ભારતની પ્રાચીનકાળની શાસન વ્યવસ્થાથી વર્તમાન સંસદીય લોકશાહી સુધીની સફર
ભારત લોકશાહીની જનની છે કે નહીં એ એક ચર્ચાસ્પદ બાબત છે. કારણ કે, આઝાદી પછી આપણે જે ઉદારવાદી લોકશાહી અપનાવી છે તેનું મૂળ પશ્ચિમની લોકશાહીમાં છે. અને પશ્ચિમની આધુનિક લોકશાહીનું મૂળ ઈ.પૂ. છઠ્ઠી સદીના ગ્રીસ અને રોમની લોકશાહીમાં છે.
પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા
પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા મહદંશે રાજાશાહી હતી. ઉદાહરણ તરીકે, ઈ.પૂ. હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા મનાતા રામ અને કૃષ્ણ સાથે જોડાયેલી વાર્તાઓ અને ઘટનાઓ દર્શાવે છે કે તે સમયમાં રાજાશાહીનું પ્રચલન હતું. પરંતુ, કેટલાક ઇતિહાસકારો નોંધે છે તેમ, ત્યાર બાદ, ઈ. પૂ. ૬ઠ્ઠી સદીની આસપાસ ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં વિકસેલ કેટલાંક જનપદો શક્તિશાળી અને સ્વતંત્ર પ્રજાસત્તાકો હતાં. આ પ્રજાસત્તાકોનું શાસન માળખું વિકેન્દ્રિત હતું. જો કે, આ જનપદોમાં સત્તા થોડા શ્રીમંત ઉમરાવોના હાથમાં કેન્દ્રિત હોવા છતાં, એકંદરે એમ કહી શકાય કે ત્યાં સહભાગી શાસન અને જવાબદારી જેવાં લોકતાંત્રિક મૂલ્યોનો વિકાસ થયો હતો. આ પ્રજાસત્તાકોમાં અગત્યના નિર્ણય લેવાની સત્તા સભા અને સમિતિ જેવી સંસ્થાઓ પાસે હતી. આ જનપદોને આખરે ઈ.પૂ. ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્ય દ્વારા જીતી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ભારતમાં રાજાશાહીનું જ પ્રચલન રહ્યું. પ્રાચીન ભારતના માનવ ધર્મશાસ્ત્ર, મહાભારત, અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથોમાં પણ રાજાશાહીનો જ ઉલ્લેખ થયો છે.
રાજાશાહીનો યુગ
જનપદોના પરાભવ પછી ભારતમાં શક્તિશાળી સામ્રાજ્યો અને રાજાશાહીઓનો ઉદય થયેલો જોવા મળે છે. ઉત્તરમાં મૌર્ય અને ગુપ્ત તથા દક્ષિણમાં ચોલા, પંડ્યા, અને ચેરા જેવાં શક્તિશાળી સામ્રાજ્યોના ઉદય પછી શાસનપ્રણાલી વધુ કેન્દ્રિકૃત થઈ હતી. જો કે, આ સામ્રાજ્યોના પતન સાથે રાજ્યવ્યવસ્થા નાનાં રજવાડાંઓમાં વિભાજિત થઈ ગઈ હતી. અને સામંતોને વધુ સ્વાયત્તતા મળી હતી.
