હમણાં એક ઓડિયો ક્લિપ આવી જેમાં ફિલ્મ ‘અનાડી’નું મુકેશે ગાયેલું ગીત ‘કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર …’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં સાંભળવાનું થયું. ટેકનોલોજીનો આટલો વિકાસ આશ્ચર્ય પમાડે એવો છે. કાલ ઊઠીને કોઈ વડા પ્રધાનનું ભાષણ મુકેશના અવાજમાં ઓડિયો ક્લિપમાં મોકલી આપે તો નવાઈ નહીં ! એમ લાગે છે કે આજની ટેકનોલોજી કશું અસલી રહેવા દેવા માંગતી. આખે આખા માણસો રિપ્લેસ થઈ જાય એમ બને. જીવતો અલોપ થઈ જાય અને ગુજરી ગયેલો સામે ધસી આવે એય શક્ય છે.
કાલ ઊઠીને શાસકો એવા જ માણસો રાખે જે મત આપે ને વિરોધ ન કરે તો આઘાત ન લાગવો જોઈએ. એવું થાય તો જગતમાં કોઈ એક જ પક્ષનું શાસન રહે અને આગળ જતાં ચૂંટણીનો ખર્ચ પણ બચે. એ તો થાય ત્યારે, પણ 2024માં ભારતમાં ચૂંટણી થવાની છે એ નક્કી છે ને એટલું તો છે કે પંજાબ-હરિયાણાના ખેડૂતો આજે તો વિરોધ કરી શકે છે. એ જુદી વાત છે કે વિપક્ષો દૂરથી તાપણું કરી લે. જો કે, કોઈ ગરીબને એવો સવાલ થાય છે કે વિરોધ પંજાબ કે હરિયાણાના ખેડૂતોને જ કેમ છે? બીજા રાજ્યોમાં ખેડૂતો નથી? કે એમને છે તેનાથી સંતોષ છે? કે એ વિપક્ષોથી ભોળવાતા નથી? દિલ્હી કૂચ રોકવાની કોશિશો વચ્ચે ખેડૂતો ઘાંટાઘાટ કે વાટાઘાટ કરી લે છે. એમ લાગે છે કે કોકડું, રોકડું થઈ જશે, મતલબ કે ઉકેલાઈ જશે.
આ સૌમાં ઉત્તર પ્રદેશનું રાજ્ય એકદમ સાવધ છે. આગ લાગે તે પહેલાં તેણે કૂવો ખોદી કાઢ્યો છે ને એવો ફતવો બહાર પાડ્યો છે કે કોઈ પણ સરકારી તંત્રો છ મહિના સુધી દેખાવો નહીં કરી શકે કે હડતાળ નહીં પાડી શકે. શું છે કે યુનિયનો આમ તો બહુ પ્રભાવક રહ્યાં નથી, પણ કોઈ ચૂં કે ચા ન કરી શકે એ માટે ઉત્તર પ્રદેશ સરકારે, હડતાળિયાઓની બોલતી બંધ કરી દીધી છે. થાય છે એવું કે ચૂંટણી ટાણે જ માંગણીઓ મનાવવા યુનિયનો રસ્તે ઊતરી પડતાં હોય છે ને ‘ઘરણ ટાણે જ સાપ’ કાઢતાં હોય છે. ચૂંટણી ટાણે સરકાર ઘણીવાર ઝૂકી પણ જતી હોય છે. એમ ઝૂકવું ન પડે એટલે ઉત્તર પ્રદેશ સરકારે ઘણાંની ઉત્તરક્રિયા કરી નાખી છે. એનું જોઈને અન્ય રાજ્યો ફતવા બહાર પાડે પણ ખરા. એ તો થાય ત્યારે, પણ ઉત્તર પ્રદેશ સરકારે એસ્મા એક્ટ – એસેન્શિયલ સર્વિસિસ મેનેજમેન્ટ એક્ટ લાગુ કરીને હડતાળ પર જનારની વોરંટ વગર ધરપકડ થઈ શકે એવો બંદોબસ્ત કરી લીધો છે. આવું દિલ્હી સરકારને સૂઝ્યું હોત તો ખેડૂતોએ આંદોલન સુધી જવું જ ન પડ્યું હોત ! વોટર કેનન, ટીયર ગેસ અને હવામાં ગોળીબારથી બચી શકાયું હોત તે નફામાં. ઉત્તર પ્રદેશની સરકાર જોઈએ તો લાગે કે સરકાર તો આવી જ હોવી જોઈએ. વિપક્ષો તો ઠીક, શાસકો પણ અવાજ ન કરી શકે એનું નામ શોકશાહી, નહીં, લોકશાહી ! તમે કહેશો કે આવું તે હોય? હોય નહીં, છે.
