રાષ્ટ્રપતિએ જી-૨૦ના નેતાઓને ભોજન માટે અંગ્રેજીમાં આમંત્રણ આપ્યું. એમાં યજમાન તરીકે પોતાને ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવ્યાં હતાં, એ જોતાં એમ લાગે છે કે કેન્દ્ર સરકાર દેશનું સત્તાવાર નામ બદલીને ભારત કરવા માગે છે. ખરું પૂછો તો આમાં બદલવાની વાત નથી, પણ ભારતનાં જે બે સત્તાવાર નામ છે તેમાંથી એક નામ ઇન્ડિયાને પડતું મૂકવા માગે છે. બંધારણમાં ભારતની ઓળખ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત તરીકેની છે.
નામ બદલવાં કે નામ પડતાં મૂકવાં એ ઈસરો, બાર્ક, એઈમ્સ, આઈ.આઇ.એમ., આઇ.આઇ.ટી., ઇન્ડિયન કેમિકલ લેબોરેટરી, ડી.આર.ડી.ઓ., ભેલ, એચ.એમ.ટી. જેવી સંસ્થાઓની સ્થાપના કરવા કરતાં ઘણું સહેલું કામ છે. આવી બધી સંસ્થાઓની સ્થાપના કરવા માટે કેટલી બધી જહેમત લેવી પડે! ભાભા (હોમી) અને ભટનાગર (શાંતિ સ્વરૂપ) જેવા યોગ્ય વિદ્વાનોને શોધવાના, તેમના તરંગોને સહન કરવાના, જે માગે એ પૂરું પાડવાનું, છૂટો દોર આપવાનો વગેરે પ્રકારનાં કેટલા લાડ કરવાના! હા, ભવિષ્યમાં ભારત અણુસત્તા બની શકે, ચન્દ્રયાનને ચન્દ્ર પર મોકલી શકે, ભારતના યુવકો વિશ્વમાં મોકાની અને પ્રતિષ્ઠાની જગ્યાએ પહોંચી શકે વગેરે ખરું, પણ એ તો ભવિષ્યમાં. નગદમાં કશું જ નહીં. આપણે વાવીએ અને બીજા લણે એવો મહેનતનો અને ઉપરથી ખોટનો સોદો કોણ કરે?
આનાં કરતાં નામ બદલવામાં કે પડતાં મૂકવામાં મહેનત ઓછી પડે અને તાત્કાલિક લાભ. અલ્હાબાદનું પ્રયાગરાજ કરી નાંખ્યું કે ઔરંગાબાદનું સંભાજીનગર કરી નાખ્યું એટલે ખાસ પ્રકારના લોકો રાજી. મુસલમાનોને ડીંગો બતાવવાનું સુખ કાંઈક અનેરું હોય છે.
ભારત સદીઓથી ભારતની બહાર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ભારત સદીઓથી ભારતની બહાર હિન્દ કે હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે. ભારતની પ્રજા સદીઓથી ભારતની બહાર હિંદુ તરીકે ઓળખાતી હતી, પછી તેનો ધર્મ ગમે તે હોય. ભારતનાં મુસલમાનો પણ હિંદુ મુસલમાન તરીકે ઓળખાતા હતા. હિન્દુસ્તાનમાં વસતી પ્રજા એટલે હિંદુ પ્રજા. એ તો જ્યારે પશ્ચિમના ધર્મોની દેખાદેખી સનાતન ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખાવવાનું શરૂ થયું ત્યારે અન્ય ધર્મીઓએ પોતાને અલગ રીતે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. જેમ કે ૧૯મી સદીના અંત સુધી પંજાબમાં શીખો ક્યારે ય પોતાને અલગ ધર્મીય ગણાવતા નહોતા, પણ આર્ય સમાજીઓએ જ્યારે ઈસાઈ અને ઇસ્લામના જવાબમાં ભારતની સનાતની પ્રજા માટે હિંદુ ઓળખ વિકસાવી અને એ ઓળખ શીખો પર લાદવાનું શરૂ કર્યું અને જો તેઓ તેનો સ્વીકાર ન કરે તો તેમને નિંદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પોતાને હિંદુથી અલગ શીખ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાનમાં વસતા શીખ, જૈન, બ્રહ્મોસમાજી વગેરેએ એ પછીથી પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. આ ઘટેલી ઘટનાઓનો સાચો ઇતિહાસ છે, ખાતરી કરી શકો છો.
