રાહુલ બજાજની વાર્તાને ભારતની વાર્તા કહેવામાં અતિશયોક્તિ નથી. સ્વતંત્ર ભારત જ્યારે રાજકીય, સામાજિક, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યના મોરચે પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ કરી રહ્યું હતું, ત્યારે જે અમુક સ્વદેશી ઉદ્યોગપતિઓએ દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવામાં યોગદાન આપ્યું હતું, તેમાં એક નામ રાહુલ બજાજનું હતું.
લડાઈઓ માત્ર તલવારોથી જ નથી લડાતી. બ્રિટિશરો જ્યારે ભારતના ઔધોગિકરણ અને બિઝનેસ સમુદાય પ્રત્યે ઉપેક્ષા સેવતા હતા, ત્યારે ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓએ ઉદ્યોગ-ધંધાને સ્વાયત્ત બનાવાનું જ નહીં, સ્વાયતત્તાની ચળવળને આર્થિક ટેકો પૂરો પાડવાનું પણ નક્કી કર્યું હતું.
બ્રિટિશરોની તાકાત જ તેમના ઉદ્યોગો અને બિઝનેસ હતા. મહાત્મા ગાંધીએ એ તાકાતને તોડવા માટે જ વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી માલનો પ્રચાર શરૂ કર્યો હતો. એમાં ગાંધીજીની પડખે ઊભા રહેનારા ઉદ્યોગપતિઓમાંથી એક હતા જમનાલાલ કણીરામ બજાજ, રાહુલ બજાજના દાદા.
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા, ત્યારે જમનાલાલ બજાજને તેમના વિચારોમાં રસ પડી ગયેલો અને સ્વતંત્રતા ચળવળના કેન્દ્ર તરીકે વર્ધામાં ૨૦ એકર જમીન ગાંધીજીને દાન કરી હતી. ગાંધીજી એટલે જ જમનાલાલને તેમના પાંચમા પુત્ર ગણતા હતા. જમનાલાલે ૧૭ વર્ષની ઉંમરે કોટનના ધંધાથી શરૂઆત કરી હતી. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે બજાજ કંપનીનું ૧ કરોડનું સેલ્સ હતું અને મિલોમાં ૨૦૦ કર્મચારીઓ હતા. તે વખતે, જમનાલાલના મોટા દીકરા (રાહુલ બજાજના પિતા) કમલનારાયણ બજાજે કંપનીનું સુકાન સંભાળ્યું હતું.
ભારતને આઝાદી મળી ત્યારે રાહુલ બજાજની ઉમર નવ વર્ષની હતી. તે દિવસે તેમને દાદા જમનાલાલની ખોટ સાલી હશે. મહાત્મા ગાંધી ભારતને આઝાદ જોવા ઇચ્છતા હતા, અને જમનાલાલ ભારતને આર્થિક રીતે મજબૂત જોવા ઇચ્છતા હતા. રાહુલ બજાજને એ સપનું વારસામાં મળ્યું હતું. ૧૯૭૨માં પિતાનું અવસાન થયું, ત્યારે કંપનીનું સેલ્સ ૭૬.૨૪ કરોડનું અને નફો ૮.૪૧ કરોડનો હતો.
બજાજ સમૂહનો એ ચઢતો સૂરજ હતો. બજાજ ત્યાં સુધીમાં કોટન ટ્રેડીંગ કંપનીમાંથી સ્કૂટર, ઈન્સ્યોરન્સ અને ફાયનાન્સ સમૂહ બની ગઈ હતી. આજે તો ૩૪ કંપનીઓનો બજાજ સમૂહ ઇલેક્ટ્રિકલ્સથી લઈને સ્ટીલ, ટ્રાવેલ્સ અને ઓટોમોબાઇલમાં ધંધો કરે છે, પણ એક જમાનામાં તેનું નામ ઘેર-ઘેર સ્કૂટર નિર્માતા તરીકે જાણીતું હતું. ભારતને સ્કૂટર પર ફરતું કર્યું જ રાહુલ બજાજે. કંપનીએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બનાવવા માટે ૧૯૫૯માં ભારત સરકાર પાસેથી લાઈસેન્સ મેળવ્યું હતું.
