
રમેશ ઓઝા
સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડ્સ ગેરબંધારણીય છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પણ આદેશ આપ્યો છે કે કયા પક્ષને કેટલા રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ્સ મળ્યા છે, તેની સંપૂર્ણ વિગત બંધ કવરમાં અદાલતમાં રજૂ કરવામાં આવે. જે પાંચ ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો છે એમાં મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રનો સમાવેશ થાય છે. આજકાલ સર્વોચ્ચ અદાલત ક્યારેક ક્યારેક સાચવીને ચુકાદાઓ આપે છે એ જોતાં બહુ ભરોસો નહોતો કે સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ્સને રદ્દબાતલ કરશે. ઉદાહરણ તરીકે હજુ હમણાં જ આવેલો આર્ટીકલ ૩૭૦ અંગેનો ચુકાદો ટાંકી શકાય. ગમે તેમ. આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો આભાર માનવો જોઈએ. આ યોજના દેશના લોકતંત્રનું કાસળ કાઢવા માટેની હતી.
આ યોજના ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા લાવવામાં આવી હતી અને એ પણ પાછલે બારણેથી. ચૂંટણીને લગતા કોઈ પણ કાયદા કે જોગવાઈમાં ફેરફાર કરવો હોય તો લોકપ્રતિનિધિ ધારામાં સુધારો કરીને જ કરવો જોઈએ. આ દસ્તૂર છે અને આ રીતે જ ચૂંટણીકીય કાયદાઓમાં સુધારા થતા આવ્યા છે. પણ વર્તમાન શાસકો ધારાધોરણોમાં માનતા નથી. ગમે તે ભોગે તેઓ એકપક્ષીય શાસન દેશમાં લાવવા માગે છે. માટે ૨૦૧૮ની સાલમાં એ સમયના નાણાં પ્રધાન અરુણ જેટલીએ દેશના વાર્ષિક બજેટના ભાગરૂપે આ યોજના દાખલ કરી હતી કે જેથી સુધારાનો ખરડો લાવવો ન પડે અને વિરોધ પક્ષોના અવરોધનો તેમ જ સૂચનો કે સુધારાઓનો સામનો ન કરવો પડે. મની બીલની સાથે આ જોગવાઈ પણ પાસ થઈ જાય અને એવું જ બન્યું.
શું છે આ ઈલેક્ટોરલ બોન્ડ્સ?
સારરૂપે કહું તો વિરોધ પક્ષોનાં નાણાંકીય સ્રોતને સૂકવી નાખવા માટેની આ યોજના હતી. ચૂંટણીકીય લડત અસમાન થઈ જવી જોઈએ જેમાં લંગડો તાકાતવાન સામે ક્યારે ય જીતી જ ન શકે. પૈસા ક્યાંથી લાવે અને પૈસા આપે કોણ? મરવું છે કે ભૂખ્યાને કોઈ અન્ન આપે! તેઓ ધરાર ધરાયેલાને હજુ વધુ ધરવવાના.
તો ઈલેક્ટોરલ બોન્ડ્સની યોજના એવી હતી કે દેશનો કોઈ પણ નાગરિક એક હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીના ઈલેક્ટોરલ બોન્ડ્સ (એટલે કે એક હજારના, દસ હજારના, એક લાખના, દસ લાખના અને એક કરોડના) ગમે એટલા પ્રમાણમાં ખરીદી શકે છે. કોઈને સો અબજ રૂપિયાના બોન્ડ્સ ખરીદવા હોય તો તે ખરીદી શકે છે. કોની પાસેથી ખરીદી શકે? માત્ર અને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. બીજી કોઈ પણ બેંક નહીં. ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનારનું નામ અને બોન્ડ્સની રકમ જાહેર કરવામાં નથી આવતી, પણ સરકારને તેની માહિતી મળે છે કારણ કે બેંક સરકારની માલિકીની છે. સરકારને એ માહિતી પણ મળે છે કે કોણે કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા છે અને કયા પક્ષને આપ્યા છે, કારણ ઈલેક્ટોરલ બોન્ડ્સને સ્ટેટ બેંકમાં જ રોકડા કરાવવા પડે છે અને તેના પર યુનિક નંબર હોય છે. હવે કયો મૂર્ખ હોય જે વિરોધ પક્ષોને પૈસા આપે! વિરોધ પક્ષોની રાજ્યોમાં સરકાર હોય તો સોમાંથી દસ વીસ રૂપિયા આપે પણ મોટો દલ્લો તો તે શાસક પક્ષને જ આપવાનાં. ઈલેક્ટોરલ બોન્ડ્સ પાછળની આ રમત હતી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે કૂલ ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી ૫૭ ટકા બોન્ડ્સ એકલા ભારતીય જનતા પક્ષને ગયા છે અને બાકીના ૪૩ ટકામાં સોએક જેટલા પક્ષોનો સમાવેશ થાય છે.
