
રાજ ગોસ્વામી
તાજેતરમાં, મૂકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન પૂર્વેની ઉજવણીમાં ભારતીય દર્શકોને પોપ સ્ટાર રિહાનાનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિહાનાની આ પહેલી ભારત યાત્રા હતી, અને આઠ વર્ષ પછી તેનો આ પહેલો સંગીત જલસો હતો. 2016 પછી તેણે સાર્વજનિક કાર્યક્રમ કરવાનું અને નવાં ગીત રિલીઝ કરવાનું બંધ કરી દીધું હતું. આટલા લાંબા વિરામ બાદ વાપસી કરવા માટે તેણે ભારતની કેમ પસંદગી કરી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો અનુસાર તેને આ શો માટે 60 કરોડ રૂપિયા મળ્યા હતા.
અંબાણી આટલી મોંધી પોપ સ્ટારને કેમ બોલાવે? અને ભારતમાં દર્શકો તેની પાછળ ગાંડા કેમ થઇ જાય? 36 વર્ષની રોબિન રિહાના ફેંટી કેરેબિયન દેશ બારબાડોસની ગાયક અને મોડેલ છે. તેને 2005માં તેનું પહેલું સ્ટુડીઓ આલ્લબ રિલીઝ કર્યું હતું અને તે પછી ચાર જ વર્ષની કારકિર્દીમાં 1 કરોડથી વધુ રેકોર્ડ્સ વેચવાનો અને 2 કરોડની વધુ ડિજિટલ ડાઉનલોડ કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. તેને વિશ્વની બેસ્ટ-સેલિંગ પોપ મહિલા કલાકાર અને ફિમેલ એન્ટરટેઈનર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે.
રિહાનાએ 15 વર્ષની ઉંમરે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી, અને 33 વર્ષની ઉંમરે તે અબજોપતિ બની ગઈ હતી. 2007ના આલ્બમ “ગુડ ગર્લ ગોન બેડ”થી તેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. ગરીબી અને પીડા માણસને તોડી નાખે છે અથવા તારી નાખી છે. રિહાના તેનું એક ઉદાહરણ છે.
પશ્ચિમના પોપ સ્ટારને આપણે અશ્લીલ મનોરંજન કરવા વાળા કહીને ખારીજ કરી નાખીએ તે વાત બરાબર છે, પરંતુ ગ્લેમર તેમના જીવનનો એક નાનકડો હિસ્સો છે. સ્ટેજ પર તેમની ચકાચોંધની પાછળ એક એવી દુનિયા હોય છે જે આપણને જીવનની અમુક સચ્ચાઈઓથી વાકેફ કરાવે છે.
બારબાડોસના બ્રિજટાઉનમાં જન્મેલી રિહાનાને બાળપણથી જ સંગીતનો શોખ હતો. રિહાનાનું બાળપણ તકલીફોમાંથી પસાર થયું હતું. તેના પિતા દારૂડિયા હતા અને દરરોજ તેની પત્નીને માર મારતા હતા. તે નાની હતી ત્યારે બાઈક ચલાવતી હતી, ઉઘાડા પગે ચારેબાજુ દોડતી હતી અને કબ્રસ્તાનમાં પતંગો ચગાવતી હતી, પણ ઘર એવું બિન્દાસ્ત નહોતું.
તેને યાદ કરીને રિહાનાએ એકવાર કહ્યું હતું, “શુક્રવાર ભયાનક હતા. પિતા દારૂ પીને આવતા. તે જે પણ કમાતા હતા એમાંથી અડધા પૈસા દારૂમાં જતા રહેતા હતા. એ દરવાજામાં દાખલ થાય અને અમારી આંખો તેમના પર જડાઈ જાય. તે મારી માતાને મારતા હતા. એ એટલું સામાન્ય થઇ ગયું હતું તેની નવાઈ જ નહોતી રહી. માતા ક્યારે ય સારવાર માટે ગઈ નહોતી … ઘરમાં થતી હિંસાની વાત બહાર કોઈને કહેવામાં આવતી નહોતી.”
પિતાના પ્રકોપનો ભોગ આમ તો માતા જ બનતી હતી, પણ એકવાર રિહાનાને બીચ પર દસ મિનિટ વધુ રહેવા બદલ સજા કરવામાં આવી હતી. “તેમણે મને બીચ પર જ જોરથી થપ્પડ મારી હતી,” રિહાનાએ તે યાદ કરીને કહ્યું હતું, “હું તેમના આંગળાનાં નિશાન લઈને ઘરે દોડી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે તેમણે મને મારી હતી. મારી માતાએ મારો ચહેરો જોયો અને તે આઘાત પામી ગઈ હતી. તમે કશું ખોટું કર્યું હોય અને તમને મારવામાં આવે તો સમજાય, પણ આ તો અનપેક્ષિત હતું.”
“મારા પિતા ડ્રગના બંધાણી હતા,” રિહાનાએ કહ્યું હતું, “હું એકવાર મારી માતા સાથે ચાલતી જતી હતી અને રસ્તાની ધાર પર એક માણસ પડેલો હતો. તે જોઇને મારી માતાએ મને કહ્યું હતું – તારો બાપ આવી જ રીતે એક દિવસ પડ્યો હશે.” પિતાએ પછીથી તેમનું વ્યસન છોડ્યું હતું પણ તે પહેલાં જ એમાં પરિવારના સંબંધો અને ખુશીઓની બલિ ચડી ગઈ હતી.