૧૯૬૧માં કંપનીએ ટુ-વ્હીલર બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૨માં તેનું સૌથી પ્રસિદ્ધ ચેતક સ્કૂટર આવ્યું. સ્વતંત્ર ભારતની અનેક સફળ વાર્તાઓ છે. તેમાંથી એક આ ચેતક. તેની એડવર્ડટાઈઝ લાઈનમાં જ ભારતની વાર્તા હતી : બુલંદ ભારત કી બુલંદ તસ્વીર … હમારા બજાજ! ૧૯૭૦ના દાયકાનું ભારત આજના કરતાં અલગ હતું. આજે કોઈને અંદાજ ન આવે કે તે જમાનામાં બજાજ સ્કૂટર હોવું એ સ્ટેટ્સ સિમ્બલ હતું. આજે હસવું આવે, પણ ત્યારે પૂરા ભારતમાં ત્યારે મોટા ભાગના લગ્નોમાં છોકરીઓ દહેજમાં ચેતક સ્કૂટર લઈને આવતી હતી. વિવાહ નક્કી થાય એટલે છોકરીનો પરિવાર પહેલું કામ ચેતકનું બુકિંગ કરાવાનું કરતો કરતો હતો.
લાઈસેન્સની શરતના કારણે, સ્કૂટરનું ઉત્પાદન વર્ષે ૨૦,૦૦૦ યુનિટ પર અટકાવી દેવામાં આવ્યું હતું, પરિણામે એક વર્ષ સુધી સ્કૂટરનું વેઈટિંગ સામાન્ય ગણાતું હતું. સ્કૂટરની ડિલીવરી પ્રમાણે લગ્નોની તારીખ નક્કી થતી. ઘણા લોકો તો દસ વર્ષ સુધી રાહ જોવા તૈયાર હતા એટલી ચેતકની ડિમાન્ડ હતી. જે રાહ જોવા માંગતા નહોતા તે બ્લેક માર્કેટમાં પૈસા આપીને (તેને ‘ઓન’ કહેવાતું) સ્કૂટર મેળવતા હતા.
મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ ઘોડાના નામ પરથી શરૂ કરાયેલું ચેતક સ્કૂટર દેશનું તો પ્રિય સ્કૂટર હતું જ, રાહુલ બજાજના દિલની કરીબ પણ હતું. તેમણે ઇટાલિયન પિઆગીઓ સ્કૂટરને ભારતમાં બનાવવાનું લાઈસન્સ લીધું હતું, પણ એ રિન્યુ ન થયું એટલે દાઝમાં આવીને ચેતક શરૂ કર્યું હતું. આમિર ખાનની ‘3 ઈડિયટ્સ’ ફિલ્મને ટાંકીને એકવાર બજાજે કહ્યું હતું, “જુસ્સો ન હોય, પેટમાં આગ ન હોય, તો ટોચ પર ન જવાય.”
ભારતમાં સ્કૂટરનું બજાર બદલાઈ ગયું અને જાપાનીઝ મોટરબાઈક્સનો જમાનો આવ્યો, ત્યારે એવી જ આગ રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજના પેટમાં લાગી હતી. રાજીવ બજાજનો મત હતો કે ચેતક આઉટડેટેડ થઇ ગયું છે અને નવી પેઢીને મોટરબાઈક ચલાવવામાં રસ છે. તેને લઈને પિતા-પુત્ર વચ્ચે મતભેદ પણ થયા હતા. ‘મનીકંટ્રોલ’ નામના પોર્ટલમાં આ સંબંધમાં એક રસપ્રદ કિસ્સો છે:
૨૦૧૮માં, શેરહોલ્ડરોની મીટિંગમાં રાજીવ બજાજે કહ્યું હતું, “મારા અમુક સહયોગીઓએ મને કહ્યું હતું કે હું જો સ્કૂટર બનાવીશ તો કદાચ તેઓ (રાહુલ બજાજ) નિવૃત્તિનું વિચારશે. આજે એવો વિશેષ દિવસ છે કે આપણે મૂરખ જેવું સો સી.સી.નું સ્કૂટર ના બનાવવું જોઈએ. મને લાગે છે કે આપણે બે પૈંડા પર રોલ્સ-રોયસ જેવું એક એવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ જે દુનિયામાં ક્યાં ય ન હોય.”
રાજીવ : “આપણે આવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ?”
શેરહોલ્ડર્સ: “યેસ.”
રાજીવ : “અને આપણે જો એવું સ્કૂટર બનાવીએ, તો મારા પિતાએ નિવૃત થવું જોઈએ?”
શેરહોલ્ડર્સ : “ના.”
