
રોહિત શુક્લ
વિનોબાજી કહે છે, ગુત્સમદ નામના ઋષિએ કપાસ અને તેમાંથી નીકળતાં સૂતરમાંથી વસ્ત્રો બનાવવાનું શોધ્યું. અગ્નિ, ગોળ પૈડું, લોખંડ અને તેના વિવિધ ઉપયોગો, છાપખાનાં – બધાંને પરિણામે લોકજીવનમાં ક્રાંતિ સર્જાઈ. આ પ્રકારની ઘણી ક્રાંતિઓ ભૌતિક જગતમાં થતી રહી છે.
માનવસમાજ, માણસોના પારસ્પરિક વ્યવહાર, રાજ્ય, શાસન – વગેરેમાં પણ અનેક ક્રાંતિઓ થતી રહી છે. ૧૭૮૯ની ફ્રેંચ ક્રાંતિ, ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિ, ૧૯૪૯ની ચીનની ક્રાંતિ, ૧૯૯૧ વળી રશિયન સંઘના વિઘટનની ક્રાંતિ, ૨૦૦૧ની ટ્યુનિશિયાથી શરૂ થયેલી ‘આરબ (સ્પ્રિંગ) વસંત’ વગેરેની સાથે ભારતની ૧૯૪૨ની ‘ભારત છોડો’ની ક્રાંતિ પણ નાનીસૂની નથી.
સવાલ એ છે કે કોઈ પણ સમાજ પોતાના ઇતિહાસને સતત વળગેલો રહી શકતો નથી. ૧૯૦૫ પહેલાં ‘સતી પ્રથા’માં હિંદુઓને કશું પણ અજુગતું લાગતું નહીં હોય ? કરસનદાસ મૂળજીને મહારાજોની પાપલીલા જણાઈ પણ વર્ષોથી ચાલતા આવતા વ્યવહારમાં અન્યોને કશું વાંધાજનક પણ ન લાગ્યું ? ધર્મ અને શાસન કે સત્તાના નામે ઊભી કરાતી ઘણી રચનાઓને ‘સંસ્કૃતિ’ પણ ગણી / ગણાવી લેવાના ઉદ્યમ થતા રહે છે.
પણ ઇતિહાસ કોઈને છોડતો નથી; તેને બદલવા મથનારા પણ તેનાથી બચી શકતા નથી. આ ઇતિહાસની નિર્મમતાથી બચવા વાસ્તે અનેક વાર તેને ધર્મના આવરણ હેઠળ ઢાંકી રાખવાના ઉદ્યમો પણ થાય છે. ધર્મના આયામો અનેક છે. તેમાં શ્રદ્ધાપૂર્વકનું પાલન અગ્રસ્થાને છે અને બુદ્ધિપૂર્વકની ચર્ચા ઉપાડવાનો વિચાર પણ અવાંછનીય છે. કર્મકાંડ, કર્મનો સિદ્ધાંત, ઈશ્વરેચ્છા, વગેરે પ્રકારના આયામો માનવસમૂહોને નિષ્ક્રિય કરી રાખવા માટે ઉપયોગી છે. જન્મ-પુનર્જન્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વગેરે વિશેની ચર્ચા કે ટીકા કરવા વાસ્તે દેશનો ભણેલાઓનો સમૂહ પણ ભાગ્યે જ તૈયાર થાય !
આ સંજોગોમાં,
- તમને નોકરી ન મળે તો ઈશ્વરેચ્છા અથવા કર્મફળ.
- સરકાર મેડિકલના અભ્યાસની ફી અચાનક વધારી દે અને તમે મેડિકલમાં જઈ ન શકો તો ઈશ્વરેચ્છા અને કર્મફળ.
- ચોમાસામાં રસ્તાના ભૂવામાં કે પુલ ધસી પડતાં તમને વાગે કરે તો ઈશ્વરેચ્છા અને કર્મફળ (ભ્રષ્ટાચાર નહીં જ !).
- ભારે કરવેરા, ઊંચા ભાવ (દુકાનો) ભૂખમરો, લાચારી, વગેરે તમામ બાબતો માટે પરલોકના આશ્રયે જીવતા સમાજમાં બુદ્ધિવાદ, કાર્યકારણ, ન્યાય, સમાનતા વગેરે મુદ્દા ઊભા જ થતા નથી.
ગાંધીજીના જીવનમાંથી ધર્મ અને સમાજની પારસ્પરિકતાનાં કેટલાં બધાં ઉદાહરણો સાંપડે છે. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન તો’ ગાંધીજી માટે જ લખ્યું હોય તેવું લાગે. નમક સત્યાગ્રહ કે ‘ભારત છોડો’ જેવાં આંદોલનો સત્ય અને અહિંસાના માર્ગે ચલાવનાર ત્રણ ગોળી વાગે ત્યારે ‘હે રામ’ પણ બોલી શકે !
ક્રિયાકાંડ, લોક-પરલોક, ગૂઢવાદ વગેરેમાં પરોવાઈ ગયેલો ધર્મ બહુ લાંબો સમય અવરોધાએલો રહેતો નથી. ધર્મને નિરાશા, ક્રૂરતા, તામસી પ્રવૃત્તિઓ વગેરે સાથે ફાવતું નથી. મોટા થઈ ગયેલા યુવાનને તેના બાળપણનાં વસ્ત્રો પહેરાવીએ અને તેનાં જૂનાં કપડાંના તસુએ તસુ ફાટી-તૂટી જાય તેવી દશા સ્થિર અને અશ્મિભૂત બની ગયેલા ધર્મોની થાય છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2023; પૃ. 10 તેમ જ 05
![]()


અર્થશાસ્ત્રના બચાવમાં તેનો એ હેતુ દર્શાવાયો કે તે લોકોને તેમની વપરાશ સંતોષવા માટે સક્ષમ બનાવવાનો નથી, પરંતુ ગરીબી અને બીમારીનો અંત લાવવા માટે લોકોને સહાય કરવાનો છે. એક વાર એ સિદ્ધ થઈ જાય પછી તેનું મુખ્ય કાર્ય પૂર્ણ થયું ગણાય. દાર્શનિકો, સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, મનોવૈજ્ઞાનિકો વધુ ને વધુ એમ કહેતા જશે કે સુખાકારી અને દુઃખાકારીનાં કારણો માપી શકાય તેમ નથી. એ જ બાબત કેન્દ્રમાં આવીને ઊભી રહી. અર્થશાસ્ત્રીઓ તો પણ ઉપયોગી રહેશે. તેનું કારણ એ કે વસ્તુઓ અને સેવાઓમાં અછત તો પ્રવર્તશે જ. તેથી કાર્યક્ષમ ફાળવણીની જરૂર રહેશે જ, કમ સે કમ સમયની કાર્યક્ષમ ફાળવણી તો કરવાની રહે જ.