તમે પાછા પુરાવા વગર માનો એવા નથીને ! બીજે તો ખબર નહીં, પણ ગુજરાત સરકારમાં તો પક્ષની શિસ્ત એવી છે કે વિપક્ષને હોય એટલી છૂટ પણ શાસકપક્ષને નથી. વિરોધ કરવાની વાત તો ઘેર ગઈ, કોઈ ધારાસભ્યે પ્રજાની વાત સરકારને પહોંચાડવી હોય તો તે મૂકતાં પણ પરસેવો પડી જાય છે. એવે વખતે ખાનગીમાં વિપક્ષની મદદ લેવી પડે ને ભાઈબાપા કરીને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા પડે એવી હાલત છે. બન્યું એવું કે 16મી ફેબ્રુઆરીએ એક નવા ભા.જ.પ. ધારાસભ્યે સિનિયર કાઁગ્રેસી ધારાસભ્યને ગેલેરીમાં ધીમેથી કહ્યું કે હું તમને વિગતો આપીશ, જરા અમારા વતી ગૃહમાં વાત મૂકો તો અમારું પણ ભલું થાય. જોયું? પોતાની વાત મૂકવામાં પણ શાસકપક્ષના સભ્યોની હિંમત ચાલતી ન હોય તો ગુજરાતમાં લોકશાહી કેટલી જડબેસલાક છે તે કહેવાની જરૂર છે? એમ પણ બને કે એવું કશું હોય જ નહીં ને ભા.જ.પ.ના ધારાસભ્યો અમથા જ ગભરાયા કરતા હોય ! દેશની વિશ્વમાં આટલી ઊજળી છબી બની હોય ને આપણે …
આપણે સમજવું જોઈએ કે શિક્ષકોની કાયમી ભરતી કરવાની સ્થિતિમાં ગુજરાત સરકાર નથી, એવું થતું હોત તો સરકાર હાથ જોડીને બેસી રહે એવી નથી. કાળી પટ્ટી પહેરવાથી શિક્ષકોની કાયમી ભરતી થઈ જાય કે જૂની પેન્શન સ્કિમ શરૂ થઈ જાય તો સરકાર જાતે જ આખો કાળો તાકો ઓઢીને ન બેસે? તેને બદલે એણે તો ભવનમાં કાળાં વસ્ત્રો પહેરીને આવવાની જ મનાઈ ફરમાવી છે. શિક્ષકોએ સમજવું જોઈએ કે જગ્યાઓ તો ખાલી રહેવા માટે જ હોય છે. એમ તો કોલેજોમાં પણ આચાર્યની જગ્યાઓ ખાલી પડે જ છેને ! તે કૈં ભરવા માટે થોડી હોય છે ! એ તો કોઈ સિનિયર પ્રોફેસરને ચાવી સોંપી દો તો ઇન્ચાર્જ આચાર્ય ક્યાં નથી બનતા? સરકાર, રસ્તો ન હોય ત્યાંથી પણ રસ્તો કાઢે એવી સક્ષમ છે એટલે ચિંતા ન કરો.
જો કે, સરકારને ખાનગી સ્કૂલોના સંચાલકો હંફાવતા રહે છે. RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપતાં વડોદરાની ખાનગી સ્કૂલોનો હાથ પાછળ ખેંચાય છે. કારણ એની ફી તો ઓછી આવે, એને બદલે બીજાને એડમિશન આપે તો વધુ ફી આવે. એટલે જ RTE હેઠળ આવતા વિદ્યાર્થીઓની સૂગ સંચાલકોને ચડે છે ને એ RTEની વ્યવસ્થા જ સાવકી રાખે છે. આ કારણે કેટલાક વિદ્યાર્થી ત્યાંથી નીકળી પણ થઈ જાય છે ને એ જ ખાનગી સંચાલકોને જોઈતું હોય છે. આ બધું બાળકો સમજતાં નથી એવું નથી. તેઓ નાનેથી જ શીખે છે કે મેદાન વગરની ‘રમત’ કેવી રીતે રમવી? અવગુણો વગર જીવવું એટલે વગર મૂડીએ નફો રળવો એ પાઠ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓ જોઈને શીખે છે.
આમ તો શિક્ષકોની તંગી છે ને છે તે પણ નથી જેવા જ ! થયું એવું કે સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર શાળામાં શિક્ષકો તો હતા, પણ એમને એમ કે વિદ્યાર્થીઓ નથી એટલે શિક્ષકો લોક મારીને ઘરે જતા રહ્યા. એમાં 21 બાળકો રૂમમાં જ લોક થઈ ગયાં. બાળકોએ રડારોળ કરી મૂકી, તો અવાજ સાંભળીને આજુબાજુનાઓનું ધ્યાન ગયું ને શાળાનો ગેટ તોડીને બાળકોને બહાર કાઢ્યાં. આમાં ય તમે વાંક તો શિક્ષકોનો જ જોશો, પણ એ બરાબર નથી. બાળકો સ્કૂલે આવતાં જ ન હોય ત્યાં 21, 21 બાળકો આવે એ કોઈને ય ગળે ઊતરે? શિક્ષકોને તો એમ જ કે સ્કૂલ ખાલી છે, તો એ તો ઘરે જાય જને ! એટલું સારું કે તાળું મારીને ગયા, નહિતર તો એમને એમ પણ જઈ શક્યા હોત !