રાજીવ : “મને એ ખબર છે.”
આજે સિનિયર બજાજ જીવનમાંથી જ નિવૃત થઈને ભગવાન માટે સ્કૂટર બનાવવા જતા રહ્યા છે!
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2022
![]()


ગુજરાત કૉલેજ અંગ્રેજ સરકારની કૉલેજ તરીકે સંસ્થાનવાદી સામ્રાજ્યના પ્રતીક રૂપે હતી. પણ ગુજરાતમાં ગુજરાત કૉલેજ અમદાવાદમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્યાર્થીઓની ચળવળ તો ઊકળતા ચરૂ સમાન રહી. 1902માં અમદાવાદમાં હિંદી રાષ્ટૃીય કાઁગ્રેસના અધિવેશનથી અમદાવાદનું વિદ્યાર્થીજગત રાષ્ટૃીય પ્રવૃત્તિની તાલીમ મેળવતું ગયું. ગાંધીયુગમાં ગુજરાત ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનની પ્રયોગશાળા બન્યું. ખેડા, અસહકારનું આંદોલન, નાગપુર સત્યાગ્રહ, બોરસદ, બારડોલી આંદોલનો વિદ્યાર્થીની તાલીમશાળા બની રહ્યાં.
પછી શું થયું ? એ ઇંતેજારી વર્ષો સુધી રહી. હું જ્યારે 1960માં ગુજરાત કૉલેજમાં લૅક્ચરર બની ત્યારે ડૉ. ધીરુભાઈ ઠાકર, ગુજરાતીના પ્રોફેસર તરીકે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બદલી થતાં ગુજરાત કૉલેજમાં આવ્યા હતા. 1942ની ‘હિંદ છોડો’ લડત અંગે મેં ડૉ. ધીરુભાઈ ઠાકરની મુલાકાત લીધી ત્યારે તેમણે કેટલીક ઘટનાઓ રૂંવાડાં ખડાં કરે તે રીતે રજૂ કરી. તેમના શબ્દોમાં −−
11 વાગ્યાના સુમારે કૉલેજના ઉત્તર-પશ્ચિમ દરવાજેથી સરઘસ મિશનના મકાન આગળ લાઠીચાર્જ થવાથી કૉલેજમાં દાખલ થયું. બાજુમાં આવેલી લાઇબ્રેરી સામે ટેનિસ કોર્ટ હતું ત્યાં વિદ્યાર્થીઓ સૂત્રો પોકારતા અતિશય ઉત્સાહમાં હતા. વધારે પોલીસની ટુકડી સાથે આઇરીશ સાર્જન્ટ લાબુદી શાયર ટેનિસ કોર્ટમાં દાખલ થયો. દૂરથી વિદ્યાર્થીઓ પોલીસ પર પથ્થરમારો કરતા હતા. સાર્જન્ટ ખૂબ તુમાખીવાળો અને કડક મિજાજી હતો. પરિસ્થિતિને પામી અમે બધા પ્રોફેસરો અમારી ચેમ્બરમાંથી બહાર આવ્યા. હું, પ્રિન્સિપાલ પટવર્ધન, ભરત આનંદ સાલેટૉર, પ્રોફેસર સ્વામીનારાયણ, એન.એમ. શાહ વિદ્યાર્થીઓને શાંત રહેવા
સમજાવતા હતા, એટલામાં એક નાની કાંકરી દૂરથી વિદ્યાર્થીગણમાંથી ફેંકાઈ જે લાબુદી શાયરની હૅટ પર અથડાઈ. લાબુદીનો પિત્તો આસમાને પહોંચ્યો. પોલીસોને હુકમ આપ્યો : જુઓ ત્યાંથી ગોળીથી વીંધી નાખો. એ હુકમનો અમલ રોકવા હું લાબુદી સામે ધસી ગયો. ‘રોકો રોકો’નું બુમરાણ મેં મચાવ્યું પણ ગોળીઓ ધડાધડ છૂટવા લાગી. હું ઘવાયો. મને ગોળી વાગતાં લોહીના ખાબોચિયામાં હું પટકાયો. વિદ્યાર્થીઓ ઘવાયા, કેટલાક વીંધાઈ ગયા, ઉમાકાન્ત કડિયા, રસિકલાલ જાની ઘવાયા, હાથમાં ઝંડા સાથે, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે, વિનોદ કિનારીવાળા શહીદ થયો.