ત્યારબાદ, મધ્ય યુગમાં ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત અને મુગલ સામ્રાજ્ય જેવાં શક્તિશાળી સામ્રાજ્યોનો ઉદ્ભવ થયો હતો. મધ્યયુગીન ભારતમાં રાજાઓ અને તેમની પ્રજા વચ્ચેનો સંબંધ વિવિધ પ્રદેશો, રાજવંશો, અને સમયગાળામાં અલગ-અલગ હતો. તેમ છતાં, કેટલીક લાક્ષણિકતાઓ લગભગ સામાન્ય હતી. જેમ કે, રાજાઓને શાસન કરવાનો દૈવી અધિકાર હતો એમ માનવામાં આવતું. અને શાસકને શાસન લગભગ વંશપરંપરાથી વારસામાં મળતું. આ રાજાશાહીઓમાં નિરંકુશ શાસન વ્યવસ્થા હતી, જ્યાં રાજા અથવા રાણીના હાથમાં સંપૂર્ણ સત્તા હતી. પ્રજાને રૈયત (subjects) ગણવામાં આવતી. રૈયત માટે રાજા પ્રત્યે વફાદારી રાખીને રાજ્યની આજ્ઞાનું પાલન કરવું જરૂરી હતું. અને રાજાને તેની પ્રજાની સુખાકારી માટે જવાબદાર પિતા તરીકે જોવામાં આવતો હતો. આમ, રાજા અને પ્રજા વચ્ચેનો સંબંધ મા-બાપ અને બાળકો જેવો હતો. પરંતુ મહદંશે રૈયત સાથે કાં તો અમાનવીય વ્યવહાર થતો અથવા અબુધ બાળક જેવો. તેનું હિત શેમાં રહેલું છે તે રૈયતને પૂછવાનું જરૂરી માનવામાં આવતું નહીં. આવા રાજાઓ ઉપર શાસિત પ્રજાનું નિયંત્રણ ન હોવાથી ક્યારેક તેઓ બિનકાર્યક્ષમ અને મનસ્વી બની જતા. રૈયત રાજ્ય કરતાં રાજાને વધુ વફાદાર રહેતી. રાજાઓની આવક મોટા ભાગે કરવેરા અને બળજબરીથી કરાવાતી મજૂરી પર આધારિત હતી. જેનાથી રૈયતનું શોષણ થતું. કેટલાક રાજાઓ તેમની સત્તાનો દુરુપયોગ કરીને જોહુકમી કરતા, વધુ પડતા કર લાદતા, અને રૈયતને પોતાની મિલકત સમજીને પોતાના હિત માટે તેનો મન ફાવે તેમ ઉપયોગ કરતા. તેથી ક્યારેક લોકોમાં નારાજગી અને રોષ વધતો તથા પ્રતિકાર અને વિદ્રોહના કિસ્સાઓ બનતા. જો કે, રાજાશાહીમાં નિરંકુશ શાસન હોવા છતાં, કેટલાક શાસકો મંત્રીઓ અને સલાહકારોની મદદ લેતા અને પ્રજામાનસમાં શું ચાલી રહ્યું છે તેની દરકાર કરતા.
તદુપરાંત, ઊંચ-નીચના ખ્યાલ પર આધારિત કઠોર જ્ઞાતિ વ્યવસ્થા વ્યાપક હતી. જ્ઞાતિ અને વ્યવસાયના આધારે સમાજ વિવિધ સ્તરોમાં વિભાજિત હતો. અને દરેકની પોતાની સામાજિક સ્થિતિ અને જવાબદારીઓ નિશ્ચિત હતી. લોકો વચ્ચેની આંતરક્રિયા તેમની જ્ઞાતિને આધારે થતી. જ્ઞાતિ વ્યવસ્થાને કારણે દરેક વ્યક્તિનો દરજ્જો જન્મથી નક્કી થતો. જ્ઞાતિ આધારિત અસમાનતા કાયમી હોવાથી તકોની અસમાનતા પણ સ્થાયી હતી.
સ્થાનિક જ્ઞાતિ પંચાયતો કે ગ્રામ પંચાયતો ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા વિવાદો ઉકેલવા જેવાં કાર્યો કરતી. પંચાયતના સભ્યો મહદંશે વંશપરંપરાથી કે પરાપૂર્વથી ચાલતા આવતા રિવાજો મુજબ નિમાતા. તેમના દ્વારા લેવાતા નિર્ણયોમાં સ્થાનીય વસ્તીને વિશ્વાસમાં લેવાતી. પરંતુ, આવી પંચાયતોમાં મહદંશે જ્ઞાતિના કે ગામના મોભાદાર અને વડીલ પુરુષોનું જ વર્ચસ્વ રહેતું.
મધ્ય યુગના અંતે, ૧૬મી-૧૭મી સદીની આસપાસ, ભારતમાં ઘણાં રાજ્યો અને રજવાડાંઓ નબળાં પડ્યાં હતાં. અને તેમની વચ્ચે અંદરોઅંદરની હુંસાતુંશી કે લડાઈઓ વધી ગઈ હતી. તેથી ભારતના ઘણા પ્રદેશોમાં અરાજકતા અને અંધાધૂંધી પ્રવર્તમાન હતી. આ સંજોગોમાં બ્રિટનથી ધંધાર્થે આવેલ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના રાજકારણમાં પણ પગપેસારો કરવા માંડ્યો હતો.
