલ છે, એમણે કાનૂની જોગવાઈઓ અને પ્રણાલિકાની તમા વગર પુરાવાની તપાસ કરી છે. ખરું જોતાં ટ્રાયલ કોર્ટની અનિવાર્ય ફરજ હતી કે પોતાના તરંગબુટ્ટા પ્રમાણે ચાલવાને બદલે કાયદાપોથી મુજબ ચાલે. પણ તેણે જે રાહ લીધો તેને પરિણામે આરોપીને થયેલી સજા રદ્દ કરવી પડી છે.
કાનૂનવિશારદ નાની પાલખીવાલાએ કહ્યું છે કે, આપણી લોકશાહી તેમ જ દેશની એકતા ને અખંડિતતા એવી એક પાયાની પ્રતીતિ પર જ ટકી શકે કે બંધારણીય કાનૂનિયત કરતાં બંધારણીય નૈતિકતા કમ જરૂરી નથી. ‘ધર્મ’ રાજપુરુષોના હૃદયમાં નિવસે છે. જ્યારે રાજપુરુષોના હૃદયમાં એ શ્વસતો મટી જાય ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો કે ન તો કોઈ સુધારો બચાવી શકે છે.
(અમિત જેઠવા હત્યા કેસમાં ભા.જ.પ. પૂર્વસાંસદ દિનુ સોલંકી સહિતના આરોપીઓને ‘નિર્દોષ’ છોડી મૂકતાં હાઇકોર્ટે જે કહ્યું એનો સાર, કશી ટીકાટિપ્પણી વિના)
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 મે 2024