૧૯મી સદીથી લઈને દેશને આઝાદી મળી ત્યાં સુધી ભારતમાં ભારતનું પ્રચલિત નામ હિન્દ હતું. શિવાજી મહારાજે તેમના સ્વ-રાજને હિન્દવી સ્વરાજ તરીકે ઓળખાવ્યું હતું. હિંદુ સ્વરાજ નહીં, હિન્દવી સ્વરાજ. જય હિન્દ હજુ ગઈકાલ સુધી પ્રચલિત શબ્દ હતો. ગાંધીજીનાં પ્રસિદ્ધ પુસ્તકનું શીર્ષક છે; ‘હિન્દ સ્વરાજ.’ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો પોતાને હિન્દી તરીકે ઓળખાવતા હતા. માટે તો ભારતની રાષ્ટ્રભાષાને હિન્દી તરીકે ઓળખાવવામાં આવે છે. મુસલમાનોનો રાજકીય પક્ષ જમાત એ ઇસ્લામી હિન્દ તરીકે ઓળખાતો હતો. ભારત શબ્દ ભારતમાં અજાણ્યો હતો જેને આઝાદી પછી પ્રચલિત કરવામાં આવ્યો છે. બીજી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા. વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતું વિશ્વપ્રસિદ્ધ નામ અને એ પણ સદીઓ જૂનું.
ભારત નામ પ્રચલિત કરવામાં આવ્યું એની પાછળ કારણ છે. મુસ્લિમ લીગ અને તેના નેતા મોહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે પાકસ્તાનની માગણી કરી હતી. પાકિસ્તાનની માગણી કરવામાં તેમણે દલીલ કરી હતી કે હિન્દુ અને મુસલમાન બે અલગ પ્રજા છે, તેમની અલગ રાષ્ટ્રીયતા છે, અલગ ઓળખ ધરાવે છે અને ૧૮૦ ડિગ્રીની ભીન્નતાના પાયામાં અલગ ધર્મ છે. માટે ભારતનું કોમી વિભાજન થવું જોઈએ. તેમની આ દલીલનો કાઁગ્રેસે વિરોધ કર્યો હતો અને વળતી દલીલ કરી હતી કે કેટલાક મુસલમાનો અલગ થઇ રહ્યા છે, બધા નહીં. જેટલા અલગ થઇ રહ્યા છે એનાં કરતાં ભારતમાં રહેનારા મુસલમાનોની સંખ્યા વધુ છે. માટે આને કોમી વિભાજન ન કહેવાય પણ કેટલાક લોકોએ કરેલો નોખો ચોકો કહેવાય.
ઝીણા તેમની દલીલ પર કાયમ હતા અને આગ્રહી હતા. જો વિભાજનને કોમી અને અનિવાર્ય ગણાવી શકાય તો પાકિસ્તાનની પ્રાસંગિકતા સિદ્ધ કરી શકાય અને પોતાને ભારતનાં ભાગલા કરનારા વિલનના કલંકથી બચાવી શકાય. માત્ર વિનાયક દામોદર સાવરકર અને તેમની હિન્દુ મહાસભાએ ઝીણાની દલીલને ટેકો આપ્યો હતો. હકીકતમાં ઝીણાએ કરેલી દલીલો સાવરકરે ઝીણા કરતાં ત્રણ વરસ પહેલાં ૧૯૩૭ની સાલમાં કરી હતી.