બ્રિટિશ સંસ્થાનવાદનો યુગ
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭મી સદીના મધ્યમાં ભારતમાં તેનું શાસન સ્થાપિત કર્યું. અને બ્રિટિશરોના સંસ્થાનવાદના યુગની શરૂઆત થઈ. ભારતના રાજકારણમાં આ એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો. અંગ્રેજોએ ભારતીય ઉપખંડ પર વ્યવસ્થિત રીતે તેમના નિયંત્રણનો વિસ્તાર કર્યો. પરંતુ, કંપનીનું શાસન મૂળભૂત રીતે દમનકારી હતું. આર્થિક શોષણ તેનું મુખ્ય લક્ષણ હતું. અને તે ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે ખાસ સંવેદનશીલ નહોતું. તેથી તેનો પ્રતિકાર થયો. આ પ્રતિકારની પ્રથમ નોંધપાત્ર અભિવ્યક્તિ ઈ.સ. ૧૮૫૭નો બળવો હતો, જેને ભારતનું પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
ઈ.સ. ૧૮૫૭ પછી ભારત બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગયું. અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર તેનો ઘણો બધો ભૂ-ભાગ એક કેન્દ્રીકૃત શાસન હેઠળ આવ્યો. બ્રિટિશરોએ રેલવે, પોસ્ટ ઑફિસ, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થા, આધુનિક ઉદ્યોગો, આધુનિક શિક્ષણ સંસ્થાઓ વગેરેની સ્થાપના કરી. તેથી ભારતમાં એક એવા વર્ગનો ઉદય થયો જે પશ્ચિમની આધુનિક સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. જો કે, ભારતીય પ્રજાનું દમન અને શોષણ ચાલુ રહ્યું. તેથી સ્વ-શાસનની માંગ ઊભી થઈ અને સ્વતંત્રતા ચળવળને વેગ મળ્યો. ઈ.સ. ૧૮૮૫માં રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્વતંત્રતા માટેના આ સંઘર્ષમાં નિર્ણાયક ભૂમિકા ભજવી.
૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળ વધુ વ્યાપક બની. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ રાજકીય સંવાદનું મુખ્ય પ્લેટફોર્મ બની ગઈ. તેણે સ્વ-શાસન માટેની ભારતીય લોકોની આકાંક્ષાને અવાજ આપ્યો અને ભારતની સ્વતંત્રતા ચળવળની આગેવાની લીધી. લોકમાન્ય ટિળક, મહાદેવ ગોવિંદ રાનડે, દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નેતાઓએ ભારતના સ્વતંત્રતા-આંદોલનની આગેવાની લીધી હતી. આ તમામ નેતાઓ પશ્ચિમની ઉદારવાદી વિચારસરણી અને કેળવણીથી પ્રભાવિત થયા હતા. તેમણે પ્રજાના હક્કો અને માનવીય ગરિમા અંગે ભારતીય સમાજમાં જાગૃતિ આણી. તેથી બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની હિમાયતે જોર પકડ્યું. અહિંસક અસહકાર ચળવળ અને ભારત છોડો ચળવળ દ્વારા ભારતે આખરે ઈ.સ. ૧૯૪૭માં આઝાદી મેળવી હતી. લાંબા ચાલેલા આ સંઘર્ષે સ્વતંત્ર ભારતમાં લોકશાહી માટેની ઝંખનાનો પાયો નાખ્યો હતો.
