17મી એપ્રિલ, 2024નાં અખબારમાં મૂળ રાજકોટની એવી એક મહિલા આસિસ્ટંટ પ્રોફેસરના સમાચાર છે કે તેણે પતિ પાસેથી 35,000નું ભરણપોષણ મેળવવા 32,000ના પગારવાળી નોકરી છોડી દીધી. તેની બીજી માંગ એ હતી કે પતિ જે બંગલામાં રહેતો હતો તેમાં અડધો ભાગ મળે. તેણે અગાઉ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ કરી હતી, પણ ફેમિલી કોર્ટે અને હાઇકોર્ટે તે કાઢી નાખી હતી. આ ઉપરાંત સાસરિયાં સામે મૂકેલા આક્ષેપો પણ કોર્ટમાં પુરવાર થયા ન હતા. પતિએ ફેમિલી કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેનાં કરતાં પત્નીનો પગાર વધારે હતો, પણ ભરણપોષણ મેળવવા તેણે ચાલુ નોકરી છોડી દીધી હતી. એ જ દિવસના એક સમાચાર એવા પણ છે કે એક મહિલાએ રાજકોટના યુવકને જૂનાગઢ બોલાવી હની ટ્રેપમાં ફસાવી, દુષ્કર્મની ધમકી આપી, 25 લાખનું લખાણ કરવી લીધું. થોડા મહિનાઓ પર જ બેંગલોરની એક સી.ઇ.ઓ.એ, પૂર્વ પતિ, તેના જ દીકરાને ન મળી શકે એટલે, ગોવા લઈ જઈને મારી નાખ્યાના સમાચારે ખાસી ચકચાર જગાવી હતી. આ ને આવા સમાચારોની નવાઈ હવે રહી નથી.
એક સમય એવો હતો કે દહેજ, શોષણ, ઘરેલુ હિંસાને મામલે સ્ત્રીઓને ઘણો અન્યાય થતો હતો એટલે સ્ત્રીઓ તરફે કાયદા વધુ કડક થયા ને આજે એ સ્થિતિ છે કે જે શોષણ કરતાં હતાં તેમનું જ શોષણ થાય એવા દિવસો આવ્યા છે. ઘરની વહુ દહેજ, માનસિક ત્રાસ જેવા મુદ્દે પતિને અને સાસરિયાંને સળિયા પાછળ ધકેલતી થઈ છે. એમાં સચ્ચાઈ હોય તો, તો ધૂળ નાખી, પણ હવે સાસરિયાં વિરુદ્ધ ખોટા કેસ પણ ઊભાં કરવામાં આવે છે. એક સમયે દુષ્કર્મની ધમકી પુરુષ આપતો, હવે સ્ત્રી દુષ્કર્મની ધમકી આપીને કોઇની પણ પાસેથી ધારેલું કામ કઢાવી શકે એવી સ્માર્ટ થઈ છે. ધારો કે, સ્માર્ટ ન થઈ હોય તો પણ, આજની સ્ત્રીઓ મોટે ભાગે શિક્ષિત અને યોગ્ય નિર્ણયો લેતી તો થઈ છે તે માનવું પડે એમ છે. જો કે, હકીકત એ પણ છે કે મીડિયા સ્ત્રીઓને તો પહેલાં જેવી જ અશિક્ષિત, મૂર્ખ કે ભોળી માનીને સલાહો આપ્યે રાખે છે.