ખેર, ત્રીજી જૂન ૧૯૪૭ના રોજ ભારતનાં ભાગલાની જાહેરાત કરાઈ. વિભાજનની વિગતો નક્કી કરવા કાઁગ્રેસ, મુસ્લિમ લીગ અને અકાલી દળના નેતાઓની બેઠક લૉર્ડ માઉન્ટબેટનની અધ્યક્ષતામાં લગભગ રોજેરોજ મળવા લાગી. આગળ કહ્યું એમ ઝીણા વિભાજનને કોમી, સંપૂર્ણ અને અનિવાર્ય તરીકે ગણાવવા માગતા હતા. માટે એ બેઠકમાં તેમણે માગણી કરી કે વિભાજનને કારણે અત્યાર સુધી વિશ્વમાં પ્રસિદ્ધ જૂના અવિભાજીત ઇન્ડિયાનો અંત આવે છે. એટલે હવે પછી ભારત કે નવો અસ્તિત્વમાં આવી રહેલો દેશ પોતાને ઇન્ડિયા તરીકે નહીં ઓળખાવે. વિભાજન સાથે ઇન્ડિયાનો અંત આવે છે અને હવે પછી મુસલમાનોનો દેશ પાકિસ્તાન તરીકે અને હિંદુઓનો દેશ હિન્દુસ્તાન તરીકે ઓળખાશે.
તરત સરદાર વલ્લભભાઈ પટેલ (જી હા, સરદાર) તાડુક્યા : નહીં મિ. ઝીણા, તમે અને કેટલાક મુસલમાનો અલગ થઈ રહ્યા છો, ઇન્ડિયાનું વિભાજન નથી થઈ રહ્યું. ઇન્ડિયા હતું, છે અને હશે. ભારત વિશ્વમાં ઇન્ડિયા તરીકે ઓળખાશે અને દેશમાં ભારત તરીકે અને પછી ઇન્ડિયા ધેટ ઈઝ ભારતનો પ્રસિદ્ધ પ્રયોગ કર્યો. ભારત નામ અપનાવવા પાછળનું કારણ એ નહોતું કે એ પ્રાચીન નામ છે, પણ એટલા માટે કે એ સેક્યુલર નામ છે. એમ તો હિન્દુસ્તાન નામ એક જમાનામાં દરેક કોમનો સમાવેશ કરનારું સેક્યુલર નામ હતું અને લોકજીભે ચડેલું હતું, પણ બન્ને પ્રકારના કોમવાદીઓએ તેને કોમવાદી બનાવી દીધું હતું. એટલે તો ઝીણા ઇચ્છતા હતા કે ભારત ઇન્ડિયા કે ભારતની જગ્યાએ હિન્દુસ્તાન તરીકે ઓળખાય. હિંદુઓનો દેશ એટલે હિન્દુસ્તાન. પણ સરદારે ઇન્ડિયા ધેટ ઈઝ ભારત કહીને ઝીણાની રમત પર પાણી ફેરવી દીધું હતું.
ઇન્ડિયા નામ સામે શું વાંધો છે? એ અંગ્રેજોએ પાડેલું નામ નથી કે તેમાં ગુલામીની ગંધ આવે. બીજું જેઓ ગુલામી સામે લડ્યા અને દેશને મુક્ત કર્યો એ લોકોને ઇન્ડિયા સામે કોઈ વાંધો નથી તો ગુલામી સામે જેઓ લડ્યા પણ નથી તેમને સંસ્થાનવાદની પીડા ક્યારથી સતાવવા લાગી! ઇન્ડિયા, હિંદુ, હિન્દી, હિન્દ આ દરેક શબ્દનાં મૂળ સિંધુ નદી સાથે જોડાયેલાં છે. સિંધુની પૂર્વેનો દેશ અને પ્રજાને આ બધા નામે ઓળખવામાં આવતા હતા. ગ્રીક સામ્રાજ્યના સમયથી આ બધી ઓળખો અને નામ પ્રચલિત થવાં લાગ્યાં હતાં. રહી વાત ભારતની તો ઇતિહાસમાં ક્યારે ય આજે જે સ્વરૂપમાં આપણે ભારત તરીકે ઓળખાવીએ છીએ એ સ્વરૂપમાં ક્યારે ય અસ્તિત્વમાં નહોતું. પેશાવરથી ઇમ્ફાલ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિસ્તરેલું અવિભાજિત ભારત અંગ્રેજોએ બનાવ્યું હતું જે ઇન્ડિયા તરીકે ઓળખાય છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 સપ્ટેમ્બર 2023