સ્વતંત્રતા પછી લોકશાહી ભારતનો ઉદય
અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય સમાજમાં ભાષા, જ્ઞાતિ, અને ધર્મ પર આધારિત જટિલ સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા હતી. જીવનના દરેક ક્ષેત્રમાં ઊંચ-નીચના ખ્યાલો પ્રવર્તમાન હતા. તકોની અને મૂળભૂત માનવાધિકારોની વ્યાપક અસમાનતા હતી. સમાજ લગભગ સ્થગિત હતો, સામાજિક ગતિશીલતા લગભગ અસંભવ હતી. પ્રાચીન સામાજિક પરંપરાઓનું અને રિવાજોનું વર્ચસ્વ હતું. સમાજ મોટા ભાગે કૃષિપ્રધાન હતો. જેમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ, અને સામુદાયિક વફાદારીઓ તથા જવાબદારીઓ પર ભાર મૂકવામાં આવતો હતો. દરેક વ્યક્તિનો સામાજિક મોભો કે દરજ્જો જન્મથી જ નક્કી થતો. અને જીવનભર તેને બદલવાનો કોઈ અવકાશ નહોતો. બ્રિટિશ શાસન દરમ્યાન આમ જનતાની માનસિકતામાં કે સામાજિક પરિસ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો ન હતો. વળી બ્રિટિશ શાસને પોતાની સત્તા ટકાવી રાખવા જાતિ અને ધર્મ જેવા પ્રવર્તમાન વિભાજનને વધાર્યું હતું. જેના કારણે વ્યાપક ભેદભાવ અને સામાજિક અશાંતિ ફેલાઈ હતી. જો કે, બ્રિટિશ રાજમાં મ્યુનિસિપાલિટી જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને લેજીસ્લેટીવ કાઉન્સિલ જેવી લોકશાહી સંસ્થાઓ સ્થપાઈ હતી. અને લોકોની શાસનમાં મર્યાદિત ભાગીદારીની શરૂઆત થઈ હતી.
આઝાદી પછી ઈ.સ. ૧૯૫૦માં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે પણ ભારતની સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં બહુ મોટો બદલાવ આવ્યો નહોતો. આ પરિસ્થિતિમાં આઝાદ ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું તેનો ઉદ્દેશ્ય સમાનતાવાદી સમાજ માટે શાસકીય માળખું સ્થાપિત કરવાનો હતો. તથા ભારતના દરેક નાગરિકને મૂળભૂત અધિકારોની બાંયધરી આપીને આધુનિક લોકશાહી ભારતના નિર્માણનો માર્ગ મોકળો કરવાનો હતો. તે એક ક્રાંતિકારી પગલું હતું. કારણ કે, આઝાદી પછી અપનાવવામાં આવેલા બંધારણનો હેતુ ભારતીય સમાજના પાયાને ધરમૂળથી બદલવાનો હતો. તેનો ઉદ્દેશ્ય પરંપરાઓ ઉપર આધારિત જૂનવાણી ભારતીય સમાજને પ્રગતિ તરફ લઈ જવાનો હતો, જૂની સમૂહ આધારિત સમાજરચના તરફથી વ્યક્તિવાદી સમાજ ઊભો કરવાનો હતો, જન્મજાત દરજ્જાનાં બંધનો દૂર કરીને તેના સ્થાને વ્યક્તિગત યોગ્યતા અને સિદ્ધિ પર આધારિત વ્યવસ્થા ઊભી કરવાનો હતો, અને ભારતીય સમાજમાં ઊંડે સુધી જડાયેલી અસમાનતાઓને દૂર કરીને વધુ ન્યાયી અને સમાનતાવાદી સમાજ ઘડવાનો હતો. પરંપરાથી આધુનિકતા તરફની આ એક મોટી છલાંગ હતી, ભારતીય સમાજના નવનિર્માણનો આરંભ હતો.
કરોડો ભારતીયો માટે તે એક પ્રકાંડ પરિવર્તનની શરૂઆત હતી. તેમને માટે રૈયત મટી નાગરિક બનવાની એક સફર હતી. અંગ્રેજોના અને તે પહેલાંનાં શાસનોમાં તેઓને પોતાના જીવનને અસર કરતા નિર્ણયોમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નહોતો. પરંતુ, સ્વતંત્રતા પછી અપનાવેલા બંધારણ દ્વારા તેમને સ્વ-શાસનનો અધિકાર મળ્યો. તેમને પોતાના નેતાઓની પસંદગી કરવાનો હક્ક મળ્યો. તેમને પોતાના કાયદાઓ પોતે જ બનાવવાનો અને પોતાનાં સપનાંનું ભારત નિર્માણ કરવાની તક મળી. નિષ્ક્રિય રૈયતમાંથી સક્રિય નાગરિક બનવાનો આ એક મોકો હતો. એજન્સી અને સશક્તિકરણની આ નવી પહેલ લાખો લોકોના જીવનમાં એક મોટો વળાંક હતો.