પ્રિન્ટ મીડિયા શું સમજે છે, સ્ત્રીઓને તે તો એ જાણે, પણ સ્ત્રીઓને સતત જરૂર છે, એમ માનીને જાહેરાતોમાં, કોલમોમાં સલાહો, સૂચનો જ આપવામાં આવે છે. સ્ત્રીઓએ શું કરવું અને શું ન કરવું એ મીડિયા નક્કી કરે છે અને સ્ત્રીઓનાં હિતેચ્છુ તરીકે ખરી ખોટી સલાહો આપ્યા કરે છે. સાધારણ રીતે મીડિયા સાથે સંકળાતી આજની સ્ત્રીઓ જોવા, જાણવા, વાંચવા, સમજવા જેટલી સજ્જ હોય જ છે. એ જો આટલી સજ્જ હોય તો એટલું સમજતી હોય જ છે કે પોતાનું સારું, ખરાબ સમજી શકે. મોટે ભાગે તો એ ભણેલીગણેલી, આધુનિક પ્રવાહોથી પરિચિત હોય જ છે. એવી સ્ત્રીઓની પાસે મીડિયા જે કહે, કરાવે છે તે જાણીએ તો હસવું આવે. આમ પણ સ્ત્રીને કમ અક્કલ ગણવાનું પરાપૂર્વથી ચાલી આવે છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ કહી કહીને ઘણાંએ પાની ઘસી નાખી છે ને હકીકત એ છે કે સ્ત્રીઓએ દરેક ક્ષેત્રમાં પોતાને પુરવાર કરી છે, છતાં તેને કશી સમજ નહીં પડે કે તે કોઈ નિર્ણય નહીં લઈ શકે એમ માનીને મીડિયા કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની સલાહસૂચના અપાતી જ રહે છે.
એ ખરું કે કપડાં ને ઘરેણાં સ્ત્રીને આકર્ષે જ છે. તે તરફ તેનું સહજ આકર્ષણ હતું ને છે. એવી વાતો મીડિયાનાં ધ્યાનમાં હોય છે એટલે એને લગતી એટલી વિગતો પૂર્તિઓમાં ઠલવાય છે કે વાત ન પૂછો. એ ઉપરાંત રસોઈની રીતો ને વિગતો પણ ઘણો ભાગ પૂર્તિનો રોકે છે. એ સાથે જ લગ્ન, વિવાહ, છૂટાછેડા વિષે પણ ઘણાં સૂચનો ને ઉપદેશો અપાતાં જ રહે છે. શિયાળામાં શું પહેરવું, ઉનાળામાં તાપમાં ન નીકળવું, ચોમાસામાં કેવા રંગની છત્રી મેચ થશે જેવી વાતો એવી રીતે કહેવાય છે કે સ્ત્રીમાં તો જાણે અક્કલ જ નથી ને કોલમિસ્ટ નહીં કહે તો પોતે કૈં કરી શકે એમ જ નથી. એક કોલમિસ્ટે તો મેકઅપ કરતી વખતે કાનનો મેકઅપ રહી ન જાય એની ચિંતા પણ વ્યક્ત કરી છે. હવે જે ચહેરો રંગે છે તે કાન જુદો મૂકીને તો ન રંગેને ! ગરમીમાં ઠંડક આપતાં વસ્ત્રો પહેરો આવી સલાહ અપાય ત્યારે થાય કે કોઈ ગરમીમાં સગડી તો ન જ પહેરે. સ્ત્રીઓ પર એટલો ભરોસો મૂકી શકાય કે સિઝન પ્રમાણે શું પહેરવું ઓઢવું કે ખાવું પીવું જેવી બાબતો તે જાણે છે, એટલું જ નહીં, કુટુંબની પણ એ બાબતે તે કાળજી લઈ શકે એમ છે. સગપણ કરતી વખતે ઉતાવળ ન કરો કે લગ્નમાં કયો ડ્રેસ કે સાડી સુટેબલ રહેશે કે લગ્નની પ્રથમ રાત્રિએ પતિને કેવી રીતે પ્રસન્ન કરશો કે હનીમૂન પર કેમ જવું ને કયાં જવું ને શું કરવું કે ન કરવું જેવું એટલું બધું માથે મરાય છે કે શંકા પડે કે હનીમુન વખતે તો સલાહ આપનાર હાજર નહીં રહેને !
એ તો ઠીક પણ, આશ્ચર્યજનક રીતે સ્ત્રીઓનું અંગ પ્રદર્શન કેવી રીતે થઈ શકે કે તે સંદર્ભે શું પહેરવું, ન પહેરવું એની પ્રિન્ટ મીડિયા ટિપ્સ આપે છે. ઘણી વાર તો તે એટલું ચીપ હોય છે કે કોઈ પણ ઘરેલુ કે નોકરિયાત સ્ત્રી તેમ કરવાનું પસંદ ન કરે. વળી આવું કરવાની સલાહ, બીજાઓ માટે આકર્ષણનું કેન્દ્ર કેવી રીતે બની રહેવાય એ રીતે અપાય છે. જોનારની આંખો ચાર થઈ જાય એ માટે આવી ટિપ્સ અપાય છે. મીડિયા માટે તો સ્ત્રીઓને બીજા માટે સજાવવાનો હેતુ મુખ્ય હોય છે. એમાં સ્ત્રીની પોતાની કોઈ પસંદગી હોય કે કેમ એનો વિચાર ભાગ્યે જ થાય છે.