ઈલેક્ટોરલ બોન્ડ્સની યોજના લાવવામાં આવી એ પહેલાં ૨૦૧૬ની સાલમાં ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરીને વિદેશી કંપની ભારતીય રાજકીય પક્ષોને નાણાંકીય સહાય કરી શકે છે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શરત એટલી કે તેનો ભારતીય કંપનીમાં બહુમતી શેર હોવો જોઈએ. દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓને ચૂંટણી જીતવા વિદેશી પૈસા પણ ચાલે. ૨૦૧૭માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે રાજકીય પક્ષો તેને મળેલા દાનની વિગતો આપવા બંધાયેલા નથી. ચૂંટણી પંચ કે બીજું કોઈ પણ રાજકીય પક્ષ તેને કેટલા પૈસા મળ્યા છે અને તેની પાસે કેટલા પૈસા છે એ પૂછી ન શકે. હવે કહો કે આમાં પ્રતિપક્ષ ટકે કેવી રીતે? આમાં લોકશાહી ટકે કેવી રીતે? પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદેહી આમાં ક્યાં આવી? દેશપ્રેમનો ચહેરો આવો જ હોય છે.
તમને કદાચ જાણ હશે કે રીઝર્વ બેન્કે ૨૦૧૭ની સાલમાં ચેતવણી આપી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ્સ દેશહિતમાં નહીં હોય. એના દ્વારા અજાણ્યા અને શંકાસ્પદ સ્રોતમાંથી ભારતમાં પૈસા આવશે પણ સરકારને તેની ચિંતા નહોતી. ગમે તે ભોગે ચૂંટણી જીતવી જોઈએ અને સત્તા હાથમાંથી ન જવી જોઈએ.
ઈલેક્ટોરલ બોન્ડ્સ લોકશાહીનું કાસળ કાઢવા માટે લાવવામાં આવ્યા હતા. લોકશાહીનું કલેવર જાળવી રાખવાનું, પણ પ્રાણ હરી લેવાના. સમયસર ચૂંટણીઓ યોજાતી રહે એટલે દેશ અને વિદેશમાં લોકોને લાગે કે ભારતમાં લોકશાહી છે. પણ સામે કોઈ પ્રતિસ્પર્ધી હોય નહીં અને જો હોય તો તે ટકી શકે નહીં. ભારતીય જનતા પક્ષ આજે વિશ્વનો સૌથી મોટો પક્ષ છે અને નાણાંકીય રીતે સૌથી સમૃદ્ધ પક્ષ છે. એટલે તો વિરોધ પક્ષોના નેતાઓને ખરીદી શકાય છે. બી.જે.પી.એ દસ વરસમાં જેટલી સરકારો તોડી એટલી સરકારો એક દાયકામાં ક્યારે ય કોઈએ તોડી નથી. કાઁગ્રેસને તો આ આમાં ઠોઠ નિશાળિયો કહેવો પડે. બી.જે.પી. ચૂંટણીમાં જેટલો ખર્ચો કરે છે એનો દસમાં ભાગનો ખર્ચ પણ બીજા પક્ષો નથી કરી શકતા. હમણાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના નેતાઓ પ્રચાર માટે પ્રવાસ ન કરી શકે એ સારુ દેશમાં જેટલાં હેલિકોપ્ટર ઉપલબ્ધ હતાં એ બધાં બી.જે.પી.એ આખા મહિના માટે ભાડે લઈ લીધાં હતાં. હેલિકોપ્ટર્સ વપરાયા વિના ઊભાં હતાં, પણ વિરોધ પક્ષોના નેતાઓને નહોતા મળ્યા.
સર્વોચ્ચ અદાલતે યોગ્ય જ કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ એ છાની પ્રવૃત્તિને હાથીની અંબાડી પર બેસાડવામાં આવે એવી ઘટના છે. પણ અહીં અદાલતના આદેશની એક મર્યાદા નોંધવી રહી. કયા પક્ષને કેટલા બોન્ડ્સ મળ્યા છે એની વિગતો બંધ પરબીડિયામાં શા માટે? બંધ પરબીડિયાની સંસ્કૃતિ ન્યાયતંત્રમાં દાખલ થઈ છે એ અયોગ્ય છે. અદાલત ખુલ્લી અદાલત હોવી જોઈએ એ ન્યાયતંત્રનો પહેલો સિદ્ધાંત છે. પ્રજાને જાણ થવી જોઈએ કે અદાલતમાં શું ચાલી રહ્યું છે? પ્રમાણો, પુરાવાઓ, જુબાનીઓ, રજૂઆતો એમ બધું જ ખુલ્લું હોવું જોઈએ સિવાય કે કોઈ સ્ત્રીના સ્વમાનનો પ્રશ્ન હોય કે દેશના સંરક્ષણ વિશેનો પ્રશ્ન હોય. આમાં તો આ બેમાંથી કોઈ ચીજ નથી તો પછી બંધ પરબીડિયું શા માટે? તમને જાણ નહીં હોય, પણ સર્વોચ્ચ અદાલતમાં લગભગ એક ડઝન પરબીડિયાં લોકો માટે બંધ છે. કોઈકે આ બંધ પરબીડિયાના નવા નવા શરૂ થયેલા રિવાજને પણ પડકારવો જોઈએ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ફેબ્રુઆરી 2024