ભારતીય બંધારણની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ
સ્વતંત્રતા પછી, ઈ.સ. ૧૯૫૦માં ભારતે લેખિત બંધારણ દ્વારા સરકારનું લોકશાહી-પ્રજાસત્તાક સ્વરૂપ અપનાવ્યું. આમ આઝાદી પછી ભારતનો એક આધુનિક લોકશાહી રાષ્ટ્ર તરીકે જન્મ થયો. ભારતનું બંધારણ સરકારની સંસદીય પ્રણાલીની, ચેક અને બેલેન્સની, અને સંઘીય માળખાની જોગવાઈ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે, જ્યારે વડા પ્રધાન સરકારના વડા છે. લોકસભા અને રાજ્યસભાની બનેલી સંસદ દેશની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતની બહુ-પક્ષીય રાજકીય વ્યવસ્થા દેશની વિશાળ વિવિધતાનું પ્રતિબિંબ છે. વિવિધ વિચારધારાઓ અને પ્રાદેશિક હિતોનું પ્રતિનિધિત્વ કરતા અસંખ્ય રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં સક્રિય ભાગ લે છે. આ બહુ-પક્ષીય પ્રણાલી લોકોની ઇચ્છાનું વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે અને સ્પર્ધાત્મક રાજકીય વાતાવરણને પ્રોત્સાહન આપે છે.
ભારતીય બંધારણની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
-
- મૂળભૂત અધિકારો : બંધારણ તમામ નાગરિકોને મૂળભૂત અધિકારોની બાંયધરી આપે છે. જેમાં સમાનતાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અને જીવનના અધિકારનો સમાવેશ થાય છે. આ અધિકારોનો હેતુ લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી બચાવવા અને સૌને શાસનમાં ભાગ લેવા માટે સશક્ત કરવાનો છે.
-
- સમાનતા અને સામાજિક ન્યાય : બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરી અને જાતિ, ધર્મ, લિંગ, અથવા જન્મસ્થળને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપી. દરેકને વિકાસની સમાન તકો મળી રહે તે વાસ્તે સમાનતાના અને સામાજિક ન્યાયના આદર્શોને અનુસરવાનું નક્કી કર્યું. આ માટે રાજ્ય દ્વારા આવશ્યક સેવાઓનું પ્રદાન કરવાની તથા વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી.
- બિનસાંપ્રદાયિકતા : ભારતની ધાર્મિક વિવિધતા જાળવી રાખવા તમામ નાગરિકોને ધર્મની સ્વતંત્રતાની બાંયધરી આપીને તમામ નાગરિકો માટે તેમની આસ્થાને અનુલક્ષીને સમાનતાની ભાવના ઊભી કરવામાં આવી. અનેક ધર્મો ધરાવતા વૈવિધ્યસભર રાષ્ટ્રમાં એકતા અને સહિષ્ણુતાને ઉત્તેજન આપવા માટે આ એક નિર્ણાયક પગલું હતું.
- લોકશાહી પ્રજાસત્તાક : બંધારણે સાર્વત્રિક મતાધિકાર અને સરકારની સંસદીય પ્રણાલી સાથે લોકશાહી પ્રજાસત્તાકની સ્થાપના કરી. આનાથી નાગરિકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અને તેમને જવાબદાર રાખવાનો અધિકાર મળ્યો. સમગ્ર ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર લોકોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાની સત્તા મળી.
- નિયમિત ચૂંટણીઓ : ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી નિયમિત ચૂંટણીઓ સત્તાના સરળ હસ્તાંતરણને સુનિશ્ચિત કરે છે, અને લોકો દ્વારા ચાલતી સરકારના લોકશાહી સિદ્ધાંતનું અનુમોદન કરે છે. દરેક ચૂંટણીમાં જોવા મળતો મતદાનનો ઊંચો આંક લોકશાહી પ્રક્રિયામાં ભારતીય જનતાની સક્રિય ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
- સંઘ વાદ : રાષ્ટ્રની વિવિધતાને ખ્યાલમાં રાખીને બંધારણે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન સાથે સંઘીય માળખું બનાવ્યું. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા જાળવીને રાજ્યો માટે સ્વાયત્તતા સુનિશ્ચિત કરવાનો હતો.