હવે જો કે, વેકેશન શરૂ થશે. વેકેશનમાં ઘણાં ફરવા જતાં હોય છે. કયાં જવું ને કેવી રીતે જવું તે નક્કી કરવા જેટલી સમજ સાધારણ રીતે કુટુંબોમાં હોય છે. કોઈ વિશેષ સ્થળની જાણકારી કોઈ આપે, તેનો તો શો વાંધો હોય, પણ પ્રવાસમાં સાથે શું લઈ જવું, ત્યાં શું ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, ક્યાં શું ને કેવી રીતે બુક કરાવવું-ની એવી યાદી અપાતી હોય છે કે ત્રાસી જવાય. એવું જાણીએ તો પ્રવાસનો આઇડિયા જ પડતો મૂકવો પડે. જેમ વેકેશનમાં લોકો બહાર જાય એમ જ ઘણાં ઘરમાં પણ રહે છે. ઘરમાં પણ આનંદથી રહેનારાં ઘણાં કુટુંબો છે. દર વેકેશનમાં બહાર દોડવું જ એવો કોઈ નિયમ નથી. ઘણીવાર એવું બન્યું છે કે વિદેશના બીચ જોઈ જોઈને ધાડ મારી હોય એમ આપણે પોરસાઈએ છીએ ને થોડે દૂર આવેલો દરિયો જોવાનું જ ચુકાઈ જાય છે. એ બીચ ઉત્તમ નહીં હોય, તો નબળો ય નહીં જ હોય, પણ આપણે ફેશન દાખલ બહારનું જ ઉત્તમ – એવી માનસિક્તાથી પીડાઈએ છીએ. નજીકની અવગણના ને દૂરની યાચના-માં આપણને આનંદ આવતો હોય છે.
એમ લાગે છે કે આપણે કોઈનાં પણ ઘરમાં ને કોઇની પણ જિંદગીમાં કેટલી દખલ દેવી જોઈએ એ અંગે વિચારવાનું ચૂકી રહ્યાં છીએ. આમ વાતો પ્રાઈવસીની કરીએ છીએ, પણ સલાહ આપવા કોઈના બેડ સુધી પહોંચી જવાનો આપણને સંકોચ થતો નથી. જે સમયે માણસને સલાહની જરૂર હતી ત્યારે કોઈ ન હતું ને હવે થોડી સમજ અને સજ્જતા વધી છે ને માહિતીનો મહાસાગર ટેરવે છે, ત્યારે સાવ પ્રાથમિક કક્ષાની સલાહ આપનારાઓ કેટલા ખપના તે પ્રશ્ન જ છે. લોકોની, ખાસ તો સ્ત્રીઓની સમજ પર ભરોસો મૂકી જ શકાય. વળી જે સલાહ કે ઉપાય સૂચવવામાં આવે તે બધાંને સરખા જ અસર કરે એમ માની લેવું પણ ભૂલ ભરેલું છે. બને કે દરેકનો ઇલાજ દરેક ન પણ કરી શકે. ખાસ કરીને સ્ત્રી-પુરુષના સંબંધો એવા તો જટિલ છે કે તેને જનરલાઇઝ કરવામાં ઘણા અનર્થ સર્જાઇ શકે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સલાહ આપનારમાં તો નથી જ, લેનારમાં પણ ધીરજ નથી. રેસિપી બીજાની હોય, પણ બનાવવાનું તો આપણે છે. બનાવવામાં થોડી પણ ગરબડ થાય તો જુદું જ પરિણામ આવે ને ત્યારે પેલી રેસિપીનો કેટલો મતલબ રહે તે સમજી શકાય એવું છે. એવું જ સલાહ આપનાર ને લેનાર વચ્ચે પણ ખરું. આમ તો વાંધો સલાહ આપનારનો પણ નથી. વાંધો સામેનાને ઓછા આંકવામાં-અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે, એનો છે ને એટલો જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 21 ઍપ્રિલ 2024