એમ તો સુરતમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે જ ! એમાં ઘણી ભાષાનાં પુસ્તકો વર્ષની શરૂઆતથી જ નથી હોતાં ને માંગવા છતાં, વર્ષને અંતે ય ન મળવાનો સિલસિલો ચાલુ જ છે. કમાલ તો એ છે કે વગર પુસ્તકે શિક્ષકો ભણાવે છે, બાળકો ભણે છે, પરીક્ષા આપે છે ને પાસ પણ થાય છે. આ ચમત્કાર નથી તો શું છે? કદાચ પુસ્તકો હોત તો નાપાસ થયાં હોત ! દર વર્ષે ઢગલો બાળકો વગર પુસ્તકે પાસ થાય છે તે એ બધાં ડફોળ છે? એ ખરું કે યોગ્ય અભ્યાસના અભાવે ચાર વર્ષ સુધી દર મહિને હજારની મળતી સ્કોલરશિપથી બાળકો વંચિત રહે છે, પણ એનું ય લૉજિક છે. સ્કૉલરશિપના પૈસા તો બચે છે ! ને તે વિનાશમાં, સોરી, વિકાસમાં વપરાય છે…
તાજેતરમાં તેલુગુ શાળા બંધ થઈ. થાય હવે. એની રોકકળ ના કરો. ગુજરાતી માધ્યમની પણ ઢગલો સ્કૂલો બંધ થઈ ને અંગ્રેજી માધ્યમની શરૂ પણ થઈ તો શું ખાટુંમોળું થઈ ગયું? મરાઠી, ઉર્દૂ, ઉડિયા, અંગ્રેજી, હિન્દી માધ્યમની સ્કૂલો ચાલે જ છેને ! એ કેમ નથી જોતાં કે ગુજરાતી માધ્યમનો શિક્ષક મરાઠી કે ઉર્દૂ ભાષા ભણાવી આવે છે ! શિક્ષકોની આવી ક્ષમતા તમને બીજે જોવા ન મળે. તેલુગુ બંધ થઈ, બાકી, ગુજરાતીવાળો તો એ પણ ભણાવી આવે. હવે ઊઠાં ભણાવવાનું જ બંધ થઈ ગયું, નહીં તો તમે તો ઊઠાં ભણાવો છો, એવું પણ કહેશો. સ્કૂલો બંધ થઈ તે જુઓ છો, તો ચાલે છે તે નહીં જોવાનું? સિંધી, તેલુગુ બંધ કરી તેમ બાકીની સ્કૂલોનું નહીં વિચારવાનું? છ, છ ભાષાનાં માધ્યમની સ્કૂલો ચાલુ કરી તે હવે છથી એક તરફ આવવાનું કે નહીં? શિક્ષણ સમિતિ છે, ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અધ્યક્ષ બદલ્યા જને ! ને સમિતિએ પણ રહેવું નહીં હોય, શું?
વેલ, શિક્ષકોની ઘટનું તો એવું છે કે દર વખતે શિક્ષણ મંત્રીશ્રી નામ બદલી બદલીને ભરતીની વરદી તો આપે જ છે. આજથી જ 3,000 પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત આપી છે. અલબત્ત ! તે ઓળખાશે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ! થોડા વખત પર જ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે, એવું પણ મંત્રી સાહેબે કહ્યું હતું. આવી જાહેરાતો તો ગાડી ઉપડે ને સ્ટેશન આવે એમ થતી જ રહે છે, પણ ઘટનો વટ ઘટતો નથી. આવી જાહેરાત મુજબ ભરતી થઈ હોત તો વગર નોકરીએ જ ઘણા ‘સર’પ્લસ થયા હોત ! સરકાર બિઝી એટલી હોય છે કે આ ભરતી-ઓટનો ખેલ તેણે ટર્મની શરૂઆતમાં નહીં, પણ વર્ષને અંતે કરવો પડે છે. શરૂઆતથી કર્યો હોત, તો એ ભરતીનો પગાર ને એવું બધું શરૂથી જ ચૂકવવું પડ્યું હોત. એનો પગાર બચાવીને સરકારે પ્રજાના પૈસા બચાવ્યા છે તે તમે સ્વીકારો છો? ના સ્વીકારો, તો ભલે, પણ અમને સાવ ભોટ ન માનો. ના, ના, અમે પરણ્યાં ના હોઈએ, પણ જાનમાં તો ગયાં હોઈએને ! કે એ ઇજારો પણ તમારો જ છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ફેબ્રુઆરી 2024