- ન્યાયિક સમીક્ષા : બંધારણે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીના નિર્ણયોની સમીક્ષા કરવાનો, અને તેઓ બંધારણનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનો અધિકાર આપ્યો છે.
ભારતીય બંધારણ સંસદીય પ્રણાલી, મૂળભૂત અધિકારો, અને ન્યાયિક સ્વતંત્રતા જેવા પશ્ચિમી વિચારોથી પ્રભાવિત છે. જેમાં બ્રિટિશ, અમેરિકન, અને અન્ય બંધારણીય પરંપરાઓની વિશેષતાઓ સામેલ કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં આ વિચારોને સ્વદેશી વિભાવનાઓ સાથે જોડવાનો એક અજોડ પ્રયત્ન પણ જોવા મળે છે.
આ બંધારણ ન્યાયી, સમાન, અને સમૃદ્ધ સમાજ તરફ ગતિ કરવા માટે એક શક્તિશાળી પથદર્શક તરીકે કામ કરે છે. અસંખ્ય પડકારો હોવા છતાં, ભારત તેનાં લોકશાહી મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખવામાં મહદંશે સફળ રહ્યું છે. જો કે, દેશ હજી પણ આ આદર્શોને સંપૂર્ણ રીતે સાકાર કરવામાં અનેક પડકારો સાથે ઝઝૂમી રહ્યો છે.
સમાપન
ભારતની આધુનિક લોકશાહી તરફની સફર તેની પ્રાચીન અને ભાતીગળ સંસ્કૃતિ તથા આધુનિક લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમાં પશ્ચિમના આધુનિક લોકશાહી સિદ્ધાંતો સાથે પ્રાચીન પરંપરાઓનું મિશ્રણ જોવા મળે છે.
જો કે, પ્રજાના હક્કો અને માનવીય ગરિમા અંગે બ્રિટિશ શાસન દરમ્યાન જે થોડીઘણી જાગૃતિ આવી હતી તે મુખ્યત્વે ભણેલા-ગણેલા ભદ્ર વર્ગ પૂરતી જ સીમિત હતી. પરિણામે આપણે જ્યારે આધુનિક લોકશાહી બંધારણ અપનાવ્યું ત્યારે અપૂરતા આધુનિકીકરણને કારણે તેનો વૈચારિક પાયો મજબૂત નહોતો. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થા અને ઊંચ-નીચના ખ્યાલો ઉપર આધારિત જ્ઞાતિકેન્દ્રિત સમાજ વ્યવસ્થા આધુનિક લોકશાહી માટે અનુકૂળ નહોતી. તેથી લોકશાહી મૂલ્યોને આપણે પૂરેપૂરાં પચાવી શક્યા નથી તેમ ક્યારેક લાગે છે. પ્રજામાનસમાં રૈયતની માનસિકતા અને શાસકોમાં રજવાડી માનસિકતા ક્યારેક ક્યારેક છતી થતી જોવા મળે છે.
પરંતુ, ભારતીય લોકશાહીની તાકાત તેની સતત અનુકૂલન અને વિકાસ કરવાની ક્ષમતામાં રહેલી છે. આધુનિક યુગમાં, ભારતની ગણના વિશ્વની એક મોટી અને પરિપક્વ લોકશાહી તરીકે થાય છે. ભારતીય લોકશાહી નિયમિત ચૂંટણીઓ, બહુ-પક્ષીય રાજકીય પ્રણાલી, અને સામાજિક ન્યાય તથા સમાનતા માટેની પ્રતિબદ્ધતા માટે વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. જો કે, તેની અપ્રતિમ સિદ્ધિઓ હોવા છતાં, ભારતીય લોકશાહી ભ્રષ્ટાચાર, ગરીબી, અને સામાજિક અસમાનતા જેવા અનેક પડકારોનો સામનો કરી રહી છે.
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
ઈમેલ: pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ, 2024; પૃ. 04-06