સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-૩
જે સંસ્થાઓ દ્વારા સત્તા અમલમાં આવે છે તેમના ચારિત્ર્ય વિશે શો મત ધરાવવામાં આવે છે તેને આધારે સત્તાનાં સ્વરૂપોનો અભ્યાસ થાય. રાજ્યશાસ્ત્રમાં સત્તાનાં ત્રણ મુખ્ય માળખાં સમજવામાં આવે છે : ઉદારમતવાદી સત્તા, માર્ક્સવાદી સત્તા અને મેકિયાવેલિયન સત્તા.
ઉદારમતવાદી સત્તા
આ પ્રકારની સત્તામાં રાજ્યના આર્થિક સિદ્ધાંત સાથે ઉદારમતવાદી સત્તા સુસંગત હોય છે અને તેની સાથે જ તે વિકસે છે. એમાં રાજ્યની સત્તા સખત સત્તા (hard power) હોય છે. જો કે, તેને સામાજિક કરારની શરતો દ્વારા અત્યંત મર્યાદિત કરવામાં આવે છે. એનો અર્થ એ છે કે રાજ્ય એટલી જ સત્તા ધરાવે છે કે જે સામાજિક કરારમાં એટલે કે દેશના બંધારણમાં લખેલી હોય છે. રાજ્યને અધિકારો પણ હોય છે અને ફરજો પણ. એ જ રીતે, નાગરિકો પણ અધિકારો ધરાવે છે અને તેમની ફરજો પણ હોય છે. જ્યાં સુધી રાજ્ય સામાજિક કરારને વળગી રહે છે ત્યાં સુધી તેની સત્તા કાયદેસર (legitimate) ગણાય છે.
એમાં ખૂબ અગત્યની વાત એ છે કે બજાર ઉપર રાજ્યની સત્તા પ્રવર્તતી ન હોય. બજારમાં જેઓ છે તેઓ પ્રામાણિક રહે તે જોવાનું જ કામ રાજ્યે પોતાની સત્તા દ્વારા કરવાનું છે. એટલે કે બજારમાં જેઓ છેતરપિંડી આચરે તેમને તેણે સજા કરવાની અને બજારમાં કોઈના ઇજારા ઊભા થવા દેવાના નહિ.
આ ઉદારમતવાદી વિચાર ધરાવનારા કેટલાક સમાજશાસ્ત્રીઓ પણ હતા. તેમાં એક હતા ફ્રેન્ચ વિદ્વાન મોન્ટેસ્ક્યુ (૧૬૮૯-૧૭૫૫) અને બીજા હતા એલેક્સી તોકવિલે (૧૮૦૫-૫૯). તેમણે સત્તા વિશ્લેષના સિદ્ધાંત (Theory of Separation of Power) પર ભાર મૂક્યો હતો. એટલે કે કાયદા ઘડવાની, તેમનો અમલ કરવાની અને ન્યાય તોળવાની સત્તા અલગ અલગ વ્યક્તિઓ પાસે હોય એ જરૂરી છે એમ તેઓ કહેતા હતા. વળી, તેઓ માનતા હતા કે તાનાશાહી સત્તા સામે રક્ષણ ઊભું થાય તે માટેની સંસ્થાઓ પણ સમાજમાં હોય.
કાર્યસૂચક સત્તા (agenda power) અને વર્ચસ્વલક્ષી સત્તા (hegemonic power) એ આ ઉદારમતવાદી સત્તાના માળખાનો ભાગ નથી કારણ કે રાજ્ય પાસે આવી નિયંત્રક સત્તા (coercive power) સિવાય કશી સત્તા ન હોવી જોઈએ એમ ઉદારમતવાદ માને છે.