આ બધી સમસ્યાઓ હોવા છતાં, રિહાનાએ તેના પિતા પાસેથી ઘણી વ્યવસાયિક કુનેહ શીખી હતી. તેના પિતા જાહેરમાં કપડાં વેચતા હતા ત્યારે તે તેમની બાજુમાં ઊભી રહીને ધંધો કેમ થાય તે શીખતી હતી. પાછળથી રિહાનાએ તેની સ્કૂલમાં નાની-નાની ચીજ વસ્તુઓ અને મીઠાઈઓ વેચીને ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
2011માં, રિહાનાના પિતા રોનાલ્ડ ફેંટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી જેમ જ તે બજારમાં સડક પર કપડાં વેચતી હતી. તે દુકાન બહાર ખુમચો લગાવીને બીચ પર પહેરવા માટેની ટોપીઓ, બેલ્ટ અને સ્કાર્ફ વેચતી … તે મીઠાઈને પેક કરીને સ્કૂલમાં લઇ જતી અને દોસ્તોને વેચતી હતી.” એ વૃત્તિ જ તેને જીવનમાં આગળ લઇ ગઈ હતી.
સ્કૂલમાં પણ સુખ નહોતું. તેના પૂરા સ્કૂલ જીવન દરમિયાન રિહાનાને તેના રંગના કારણે સહન કરવાનું આવ્યું હતું. તે કહે છે, “હું કાળી હતી, પણ સ્કૂલમાં બધા મને ‘શ્વેત’ કહેતાં … બધાં મારી સામે જોતાં અને ગાળો આપતાં. મને સમજ પડતી નહોતી. હું ક્યારેક ઝઘડી પણ પડતી હતી. પછી હું મોટી થઇ તો મારી બ્રેસ્ટને લઈને ગમે તેમ બોલવામાં આવતું.”
સતત ધિક્કારનો એ અહેસાસ તેને ભવિષ્યના ચકાચોંધ વાળા પણ ક્રૂર જીવન માટે મજબૂત બનાવી રહ્યો હતો. રિહાનાએ બીજા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી આ જાડી ચામડી સ્કૂલમાં પહેલા દિવસથી જ બનવાની શરૂ થઇ હતી. હું લોકપ્રિય થયા પછી નઠ્ઠર નથી થઇ; હું જાડી ચામડીની ના હોત તો અહીં ટકી જ ના હોત.”
પિતાની હિંસા અને તેના પગલે ઘરમાં રોજના કંકાસની અસર રિહાના પર પણ પડી હતી. સ્કૂલમાં તે કોઈની સાથે ભળતી નહોતી. તે એકલી રહેવાનું જ પસંદ કરતી હતી. એક સામયિકે લખ્યું હતું, “તે દિવસોમાં તે વાતો ય કરતી નહોતી અને રડતી પણ નહોતી.”
તેની માતાએ મોનિકાએ કહ્યું હતું, “તે ભણવામાં પહેલેથી એકદમ હોંશિયાર હતી પણ સ્કૂલમાં તેને તકલીફ શરૂ થઇ હતી. તેને ભયાનક રીતે માથું દુઃખતું હતું. તેનો સીટી સ્કેન પણ કરાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે માથું દુ:ખવાનું ચાલુ થયું હતું અને 14 વર્ષ સુધી તે હેરાન થઇ હતી. ડોક્ટર પાસે જવાબ નહોતો. શરૂઆતમાં એવું લાગ્યું કે તેને માથામાં ગાંઠ છે, પણ ટેસ્ટમાં કશું ના આવ્યું.”
તેનાં પેરન્ટ્સ છૂટાં પડી ગયાં અને ઘરમાં મારામારી બંધ થઇ ગઈ તે પછી માથાનો દુઃખાવો બંધ થઇ ગયો. રિહાના પોતે એવું માને છે કે ભાવનાત્મક સ્ટ્રેસ અને ઘરેલું હિંસાના કારણે તેને પીડા થતી હતી. આ હિંસા ભવિષ્યમાં તેની ‘મુલાકાત’ લેવાની હતી. 2009માં એવા સમાચારો આવ્યા હતા કે રિહાનાના તત્કાલીન બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉને માર મારીને રિહાનાનું મોઢું સુજાવી દીધું હતું. તે વખતે મહિનાઓ સુધી તે ઘરમાં પુરાઈ રહી હતી. પાછળથી તેણે કહ્યું હતું, “હું મારા બાપ જેવા કોઈ છોકરાને નજીક ફરકવા નહીં દઉં.”
બાળપણમાં, ઘરમાં સુખ-શાંતિ અને સુવિધાનો અભાવ હોવા છતાં રિહાનાએ ગાવાનું છોડ્યું ન હતું. કદાચ ગાયન તેની પીડામાંથી મોક્ષ હતું. હાઈસ્કૂલમાં તેણે પોતાના બે મિત્રો સાથે એક સંગીત જૂથ બનાવ્યું હતું. તેમાંથી તેની ખ્યાતિ ન્યુયોર્ક પહોંચી હતી. ત્યાં સંગીત નિર્માતા ઇવાન રોજર્સને રિહાનાનો અવાજ એટલો ગમ્યો કે તેણે તરત જ રિહાનાને ગીતો રેકોર્ડ કરવાની ઓફર કરી. તે દિવસથી રિહાનાએ પાછું વાળીને જોયું નથી.
રિહાના સફળ થવા માંગતી હતી, ખૂબ પૈસા કમાવા માંગતી હતી, લોકપ્રિય થવા માંગતી હતી અને પોતાની શરતો પર જીવવા માંગતી હતી, જેથી તે તેના પીડાથી છુટકારો મેળવી શકે. લોકોના ધુત્ક્કારનો ભોગ બનેલી એક અશ્વેત રિહાના આજે પોપ સંગીતની દુનિયાની સુલતાન છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 10 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર