૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ફોજદારી અને દીવાની કેસોમાં મનાઈ હુકમ કે સ્થગિતી હુકમ(સ્ટે ઓર્ડર)ની સમયમર્યાદા છ મહિનાથી વધુ લાંબી ન હોવી જોઈએ. જો છ મહિના પછી ગળે ઊતરે એવાં કારણો આપીને સ્ટે લંબાવવામાં ન આવે, તો અદાલતો એની મેળે ખટલો ચલાવી શકે. કોઈ પક્ષકારે સ્ટે ઊઠાવવા ઉપલી અદાલતમાં જવાની જરૂર નથી.
આ ચુકાદા પછી રાહત અનુભવાઈ હતી, કે ચાલો, એક વાત તો સારી થઈ કે ન્યાયના માર્ગમાં અડચણો પેદા કરીને ન્યાયની પ્રક્રિયાને ટલ્લે ચડાવવાની રમત સામર્થ્ય ધરાવનારાઓ નહીં રમી શકે. પણ એ ચુકાફો સાવ નિર્દોષ પણ નહોતો. એની બીજી બાજુ પણ હતી. એવી પણ શક્યતા હતી કે સામર્થ્યવાન પોતાની તાકાતનો ઉપયોગ કરીને કોઈ નિર્દોષ નિર્બળને સતાવતો હોય અને એ નિર્દોષ નિર્બળ માણસને ઉપલી અદાલતમાં જઇને મનાઈ હુકમ દ્વારા એક લાંબા ગાળાની જે રાહત મળતી હોય એ રાહત સર્વોચ્ચ અદાલતના ઉક્ત ચુકાદા દ્વારા રોળાઈ ગઈ. આ સિવાય અદાલતોના કામકાજમાં સ્વતંત્રતા કે સ્વાયત્તતાનો પણ પ્રશ્ન હતો. જે ન્યાય તોળવા બેઠો હોય તેને કેસની ગુણવત્તા અને પ્રાથમિકતા નક્કી કરવાનો અધિકાર ખરો કે નહીં? નીચલી અદાલત ઉપલી અદાલતની ગુલામ નથી. ઉપલી અદાલતનું મુખ્ય કામ નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની અપીલ સાંભળવાનું છે, નીચલી અદાલતની કામકાજની પ્રક્રિયા અને પ્રાથમિકતા નક્કી કરવાની નથી. દરેક અદાલતોનું પોતાનું કાર્યક્ષેત્ર છે અને દરેકની પોતાની સ્વતંત્રતા છે.
સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો અને પાંચ જજોની બંધારણીય બેન્ચે તેના આગલા ચુકાદાને રદ્દ કરીને ગુરુવારે ચુકાદો આપ્યો કે નીચલી અદાલતો નીચલી જરૂર છે, પણ ગૌણ સ્થાન ધરાવતી ગુલામ નથી. કયા કેસને કેટલું વજન આપવું અને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવાનો અધિકાર તેનો છે. જજોના વિવેક કરવાના અધિકારને કુંઠિત ન કરી શકાય. માટે પ્રત્યેક સ્ટે એની મેળે નિરસ્ત થઈ જાય એવો સર્વોચ્ચ અદાલતનો આગળનો ચુકાદો ન્યાયસંગત નથી. સંબંધિત વડી અદાલતોના જજો પરના વિવેક પર સ્ટે કેટલો સમય આપવો અને લંબાવવો કે નહીં તેનો નિર્ણય છોડવો જોઈએ.
હવે એક રીતે જુઓ તો બન્ને ચુકાદાની કે ચુકાદાજન્ય જોગવાઈની પોતપોતાની ઉપયોગિતા છે. ઉપયોગ અને દુરુપયોગ બન્નેનો થાય છે. મનાઈ હુકમનો કોઈ સામર્થ્યવાન દુરુપયોગ પણ કરે છે અને મનાઈ હુકમ નિર્દોષ અને નિર્બળને રાહત પણ આપે છે. કોણ ક્યાં છે અને કોણ કાયદાનો તેમ જ ન્યાયતંત્રનો ઉપયોગ કે દુરુપયોગ કરી રહ્યું છે તેના પર નિર્ભર છે. જજ ઉપર પણ એ વાત નિર્ભર કરે છે.
આ જ આદરણીય સર્વોચ્ચ અદાલતે કોવીડના સંકટભર્યા દિવસોમાં સઘળાં કામ પડતાં મૂકીને અર્ણવ ગોસ્વામીની જામીન અરજી જે ત્વરાથી અને જે તત્પરતાથી સાંભળી હતી એ હજુ તાજી ઘટના છે. વળી એ કેસ સાંભળનારા બે જજોમાં એક જજ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ હતા. બેજવાબદાર અને ગામના ઉતાર જેવા પત્રકાર અર્ણવ ગોસ્વામીની જામીન અરજીને તાત્કાલિક એટલા માટે હાથ ધરવામાં આવી હતી કે વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ. પોલીસ તપાસના નામે કોઈને જેલમાં લાંબો સમય ગોંધીને ન રાખી શકાય. ત્યારે ચન્દ્રચૂડ સાહેબને એ વાતની યાદ ન આવી કે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪ પછી તેમનો વિરોધ કરનારા સેંકડો લોકોને જેલમાં નાખ્યા છે અને એક કે બીજે બહાને છોડવામાં આવતા નથી. એમાંના કોઈ સાબિત થયેલા ગુનેગાર નથી, આરોપી છે. તેમની જામીન અરજીઓ વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતોમાં પડી છે. તેમનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય યાદ નહીં આવ્યું? એકને જામીનની બાબતમાં પ્રાથમિકતા આપવામાં આવે અને બીજાની અરજી સાંભળવામાં પણ ન આવે. આ બધું બીજે ક્યાં ય નહીં, સર્વોચ્ચ અદાલતમાં બની રહ્યું છે.
પણ હા, આપણે જજોના વિવેકનો આદર કરવો જોઈએ અને જ્યાં વિવેકનો અભાવ જોવા મળે તો ઊહાપોહ પણ કરવો જોઈએ. આખરે ન્યાયવ્યવસ્થા પણ એક તંત્ર છે અને તંત્ર માણસ ચલાવે છે અને માણસ છેવટ માણસ હોય છે. આ સિવાય તંત્રની પણ મર્યાદા હોય છે. સ્ટે અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કોઈ આખરી ઉકેલ નથી. એનો પણ દુરુપયોગ થવાનો છે. માટે બે વરસમાં લોકોને ન્યાય મળે એવા ચુસ્તદૂરસ્ત ન્યાયતંત્રની દેશને જરૂર છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024