માર્ક્સવાદી સત્તા
કાર્લ માર્ક્સના સિદ્ધાંતમાં વર્ગીય સત્તા ઇતિહાસ વિશેનું દૃષ્ટિબિંદુ વ્યક્ત કરે છે. તેમાં માત્ર મૂડીવાદી ઇતિહાસનો જ સમાવેશ થાય છે એવું નથી. સામાજિક સંગઠન હંમેશાં પ્રભાવક વર્ગ દ્વારા આકાર પામે છે અને તેમાં તેનો પોતાનો હેતુ હોય છે. તે હેતુ લશ્કરી ભવ્યતા ઊભી કરવાનો હોય કે પછી લૂંટ ચલાવવાનો પણ હોય. એ બે વચ્ચે મજબૂત સંબંધ છે અને બંને કામદાર વર્ગનું શોષણ કરવામાં એક સાથે જ હોય છે. અર્થતંત્રમાં ઉત્પાદનની પદ્ધતિ ગુલામીની હોય, દાસત્વની હોય કે વેતનની હોય; ગમે તે હોય, તે બંને સાથે જ હોય.
તેનો પાયો હંમેશાં ઉત્પાદનનાં સાધનોની માલિકી અમુક વર્ગની જ હોય એ રહ્યો છે. મૂડીવાદી સમાજમાં જેની પાસે મૂડીની માલિકી હોય છે એ વર્ગ પાસે જ સત્તા હોય છે. મોટે ભાગે એ સખત સત્તા(hard power) હોય છે. એટલે એનો અર્થ એ છે કે કામદારોએ કાં તો મૂડીપતિઓની સત્તા સ્વીકારવાની અથવા તો ભૂખે મરવાનું. પરંતુ વર્ચસ્વલક્ષી સત્તા આ સત્તાને પણ મજબૂત બનાવે છે.
ઉત્પાદનનાં સાધનો ઉપરના અંકુશમાં વિચારોના ઉત્પાદન પરના નિયંત્રણનો પણ સમાવેશ થાય છે. કાર્લ માર્ક્સ દ્વારા લખવામાં આવ્યું હતું કે : “કોઈ પણ યુગમાં શાસક વર્ગના વિચારો શાસક વિચારો હોય છે …….. શાસક વિચારો પ્રભાવક ભૌતિક સંબંધોની આદર્શ અભિવ્યક્તિ સિવાય બીજું કશું હોતા નથી. આ સંબંધો જ સમાજના એક વર્ગને શાસક વર્ગ બનાવે છે અને તેથી તેના જ વિચારો સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.” આવી વર્ગીય સત્તા પાયામાંથી જ ગેરકાયદે સત્તા હોય છે. તેથી એવી સત્તા નાબૂદ કરવા પહેલાં ક્રાંતિ કરીને એ સત્તા પચાવી પાડવાનું જરૂરી છે જે જેથી વર્ગો પણ નાબૂદ થઈ જાય એમ માર્ક્સવાદી સિદ્ધાંત કહે છે.
મેકિયાવેલિયન સત્તા
આ સિદ્ધાંત ભદ્ર વર્ગની સત્તા અંગેનો છે. ઇટાલિયન અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી એવા વિલ્ફ્રેડ પેરેટો (૧૮૪૮-૧૯૨૩) એમ કહે છે કે સત્તા પર અંકુશ મેળવવા માટેની સામાજિક લડાઈ એ સત્તામાં બેઠેલા ભદ્ર વર્ગ અને સત્તામાં બેસવા માગતા ભદ્ર વર્ગ, એમ બે ભદ્ર વર્ગ વચ્ચેની સત્તા માટેની લડાઈ હોય છે. તેમણે લખ્યું હતું કે, “મોટા ભાગની ક્રાંતિઓનું પરિણામ એ હોય છે કે અમુક રાજકારણીઓને બદલે તમુક રાજકારણીઓ સત્તા પર આવે છે.” સમાજવાદ એ ખોટી સભાનતાનું સ્વરૂપ છે, તે માનવતાવાદના વિજય તરફ લઈ જતો નથી; તે તો બંધનનું એક બીજું પાંજરું ઊભું કરે છે. પેરેટો કહે છે કે : “જો તમે ઘેટાંની વાત કરશો તો તમને કસાઈ જ મળશે.” ભદ્ર વર્ગની સત્તા કોઈ એક વર્ગની સત્તાની જેમ જ સખત સત્તા અને ભ્રમનું મિશ્રણ હોય છે.
સ્રોત: What is Wrong with Economics?
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર